મનમાં ભરીને જીવવું એના કરતાં મન ભરીને જીવો... ગૂંચ હોતી નથી, પાડવામાં આવે છે


મા ણસ ખોટું લગાડવામાં જરાય વિલંબ નથી કરતો. સંબંધોમાં અને વ્યવહારોમાં આજની આ ભૌતિકતાએ માણસના મનમાં કાવા-દાવા, દાવપેચ વધારી દીધા છે. સંબંધોમાં સ્વાર્થ કેન્દ્રસ્થાને હોવાથી સંબંધો બધા ગૌણ અને ઔપચારિક બની ગયા છે. પોતાની અપેક્ષા ન સંતોષાય કે વ્યવહારમાં કાંક વાંકુ પડે અથવા તો પોતાની મરજી વિરુદ્ધ કશુંક બને એટલે સૌ પ્રથમ ગૂંચ માણસના મનમાં પડતી હોય છે. પેલું ખોટું લાગ્યું હતું તે ધીરે ધીરે ગૂંચમાં પરીવર્તીત થતું રહે છે. બીજા અર્થમાં કટુતા પણ કહી શકાય.

માણસને માણસ વગર ચાલે એમ છે જ નહીં, ખાસ તો પારિવારિક સંબંધોમા કશુંક માંગવાની, ઈચ્છવાની કે કશાકની અપેક્ષા માણસ રાખતો હોય છે. પણ જ્યારે આવી અપેક્ષા ન સંતોષાય એટલે માણસ મનમાં ને મનમાં ગૂંચ પાડતો હોય છે. મનમાં ને મનમાં પોતાના વાંધા-વચકાને પ્રોત્સાહન અપાય છે. માણસો સંબંધોનું મૂલ્યાંકન એક ચોકઠામાં કરતા હોય છે. અને આ મૂલ્યાંકન પાછુ સામેના વ્યક્તિને જ લાગું પડે, ખુદને નહિ. આવી જિદને કારણે પડેલી ગૂંચ વધુ સજ્જડ થતી જાય છે.

હજુ ગઈકાલ સુધી તો સંબંધો કપુરની સુવાસની જેમ મહેકતા હતા. એકબીજા વગર ચાલે તેમ પણ નહોતુ. દિવસમાં એકાદવાર મળ્યા વગર, ફોન કર્યા વગર કે થોડી મજાક-મસ્તી વગર દિવસ સૂનો લાગતો હતો, ને આમ અચાનક એવું તે શું થઈ જાય છે કે એકબીજાનું નામ ઉઘરાવવા પણ તૈયાર નથી ? જાણે કે બધું જ ભૂલી જવા ઈચ્છીએ છીએ ? એવી તો કેવી ગૂંચ પડે છે મનમાં કે આપણા સંબંધો, આપણી દોસ્તી દાવ પર લાગી જાય છે...? સંબંધોમાં ઉષ્મા, લાગણી, પ્રેમ, અપનાપન બધું જ ગાયબ થવા લાગે છે.. ? આ તબક્કે એક ગઝલની પંકિત યાદ આવે છે સાંભળો:

દૂરતા કોઈ વખત મોંઘી પડી

પણ, નિકટતા તો સતત મોંઘી પડી.

ઘણીવાર વધુ નજીક આવવાથી સંબધો મોંઘા પડતા હોય છે. સ્વભાવિક છે જે પાસે છે એની પાસે અપેક્ષા પણ વધારે હોય છે. આ અપેક્ષાની પૂર્તિમાં ઓટ આવવાથી ભાવની ભરતીમાં પણ ઓટ આવતી હોય છે અને આગળ કહ્યું તેમ માણસના મનમાં અલગ-અલગ પ્રકારની ગૂંચો પડતી હોય છે.

પહેલી વાત તો આજના માણસોના સંબંધો યાંત્રિક અને સ્વાર્થપ્રેરિત થઈ ગયા છે. એટલે આપણી વાણીથી, વર્તનથી, વ્યવહારથી સામેના વ્યક્તિને ક્યારે વાંધો-વચકો પડે એનું કશું નક્કી નહીં. કારણ કે આજના સંબંધોમાં લાગણી ઓછી હોવાથી તેમાં વ્યવહારને પહેલા પ્રાધાન્ય અપાય છે. ભાવ ન પૂછાયો એનું દુઃખ થાય છે.

સંબંધોમાં ક્ષમા, સહિષ્ણુતા કે લેટ-ગો કરવાની ભાવના ઓછી થતી જાય છે. 'જેવાની સાથે તેવા' એવી ભાવના વધુ પ્રબળ બનતી જાય છે. નફરત, ધિક્કાર, અવગણનાનો જવાબ એ રીતે જ અપાય છે જે સંબંધોનો કચ્ચરઘાણ વાળી દે છે ? ખરેખર તો સંબંધોની જાળવણીમાં જેવાની સાથે તેવા થવાનું હોય જ નહીં. નફરતનો જવાબ પ્રેમથી અપાય તો જ સંબંધ ટકે. તો જ ગૂંચ ના પડે. તો જ સંબંધોમાં ઉષ્મા જળવાય. તો જ મન આળું પણ ન થાય. પોતાની વ્યક્તિગત માન્યતાઓનો કક્કો સંબંધોમાં ખરો ન પડાય. થોડી ઘણી છૂટછાટ પણ જરૂરી થઈ પડે છે. હું કહું એમ જ થાય, હું કહું એ જ ખરુ... સંબંધોની સાચવણીમાં આ વાતને નેવે મુકવી જોઈએ. તથા ગણતરીઓના પલાખા સંબંધોમાં ન ચાલે.

છેલ્લે એ પણ યાદ રાખવું ઘટે કે આ ગૂંચ પહેલેથી નહોતી, શરૂઆતથી જ નહોતી પડી. આપણી ભૂલથી કે ટણીથી એ પડી હતી. કારણ ભલે કોઈપણ હોય, પણ આ ગૂંચ પડી હતી તો આપણી માનસિકતાથી જ. મતલબ એ કે આ પડેલી ગૂંચને ઉકેલી પણ શકાય. કારણ કે પાડી હતી આપણે. માટે સમાધાનકારી વલણ અપનાવીએ ગૂંચ ગાંઠ બને તે પહેલાં એને ઉકેલવી એમાં જ માણસ અને માણસાઈની ગરિમા છે. હમણાં જ એક મજાનો વ્હોટ્સએપ વાંચવામાં આવ્યો કે 'મનમાં ભરીને જીવવું એના કરતાં મન ભરીને જીવો.'

- દિલીપ રાવલ



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lLIwXa
Previous
Next Post »