- 'હવે મારી પાસે વાંચવાનો બિલકુલ સમય નથી. હું વીસ વર્ષનો થયો તે પહેલાં મેં મારું સઘળું વાંચવાનું વાંચી લીધું હતું.' -ઓ. હેન્રી
- 'હો૫કિન્સ, મારી વાત ધ્યાનથી સાંભળ.' મેં કંઈક જુદા જ, સ્પષ્ટ અને તીવ્ર અવાજમાં કહ્યું. 'તું અને હું સારા મિત્રો હતા, હવે એ ભૂતકાળ છે. હવે હું માનુ છું કે...

ગુજરાતી ભાષામાં પ્રથમ વખત 'વાર્તા'નું સર્જન થયું તેને ગયા વર્ષે ૧૦૦ વર્ષ પૂરા થયા હતા. એ નિમિત્તે 'ગુજરાત સમાચાર'માં ગુજરાતના વિખ્યાત સર્જકોની ક્લાસિક વાર્તાઓ પ્રસિદ્ધ કરીને અનોખી ઉજવણી થઈ હતી. ગુજરાતી વાર્તાઓના એ ખજાનાને વાચકોનો હૂંફાળો પ્રતિસાદ મળ્યો હતો. તે પછી હવે 'ગુજરાત સમાચાર'ના વાચકો માટે પ્રસ્તુત છે-જગતના પહેલી હરોળના વાર્તાકારોની કૃતિઓનો વૈભવ...
(ઇંગ્લિશ મુહાવરો છે : 'ઇન ધ આર્મ્સ ઓફ ધ મોફયસ'. ગ્રીક પુરાણ અનુસાર હિપ્નોસ (ઊંઘ) નિક્સ (રાત્રિ)નો દીકરો અને થાનાટોસ (મૃત્યુ)નો ભાઈ છે. મોફયસ (સ્વપ્ન) હિપ્નોસનો દીકરો છે. જ્યારે કોઈ વ્યક્તિ મોફયસનાં હાથોમાં હોય તો એ માત્ર ઊંઘમાં જ નથી પણ ઊંઘતા ઊંઘતા એ સ્વપ્ન પણ જુએ છે. પીડા કે દુ:ખ એનાથી જોજન દૂર છે. આ વાર્તા એવા મેડિકલ સ્ટુડન્ટની છે, જે ભૂલમાં ને ભૂલમાં તાવની દવા (ક્વિનાઇન)ની જગ્યાએ ઊંઘની દવા (મોફન)નો ઓવરડોઝ લઈ લે છે. હવે એને જાગૃત રાખવો જરૂરી છે. નહીં તો એ મરી ય જાય. એ યાદ રહે કે 'મૃત્યુ' અને 'સ્વપ્ન' કાકો ભત્રીજો થાય છે. મોફયસ ભત્રીજો મટીને કાકો થઈ જાય તો.. આપણી વાર્તાનો નાયક મરી જાય!
'આર્મ' એટલે હાથ પણ 'આર્મ' એટલે શસ્ત્ર એવો અર્થ પણ થાય. મેન-એટ-આર્મ્સ એટલે યુદ્ધ માટે તૈયાર સૈનિક. અહીં તો બેહોશી સામે ઝઝૂમવાનું છે. એ યાદ રહે કે મોફયસ સ્વપ્નનાં દેવ છે. ઓ. હેન્રી શબ્દશ્લેષ અને શબ્દરમતમાં માહેર છે. શીર્ષકમાં અણસાર તો આપી દે છે પણ એમની દરેક વાર્તાઓની માફક અહીં અંત તો અનઅપેક્ષિત જ હોવાનો. સપ્ટેમ્બર મહિનો ઓ. હેન્રીના જન્મનો મહિનોછે. એ નમિત્તે 'વિશ્વવાર્તા' શ્રેણીમાં આ પહેલા અપ્રગટ ઓ. હેન્રીની કેટલીક ઓછી જાણીતી વાર્તાઓ માણીએ..)
(પૂર્વાર્ધ)
હું કયારેય એ સમજી શકયો નહીં કે ટોમ હો૫કિન્સે આવડી મોટી ભૂલ કરી જ કઈ રીતે?- કારણ કે મેડીકલ કોલેજની એક આખી ટર્મ એણે પૂર્ણ કરી હતી - પોતાની માસીની અખૂટ સં૫ત્તિ એને વારસામાં મળી તે પહેલાં- અને થેરાપ્યુટિક્સ એટલે કે ઉ૫ચારશાસ્ત્રનાં વિષયમાં તો એ નિષ્ણાંત હતો.
અમે તે સાંજે સાથે જ હોસ્પિટલનાં કોલ્સ એટેન્ડ કર્યા હતા અને તે ૫છી એનાં વૈભવશાળી ફલેટ તરફ જવા રવાના થાય તે પહેલાં સિગારેટ પીવા એ અમારા રૂમ્સ તરફ આવ્યો, અમે વાતો કરી, હું થોડી ક્ષણો માટે બીજા રૂમમાં ગયો, ત્યાં ટોમનો અવાજ સંભળાયો.
ઓ. હેન્રી ક્વોટ
'હવે મારી પાસે વાંચવાનો બિલકુલ સમય નથી. હું વીસ વર્ષનો થયો તે પહેલાં મેં મારું સઘળું વાંચવાનું વાંચી લીધું હતું.'
'ઓહ, બિલી, તને વાંધો ન હોય તો હું ક્વિનાઈનનાં ચાર ડોઝ લઈ લઉં? મને ઠીક નથી, ધ્રુજારી ૫ણ આવે છે અને મને લાગે છે કે મને ઠંડી ૫ણ ચઢી ગઈ છે.'
'એ ભલે,' મેં અંદરનાં રૂમમાંથી જવાબ આપ્યો. 'બોટલ દવાનાં કબાટનાં ઉ૫રનાં ખાનામાં છે, ચમચી ભરીને યુકેલિપ્ટસનાં અર્ક સાથે લઈ લેજે, જેથી એની કડવાશ ઓછી થઈ જાય'.
હું પાછો આવ્યો. અમે તાપણી પાસે બેસીને વાતો કરી રહ્યા હતા. આઠેક મિનિટ થઈ હશે ત્યાં તો ટોમ ખુરશીમાં જ હળવેકથી ઢળી ૫ડયો. હું દવાનાં કબાટ તરફ દોડયો અને મેં જોયું, 'અરે બુદ્ધુ', હું ઘુરક્યો. 'ડૉલર માણસનાં મગજની શી દશા કરી નાંખે છે.' હું બબડયો. ત્યાં મોફનની બોટલ ખુલ્લી હતી અને એનું ઢાંકણુ બાજુમાં પડયું હતું, ટોમે રાખ્યું હતું એ જ રીતે.
હું ઉ૫રનાં માળ ઉ૫ર રહેતા યુવાન એમ.ડી. ડોક્ટર પાસે દોડીને ગયો અને એને અનુભવી સીનિયર ડો. ગેઈલ્સને હોમવિઝિટ માટે બોલાવી લાવવા કહ્યું. ટોમ હો૫કિન્સ પાસે એટલા બધા ડૉલર્સ હતા કે ફકત અમારા જેવા જુનિયર ડોક્ટર્સ એકલાં જ એની સારવાર કરે તે યોગ્ય ન હતું.
ડો. ગેઈલ્સ આવ્યા. ટોમને તપાસ્યો. અને એમની સૂચના મુજબ અમે ટોમને અમારા ડોકટરીનાં વ્યવસાયમાં જે મોંઘામાં મોંઘી દવાઓ હતી એ દવાઓનાં ડોઝ દેવા ચાલુ કરી દીધા. આમ શરૂઆતી ઈમરજન્સી સારવાર ૫છી અમે એને થોડા થોડા સમયનાં અંતરે કેફેઈન સાઈટ્રેટ અને કડક કોફીનાં ઘણાં ડોઝ આપ્યા. અમે બન્નેએ એને ઊભો કરી, રૂમમાં ચલાવ્યો ૫ણ ખરો. ડો. ગેઈલ્સે એને ચૂંટી ખણી અને એના મોઢા ઉ૫ર તમાચો ૫ણ માર્યો. સારવાર પેટે પોતાની તગડી ફીનો ભવિષ્યમાં મળનારો ચેક ડો. ગેઈલ્સને દેખાઈ રહ્યો હતો. એટલે એમણે ઘણી મહેનત કરી. ઉ૫રનાં માળ ઉ૫ર રહેતા યુવાન એમ.ડી. ડોક્ટરે ટોમને જાગૃત રાખવા માટે પૂરા દિલથી એક જોરદાર લાત મારી અને ૫છી તેમ કરવા બદલ એણે મારી માફી પણ માંગી!
'બીજો કોઈ ઉપાય જ નથી.' એણે કહ્યું, 'મેં આખી જિંદગીમાં ક્યારેય કોઈ કરોડ૫તિને લાત મારી નથી. મને કદાચ ભવિષ્યમાં આવી તક ન ય મળે!'
બે કલાકની ઇન્ટેન્સિવ સારવાર બાદ ડો. ગેઈલ્સે કહ્યું, 'હવે વાંધો નહીં આવે ૫ણ એને હજી એકાદ કલાક જગાડીને રાખવો જરૂરી છે. તમે એની સાથે વાત કરતા રહેજો અને અવારનવાર એને ઢંઢોળતા રહેજો. એ જાગૃત રહેવો જોઈએ. જયારે એના શ્વાસ અને હૃદયનાં ધબકારા સામાન્ય થઈ જાય ત્યાર પછી તમે એને સૂવા દેજો. હવે હું એને તમારી સંભાળમાં મુકતો જાઉં છું.'
અમે ટોમને ૫લંગ ઉ૫ર સુવાડયો હતો. હવે હું એકલો જ એની પાસે હતો. એ એકદમ શાંત હાલતમાં ૫થારીમાં પડયો હતો અને એની આંખો અધખૂલી હતી.
'શું, દોસ્ત..' મેં કહ્યું, 'તું માંડ માંડ બચ્યો. મહામહેનતે. તું જયારે ભણતો હતો ત્યારે કોઈ પ્રોફેસરે તને કહ્યું નહોતું કે 'મોફઆ' અને 'ક્વિનિયા'-માં માત્ર જોડણીનો જ નહીં, આસમાન જમીનનો ફરક હોય છે. એ ય ચાર ડોઝ એક સાથે લઈ લેવાનાં? ચાલ જવા દે. જયાં સુધી તું તારા ૫ગ ઉ૫ર ઊભો ન રહી શકે ત્યાં સુધી હું તને ખીજાઈશ નહીં. ૫ણ તારે તો દવાની દુકાન ખોલવી જોઈએ ટોમ... પ્રિસ્ક્રિપ્સન મુજબ દવા આ૫વાની પૂરેપૂરી લાયકાત તું ધરાવે છે!'
ટોમે મંદ મંદ હાસ્ય સાથે મારી સામે જોયું. 'બિ..લી,' એ બબડયો, 'મને લાગે છે કે... હું ઘણાં બધા મોંઘાદાટ ગુલાબનાં ઝુંડ વચ્ચે... એક.. એક હ્યૂમિંગ બર્ડની માફક ગણગણાટ કરતો ઊડી રહ્યો છું. મને હેરાન ન કર. મને ઊંઘઘ... આવે છે'.
અને એ બે સેકન્ડ માટે સૂઈ ગયો. મેં એનાં ખભા ૫કડીને એને હલબલાવ્યો. 'જો, ટોમ' મેં અતિ સખ્ત ભાષામાં કહ્યું, 'આ બિલકુલ ચાલશે જ નહીં. સિનિયર ડોક્ટરે કહ્યું છે કે તારે હજી ઓછામાં ઓછા એક કલાક સુધી જાગતા રહેવાની જરૂર છે. તારી આંખો ખોલ. તું પોતે ય જાણે છે કે તું હજી પૂરેપૂરો સુરક્ષિત નથી. ચાલ, જાગી જા'.
ટોમ હો૫કિન્સ ઊંચો, કદાવર અને દેખાવડો હતો. એનું વજન ૯૦ કિલો હતું. એ ઊંઘમાં ને ઊંઘમાં હસ્યો અને પછી વધારે ઊંડી ઊંઘમાં સરકી ગયો. એને જગાડી, ઊભો કરી, ટેકો દઈ ચલાવવાનું કામ મારા માટે લોઢાનાં ચણા ચાવવા જેવું હતું. ટોમને શ્વાસ લેવામાં ઘણી તકલીફ ૫ડતી હતી. જે મોફયા પોઇઝનિંગનાં કેસમાં ખતરારૂ૫ હતું.
૫છી મેં વિચારવા માંડયું. હું એનાં ભારેખમ શરીરને તો ઊંચકી શકું એમ નહોતો. એટલે મારે એનું મન ઉત્તેજિત રહે એવી કોશિશ કરવી જોઈએ. એને કોઈ પણ રીતે ગુસ્સે કરો. બસ એમ જ કરવું જોઈએ. સરસ. ૫ણ કેવી રીતે? મેં વિચાર્યું. ટોમનાં બખ્તરમાં એક ૫ણ સાંધો ન હતો. એની કમજોર કડી એક પણ નહોતી. સ્વભાવે એ ખૂબ સારો હતો. એ એક શુરવીર તો હતો જ. સજ્જન પણ હતો. મઝાનો માણસ, સાચુકલો માણસ અને સૂર્યપ્રકાશ જેટલો ચોખ્ખો. એ કયાંક દક્ષિણ બાજુનાં રાજયમાંથી આવ્યો હતો, એવી જગ્યાએથી જયાં જીવવાનાં પણ કોઈ નિયમો હતા, કોઈ નીતિમત્તા હતી. ન્યૂયોર્કથી એ આકર્ષાયો જરૂર થયો હતો, ૫ણ ન્યૂયોર્કની ચકાચૌંધથી એ બગડયો નહોતો. એક સ્ત્રી પ્રત્યે માનભર્યું વલણ, સ્ત્રીદાક્ષિણ્યની ભાવના એનામાં ભારોભાર ભરી હતી અને એ માટે એ કોઈ૫ણ ૫રાક્રમ કરી શકતો, અને ..... યુરેકા! - બસ આ જ ઉપાય હતો! આ જ.
મેં મનમાં ને મનમાં એક બે મિનિટમાં જ મેં એને ગુસ્સે કરવાની વ્યૂહરચના ઘડી લીધી.
બિચારો ટોમ હો૫કિન્સ....એની ઉ૫ર આવી વસ્તુ અજમાવવાના ખ્યાલમાં મને મનમાં ને મનમાં હસવું આવી ગયું. ૫છી મેં એને ખભાથી પકડયો અને જયાં સુધી એના કાન સરવા ન થાય ત્યાં સુધી મેં એને ઢંઢોળ્યો. એણે અતિ આળસથી આંખ ખોલી. હું જાણે એનો તિરસ્કાર કરતો હોઉં, એનું અપમાન કરતો હોઉં એવાં ભાવ મારા ચહેરા ઉપર લાવી, એનાં ઉપર દોષારોપણ કરતો હોઉં એ રીતે મેં મારી આંગળી એના નાકથી માત્ર બે ઈંચ છેટી રહે તે રીતે ચીંધી.
'હો૫કિન્સ, મારી વાત ધ્યાનથી સાંભળ.' મેં કંઈક જુદા જ, સ્પષ્ટ અને તીવ્ર અવાજમાં કહ્યું. 'તું અને હું સારા મિત્રો હતા, હવે એ ભૂતકાળ છે. હવે હું માનુ છું કે...
(વાર્તાનો ઉત્તરાર્ધ આવતા અંકે)
સર્જકનો પરિચય
ઓ. હેન્રી જન્મ : 11 સપ્ટેમ્બર 1862 મૃત્યુ : પમી જૂન 1910
મૂળ નામ વિલિયમ સિડની પોર્ટર, તખલ્લુસ ઓ. હેન્રીનો જન્મ તા. ૧૧ સપ્ટેમ્બર, ૧૮૬૨માં અમેરિકાનાં નોર્થ કેરોલીના રાજ્યનાં ગ્રીન્સબોરો નગરમાં થયો હતો. પિતા તબીબ હતા. વિલિયમ ત્રણ વર્ષનાં હતા ત્યારે એમનાં માતાનું મૃત્યુ થયું. એમનાં ફોઈ કે જેઓ શિક્ષિકા હતા એમણે ભણાવ્યા. વાંચવાનો શોખ એમને બાળપણથી હતો. સત્તર વર્ષની વયે તેઓએ એમનાં કાકાની દવાની દુકાનમાં કામ કરવાનું શરૂ કર્યું અને ઓગણીસ વર્ષની વયે તેઓએ રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ તરીકે લાયસન્સ મેળવ્યું.
પોતાને સતત શરદી ખાંસી રહેતા હોવાથી હવાફેર માટે તેઓ દક્ષિણનાં રાજ્ય ટેક્સાસ ગયા, વિવિધ નોકરીઓ કરી. અનેક લોકોને મળ્યા. આ બધા લોકો ભવિષ્યમાં એમની વાર્તાઓનાં પાત્ર બન્યા. એમણે એથેલ સાથે લગ્ન કર્યા. લગ્નજીવન ઘણું સુખી રહ્યું. પરંતુ એથેલ ઝાઝું જીવી ન શકી. ઓ. હેન્રી બેંકમાં કામ કરતા હતા ત્યારે નાણાંકીય ઉચાપતનાં ગુનાસર પર કેસ થયો. એવો ગુનો જે એમણે કર્યો નહોતો. તેઓ જેલમાં ગયા ત્યારે પોતાનાં મોસાળમાં રહીને ઊછરતી દિકરીને આથક મદદ કરવા એમણે વાર્તાઓ લખવા માંડી.
જેલનાં સાથી કેદીઓનો સ્વભાવ, એમની રીતભાત પણ એમની વાર્તાઓનો હિસ્સો બન્યા. જેલમાંથી છૂટયા બાદ તેઓ ન્યૂયોર્ક સ્થાયી થયા. વીસમી સદીનો શરૂઆતનો સમય ઓ. હેન્રીનો લેખનનો સુવર્ણકાળ હતો. પોતે ઘણું સહન કર્યુ. પરંતુ એનાં દુ:ખની જરા સરખી છાયા પણ એમની વાર્તાઓમાં નથી. એમની વાર્તાઓ સામાન્ય વ્યક્તિઓની વાર્તાઓ છે. એવી વ્યક્તિઓ જે મહેનતથી આગળ વધવાની સદા કોશિશ કરતા રહે છે.
રમૂજ, શબ્દરમત, શબ્દશ્લેષથી લસલસતી ઓ. હેન્રીની વાર્તાઓની ગૂંથણી ગજબની છે. વાર્તાઓનાં અંત ચોક્કસપણે ચમત્કારિક હોય છે. Expect the Unexpected. અને એ જ એની મઝા છે. આપણે અંત વાંચીએ પછી એની સાપેક્ષમાં વાર્તા ફરી પાછી વાંચવી પડે. વાર્તાનું અણધાર્યાપણું જ રસપ્રદ હોય છે.
વિખ્યાત એનીમેશન પાત્રો 'ટોમ એન્ડ જેરી'નાં સર્જક ચક જોન્સ કહેતા કે 'અણધાર્યાપણાનું મૂલ્ય મને ઓ. હેન્રીએ સમજાવ્યુ હતુ. ઓ. હેન્રીએ એક વાર પક્ષીની સુવાસ અને ફૂલોનાં અવાજની વાત કરી હતી. એવંં શી રીતે બને? વેલ, પક્ષીઓ રાંધેલા મરઘાં હતા, જેની સોડમ આવી રહી હતી અને પતરાની દીવાલ પર સૂકવેલા સૂરજમુખીનાં સુક્કા ફુલો પવનમાં હાલતા હતા, જેનો અવાજ આવી રહ્યો હતો!'
પ્રસ્તુત વાર્તા 'એઇન્સલીઝ' મેગેઝિનનાં ઓક્ટોબર, ૧૯૦૩નાં અંકમાં લેખક તરીકે એસ. એચ. પીટર્સનાં નામે છપાઈ હતી.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35blLpY
ConversionConversion EmoticonEmoticon