- શિવાંશુ સ્પર્ધાની પાછળ ચૂપચાપ ચાલવા માંડયો. સ્પર્ધાના પપ્પા નંદીકેશે શિવાંશુને પ્રેમથી આવકારતાં કહ્યું : શિવાંશુ, મને તારું નામ બહુ જ ગમે છે.

ઈ શ્વર કોઇને પૂછે કે સંતોષી માણસ કેવો હોય તો યોગેશ્વરને નિકટથી જાણનાર તરત જ કહે કે પંડિત યોગેશ્વર જેવો. યોગેશ્વરજી યોગ અને ધર્મશાસ્ત્રોના ઊંડા અભ્યાસી. ભગવદ્ ગીતાનો એક-એક શ્લોક એમને મોંઢે. ત્રિગુણાત્મક પ્રકૃતિમાંથી સત્વ ગુણને એમણે સંપૂર્ણપણે પચાવેલા. રજોગુણ અને તમો ગુણ ભૂલેચૂકે પણ પોતાના મનનો કબ્જો ન લે, તેનો પૂરો ખ્યાલ રાખતા. મોટાં-મોટાં શહેરોમાં વ્યાસપીઠ ગજાવી લોકોને આંજી શકે એવું વાક્કૌશલ્ય. પણ પંડિતજી પ્રસિદ્ધિ અને પૈસાથી અલિપ્ત રહેતા. ગામમાં કોઇ એમની કથા બેસાડે, ત્યારે એમના કડક નિયમો સહુએ પાળવાના રહેતા.
પોથીયાત્રા કે શોભાયાત્રા નહીં. કથા શરૂ થવાના દસ મિનિટ પહેલાં પ્રવેશ દ્વાર બંધ કરી દેવાની સૂચના. કોઇએ પોથી પર ભેટ-સોગાદ, ફળ-ફળાદિ મૂકવાનું નહીં અને સીધુ-સામાન લાવવાની પણ મનાઇ. ધંધાદારી પંડિતો તેમની ઈર્ષ્યા કરતા. પણ યોગેશ્વરજી એમની ઈર્ષ્યા કરવાવાળાને આશીર્વાદ આપતા. ક્ષમા ધર્મને વરેલાં પંડિતજી ગમે તેવું નુકસાન કરનારને પણ માફ કરી દેતા.
એક દિવસ તેઓ કથાવાચન પતાવી ઘેર જઇ રહ્યા હતા, ત્યારે ક્રિકેટ રમતા એક યુવાનનો બોલ તેમના લમણામાં અથડાયો. ચશ્માં તૂટી ગયાં. લમણામાંથી લોહી વહેવા માંડયું.. પંડિતજી એક ખૂણામાં બેસી ગયા અને ક્રિકેટ રમતા યુવાનોને કહ્યું : ''મારી ચિંતા ન કરશો. તમારો ખેલ ચાલુ રાખો. જિંદગી પણ એક રમત છે એમાં વિરામને સ્થાન હોતું નથી. આપણે ઘટનાઓથી હતાશ થવાનું નથી પણ ઘટનાઓને હતાશ કરવાની છે.''
એ યુવાનોનાં મા-બાપ દોડી આવ્યાં. પંડિતજીને આગ્રહ કરી ડૉકટર પાસે લઇ ગયા. પાટાપીંડી બાદ તેઓ ડૉકટરની સારવારનું ખર્ચ ચુકવવા લાગ્યાં ત્યારે પંડિતજીએ કહ્યું : ''બોલ જો મારા સંતાનથી વાગ્યો હોત તો દવા તો હું જાતે કરાવત. ચશ્માંના પૈસા પણ મને ન ખપે. મારું સૂચન ગળે ઊતરે તો બાળકોને ઉત્તમ નાગરિક કેમ બનાય, એનું શિક્ષણ આપજો. આપણે બાળકો પાસેથી ક્રીડાંગણો છીનવી લીધાં, રમવાની ઉમ્મરે એમને પ્લે ગૂ્રપ અને પ્રિ. પ્રાયમરીમાં ધકેલી દીધાં, ખાલી પ્લોટોમાં પાર્ટી પ્લોટો બનાવી એમને માટે રમત-ગમતના દરવાજા બંધ કરી દીધા, પછી સડક પર ક્રિકેટ રમવા ન લલચાય તો બીજું કરે શું ? મહેરબાની કરી મને ઈજા પહોંચાડનાર બાળકોને લડશો નહીં.'' સહુ પંડિતજીની મહાનતા જોઇ ગદગદ્ થઇ ગયા.
પંડિતજીનું નાનું કુટુંબ. એમનાં પત્ની ભાગીરથી અને બે પુત્રો. મોટા પુત્રનું નામ દિવ્યાંશુ અને નાના પુત્રનું નામ શિવાંશુ. બન્ને પુત્રોને શાળાએ જવાનું હોય એટલે ભાગીરથીદેવીએ રસોઇ સાડા નવ વાગ્યે તૈયાર કરી દેવાની. આખું કુટુંબ પૂજાખંડ પાસે બેસે. પંડિતજી ભગવાનને થાળ ધરાવે, થાળનું સસ્વર ગાન કરે, અન્નને દેવ સમર્પિત કરે ત્યાર બાદ ભોજન કરવાનું.. પંડિતજીના ઘરમાં પીરસણની પ્રથાને સાવ જાકારો. ભોજન છાંડવાની વૃત્તિને સ્થાન નહીં. રુચિ મુજબનું પ્રમાણસર ખાણું લેવાનું. અવિધિસરની 'બૂફે' પ્રથા, પણ ભોજન સમારંભમાં થાળી ભરીને વાનગીઓ લેવાની અને મોટા પ્રમાણમાં એંઠું છોડી અન્નનો બગાડ કરવાની જે કુટેવ જોવા મળે છે, તેને પંડિત યોગેશ્વરજીના ઘરમાં બિલકુલ સ્થાન નહીં.
કથાવાર્તામાં પૈસા અને ભેટસોગાદોથી દૂર રહેતા પંડિતજી કમાણીની બાબતમાં સ્વાવલંબી હતા. પેટગુજારા જેટલી જમીન એમની પાસે હતી. નવરાશનો સમય તેઓ ખેતરમાં ગાળતા. ખેતરની રખેવાળી પણ જાતે જ કરતા. તેમ છતાં પક્ષીઓ માટેનું ચણ ઘેરથી લઇ જતા. લીલાંછમ ખેતરો જોઇ તેઓ હરખાતા. મનોમન શબ્દોમાં પ્રાર્થના કરતા : ''સાંઈ ઉતના દીજીએ, જા મેં કુટુંબ સમય. મૈં ભી ભૂખા ન રહું સાધુ ભી ભૂખા ન જાય.''
પંડિતજીના બન્ને પુત્રોમાં દિવ્યાંશુ શિવાંશુ કરતાં બે વર્ષે નાનો. પણ બન્નેના સ્વભાવમાં જમીન આસમાનનું અંતર. દિવ્યાંશુને પિતાનો ભક્તિભાવ, ત્યાગ, સમર્પણ, સંતોષ, નિસ્પૃહિતા એ બધું ખૂબ જ ગમતું.. પણ શિવાંશુ સાદગીનો એક નંબરનો દુશ્મન. એ મોંઘાંદાટ વસ્ત્રો, બૂટ, ગોગલ્સ વગેરે પાછળ ધૂમ ખર્ચો કરતો. પંડિતજી એને ટોકતા, પણ એ કહેતો કે ચાર્વાક મુનિના નાસ્તિકવાદી સિદ્ધાન્ત મને ગમે છે. દુર્લભ માનવજીવન નિયમો અને ઉપનિયમો તથા આધ્યાત્મિકતામાં કેદ રહી આનંદની ક્ષણો વેડફી દેવા માટે નથી ! ખાઓ-પીઓ ને લહેર કરો, એ જ સાચું તત્વજ્ઞાાન છે. પંડિતજી તેને સમજાવતા : ''તને તારા જીવનની વ્યાખ્યા કરવાનો અધિકાર છે. પણ વાત્સલ્યને નામે માતા-પિતાનું શોષણ કરવાનો અધિકાર નથી ! તું જાતે કમાતો થાય પછી હું તારી પાસે હિસાબ નહીં માગું, પણ ઘરમાં રહેવા માટે ઘર-ગૃહસ્થીના નિયમો પાળવા જરૂરી છે !''
''તો તમારું ઘર તમને મુબારક. હું કોલેજિયન છું, મને તમારો 'બાબો' ન ગણશો. યુવાનની સ્વતંત્રતામાં ધાડ ન પડાય... હું હૉસ્ટેલમાં રહીશ, પાર્ટટાઇમ નોકરી, ટયૂશન વગેરે દ્વારા પૂરક આવક ઊભી કરીશ. તમારી પાસે એક પાલતૂ પુત્ર છે. તેની પર ધર્મ, અધ્યાત્મ અને સંસ્કારોના પ્રયાગો કરજો. જે ડાળીને પોતાના ફૂલ પર ભરોસો ન હોય એ ફૂલે ડાળી પર ભરોસો રાખવો ન જોઇએ.'' - શિવાંશુએ કહ્યું.
''ભલે દીકરા, હું તને નહીં રોકું. હું તારો પિતા છું, 'માલિક' નથી. મારા વિચારો તારી પર લાદવાનો મને કોઇ જ હક નથી.'' પંડિતજીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું. દિવ્યાંશુ અને માતા ભાગીરથીજીએ ખૂબ જ કાકલૂદી કરી પણ શિવાંશુ પોતાના નિર્ણયમાં અફર હતો. એણે બીજે દિવસે પોતાનું ઘર છોડી દીધું.
શિવાંશુ સ્વભાવે અક્કડ. નોકરીદાતા સામે જાતજાતની દલીલો કરે, એટલે નોકરીદાતાઓ એક મહિના બાદ પાણીચું પરખાવી દેતા. ટયુશનમાં પણ એ તૈયારી કર્યા સિવાય ભણાવવા જતો, એટલે બાળકો તેનાથી કંટાળતા. હૉસ્ટેલના મૅસનું બીલ પણ ચઢી ગયું હોવાથી તેને નોટિસ આપવામાં આવી હતી.
એ ઉદાસ થઇ બગીચાને બાંકડે બેઠો હતો, એવામાં હૉસ્ટેલના રેક્ટર નંદીકેશની પુત્રી સ્પર્ધાની નજર તેના પર પડી. એણે વૉટર બેગમાંથી શિવાંશુને પાણી પીવડાવ્યું. આશ્વાસન આપ્યું અને હૉસ્ટેલ પર પોતાની સાથે પાછા ફરવા આગ્રહ કર્યો. પણ શિવાંશુએ કહ્યું : ''હું ભોજન બીલ ચૂકવી શક્યો નથી. મારી પાસે લહેણું બીલ ચુકવવાની કશી જોગવાઇ પણ નથી. હું કયા મોંઢે હૉસ્ટેલ પાછો આવું ?''
સ્પર્ધાએ કહ્યું : ''શિવાંશુ, ભાગેડું બની જિંદગી જીવાય નહીં. આપણા દેશની નવી પેઢી મા-બાપની સાચી વાત સ્વીકારવા પણ તૈયાર નથી હોતી.. અને તારા પિતાશ્રી પં. યોગેશ્વર જેવા પિતા તો ભાગ્યશાળીને મળે. હૉસ્ટેલના રેક્ટરે ફૂડબીલ બાકી હોવાનો તારે ઘેર ફોન કર્યો એટલે તારા પપ્પા જાતે ફૂડબીલની રકમ ચૂકવી ગયા અને બીજા છ માસના ફૂડબીલની રકમ એડવાન્સમાં આપતા ગયા. તારે આવા લાગણીશીલ પિતાનું દિલ દુભાવવું ન જોઇએ.''
''એટલે તને મારા વિશે રજેરજની ખબર છે એમ જ ને ! પણ મારે ઘેર પાછા ફરી મારા પપ્પાના ધાર્મિક વાતાવરણમાં ગૂંગળાવું નથી. મારા પ્રશ્નનું છે કશું સોલ્યૂશન તારી પાસે ? મને વાચાળ શુભેચ્છકો નથી ગમતા'' - શિવાંશુએ કહ્યું..
''તારા પ્રશ્ન વિશે મારી પાસે સોલ્યૂશન છે. હું તને પરાવલંબી બનાવવા ઈચ્છતી નથી. અહીં હૉસ્ટેલમાં જ નાનાં બાળકોને ભણાવવાનું કામ મારા પપ્પાની મદદથી સોંપીશ. એટલે રહેવા-જમવાની સગવડ તને સંસ્થા તરફથી મળશે.'' સ્પર્ધાએ કહ્યું..
''પણ મારા પ્રત્યે આવી લાગણી દેખાડવાનું કારણ ?'' શિવાંશુનો સીધો સવાલ.
''લોકો પુત્ર કે પુત્રીને દત્તક લે છે, તેમ યુવતીએ એક યુવકની જિંદગી સુધારવા માટે તેને પણ દત્તક લેવો જોઇએ. એ જરૂરી નથી કે હું તારે માટે જે કાંઇ કરું તેના બદલામાં કોઇ 'વિશેષ' અપેક્ષા રાખું. હવે, ચાલ, ડાઇનિંગ રૂમ બંધ થવાનો સમય આવ્યો. તું સવારે પણ જમવા આવ્યો નહોતો.'' સ્પર્ધાએ કહ્યું...
શિવાંશુ સ્પર્ધાની પાછળ ચૂપચાપ ચાલવા માંડયો. સ્પર્ધાના પપ્પા નંદીકેશે શિવાંશુને પ્રેમથી આવકારતાં કહ્યું : ''શિવાંશુ, મને તારું નામ બહુ જ ગમે છે. જેનામાં શિવની કૃપાનાં કિરણો છે, શિવનો અંશ છે, એ શિવાંશુ. આજથી તને મારા કુટુંબના સભ્ય તરીકે રાખીશ. પં. યોગેશ્વરના પુત્ર રૂપે જન્મીને તારી જિંદગી સફળ થઇ ગઇ. પવિત્ર સ્વભાવ અને રહેણી-કરણી વાળાં મા-બાપ કોઇ ભાગ્યશાળીને જ મળે છે. ભોગ ખાતર ઘર છોડીને ભગાય નહીં.'' ચીફ રેક્ટર નંદીકેશે કહ્યું...
''શિવાંશુ, હવે તારો ગુરૂનો રોલ શરૂ થાય છે. વિદ્યાર્થીઓ ગુરૂમાં એક આદર્શ વ્યક્તિનું દર્શન કરતાં હોય છે. એમનું અનુકરણ કરવા પણ પ્રેરાતાં હોય છે. એટલે તારે સાદગી સ્વીકારી વિદ્યાર્થીની પ્રેરણામૂર્તિ બનવું પડશે. ભોજનના પ્રારંભે 'સહનાવવતુ'ની પ્રાર્થના પણ કરાવવી પડશે.'' સ્પર્ધા ધીરે-ધીરે શિવાંશુને પોતાના ઢાંચામાં ઢાળી રહી હતી..
''સ્પર્ધા, મેં તને કહ્યું એમ મને પ્રાર્થના-બાર્થનામાં રસ નથી. જે કારણે મેં ઘર છોડયું એ જ કારણોમાં તું મન ધકેલી રહી છે'' - શિવાંશુએ પોતાની ઉગ્ર પ્રતિક્રિયા આપી.
''શિવાંશુ, તારો સુંદર દેખાવ, મનોહર રૂપ, તેજસ્વી ચહેરો એ બધું આખરે તો ઈશ્વરે આપેલી ભેટ છે. એ ભેટ તને તારાં માતા-પિતા દ્વારા મળી છે. પ્રાર્થના એ ભગવાનને ''થેંક્સ'' કહેવાની હાથવગી રીત છે. 'થેંક યુ'નો પ્રયોગ તો તું વારંવાર કરતો હોય છે.'' સ્પર્ધાએ શાન્તિથી તેને સમજાવ્યું...
એ પછી એક મહિના બાદ શિવાંશુની વર્ષગાંઠ આવતી હતી. એણે સ્પર્ધાને કહ્યું : ''મારી વર્ષગાંઠ હું મારી રીતે ઉજવીશ. મારા મિત્રોને ભવ્ય પાર્ટી આપીશ. એમાં તારી કશી દખલ નહીં ચાલે.''
''પાર્ટી તું નહીં પણ હું ગોઠવીશ. શાનદાર અને યાદગાર પાર્ટી. પણ એમાં નાચ-નખરાં નહીં, આત્મીયતાનું આદાન-પ્રદાન. મારી વાતનો ઈન્કાર કરે તો તને મારા સમ'' સ્પર્ધાએ ગદ્ગદ્ સ્વરોમાં કહ્યું..
''તને મારા સમ'' શબ્દો શિવાંશુને સ્પર્શી ગયા. આજે તેને પહેલી વાર લાગ્યું કે જિંદગીમાં જિદનું નહીં પણ લાગણીનું સ્થાન અત્યન્ત મહત્વનું છે.
સ્પર્ધાએ શિવાંશુના મિત્રોને હૉસ્ટેલમાં આયોજિત પાર્ટીમાં આમંત્રિત કર્યા. બધા સમયસર આવી પહોંચ્યા હતા, પણ સ્પર્ધા પાર્ટી શરૂ કરતી નહોતી.
એટલામાં પં. યોગેશ્વરજી, ભાગીરથી દેવી અને દિવ્યાંશુ આવી પહોંચ્યાં. સ્પર્ધાના પપ્પા નંદીકેશે તેમને ઉષ્માભર્યો આવકાર આપ્યો.
પણ શિવાંશુએ પોતાની અકડાઇ હજી છોડી નહોતી. યોગેશ્વરજીએ શિવાંશુને આશીર્વાદ આપતાં કહ્યું : ''દીકરા, લે આ મોટર-બાઇકની ચાવી. મારી પાસે કશી મોટી બચત તો છે નહીં. તારી મમ્મીના દાગીના વેચીને મેં આ મોટર-બાઇક ખરીદી છે. તારા તમામ મોજશોખો પૂરા કરવાની મારામાં આર્થિક તાકાત નથી !''
સહુએ પં. યોગેશ્વરજીને તાલીઓના ગડગડાટ સાથે નમન કર્યું અને અત્યંત આત્મીય વાતાવરણમાં પાર્ટી સંપન્ન થઇ.
પંડિતજીએ સ્પર્ધાને એકાંતમાં બોલાવીને કહ્યું : ''દીકરી, તું ધીરે-ધીરે શિવાંશુની જિંદગીને પાટે લાવી રહી છે. મારી ઈચ્છા છે કે..'' પંડિતજી આગળ બોલતાં અટકી ગયા.
''આપની ઈચ્છાનો અર્થ હું સમજી એક સંત પુરુષની પુત્રવધૂ બનવું એ પણ એક સૌભાગ્ય છે. સમયને એનું કામ કરવા દઇએ.''
અને પંડિતજી પરિવાર સાથે વિદાય થયા, પણ શિવાંશુએ ઘેર પરત ફરવાનું નામ નહોતું લીધું !
શિવાંશુ ધીરે-ધીરે સ્પર્ધા તરફ આકર્ષાઇ રહ્યો હતો. સ્પર્ધામાં રૂપ અને ગુણનો સમન્વય હતો, એ વાત શિવાંશુને સ્પર્શી ગઇ હતી.
શિવાંશુએ પોતાની બચતના પૈસામાંથી એક ભેટ પંદર દિવસ પછી આવનાર સ્પર્ધાના જન્મદિવસે આપવા ખરીદી રાખી હતી.
શિવાંશુને બેફામ રીતે વાહન હંકારવાની આદત હતી. કોલેજથી પાછા ફરતાં જ એક કાર સાથે તેની મોટર-બાઇક અથડાઇ. તેને હાથે-પગે ઈજાઓ થઇ પણ એ બચી ગયો. હોસ્પિટલમાં પંદર દિવસ રખાયા બાદ તેને રજા આપવામાં આવી, પણ તેને જમણા અંગે લકવો થઇ ગયો હતો !
પંડિતજીએ શિવાંશુને પોતાને ઘેર લઇ જવાની ઈચ્છા વ્યક્ત કરી, પણ સ્પર્ધાએ કહ્યું : ''ત્રણ દિવસ પછી મારી વર્ષગાંઠ આવે છે, ત્યાર બાદ શું કરવું તે વિચારીશું.''
અને સ્પર્ધાની વર્ષગાંઠ નિમિત્તે નંદીકેશે શિવાંશુના પરિવારને પણ ભોજન માટે આમંત્રિત કર્યું.. શિવાંશુ કેક કાપી સ્પર્ધાનો જન્મદિવસ ઉજવવા ઈચ્છતો હતો, પણ સ્પર્ધાએ નારાજગી દર્શાવી.
સહુની હાજરીમાં શિવાંશુએ એક પેક ડબ્બી તેને ભેટ આપી. જિજ્ઞાાસાથી સ્પર્ધાએ તે ડાબલી ખોલી. તેમાં મંગલસૂત્ર હતું. શિવાંશુએ કહ્યું : ''હવે આ મંગલસૂત્ર કામનું નથી રહ્યું.. કોઇ યુવતીને દાનમાં આપી દેજે'' - બોલતાં શિવાંશુ રડી પડયો.
અને સ્પર્ધાએ કહ્યું : ''આ મંગલસૂત્ર બીજી કોઇ યુવતીને આપવાની જરૂર નથી. એ યુવતી તમારી સામે હાજર છે. લો આ મંગલસૂત્ર મને સૌભાગ્યવંતી બનાવો... અને હા, પૂજ્ય સસરા યોગેશ્વરજી, તમારે તમારી પુત્રવધૂ સ્પર્ધા સાથે અહીં જ રહેવાનું છે. મારા પપ્પાજી રેકટર તરીકે રાજીનામું આપી આપને તે જવાબદારી સોંપી છે.
મને ખાત્રી છે કે સતી સાવિત્રીના દેશમાં સ્પર્ધાને પોતાના પતિ શિવાંશુને ફિઝિયોથેરપી દ્વારા અપંગતા દૂર કરવામાં સફળતા મળશે. ચાલો, આરતીનો સમય થયો. આજે આરતી શિવાંશુ ગવડાવશે. અને શિવાંશુના ભક્તિભાવ સભર કંઠે ગવાતી આરતીથી સહુ ખુશખુશાલ થઇ ગયાં. વાતાવરણ 'જય જગદીશ હરે'ના આરતીગાનથી પવિત્ર બની ગયું હતું.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jRgvMk
ConversionConversion EmoticonEmoticon