
પ્રો ફેસર પ્યારેલાલ રશ્મિના જન્મદિવસે એને મુબારકબાદી આપવા પેથાભાઈ પરિવારમાં પહોંચી ગયા. ઘરમાં પહોંચતા જ સહુના મુખ પર પ્રસન્નતા જોઇ એ ખૂબ રાજી થયા.
રશ્મિની સાસરામાં પહેલી વર્ષગાંઠ છે એટલે બધાના મુખ પર રાજીપો હોય એ એમને સ્વાભાવિક લાગ્યું.
પેથાભાઈએ એમને હસતે મુખે વધાવ્યા. થોડીવારમાં જ રશ્મિ આવીને એમને ભાવપૂર્વક પગે લાગી. એની પાછળ પટલાણી પણ હસુ હસુ થઇ રહ્યાં હતાં...
પ્રોફેસર પ્યારેલાલને બહુ ગમ્યું કે રશ્મિના પહેલા જન્મ દિવસે સાસરામાં આનંદ આનંદ છવાયો છે
રશ્મિ એમને પગે લાગીને ગઇ, અને તરત ફેન્ટા એક ડિશમાં પેંડા લઇને આવી.
પ્રોફેસર પ્યારેલાલને માહોલ નવીન લાગ્યો - 'કેમ આજે આટલી બધી ખુશાલી?'
એ કંઇક પૂછવા જતા હતા ત્યાં જ પટલાણીના પેટમાં ખદબદી રહેલી વાતે ફોડ પાડયો. 'આજે વહુની અહીં પહેલી વર્ષગાંઠે દાદાએ એને આશીર્વાદ આપ્યા છે કે 'બેટા! દીકરો જણજે.'
પ્રોફેસર પ્યારેલાલના મુખ પર આશ્ચર્ય સાથે સ્મિત ફરકી ગયું.હજી આજે તો વર્ષગાંઠ છે અને દાદાના 'બેટા! દીકરો જણજે' આશીર્વાદથી આટલો બધો ઉમંગ ઉછાળ?'
બગાસું ખાતાં પતાસું મોઢામાં આવી પડે તેમ દાદાએ દીકરો જણજેના આશીર્વાદથી જાણે દીકરો ખોળામાં આવીને ના પડયો હોય એવો બધો ઉત્સાહનો અતિરેક હતો. એમણે હાસ્ય રોકવું મનમાં થયું કે ભેંસ ભાગોળે અને પટલાણી દાદાના (દીકરો જણજે) આશીર્વાદ વાગોળે છે!
પેથાભાઈ ખુશમિજાજમાં તો હતા જ. એમના ઘનિષ્ઠ મિત્ર પ્રોફેસર પ્યારેલાલ સાથે આશીર્વાદનો ઉમંગ વહેંચવાનો મોકો મળ્યો : 'પ્રોફેસર! કેવી ખુશનસીબી છે? અમારો વિશાલ પચીસી પૂરા કરી રહ્યો. પણ પરિવારમાં સુખશાંતિ સાહ્યબી છતાં ઘર સૂનું લાગતું હતું. પ્રોફેસર'
પચીસ પચીસ વર્ષ છતાં કોઇની ઝાંઝરનો ઝણકાર કે કનૈયાનો કલશોર વરતાતો નહોતો.
પેથાભાઈના શબ્દોમાં આનંદને કારણે આપોઆપ કવિતાની ભાષા મુખમાં ઉભરાઈ એની પ્રોફેસરે મનમાં નોંધ લીધી.
વાતનો દોર આગળ ચલાવતાં કહે... 'ઘર સૂનું લાગતું હતું.'
પટલાણી હાજર હતાં તેમણે ય ટાપશી પૂરી : 'પ્રોફેસરભાઈ ! રસોઇ ગમે તેવી આંખોને પ્રસન્ન કરી દે તેવી હોય, પણ એ જો સ્વાદમાં અલૂણી હોય તો ? અમારે ય એવું જ હતું. દોમદોમ સાહ્યબી છતાં પરિવાર - સંસાર અલૂણો લાગતો હતો. દાદાના 'દીકરો જણાજે'ના શુભ આશીર્વાદથી સ્વામિનારાયણ ભગવાનની કૃપાથી ઘેર પારણું બંધાય તો સંસાર સલુણો લાગે.'
પેથાભાઈને એમની દલીલમાં તથ્ય લાગ્યું. સમાજમાં એવાય પરિવારો હશે કે એમને ય પુત્રનાં લગ્નધામધુમથી થયાં પછી વર્ષો સુધી ઘરમાં પારણું બંધાય તેની રાહ જોવી પડી હશે કે પડતી હશે. કેટલાક કુટુંબોમાં તો દીકરો પરણે કે તરત જ વર્ષ વીતતા સુધીમાં વહુ તરફથી સંતાનની 'ગિફ્ટ' મળવી જોઇએ એવી અધીરાઈ હોય છે.
પેથભાઈનું વિચારચક્ર આગળ ચાલ્યું : 'લગ્ન પછી વર્ષે બે વર્ષે કે છેવટે ત્રણ વર્ષે પણ વિશ્વાસ ફળ્યો ના હોય, તો વહુની પનોતી!'
કેટકેટલી બાધા આખડી માન્યા પછી પણ વહુ જો બે કે ત્રણ વર્ષે પણ સંતાનને જન્મ ના આપી શકી હોય તો દોષ વહુનો. દીકરાને કશું લાગે વળગે નહિ. વહુનાં અપમાન થાય. જાતજાતનાં મે'ણાની નવાજેશ થાય. વખત વીતતાં ય વહુની કૂખ ખાલી રહે તો... વહુને માથે શી શી વિટંબણા વીતતી હોય છે. એ વિટંબણા વહુની કેવી હાલત કરી મૂકે છે એ પ્રોફેસર પ્યારેલાલ સામાજિક કાર્યકર હોવાને નાતે જાણતા હતા. એમને ખેદ પણ થતો કે સૈકાઓ વીત્યા છતાં કેટલા બધા પરિવારોમાં પુત્રેષણા ઘટી નહિ. પુત્ર વિના કુટુંબને કોણ તારે?
સ્ત્રી જાત માટે તો ડગલે ને પગલે તકલીફો અને આફત જ જમાનાઓથી આવતી રહી છે.
પેથાભાઈએ થોડીવારે વાત કરતાં પ્રોફેસરને જાણ કરી કે વહુની વર્ષગાંઠ ભલે 'આજે' (શુક્રવારે) હોય પણ એના જન્મદિવસનો ઉત્સવ રવિવારે રાખ્યો છે. રવિવારે રશ્મિનાં મમ્મી-પપ્પાને ખાસ અનુકૂળતા છે. એ નિમિત્તે બધાં ભેગા મળીશું . આનંદ કરીશું.
પ્રોફેસર પ્યારેલાલે એમની શારીરિક મર્યાદાને કારણે એક પેંડો ખાધો અને બીજી થોડીક રશ્મિના જન્મ દિવસને લગતી વાતો કરી વિદાય લીધી.
પેથાભાઈએ એમને ખાસ આમંત્રણ આપીને કહી જ દીધું કે તમારે રવિવારે સકુટુંબ વેળાસર આવી જ રહેવાનું અમારા વેવાઈનો ય તમને પરિચય થશે.
એક તરફ દાદાના 'દીકરો જણજે' આશીર્વાદની અને પરિવારમાં સંતાનની ખોટ હોવાથી થતી દશાની વાત ચાલતી હતી ત્યારે વિશાલ થોડીકવાર પ્રોફેસર પ્યારેલાલ અને દાદાની સામે બેસીને જતો રહ્યો હતો.
એનું મન ચંચળ થઇ ગયું હતું. રશ્મિએ એને જરા આઘાત આપ્યો હતો !
દાદાના દીકરો જણવાના આશીર્વાદથી એ પોતે ખુશખુશાલ હતો. એનામાં પણ વડીલોની પુત્ર આકાંક્ષા મનમાં રોપાઈ હતી.
એણે રશ્મિ આગળ ખુશાલી પ્રગટ કરતાં એની મનેચ્છા માટે પૂછ્યું અને રશ્મિએ પોતાને દીકરી ગમે એવી ઇચ્છા પ્રગટ કરતાં જ વિશાલનું ચિત્ત ચંચળ થઇ ઉઠયું.
રશ્મિ એને મળી કે તરત જ પુત્ર જન્મની જ મનમાં સળવળતી વાત કાઢી : 'રશ્મિ' તને સાચેસાચ દીકરી ગમે?
'હા, એમાં કશો વાંધો છે, તને? અરે હજી તો દિલ્હી દૂર છે ત્યારે અત્યારથી એની શી તથા?'
વિશાલમાં ય પરિવારના સંસ્કારના અંશો હતા જ એણે રશ્મિ સાથે વાત કરવાની તક શોધી પણ રશ્મિએ તો કહી દીધું કે અમારા પરિવારમાં મારા પપ્પાએ તો દીકરી જ માગી હતી, અને હું તેમને મળી.
વિલાસ શેહ ખાઈ ગયો. પણ રશ્મિ કામ નિમિત્તે ઉભી થઇને ચાલી ગઈ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2F9DnaN
ConversionConversion EmoticonEmoticon