
પંખીના માળે બાંધ્યું આયખું
ખરતા તરણે સંબંધ,
સગપણ ઉગ્યા ભેળુ આથમે
રવડે પડછાયા અંધ
માળે મળેલ પંખી આપણે.
ભવની લીલી-સૂકી ડાળખી
ઝરતી પાંદડાની છાંય
ખરતી પાંદડાંની છાંય
ઉડતી પાંખોની એંધાણીએ
ઢળતી નજરુંની ઝાંય.
માળે મળેલ પંખી આપણે.
થડના ટેકે છૂટયા છાંયડા,
તોડી તડકાની પાળ.
મૂળને અડીને ઉભા આકરાં
ધીકતાં રણના પાતાળ
માળે મળેલા પંખી આપણે
રા વજી પટેલના આથમેલા કંકુના સૂરજની યાદ આવી જાય એવું આ કાવ્ય માધવ રામાનુજે ૧૯૭૧માં લખેલું. દુનિયા પંખીનો મેળો છે. માળો ગમે એટલો બાંધો, ખરતા પાનની જેમ મૃત્યુના આસમાનમાં ઉડી જવાની, સ્વજનોથી વિખૂટા પડી જવાની વેળા (યાને ટાઇમ) આવવાની છે. આ મૃત્યુના સત્યને ઢાંકવા- હંફાવવા જ કુદરતે પ્રેમની ભેટ આપી છે. જેથી જીવનમાં રસ ટકેલો રહે. કોઈ વ્યક્તિને પ્રેમ કરે, કોઈ પ્રવૃત્તિને, કોઈ
આકૃતિને પ્રેમ કરે, કોઈ પ્રકૃતિને. પણ એમ પેલી જતા રહેવાની ડેડલાઇન આવવાની છે, એ વીસરાઈ જાય અને જવાનું થાય એ પહેલાં થોડીક હૂંફાળી યાદો મૂકી શકાય.
૨૦૨૦નું વર્ષ કાળમુખું જ નીવડયું છે. કંઈક ધુરંધરો જતા રહ્યા. નેશનલ લેવલ પર ઇરફાન, રિશી, સુશાંત જેવા કલાકારો, ગુજરાતમાંથી કુન્દનિકા કાપડિયા, નગીનદાસ સંઘવી જેવા સર્જકો દિલીપભાઈ ભક્ત- પ્રતાપભાઈ પંડયા જેવા સમાજસેવકો અને કોરોના વોરિયર્સ, રીડર્સ પણ ગયા. યાદી અંગત જખમોની આ લાંબી થતી જાય છે. એમાં માધવભાઈની કવિતા યાદ કરાવે એવી રીતે નામ ઉમેરાયું બ્લેક પેન્થર ચેડવિક બોઝમેનનું. એ બ્લેક ફિલ્મસ્ટાર જેના ૪૨ વર્ષની વયે અકાળ મૃત્યુની ટ્વીટ એક જ દિવસમાં વિશ્વની સૌથી વધુ લાઇક્સ મેળવતી ટ્વીટ બની ગઈ. ડિજીટલ દુનિયામાં લાઇક એટલે પસંદ નહિ, સમર્થન. લોકોને આઘાત લાગ્યો એનું પ્રમાણ. આટલા રાજકારણીઓની વચ્ચે એક આફ્રિકન અમેરિકન કલાકાર એ બહુમાનનો રેકોર્ડ પણ સર્જી ગયો.
પણ ગજબની વાત એ હતી કે, આટલી પ્રૂવન પોપ્યુલારિટી વચ્ચે પણ જગતની સૌથી મોટી હિટ 'એવેન્જર્સ'ના ફિલ્મનો હિસ્સો હોવા છતાં પૃથ્વી પરના તમામ મીડિયા પાસે ચેડવિક બોઝમેનને અંજલિ આપવા માટે એની ફિલ્મની વાતો, અને એણે ઇન્ટરવ્યૂમાં કરેલી મા-બાપ- કોલેજ શિક્ષણની વાતો સિવાય પર્સનલ લાઇફની કશી જ જાણકારી નહોતી ! મૃત્યુના બે દિવસ પછી ય નહિ. એબ્સોલ્યુટ ઝીરો ! એટલી હદે કે જે કોલોન કેન્સરથી એનું અવસાન થયું, એ શું છે અને લખી બોલીને મીડિયાએ સ્પેસ ભરવી પડી ! ચેડવિક ઇન્સ્ટાગ્રામ પર હતો. ફિલમી ફંક્શન અને એવોર્ડ્સ નાઇટમાં ય જતો છતાં ય !
અરે, એને કેન્સર છે એનો જ મોટા ભાગના લોકોને અણસાર સુદ્ધાં નહોતો. પબ્લિક જવા દો ૨૦૧૬માં 'કેપ્ટન અમેરિકા : સિવિલ વોર' ફિલ્મથી મોર્વેલ મુવિઝમાં એની એન્ટ્રી થઈ ત્યારે જ ત્રીજા સ્ટેજનું કોલોન યાને આંતરડાનું કેન્સર ડિટેક્ટ થઈ ચૂક્યું હતું. એ પછી 'બ્લેક પેન્થર'ની સ્વતંત્ર સ્ટેન્ડ એલોન ફિલ્મ આવી, ને પછી એવેન્જર્સ ફિલ્મો બે આવી. પણ બ્લેક પેન્થર ફિલ્મના ડાયરેક્ટરે ય એને અંજલિ આપતા કહ્યું કે, 'મને ખબર જ નહિ કે એ આવી ગંભીર બીમારી શૂટ કરે છે !' સર્જરી ને કીમોથેરાપી ચાર સુપરહીરો બ્લેક પેન્થર ફિલ્મો સહિત ચાર વર્ષમાં એણે નાની- મોટી નવ જેટલી ફિલ્મો કરી ! ઉફ્ફ પણ કર્યા વિના. ખુદની માંદગીનો લોકોના મોબાઇલમાં ઘૂસીને ચેટ પણ- પબ્લિક કરી દેતા મીડિયાના યુગમાં હરફ પણ ઉચ્ચાર્યા વિના !
પબ્લિક ફિગરને ઘેલી પબ્લિક તો 'પબ્લિક પ્રોપર્ટી' સમજી લે છે. પર્સનલ સ્પેસમાં એના જજમેન્ટસ લઈને ઘોંચપરોણા કરવા આવી જાય છે. પ્રાઇવસી પર આંખોને બદલે ડોળા લાગેલા હોય એ સમયમાં લાઇક્સ- ડિસલાઇકસની ગેઇમને પેલે પાર આમ નિજી કિલ્લો રચી રહેવું, એ તો શાણા માણસનું સુખી થવા માટેનું અલ્ટીમેટ ડ્રીમ ગણાય. પણ ધોનીત્વ જેવું કૂલત્વ ક્યાંથી લાવવું ? ઇંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને ૬૦૦ વિકેટ લીધી ટેસ્ટમાં રેકોર્ડ બ્રેકિંગ ત્યારે અમુક ક્રિકેટરોએ જ પ્રતિભાવ આપેલો કે આ ક્યારે થઈ ગયું ?
ચેડવિક બોઝમેન મિતભાષી જીવ હતો. યાને ઓછાબોલો ઇન્ટરેસ્ટિંગ કોપી બને એવા સ્માર્ટ હ્યુમરસ ક્વોટસ ન મળે પોસ્ટ પણ 'કામથી કામ' જેટલી જ સોશ્યલ મિડિયામાં. નર્સ માતા અને એગ્રો ફિલ્ડમાં કામ કરતા પિતાનું સંતાન હોલિવૂડ સ્ટાર જનરલી બને ય નહિ. પણ ભણીને ગ્રેજ્યુએટ થયો. બૂ્રકલીનમાં ન્યૂયોર્ક રહી નાટકો ને સિરિયલો કરતાં કરતાં ફિલ્મોમાં આવી ગયો. બ્લેક પર્સનલ તરીકે એની યાત્રા અઘરી હતી. એણે કોઈ ચળવળિયા હલ્લાગુલ્લા વિના એ સ્ટ્રગલનું બયાન એક જ લીટીમાં કરી દીધેલું : 'તમે જેને હીરો બ્લેક હોય ને એ કાળી કે ગોરી કોઈપણ હીરોઇનના પ્રેમમાં હોય એવી મેઇનસ્ટ્રીમ લવસ્ટોરીઝ કેટલી જોઈ ? બસ, એટલે ખ્યાલ આવશે કે બ્લેક એક્ટર તરીકે એસ્ટાબ્લિશ થવું નોર્મલ નથી.' એણે ઘણી બાયોગ્રાફિકલ ફિલ્મ્સ કરી. પણ જગતને ફર્સ્ટ લાર્જ લેવલ બ્લેક સુપરહીરો આપી,
પૃથ્વીની સાત અબજની વસતિમાંના બે અબજ મૂળ આફ્રિકનોને ઓળખ અપાવવા માટે એ અમર રહેશે. એડી મર્ફી, ડેન્ઝલ વૉશિંગ્ટન, વિલ સ્મિથની માફક.
પણ અગત્યની વાત એક બીજી ય છે. જગતમાં શિક્ષણની સાથે તમે કયું કર્મ કરવા આવ્યા છો એ પર્પઝ (હેતુ) શોધો, પછી એ લક્ષ્ય/ પર્પઝ જ તમારામાં હતાશાને હંફાવવાનું બળ લઈ આવશે ને કામ કરવાની ડિસિપ્લીન આપશે એવું વિદ્યાર્થીઓને સ્પીચમાં કહી ચેડવિક શ્રદ્ધાથી એ જીવી ગયો. અઘરું છે, લાઇમલાઇટમાં રહીને ય મૃત્યુની લગોલગ ઉભેલી બીમારીની ચિંતા કે ચર્ચા વિના જીજીવિષાથી ઝઝૂમવાનું. થોડુંક દેવું થઈ જાય, કોઈક ખોટી કૂથલી કરે કે ધમકી આપે બ્લેકમેઇલની, એમાં ય આપઘાતના વિચારે ચડી જતી પોચટ જનરેશન ફૂટી નીકળી છે. પોલા પોપટાં જેવા લોકો નાની નાની વાતમાં સેન્ટી થઈને હર્ટ થઈ જાય છે. જગતના આઘાત જીરવી નથી શકતા. રિજેક્શન સહન નથી થતા. મુંબઈના એક યુવા ક્રિકેટરે સિલેક્શન ન થયું તો કંટાળીને આપઘાત કરી લીધો. અન્યાય સામે ક્રાંતિને બદલે પોલિટિકલ કોમેન્ટબાજીની ભ્રાંતિમાં જ જવાની ખોઈ નાખવાની ?
એ સમયે ચેડવિકે સાક્ષાત એના મોતના ઓથાર નીચે થેમોસની ચપટી ૨૦૨૦માં ન વાગી ત્યાં સુધી સુપરહીરો જેવું કર્મ કર્યું, એ જીગરની વાત છે જ પણ તસવીરમાં જેની અમુક લબાડલુખ્ખાઓએ જરાક ખુલ્લી છાતી જ જોઈ હશે, એવી એની ગર્લફ્રેન્ડે પણ ખરા અર્થમાં હિંમતવાળી છાતી બતાવી, જે આજની એક વસમી સદીની જંક ફૂડ જેવી ફાસ્ટ લાઇફમાં રેરેસ્ટ ઓફ રેર છે.
ટેલર સિમોન લેડવર્ડ એ ઘાટીલી પાંચ હાથ પૂરી બ્લેક લેડી હતી ચેડવિકની ગર્લફ્રેન્ડ. ખુદ સિંગર છે. ગર્લફ્રેન્ડ 'હતી' એટલે લખ્યું છે કે જગતને ચેડવિકની બીમારીની સાથે જ જાણ થઈ કે ચેડવિકે મેરેજ કરી લીધા. કારણ કે, પરિવારની નોટમાં આપ્યું : હિઝ વાઇફ. ૨૦૧૯ સુધી તો લિવ ઇન કપલ તરીકે જોડે રહેતા હતાં અને સંતાન તો હતું નહિ. (એટલીસ્ટ હજુ સુધી પબ્લિકમાં આવ્યું નથી એ બાબતે) જીવલેણ બીમારી કેન્સર જેવી ચોથા સ્ટેજમાં હતી. વાર્તાઓમાં બહુ સુગર કોટેડ પાત્રો ને ઘટનાઓ હોય. ફિલ્મોમાં ય બને આંસુડા છલકાવતી. પણ રિયલિટીમાં કોઈક વિરલ અને વીર નારી કે નર હોય જે બીમાર, મોતના દરવાજે ઉભેલા પાર્ટનર સાથે સંસાર માંડે ! ખબર છે કે આમાં મેરિડ લાઇફના જલસા નથી, કેરિંગ વાઇફ/ હસબન્ડ તરીકેના નિસાસા ને દિલાસા જ છે, તો ય. ધેટ્સ લવ. જે પહેરવેશ કે પરંપરાની ગુલામીથી નહિ, દિલની આઝાદીથી નક્કી થાય છે ! સલામ.
;;;
સ્ટાર થયા એટલે ડ્રગ્સ, પાર્ટીઝ, બોય ઓર ગર્લફ્રેન્ડન્સ, રાજાશાહી ઠાઠમાઠ એ આભાસને જ જો જીવનનો પ્રવાસ માની લો, તો કોઈક દિવસ ભટકાવા અને પટકાવાનું જ થાય. આજના દંભી, દોગલા, બનાવટી, તકલાદી અને સતત ખુદના કર્મને બદલે બીજાના મર્મ માપવામાં જ બરબાદ થતી જવાન જીંદગીઓ વધતી જાય છે. રાજનેતાઓ બધા પક્ષોના પોતપોતાને સારું સારું સંભળાવતી મંડળીઓ વચ્ચે જ ગુલતાન છે. એમના હિતેચ્છુઓના અવાજ પહોંચતા નથી. પ્રજામાં ફ્રસ્ટ્રેશન વધતું જાય છે. બેકારીને કોરોના અગાઉ નેશનલ હતી,
અનાવૃત
હવે તો ઇન્ટરનેશનલ થઈ ગઈ ! છતાં ય ધર્મના ઘેનમાં બધા ચકચૂર છે. ડેન્માર્કના મુસ્લિમ વિરોધી ભાષણ કરતા નેતા સ્વીડનના એક ગામમાં એમના ખુદના દેશમાં ચૂંટણી હારી સભા સંબોધવા જાય, ને સ્વીડિશ સરકાર રોક લગાવે તો એના સમર્થકો તોફાને ચડી કુરાન બાળે ને જડતામાં અવ્વલ જેહાદી રૂઢિચુસ્તો તો તરત (કમ) અક્કલનું પ્રદર્શન કરવા બેઠા જ હોય. આજના ડિજીટલ જમાનામાં બૂક કે ફિલ્મોના બેન કે બાળવા જ બેમતલબ થઈ ગયા છે. તરત વધુધ્યાન ખેંચીને સર્ક્યુલેટ થઈ જાય. માનનીય સર્વોચ્ચ અદાલત પ્રશાંત ભૂષણને અવમાનનાની સજા કરવા ગઈ, એમાં કોઈનું ધ્યાન પણ નહોતું ગયું એ લોકોને ય જગતમાં એ ટ્વીટ વાઇરલ થતા ખબર પડી ગઈ ! ફજેતો રોકવા જતાં વધતો ગયો ! લેટેસ્ટ ટ્રેન્ડ બળાપો પ્રગટ કરવા, ન્યાયની ગુહારનો ઘંટારવ કરવા આંદોલનને બદલે વિડિયો ડિસલાઇકની ઝુંબેશનો શરૂ થયો છે, સ્ટુડન્ટસને ભવિષ્યમાં સોનેરી સૂરજોને બદલે અમાસના અંધારા દેખાય છે. કોલકત્તામાં કોલેજના પરિણામોમાં સની લિયોની ટોપ પર આવી, તો આમાં શું ભરોસો રહે સિસ્ટમ પર ? કોરોના થાળે આંકડાઓમાં પડે છે. જીવનમાં નહિ. ચીનના ઘૂરકિયા વધતા જાય છે.
આસપાસ મગજમારીના આવા બ્લેક હોલને વિસ્તરતા અટકાવીએ નહિ તો આદત બનીને ધીરે ધીરે એ આપણને જ ગળી જાય ! નેગેટીવિટી વિસ્તરતી જ જાય છે. શાર્ક જેવું મોં ફાડીને. પોતપોતાનો દાવ લેવાની સોગઠીઓ ને ઘેલી અંધશ્રદ્ધાઓ વાઇરસે આટલું વાઇપ આઉટ કર્યા છતાં ભૂલાતું નથી. ત્યારે કોઈ ધોની, કોઈ બોન્ડમેન, કોઈ કેન વિલિયમસન એક બોધપાઠ જીવીને શીખવાડે છે : પરાજયનું પાચન !
એક જૂની બોધકથા છે. જાપાનમાં ઝેન સાધુ રિંઝાઈના આશ્રમ યાને મોનેસ્ટરી/ મઠમાં સમ્રાટ આવ્યા. મોટી જગ્યા. પાંચસોએક ઓરડા. રિન્ઝાઈએ આદરપૂર્વક યાત્રા કરાવી સમ્રાટને. વચ્ચે એક વિશાળ ખંડ સાવ ખાલી. અંદર પણ કશું જ નહિ. ચિત્રો ય નહિ. સંગીત પણ નહિ. સમ્રાટને નવાઈ લાગી. એના વિશે રિન્ઝાઈએ કશું કહ્યું નહિ. બીજું બધું દેખાડયા કર્યું. ફરીને ત્યાં આવવાનું થયું, તો સમ્રાટે પૂછી લીધું કે અહીં શું છે ? રિન્ઝાઇએ હસીને કહ્યું : 'અહીં કશું જ નથી. કશું કરવાનું નથી.જપતપ, કામધામ, અભ્યાસ, પ્રવાસ, રસોઈ, કસરત, વાચન, શ્રવણ, નર્તન, વાદન બધું જ કરીને જ્યારે થાકો અરે આરામનો ય અતિરેક થાય ત્યારે અહીં આવીને અક્રિયા કરવાની. મતલબ કોઈ જ ક્રિયા નહિ કરવાની. કેવળ મૌન. સ્વયંમાં સ્થિરતા નો એક્શન નો રિએક્શન. વિચાર પણ પસાર થવા દેવાના. આખો દિવસ ધમાચકડી મચાવતો રોડ ધીરે ધીરે શાંત થઈને રાતના કેવો સૂમસામ થઈ જાય, એમ થંભી જવાનું !'
આજની ભાષામાં આને કહેવાય અનવાઇન્ડ. અઘરું છે લખવા જેટલું સહેલું નથી. પણ પરાજયનું પાચન કરાવતું ચૂર્ણ છે. આ જૈનોના પ્રતિક્રમણ જેવું, પણ વિધિઓ કે મંત્રો વિના સેલ્ફ ડાયરેક્ટેડ. ટાઢો કોઠો કરવાની કળા. જસ્ટ અનવાઇન્ડ. ખંખેરી નાખો, ધાંધલ ધમાલ, કટુવચનો, અપમાનો, હારની હતાશા, દિલગીરી, ભૂલો, ગુમાવેલી તકો, વિયોગ, મૃત્યુ, રોગ, પીડા બધું જ. પાંખ પરથી પંખી કેમ પાણી ઉડાડી દે નવી ઉડાન માટે એમ જ. જસ્ટ અનવાઇન્ડ. ટાઇમ ટુ ટાઇમ ફ્રિજને ટેમ્પરેચર મેઇન્ટેઇન રાખવા કેમ ડિફ્રિસ્ટ કરી દેવું પડે. કે આંતરડું નિર્મળ રાખવા એકાદ દિવસ ભોજનમાં બ્રેક મારવી પડે, એમ જ.
પરાજય પાચનના યુ પછી બીજું જગજાહેર તત્ત્વ છે એસેપ્ટેન્સ. સ્વીકાર. બોઝમેને સ્વીકારી લીધું હશે કે કેન્સર એડવાન્સ્ડ છે, પણ એની સાથે મરતા પહેલા એ સ્વીકારીને રોદણાં રડવાને બદલે એવું કામ કરી જાઉં કે બધા મોતને ય યાદ કરે ને જીવનનો યાદ કરે ને જીવનનો ઉત્સવ મનાવે. પ્રતિકાર ઉર્જા ખેંચી લે. માટે સહજ સ્વીકારી લેવાનું કે પ્રયત્ન કર્યો, પણ હવે નહિ પહોંચી વળાય. ન ફાવ્યા ન આવડયું. ન ગમ્યું આ સ્વીકાર માટે સ્પષ્ટતા જરૂરી છે. ક્લીઅર વિઝન નાસીપાસ થઈ ડિપ્રેશન અનુભવવું એ સ્વીકાર નથી. પણ અંદરના અવાજે ખબર પડી જાય કે આ આપણું કામ છે કે નહિ. ઉંમર, ત્વચાનો રંગ, દેહનો બાંધો, રોગ, આર્થિક કટોકટી, બદનામી, પારિવારિક ક્લેશ બધાનો સરવાળો થાય ત્યારે સ્વીકારના શૂન્યથી ભાગાકાર કરવો રિલેક્સ થઈ જશો. પછી ઘરમાં બેસવાનો ય થાક નહિ લાગે.
ને ત્રીજુ છે ઓપ્ટિમિઝમ. આશા. પણ અહીં માત્ર આવતીકાલના સપના એ આશા નહિ. આનંદ, ચીઅરફુલ એપ્ટિટયુડની આશા. સુખની ક્ષણો શોધી લેવાની આશા ચેડવિકને સખીમાં, ધોનીને પુત્રીમાં દેખાઈ હોય એ. આવું કશુંક, ભલે પાત્ર નહિ પણ શોખ હોય તો જીવન પરાજય પછી ય માણવા જેવું છે. આપણી હારને લીધે વાદળા વરસતા બંધ નથી થતા. પૃથ્વીનો ગોળો લંબચોરસ નથી થઈ જતો. મોરની કળા બંધ નથી થતી અને પુષ્પો ખીલવાના બંધ નથી થતા. એક ટચુકડા તારાને કે એક ઘાસના તણખલાને ય ફરક નથી પડતો. એ સાદી સમજ જીવન અખંડ વહે છે. આપણે મૃત્યુ નામના સ્ટેશને ઉતરી જઈએ છીએ. જીંદગીની ગાડી અટકતી નથી. મળ્યું એ માણો, કરચલી એ બહુ તાણો નહિ પણ પ્રેમરસને જાણો. (શીર્ષક : નયન દેસાઈ)
ઝિંગ થિંગ
દીકરા પર ગુસ્સો કર્યા પછી,
ગુસ્સાનું કારણ. તેમ જ ગુસ્સો
ઓગળી ગયા પછી
ઘણા સમય સુધી
હું દીકરા સાથે વાત કરવાની
હિંમત નથી કરી શકતો
કમબખ્ત અહમ.
દરેક વખતે આવી પહેલ
દીકરો (બાળક) જ કરે છે.
જાણે કશું જ
ન બન્યું હોય તેમ.
ત્યારે મને થાય છે કે
'અમારા બેમાંથી મોટું કોણ ?'
(સ્વ. ડો. હિતેશ શાહ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QJ9ssf
ConversionConversion EmoticonEmoticon