
૨૦ ૨૦ના મેની ત્રીજીએ શફીકુલ ઇસ્લામ કાજોલ ગૂમ થયાને લગભગ પોણા બે મહિના થવા આવ્યા હતા. શફીકુલ બાંગ્લાદેશનો એક પ્રતિષ્ઠિત ફોટો-જર્નલિસ્ટ છે. એણે સોશ્યલ મિડિયા ફેસબુક પર એક સંદેશો મૂક્યો. એ સંદેશાને દેશવિરોધી ગણાવીને એના પગલે શફીકુલની ધરપકડ કરવામાં આવેલી.
ડિજિટલ સિક્યોરિટી એક્ટ નામનો કાયદો બાંગ્લાદેશના શિક્ષ્િઇતોમાં હિટલરના કાયદા તરીકે બદનામ છે. આ કાયદા હેઠળ જેને અટકાયતમાં લેવાય એને જામીન મળતા નથી અને સરકાર ઇચ્છે ત્યાં સુધી એને અટકાયતમાં રાખીને એના પર શારીરિક કે માનસિક અત્યાચાર ગુજારી શકે છે.
ત્રેપન દિવસ પછી શફીકુલ ભારત-બાંગ્લા દેશ સરહદ પર આવેલા એક ગામડામાં મળ્યો. એની આંખે પાટા બાંધેલા હતા તેમ હાથપગ પણ સખત રીતે બાંધેલા હતા. બંધન છોડવામાં આવ્યા ત્યારે એના હાથપગમાં દોરડાનાં ચકામાં પડી ગયેલા હતા. એ અધમૂવો થઇ ગયો હતો. એના પર શારીરિક જેટલોજ માનસિક અત્યાચાર પણ ગુજારવામાં આવ્યો હતો.
બંગાળી ભાષામાં અનો ઉચ્ચાર ઓ જેવો થાય છે. બાંગ્લા દેશની માનવ અધિકાર સંસ્થા 'ઓધિકાર' તરીકે ઓળખાય છે. ઓધિકારે વૈશ્વિક માનવ અધિકાર સંસ્થા સમક્ષ ધા નાખી હતી કે તમે કંઇક કરો. શફીકુલ જેવા પ્રતિષ્ઠિત મિડિયામેનની આવી સ્થિતિ હોય તો આમ આદમીની કેવી સ્થિતિ થતી હશે !
પાકિસ્તાનની બદનામ ગુપ્તચર સંસ્થા આઇએસઆઇ જેવી ક્રૂર અને એવીજ ખૂંખાર એક સંસ્થા છે. બાંગ્લા દેશની સરકારે એની સ્થાપના કરી હતી. એને રેપિડ એક્શન બટાલિયન (આરએબી) નામ આપ્યું છે. જર્મનીના હિટલરને શરમાવે એવા અત્યાચારો કરવામાં આ સંસ્થા નંબર વન હોવાના આક્ષેપ બાંગ્લા દેશના શિક્ષિતો ખાનગીમાં કરે છે.
છેલ્લા બે દાયકામાં આરએબીએ ન્યાયતંત્રની ઐસી તૈસી કરીને ઓછામાં ઓછા બારસો નાગરિકોની ઠંડે કલેજે હત્યા કરી હોવાનું કહેવાય છે. ૨૦૦૪માં ત્યારના વડા પ્રધાન બેગમ ખાલેદા ઝિયાએ આ અર્ધલશ્કરી સંસ્થાની સ્થાપના કરી હતી. શરુઆતમાં વિપક્ષી નેતાઓ પર નજર રાખવાની અને તેમના વિશેની માહિતી એકઠી કરીને તેની ફાઇલ તૈયાર કરવાની કામગીરી આરએબી 'રેબ' કરતી હતી.
આ સંસ્થામાં બાર હજાર જવાનો છે. દેશના લશ્કર અને પોલીસ તંત્રના સૌથી ચુનંદા જવાનોને રેબમાં ભરતી કરવામાં આવ્યા હતા. એમને દેશી વિદેશી કોઇ પણ પ્રકારનું હથિયાર ચલાવવાનો અબાધિત અધિકાર પણ આપવામાં આવ્યો. આરંભે 'ઓપરેશન ક્લીન હાર્ટ' નામે એક ઝુંબેશ શરુ કરાઇ હતી.
એનો ઉદ્દેશ દેશના રીઢા અને બદનામ અપરાધીઓને નષ્ટ કરવાનો, ગેરકાયદે હથિયારો કબજે કરવાનો અને દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો જાહેર કરાયો હતો. ત્રણેક મહિના ચાલેલી આ ઓપરેશન ક્લીન હાર્ટ ઝુંબેશ દરમિયાન ૧૧,૨૪૫ કહેવાતા ગુંડાઓની ધરપકડ થઇ હતી. પચાસથી વધુ કસ્ટોડિયલ મોત થયાં હતાં. એની સામે કોર્ટમાં અવાજ ઊઠાવી શકાય એવી કોઇ જોગવાઇ નહોતી.
આ સંસ્થા સ્થાપી ત્યારે બેગમ ખાલેદા ઝિયાને સપનેય એવી કલ્પના નહોતી કે નાગરિકો સડકો પર ઊતરી આવશે. જનરલ યાહ્યા ખાનના લશ્કરે ગુજારેલા અત્યાચારના પગલે પૂર્વ પાકિસ્તાનનું બાંગ્લા દેશમાં પરિવર્તન થયું હતું. જનરલ યાહ્યા ખાન સામે થઇને બાંગ્લા બાહિની અને મુક્તિ બાહિનીના સેંકડો યુવાનોએ શહીદી એ વહોરી લીધી હતી.
શેખ મુજિબુર રહેમાને ભારતીય લશ્કરની મદદથી દેશને પાકિસ્તાનની પકડમાંથી મુક્ત કરાવ્યો હતો એે હકીકત બેગમ ખાલેદા ઝિયા ભૂલી ગયાં હશે. લોકો ભૂલ્યા નહોતા. રેબના કહેવાતા ક્લીન હાર્ટ ઓપરેશન સામે લોકોએ શાંતિપૂર્ણ દેખાવો કર્યા. મિડિયાએ બેફામ ટીકા કરી. અકળાયેલા બેગમ ખાલેદા ઝિયાએ રેબના જવાનોને કામચલાઉ ધોરણે બરાકમાં પાછા મોકલ્યા.
પરંતુ હવે વાઘ લોહી ચાખી ગયો હતો. બેગમ ખાલેદા ઝિયા પછી જે જે શાસકો આવ્યા એ દરેકે પોતાના હિતમાં રેબને નવેસર સક્રિય કરીને એનો મનફાવ્યો ઉપયોગ કર્યો. ખાસ કરીને વિરોધના સૂરને દબાવવા અને વિપક્ષી નેતાઓને દાબમાં રાખવા રેબનું નામ કાફી હતું. રેબના અત્યાચારો વિશે અગાઉ બીબીસી અને ન્યૂયોર્ક ટાઇમ્સ જેવાં જબરદસ્ત માધ્યમોએ અહેવાલો પ્રગટ કર્યા હતા.
શફીકુલ ઇસ્લામ જેવો એક અનુભવ ૨૦૦૬માં તેજાબી પત્રકાર લેખિકા તસનીમ ખલીલને થયો હતો. એના પર રેબનાં મહિલા દળે એવા અત્યાચાર કર્યા કે તક મળતાં જ તસનીમ દેશ છોડીને સ્વીડન ચાલી ગઇ. ત્યાં રાજ્યાશ્રય મેળવીને બ્રિટન-અમેરિકાનાં દૈનિકોને લેખ લખી મોકલ્યા.
ઢાકામાં આવેલી અમેરિકી રાજદૂતની કચેરીએ બાંગ્લા દેશની સરકારનું આ તરફ ધ્યાન દોર્યું ત્યારે સરકારે જેમના માથા પર લાખ લાખ રુપિયાનાં ઇનામ હતાં એવા અપરાધીઓને જેર કરવાના બહાને રેબનો બચાવ કર્યો. બાંગ્લા દેશની માનવ અધિકાર સંસ્થા ઓધિકારના મતે ૨૦૦૪થી ૨૦૨૦ વચ્ચે કહેવાતા અપરાધીઓનાં એન્કાઉન્ટરના નામે રેબ દ્વારા ઠંડે કલેજે બે હજારથી વધુ ખૂન થયાં હતાં.
માત્ર અપરાધી નહીં, રાજકીય વિરોધીઓને ખતમ કરવા માટે પણ રેબનો એક કરતાં વધુ વખત ઉપયોગ થયો. સૌથી જાણીતો દાખલો બાંગ્લા દેશ નેશનલ પાર્ટીના નેતા આલમ ચૌધરીનો છે. ૨૦૧૦થી આલમ ચૌધરી લાપતા છે. એ જીવે છેે કે મરી ગયા એની પણ કોઇને જાણ નથી. હવે બાંગ્લા દેશનું મિડિયા રેબને પાકિસ્તાનની આઇએસઆઇની બહેન તરીકે ઓળખાવે છે. દરેક દેશમાં આવી એકાદી સંસ્થા અચૂક મળી આવે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QM34k4
ConversionConversion EmoticonEmoticon