ત્રણ અલગ અલગ કોથળામાંથી માથું, ધડ અને હાથપગ મળ્યા પછી પોલીસે એનું રહસ્ય શોધી કાઢ્યું


રા જસ્થાનના જોધપુર શહેરની આ ક્રાઈમકથામાં ત્રણ સગી બહેનો ખલનાયિકા છે.

પોકરરામ જાટ(ચૌધરી)ની આ દીકરીઓદેખાવમાંઅત્યંત સુંદર અને રૂપાળી છે.

સૌથી મોટી સીમા સત્યાવીસ વર્ષની. મેડતામાં રહેતા સુશીલ ઉર્ફં ચરણસિંહ ચૌધરી સાથે સીમાના લગ્ન તો ૨૦૧૩માં થયા હતા. પરંતુ આણું વાળીને એ સાસરે નહોતી ગઈ. નાગૌર જિલ્લાના બેરૂન્દા ગામમાં વેટરનરી આસિસ્ટન્ટની નોકરી મળી ગયા પછી એ બેરૂન્દામાં એકલી જ રહેતી હતી.

આ સાત વર્ષમાં સુશીલ વારંવાર કરગરેલો અને એમાંય નવેમ્બર, ૨૦૧૯માં એને મેડલા સીટીમાં જ સહાયક ખેતીવાડી અધિકારી તરીકે નોકરી મળી એ પછી તો સીમાને બોલાવવા માટે એ અધીરો થયો હતો. સીમા સાસરે આવે એ માટે તમામ સગા-સંબંધીઓ મારફતે એ દબાણ કરી રહ્યો હતો. એ છતાં, સીમા સાસરે નહોતી જતી.

પચીસ વર્ષની બીજી બહેન પ્રિયંકા ત્રણેય બહેનોમાં સૌથી વધુ રૂપાળી છે. ડિસેમ્બર, ૨૦૧૪માં એના લગ્ન મહેન્દ્ર રામચંદ્ર જાટ સાથે થયા ત્યારે એ એક મલ્ટિલેવલ માર્કેટિંગ કંપનીમાં કામ કરતી હતી. કંપનીમાં એની સાથે એક્સ સવસમેન ભીંયારામ ટીકુરામ જાટ નોકરી કરતો હતો. ચાળીસ વર્ષનો ભીંયારામ પ્રિયંકાનો અંગત મિત્ર બની ગયો હતો. એની સાથે દોસ્તી ગાઢ બન્યા પછી પ્રિયંકાને પોતાનો પતિ મહેન્દ્ર ખૂંચવા લાગ્યો.

ભીંયારામ સાથે મળીને એણે પ્લાન બનાવ્યો. ભીંયારામે મહેન્દ્રને ફોન કર્યો કે મેડમ પ્રિયંકાએ કંપનીમાં ત્રણસો નવા મેમ્બર બનાવ્યા છે એટલે કંપનીએ સુજાનગઢમાં ફંક્શન રાખ્યું છે અને એમાં પ્રિયંકાને નવી નક્કોર કાર ગિફ્ટમાં આપવાની છે. સોળમી ફેબ્રુઆરી, ૨૦૧૬ના દિવસે ભીંયારામ પોતાની કાર લઈને આવ્યો અને સુજાનગઢ જવા માટે પ્રિયંકા અને મહેન્દ્ર એમાં ગોઠવાઈ ગયા. સૂમસામ અંધારા રસ્તા પર લઘુશંકાના બહાને ભીંયારામે કાર રોકી. એની સાથે મહેન્દ્ર પણ નીચે ઊતર્યો.

આગળ ચાલતા મહેન્દ્રની પીઠમાં ભીંયારામે ચાકુ માર્યું. મહેન્દ્ર લથડયો તો ખરો પણ હિંમતથી ઊભો થયો. એની ગરદન ઉપર પ્રહાર કરવા માટે ભીંયારામનો ચાકુવાળો હાથ ઊંચો થયો, પણ એને ધક્કો મારીને મહેન્દ્ર ચિત્તાની ઝડપે ભાગી ગયો. એ પછી મહેન્દ્રે પ્રિયંકાને છૂટાછેડા આપી દીધા. ભીંયારામ બે મહિના જેલમાં રહ્યો. જોધપુરના નાંદડી વિસ્તારમાં રામદેવનગરના એક ભાડાના મકાનમાં પ્રિયંકા રહે છે. ભીંયારામ સાથે એની દોસ્તી હજુ અકબંધ છે.

ત્રીજી બહેન તેવીસ વર્ષની બબિતા. નસગ અને મીડવાઈફનો એણે કોર્સ કર્યો હતો. લગ્ન પછી સાસરામાં ઝઘડીને એ છ જ મહિનામાં પાછી આવી ગયેલી.  છૂટાછેડા થઈ ગયા પછી અત્યારે એ પ્રિયંકાની સાથે રહીને તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી કરે છે.

પાત્રોના આટલા પરિચય પછી આજની કમકમાટીભરી કથા પર આવીએ.

પાંચમી ઓગસ્ટ, ૨૦૨૦ના દિવસે સીમા પ્રિયંકાના ઘેર આવી.

'આ સુશીલ મારું લોહી પી ગયો છે.' સીમાના અવાજમાં આક્રોશની સાથે હડહડતો ધિક્કાર છલકાતો હતો. 'હજાર વાર કહ્યું કે તારી સાથે રહેવા માટે હું નથી આવવાની, એ છતાં, કાકા, મામા, માસાથી માંડીને બધા સગા ઉપર પ્રેશર કરે છે કે હવે સીમાનું આણું કરીને મોકલો.'

'એ તો મનેય દાણા નાખવાની કોશીશ કરે છે. કહે કે તારી બહેન ના આવે તો તું આવી જા. મને તો તુંય બહુ ગમે છે.' વાત નીકળી એટલે પ્રિયંકાએ પણ ફરિયાદ કરી. 'એના આવા ફ્લટગથી હું પણ ગળે આવી ગઈ છું.'

'મોટી, સુશીલજી હવે તો ગવર્મેન્ટ ઑફિસર બની ગયા છે.' બબિતાએ સીમાને પૂછયું. 'ત્યાં જાય તો તારે નોકરી કરવાની પણ ઝંઝટ ના રહે. તને વાંધો શું છે?'

ગંભીર બનીને સીમા બંને બહેનો સામે તાકી રહી. પછી એણે નિખાલસતાથી કબૂલાત કરી. 'આઈ એમ લેસ્બિયન. દુનિયાના કોઈ પુરુષમાં મને લેશમાત્ર રસ નથી. મારા જેવી બે સમલૈંગિક સખીઓ મને બોરૂન્દામાં મળી ગઈ છે. આઈ એમ હેપી વિથ ધેમ. હવે હું મરી જઈશ તો પણ સુશીલના ઘેર નથી જવાની.'

પ્રિયંકા અને બબિતા સ્તબ્ધથઈને સીમા સામે તાકી રહ્યા હતા.

'સરકારી નોકરી મળી એ પછી મારો વર ભૂરાંટો થઈને મારી પાછળ પડયો છે. એને એનો અધિકાર જોઈએ છે પણ હું એ એને આપી શકું એમ નથી. એની પાસે આવી રીતે મોઢું ખોલવાની મારી તૈયારી નથી. દિવસે દિવસે એનો ત્રાસ વધતો જાય છે. એના ત્રાસમાંથી મારે છૂટવું છે અને એમાં તમારે મદદ કરવાની છે.' આશાભરી નજરે બંનેની સામે જોઈને બોલતી વખતે એના અવાજમાં ઠંડી ક્રૂરતા ઉમેરાઈ. 'જીવશે ત્યાં સુધી મને લઈ જવા માટે એ સતત લોહી પીશે. હું કંટાળી ગઈ છું. એ માણસને મારે ખતમ કરી નાખવો છે. એ કામમાં તમારે મોટીબહેનને મદદ કરવાની છે.'

બંનેના ચહેરા પરની અવઢવ પારખીને સીમાએ સમજાવ્યું. 'એકેય છેડો ઢીલો ના રહે અને પોલીસને શંકા ના પડે એ રીતનું પરફેક્ટ પ્લાનિંગ કરીએ તો જરાય વાંધો ના આવે. તમે તૈયાર છોને?'

ત્રણેય બહેનોએ બે દિવસ મથામણ કરીને પ્લાન બનાવી નાખ્યો.

બોરૂન્દા પહોંચીને સીમાએ મેડતાસીટીમાં રહેતા સુશીલને ફોન કર્યો કે જરૂરી ચર્ચા કરવાની છે એટલે કાલે મારા ઘેર આવો. 

સુશીલ તો રાજી રાજી થઈ ગયો.

દસમી ઓગસ્ટ, ૨૦૨૦ની સવારે બાઈક લઈને એ સીમાના ઘેર પહોંચ્યો.

'વાત એવી છે કે મારી બહેનોની હાજરીમાં ચર્ચા કરીએ તો વધુ સારું.' સીમાએ આવું કહ્યું એમાં સુશીલે સંમતિ આપી. સીમા એની બાઈકની પાછળ બેસી ગઈ અને એ બંને પ્રિયંકાના ઘેર આવ્યા. પ્રિયંકા અને બબિતા સ્વાગત માટે તૈયાર હતી...

અગિયારમી ઓગસ્ટે સુશીલના પરિવારજનોએ મેડતાસીટીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે ચરણસિંહ ઉર્ફે સુશીલ ચૌધરી ગઈ કાલે બાઈક લઈને ગયો એ પછી પાછો નથી આવ્યો. સોશિયલ મીડિયા દ્વારા આ સમાચાર જાણીને સીમા, પ્રિયંકા અને બબિતા સુશીલના પરિવાર પાસે ચિંતા વ્યક્ત કરીને પૂછતી કે અચાનક આ શું થઈ ગયું? એ ક્યાં ગયા? આવે તો તરત અમને જાણ કરજો.

જોધપુરમાં નાંદડી ગૌશાળાની પાછળ સુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ આવેલો છે. બારમી ઓગસ્ટે ત્યાં કામ કરતા માણસે બૂમાબૂમ કરી એટલે સુપરવાઈઝર વાલ્મિકી દોડી આવ્યો. ગટરમાં આવેલા પ્લાસ્ટિકના બે કોથળા જોઈને વાલ્મિકીએ બનાડ પોલીસ સ્ટેશને ફોન કર્યો. 'સાહેબ, એક કોથળામાં માથું છે અને બીજા કોથળામાં હાથ અને પગ છે!'

ઈન્સ્પેક્ટર અશોક આંજણા એમની ટીમ સાથે આવી ગયા. હાથ-પગ અને માથું મળ્યું એટલે આ જ રીતે ધડ પણ કોઈક કોથળામાં હશે એ ધારણાએ પોલીસની એક ટૂકડીએ બધી ગટરલાઈનોનું ચેકિંગ શરૂ કર્યું. ઈન્સ્પેક્ટરે એ માનવ અંગો અને કોથળાનું નિરીક્ષણ કર્યું. એક કોથળો મેડતાસીટીની દુકાનનો હતો અને બીજો કોથળો પાલી જિલ્લાની ભાગ્યલક્ષ્મી ટેક્સટાઈલ્સનો હતો. કેસની ગંભીરતા પારખીને ડી.સી.પી.ધર્મેન્દ્રસિંહ યાદવ મેદાનમાં આવી ગયા.

કોથળાના આધારે પાલી અને નાગૌર જિલ્લામાંથી ગૂમ થયેલા પુરુષો અંગે તપાસ કરાવી ત્યારે મેડતાથી સુશીલના સગા-સંબંધીઓ દોડી આવ્યા. માથું જોઈને સુશીલના મામાનો દીકરો રાજેન્દ્ર ભાંગી પડયો. એણે પોલીસને કહ્યું કે આ સુશીલ ઉર્ફે ચરણસિંહ ચૌધરી જ છે!

મોડી રાત્રે નાગૌર રોડ ઉપરના એક નાળામાંથી પોલીસને કોથળામાંથી ધડ પણ મળી ગયું.

મેડતાસીટી પોલીસને બગીચા સામેના પાકગમાંથી સુશીલનું બાઈક મળ્યું એટલે આસપાસના સીસીટીવીના ફૂટેજ ચકાસ્યા તો જોવા મળ્યું કે બે યુવતીઓ આ બાઈક લઈને આવી અને મૂકીને જતી રહી. સુશીલના પરિવારે એ જોઈને તરત પોલીસને નામ જણાવ્યા. જોધપુર પોલીસને આ જાણકારી મળી એટલે તેરમી ઓગસ્ટે સીમા, પ્રિયંકા, બબિતા અને ભીંયારામને પકડી લીધા. કોર્ટમાં રજૂ કરીને ઓગણીસ ઓગસ્ટ સુધીના રિમાન્ડ મેળવ્યા.

મીડિયા સામે પોલીસે ઘટનાનું વર્ણન કર્યું ત્યારે બધા સ્તબ્ધ હતા.

સુશીલને લઈને સીમા પ્રિયંકાના ઘેર આવી ત્યારે પ્રિયંકા અને બબિતાએ એમનું સ્વાગત કર્યું. કોલ્ડડ્રીંકમાં ભેળવેલી ઊંઘની ટીકડીઓને લીધે સુશીલ બેહોશ થઈ ગયો. એ છતાં સીમાને સંતોષ નહોતો. એણે ત્રીસ મિલિલીટર જોયલોઝિનનું ઈન્જેક્શન આપ્યું. એ પછી ઠંડા કલેજે ગળે ફાંસો આપીને સુશીલના શ્વાસ અટકાવી દીધા. લાશને ઢસડીને બાથરૂમમાં લઈ ગયા પછી એના કપડાં કાઢી નાખ્યા.

આગલા દિવસે પ્રિયંકા અને બબિતાએ બજારમાં જઈને બારસો રૂપિયામાં ઈલેક્ટ્રિક ગ્રાઈન્ડર કટર ખરીદેલું. એની બ્લેડ-ચકરી ખરીદતી વખતે દુકાનદાર પાસેથી જ્ઞાાન મેળવેલું કે પથ્થર કાપવાની ચકરીના દાંતા મોટા હોય એટલે એનાથી લાકડું કાપો તો આજુબાજુ કચરો વધારે ઊડે, એને બદલે નાના આંકાવાળી સ્ટીલ કાપવાની ચકરી લેશો તો એમાં કચરો નહીં ઊડે. બંને બહેનોએ નેવું રૂપિયામાં સ્ટીલ કાપવા માટેની ચકરી ખરીદેલી.

ધોળા દિવસે ઘરનું બારણું બંધ કરીને ત્રણેય બહેનો બાથરૂમમાં ઓપરેશન કરી રહી હતી. ઈલેક્ટ્રિક કટરથી ધડ ઉપરથી મસ્તક અલગ કર્યું. એ પછી વારાફરતી એક પછી એક હાથ અને પગ કાપ્યા. હાથ અને પગ એક કોથળામાં ભર્યા. માથું બીજા કોથળામાં મૂક્યું અને સૌથી મોટા કોથળામાં ઘડને ઠાંસી દીધું. સીમાએ પોતાનો લોહીવાળો પાયજામો બદલી નાખ્યો. ત્રણેય કોથળાને આગળના ઓરડામાં લઈ ગયા પછી ત્રણેય બહેનોએ આખું બાથરૂમ ઘસી ઘસીને સાફ કરી નાખ્યું.

સુશીલની બાઈક હાજર હતી અને પ્રિયંકા પાસે સ્કૂટર હતું પરંતુ કોથળાઓનું વજન અને સાઈઝ જોયા પછી ત્રણેયને લાગ્યું કે આ વાહન નહીં ચાલે.

'મોટી, આ કોથળાનું કામ હું સંભાળી લઈશ.' સહેજ વિચારીને પ્રિયંકાએ રસ્તો બતાવ્યો. 'તપાસ ચાલુ થઈ છે એટલે તું તારા ઘેર રહે તો વધુ સારું.'

પાછળની સીટ પર સીમા અને બબિતાને બેસાડીને પ્રિયંકાએ સુશીલની બાઈક  સ્ટાર્ટ કરી. સીમાને બોરૂન્દામાં એના ઘેર ઊતારીને પ્રિયંકા અને બબિતા મેડતા આવ્યા. ત્યાં બગીચા પાસે પાકગમાં બાઈકને મૂકી દીધી અને બસ પકડીને બંને બહેનો જોધપુર આવી ગઈ. રૂમમાં પડેલા ત્રણેય કોથળાઓ સામે જોઈને પ્રિયંકાએ એના દોસ્ત ભીંયારામને ફોન કર્યો. 'બધા કામ પડતા મૂકીને આજે રાત્રે તું જોધપુર આવી જા.'

ભીંયારામે લગીર આનાકાની કરી એટલે પ્રિયંકાએ ધમકી આપી કે 'જો તું નહીં આવે તો અમારે આપઘાત કરવો પડે એવી દશા છે. પ્લીઝ, આવી જા.'

રાત્રે ભીંયારામ આવ્યો અને કોથળાઓને જોઈને હબકી ગયો. 

ઈમોશનલ બ્લેક મેઈલિંગ કરીને પ્રિયંકાએ એને મનાવી લીધો. કારની પાછળની સીટ પર કોથળાઓ મૂક્યા.  પ્રિયંકા અને બબિતા ભીંયારામની પાસે બેઠા. હાથ-પગનો કોથળો પ્રિયંકાના ઘરથી સો મીટર દૂર ગટર લાઈનમાં પધરાવી દીધા પછી થોડે આગળ બીજી ગટરલાઈનમાં માથાવાળો કોથળો નાખી દીધો. ધડવાળો લબાચો મોટો હતો એટલે એને નાળામાં નાખવા માટે ભીંયારામે કારને નાગૌર રોડ તરફ ભગાવી. ત્યાં ઝૂંપડપટ્ટીની સામે નાળામાં કોથળો નાખ્યો તો ખરો પણ એ પાણીમાં ડૂબ્યો નહીં. બંને બહેનો એની સામે તાકી રહી હતી. ભીંયારામ દોડીને ઝૂંપડપટ્ટીમાં જઈને એક વાંસ શોધી લાવ્યો. વાંસની મદદથી એણે કોથળાને કીચડમાં દબાવી દીધો.

'અમને બીક લાગે છે.' ઘેર પહોંચ્યા પછી પ્રિયંકાએ ભીંયારામને કહ્યું. 'પ્લીઝ, આજની રાત અહીં રોકાઈ જાવ.' પરંતુ આ જોગમાયાઓનું પરાક્રમ જોયા પછી ત્યાં રાત રોકાવાની ભીંયારામની હિંમત નહોતી. એ ભાગી ગયો.

પ્રિયંકા અને બબિતા પણ ગભરાયેલી હતી. ભીંયારામ ગયો એ પછી એ બંને બોરાનાડા એરિયામાં રહેતી એક બહેનપણીના ઘેર દોડી ગયા. બંનેની વ્યગ્રતા જોઈને પેલીએ પૂછયું કે કોઈ પ્રોબ્લેમ છે? તબિયત ખરાબ છે એવું કહીને પ્રિયંકાએ એને સમજાવી દીધી. રાત ત્યાં રોકાયા પછી એ બંને સવારે મોટીબહેન સીમાના ઘેર બોરૂન્દા પહોંચી ગયા. બીજા દિવસે પોલીસે ત્યાંથી જ ત્રણેય બહેનોની ધરપકડ કરી.

ચારેય આરોપીની ધરપકડ પછી પોલીસે એમની વિરૂધ્ધના પુરાવાઓ એકઠા કરવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. જોધપુરમાં આવવા-જવાના બધા રસ્તાઓ અને લાશના ટૂકડાઓ જ્યાં જ્યાં ફેંકવાનું કબૂલેલું ત્યાંના સીસીટીવી ફૂટેજ પોલીસે મેળવી લીધા છે. સુશીલ અને સીમા બાઈક લઈને પ્રિયંકાના ઘેર આવે છે-પ્રિયંકા એ બાઈક પર બંને બહેનોને બેસાડીને ત્યાંથી જાય છે-મેડતાસીટીમાં બાઈક મૂકે છે-આ તમામ પુરાવા પોલીસ પાસે છે. કટર વેચનાર દુકાનદારે પણ બંને બહેનોને ઓળખી બતાવી.

સરકારી હોસ્પિટલના મૉર્ગમાં લાશના ટૂકડાઓનું મેડિકલ બૉર્ડ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવ્યા પછી પાંચ ડૉક્ટરોની ટીમે એ ટૂકડાઓમાંથી ડી.એન.એ. સેમ્પલ લીધા કે જેથી આ એક જ વ્યક્તિના ટૂકડા છે  સાબિત થઈ શકે.

સીમાનો લોહીવાળો પાયજામો ઉપરાંત ગટરમાં ફેંકેલા કટરના ટૂકડા પોલીસે શોધી કાઢયા છે. હત્યા કરવામાં આવેલી એ ઘરની ફોરેન્સિક તપાસ ચાલુ છે. ઊંઘની ગોળીઓ અને જાયલોઝિનનું ઈંજેક્શન સીમાએ વેટરનરી ડૉક્ટર રાજેશ ચિતારા પાસેથી મેળવેલું. પોલીસે એની પણ ધરપકડ કરી છે.

સીમા લેસ્બિયન હોવાથી એણે પતિની હત્યા કરાવી એવું કહેવાને બદલેકાયદાની મર્યાદામાં રહીને પોલીસ પતિ-પત્ની વચ્ચેના અણબનાવનું કારણ આપે છે.

એક્સસવસ મેન ભીંયારામનો પોલીસ રેકર્ડ ચોર તરીકેનો છે. નાગૌરના પાંચોડી ડેપોમાંથી ઓઈલના ડ્રમ્સની ચોરી ઉપરાંત એના પર ચોરીના ત્રણ મુકદ્દમા ચાલુ છે.

ઓગણીસમી ઓગસ્ટે રિમાન્ડ પૂરા થાય પછી આરોપીઓને ફરીથી કોર્ટમાં રજૂ કરીને બીજા રિમાન્ડ મેળવવાની પોલીસની તૈયારી છે. ભીંયારામ પહેલેથી જ હત્યામાં સહભાગી હશે એવી શંકા સાથે પોલીસ માને છે કે ભીંયારામને હત્યા પછી બોલાવ્યો એવું કહીને પ્રિયંકા એને બચાવવા મથે છે.

રિમાન્ડ પછી સચ્ચાઈ બહાર આવશે, અપરાધીઓને સજા પણ થશે, પરંતુ પત્ની અને બે સાળીઓ-ત્રણેય બહેનોએ છ ટૂકડા કરીને રહેંસી નાખેલા નિર્દોષ યુવાન સુશીલ ઉર્ફે ચરણસિંહ ચૌધરીનો જીવ પાછો નહીં આવે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bidlxM
Previous
Next Post »