
આણંદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર
આણંદ જીલ્લામાં બે દિવસના વરસાદી વિરામ બાદ આજે મેઘરાજાએ પુનઃ પધરામણી કરી હતી. બપોરના સુમારે વાદળછાયા વાતાવરણ વચ્ચે આણંદ શહેર સહિત જીલ્લામાં ઠેરઠેર હળવા વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. આણંદ શહેરમાં બપોરના સુમારે જોરદાર વરસાદી ઝાપટુ વરસાદ વરસતા વિવિધ રાજમાર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. આગામી બે દિવસ દરમ્યાન જીલ્લામાં વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહેશે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્તિ કરી છે.
ઓગષ્ટ માસના મધ્ય ગાળામાં સમગ્ર આણંદ જીલ્લામાં મેઘમહેર થવા પામી હતી. તેમાંય બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર સિસ્ટમને લઈ ઓગસ્ટ માસના અંતિમ સપ્તાહમાં આણંદ જીલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ વરસાદનું જોર નરમ પડયું હતું અને હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું.
જો કે છેલ્લા બે દિવસ આણંદ જીલ્લામાં મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. આજે સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરના સુમારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી છવાઈ ગયું હતું. અને વાદળોની ગર્જના વચ્ચે મેઘરાજાની સવારી પુનઃ આવી પહોંચી હતી.
આણંદ શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં બપોરના સુમારે જોરદાર વરસાદી ઝાપટું વરસતા છેલ્લા બે દિવસથી ઉકળાટનો સામનો કરી રહેલ પ્રજાજનોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.
જોરદાર વરસાદી ઝાપટું વરસતા શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ કેટલાક રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેને લઈ સ્થાનિકો તેમજ વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો.
મોડી સાંજ સુધી જીલ્લામાં ઠેર-ઠેર હળવા વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZcoDPn
ConversionConversion EmoticonEmoticon