પાંચ મિનિટની પ્રાર્થના


ઘે રઘેર ગૃહિણીઓ બેચેન છે. તણાવમાં છે. આખા વર્ષમાં ભક્તિ માટેનો સર્વોત્તમ માસ શ્રાવણ કોરોને કોરો કોરોનાને કારણે વિદાય લઈ જાય એની શ્રધ્ધાળુ, ભક્તિ ભજન ગૃહલક્ષ્મીને કેટલી. આંતરિક વેદના થાય ? એમાંથી જાતજાતની તકલીફ થાય ? મંદિરે જવાનો - મહાદેવનાં દર્શન કરવાનો અનન્ય લહાવો શ્રધ્ધાળુ ગૃહિણીઓને અને ભક્તજન વડીલોને જતો કરવો પડયો. સહુ કોઈ લાચાર - સ્વયમ્ ભગવાન પણ લોકપમાં અમારા ગૃહલક્ષ્મી પણ બેચેન બેચેન હતા. એમની ભક્તિ અને શ્રધ્ધાને વ્યક્ત કરવાની કશી જ તક નહિ ? પુરૂષોની વાત નિરાળી. એ પોતાને બુદ્ધિમાન ગણતા હોય. એમનો અભિપ્રાય ગૃહિણીને બિલકુલ નામંજૂર હોય - 'દર્શન કાંઈ મંદિરમાં જ થાય તેવું થોડું છે. ભગવાન જે મંદિરમાં છે તેમ ઘરના નાનકડા મંદિરમાં ય છે.'

પણ એવી બુદ્ધિગમ્ય દલીલ ગૃહિણીને ગળે કેમ ઉતરે ! શ્રાવણમાં એક દિવસ પણ જો મહાદેવનાં દર્શન કરવા જવાય તો ધનભાગ્ય. એટલો સંતોષ તો મળે. એમના અતિશય આગ્રહથી, ગુસ્સાભરી જીદને કારણે અમે મંદિરમાં છેક અંદર તો નહિ, પણ ચોકથી સહેજ આગળ દુરથી ય મહાદેવનાં દર્શન કરવાનો લહાવો લઈ લેવાનો નિશ્ચય કરીને મંદિરે પહોંચ્યાં.

મંદિરમાં દર્શન તો બંધ જ હતાં, ગર્ભા ગાટ સુધી તો જવાય જ ક્યાંથી, પણ જરાક દુર રહીને ય એમની ઝાંખી થઈ જાય તો ય શ્રાવણ સફળ, પત્નીનો ઉત્સાહ અને એની તાલાવેલી બંને અનન્ય હતા. આપણું તો એવું ગજું જ નહિ. શ્રધ્ધા અને બુદ્ધિ વચ્ચે કેવો મોટો તફાવત છે. શ્રધ્ધા ભક્તિને પ્રેરે, બુદ્ધિ ભ્રમને પેરે અમે ચોકમાં ચંપલ ઉતાર્યા. મંદિરો અને દર્શન બંધ જેવા જ હતા એટલે અવર જવર પણ ખાસ નહોતી.

અમારી ગૃહલક્ષ્મીની જેમ કેટલીક આધેડ અને વૃદ્ધ મહિલાઓ દૂરથી ભગવાન શંકરની ઝાંખી કરી લેતી હતી. અમે શક્ય તેટલા મંદિરની અંદર પહોંચ્યાં. માત્ર ભક્તિભીની પત્ની બે હાથ જોડી નતમસ્તકે ભગવાનને પ્રત્યક્ષ કરવાનો પ્રયત્ન કરી રહી હતી.

મારું ધ્યાન ભક્તિમાં નહિ તેટલું આજુબાજુનો માહોલ જોવામાં હતું. પત્નીને ભક્તિમાં તલ્લીન જોઈને મેં ય મહાદેવનાં દર્શન માટે હાથ જોડયા. મનમાં હર હર મહાદેવ કે જયદેવ બોલું - જરાક ધ્યાનમાં રહું ત્યાં કોઈ બોલ્યું, 'તારા ચંપલ કોઈ લઈ ના જાય. એકદમ મહાદેવના સ્થાને ચંપલ મનમાં પેસી ગઈ.'

મેં ફરી મહાદેવ પ્રત્યે એકાગ્ર થઇને ધ્યાન ધર્યા. ત્યાં ધ્યાન પત્ની તરફ ગયું એને એકાગ્ર જોતાં ફરી ધ્યાન ભંગ થયો.

વળી પાછા મહાદેવની ક્ષમા યાચના કરીને આંખો મીંચી પરાણે ચિત્તને એકાગ્ર કર્યું. જરાક મન સ્થિર થયું ત્યાં કોઇ ભક્તિઘેલી મહિલાનો મોટેથી મહાદેવને આરાધવાનો અવાજ સાંભળી.. આંખો ખુલી ગઇ. બાજુમાં નજર પડી તો પત્ની દર્શન કરીને નીકળી ગઇ હતી. મેં ય મહાદેવને જેમ તેમ જેવી તેવી પ્રાર્થનાથી પતાવીને બહારગામ ગતિ કરી. બહાર પત્ની બેબાકળી ઊભી હતી. મને જોઇને ગભરાટથી કહે - 'તમારાં ચંપલ ક્યાં ગયાં ?'

'ચંપલ ?' હું ય ચમકી ગયો. પત્ની એનાં ચંપલ પહેરીને ઊભી હતી.

મને જરા ગુસ્સાથી પૂછવા માંડી : 'તમે તમારાં ચંપલ ક્યાં મૂક્યાં હતાં.'

મેં ગભરાટથી કહ્યું : 'ચંપલ મોંઘા અને નવાં હતાં એટલે બાજુમાં એક ટોપલો પડયો હતો તેની નીચે મૂક્યાં હતાં !'

પત્નીએ અને મેં બરાબર નજર કરી તો ટોપલો ઇધર ઉધર થઇ ગયો હતો અને એક ચંપલ સમખાવા પૂરતું પડયું હતું. બીજું ચંપલ કોઇ કૂતરો એના આસ્વાદ માટે તાણી ગયો હતો. પત્નીનો રોષ ભભૂકી ઊઠયો. પણ એ નિષ્ફળ રહ્યો.

મારી પાંચ મિનિટની પ્રાર્થનાએ મહાદેવને જરૂર કોપાયમાન કર્યા હશે.

મારી દંભીભક્તિનું ફળ મને તત્કાળ મળી ગયું.

આંખો બંધ, બે હાથ જોડેલા અને મન ચંપલમાં..!! એનું ફળ કેવું હોય !



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QKpF0r
Previous
Next Post »