
'વાહ, કમાલનું રૂપ છે !'
હરણાએ આ ગામની શાળામાં હાજર થવા પગ દીધો, ત્યારે એને જોતાં જ ગામ આખામાં ભમરા ઊડવા લાગ્યા : 'બાપ રે, આ તો ભડકા જેવું રૂપ છે !' આવું રૂપ તો ભઈ પહેલ વહેલું ભાળ્યું !'
'પચાસ ગાઉના પંથકમાં આવું.
ગામની વાત જવા દો.
શાળાના બીજા શિક્ષકોની આંખોય હરણાને જોતાં જ વહેંત જેટલી પહોળી થઇ ગઈ હતી. બધે એક જ વાત હતી : 'રૂપની બાબતમાં નંબરવન છે હરણા !'
વાત સાચી છે.
સાવ સાચી.
હરણા એક છે, અનોખી છે.
હરણા જેવું બીજું કોઈ નથી.
છે શિક્ષિકા, પણ રૂપની બાબતમાં અપ્સરા છે. સુંદરતાની બાબતમાં પરી છે. લોકો જુએ છે. જોઈ રહે છે. પછી પૂછે છે : 'એલાભાઈ, આ બાઈ કોણ છે ?'
'કઈ ?'
'આ જાય એ !'
'નથી ખબર્ય ?'
'ના !'
'આપણા ગામની શાળાનાં નવાં શિક્ષિકા છે. હરણા એમનું નામ છે. એમને જોયાં છે ત્યારથી આખું ગામ ઉપરતળે થઇ ગયું છે !'
'કેમ ?'
'હરણા છે જ એવી રૂપાળી કે કોઇના પણ હૈયાનાં જળ એને જોઇને ઉછાળા મારવા માંડે !'
'અલ્યા, તારે ઉછાળા મારે છે ?' 'મારે ય જવાન હૈયું છે હોં !'
આખું ગામ ચગડોળે ચઢ્યું છે. એક જ વાત : 'હરણા !' એક જ વિષય 'હરણાનું રૂપ !' ઘણાંનાં દિલ જ એવાં હોય છે કે રૂપાળા મનેખને જોઈ દદડવા માંડે !
પણ હરણા ? હરણા તો હરણા જ છે. બસ, એક જ વાત. પોતે શિક્ષિકા છે. ભણાવવાનો એનો ધર્મ છે. ચેતનાની ચિનગારી પ્રગટાવવી છે. લોકો તો જોયા કરે !
લોહી ખરડયું હાડકું જોઇને કૂતરાં તો લાળ પાડયા કરે ! મારે શું ! મારે તો મારી શાળા ભલી, અને મારું કામ ભલું !
કામ બોલે છે.
કામને બોલવા દો.
જબાન ચુપ રાખો.
કામને જ જે કહેવું હોય તે કહેવા દો.
હરણા એ ભાડે મકાન પણ રાખી લીધું. બે રૂમ-રસોડાનું સરસ મકાન હતું ! ભર્યો ભાદર્યો મહોલ્લો હતો. ને મહોલ્લામાં પેસતાં જ પહેલું મકાન આવતું હતું વૈશાખનું ! લોકો વૈશાખ વિષે જાત જાતની વાતો કરતા. વૈશાખ તોફાની છે. વૈશાખ મનનો મેલો છે. વૈશાખ લડવાડ કરવાવાળો છે. વૈશાખ મારા મારી કરતાં વાર ન કરે એવો છે.
હરણાએ જોયો વૈશાખને.
જુવાન કંચનવર્ણી કાયા છે.
મજબૂત છાતી છે.
બેફિકર ઝુલ્ફાં છે.
એને હરણાએ ધારીને જોયો : એનામાં એને કશી ખરાબી ન લાગી.
છતાં ય લોકો એને ચેતવતા હતા : 'આ વૈશાખથી ચેતતા રહેજો, બહેન !'
'કેમ ?'
'વૈશાખ બડો ખેપાની છે !'
'એટલે ?'
'તોફાની. વાતવાતમાં લડવાડ કરનારો. નજરનો પણ સારો નથી !'
અભિપ્રાયો એકદમ ખરાબ હતા. એક શિક્ષકે તો પૂછ્યું ય ખરું. 'હરણાબહેન, તમે ક્યાં મકાન રાખ્યું ?'
'છેવાડાના મહોલ્લામાં !'
'એટલે કે વૈશાખવાળા મહોલ્લામાં ?'
'હા'
'ચેતજો.'
'કોનાથી ?'
'લો કરો વાત... આખું ગામ જાણે છે ને તમે નથી જાણતાં ?'
'કહો તો જાણું ને ?'
'કોનાથી તે વૈશાખથી.'
'કેમ ?'
'એના જેવો બદમાશ આખા ગામમાં બીજો કોઈ ન મળે ! પૂછજો સારા માણસોને !'
'કોને ?'
'મુખીને જ પૂછી જોજો ને ! ભરબજારે એણે મુખીનું ધોતિયું ખેંચ્યું હતું કે નહિ ? પૂછી જોજો લાલચંદ શેઠને. દુકાન પર જઇ ત્રણ તમાચા મારી આવ્યો હતો કે નહિ ? પૂછી જોજો તલાટી તોતોરામને, એમના બરડા પર એણે લાત લગાવી હતી કે નહિ ?' 'પણ કેમ ?'
'બદમાશ કોને કહ્યો ?'
'હશે, આપણે શું ?'
'પણ બહેન, તમે રહ્યાં સીધાં-સાદાં. જતાં-આવતાં હેરાન ન કરે, એ જોજો. આવા લબાડ માણસ વિષે કશું જ કહેવાય નહિ !'
હરણાની ઉત્સુકતા વધી ગઈ. સાચે જ વૈશાખ આવો હશે ? તોફાની હશે ? બદમાશ હશે ? લબાડ હશે ? મનનો મેલો હશે ? તપાસ તો કરવા દે.. ત્યારે રીટાયર્ડ આચાર્યએ સાચે સાચી વાત કહી દીધી.
વૈશાખ એવો નથી.
મનનો ચોખ્ખોછે.
તોફાની નથી
લબાડ નથી.
તો આ બધી વાતો ?
ખોટ્ટી છે.
મુખી કાછડીનો છુટ્ટો છે. ખેતરમાં આવતી એક મજુર ઓરત પર એણે બળાત્કાર કરવા પ્રયાસ કર્યો હતો. તલાટી તોતોરામ તો છે જ નાગો. રૂપાળી સ્ત્રીને અંગૂઠો પડાવવા અંદર બોલાવે...ને પછી અડપલાં કરે. ને લાલચંદ શેઠ ? એનું તો ધોતિયું જ ફાટેલું છે. રૂપાળી સ્ત્રી દુકાને આવે એટલે લાળ પાડવા માંડે... ને શરૂ કરી દે અડપલાં ને આવી બધી વાતો વૈશાખના કાને આવે ને આવું કરનારાઓને બોધ પાઠ શીખવાડે એમાં શી નવાઈ !
વૈશાખ તો વૈશાખ છે.
પારકી છઠ્ઠીનો જાગતલ છે.
ગામની બહેન દીકરીના અસ્મતના રક્ષણ માટે મરી ફીટે એવો છે. જોઇ રહે એવો નથી. વૈશાખ કહે છે : 'મારા હાથમાં ત્યારે ઝણઝણાટી શરૂ થઇ જાય છે કે જ્યારે કોઈ નિર્દોષ ઓરતને કોઈ બદમાશ રંજાડે છે... હું જોઈ શક્તો નથી, કે સહન કરી શક્તો નથી...ને મારો હાથ ઉપડી જાય છે. જેને જે કહેવું હોય તે કહે. મારા વિષે ખરાબ બોલે કે મને ગાળ ભાંડે, પણ આ ગામમાં ખોટું થતું તો હું નહિ જોઈ શકું, હા !
- અને એ દિવસે હરણાએ જે જોયું તેથી તો તે વૈશાખ પર ઓળઘોળ થઇ ગઈ. ગામમાં મદારી આવ્યો હતો. મદારીએ ગામથી થોડે દૂર પડાવ નાખ્યો હતો. પડાવમાં એક રૂપાળી મદારણ પણ હતી, જે ક્યારેક નાગિનકા નાચ કરતી હતી. મદારણ ઝુમખી એ બપોરે ગામ તરફ આવતી હતી. નેળિયામાં થઇને આવી રહી હતી ને ત્યાં જ મતાદારનો જુવાન છોકરો નાનજી અચાનક ફૂટયો. વગડાનું એકાંત એકલ દોકલ નેળિયું. પાછળથી આવીને નાનજીએ ઝુમખીને પકડી અને એનાં વસ્ત્રો ખેંચવા લાગ્યો. ઝુમખીએ બૂમ પાડી : 'બચાવો...બચાવો.' ને ત્યાં જ પાછળથી આવીને વૈશાખે એને લાતે લાત ફટકાર્યો. એને મારતો મારતો ગામ વચ્ચે લાવ્યો. ને ઝુમખીના હાથમાં ખાસડું આપતાં : 'ફટકાર આ બદમાશને !'
- ને માનશો ? એ દિવસે બે ઘટનાઓ બની.
- એક તો મતાદારનો છોકરો નાનજી બદનામ થઇ ગયો !
- ને બીજી ? હરણા નામની શિક્ષિકા વૈશાખ પર ઓળઘોળ થઇ ગઈ. એણે વૈશાખનો હાથ પકડી લીધો : 'હાલ્યને વૈશાખ, જીવતરને જોડી દઇએ !'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EVFJdE
ConversionConversion EmoticonEmoticon