''મારું મગજ ધીમેધીમે નીચે ઉતરી રહ્યું છે!''


લે ખનું શીર્ષક વાંચીને આશ્ચર્ય થશે, કારણ કે મગજ ક્યારેય નીચે ઉતરી શકે ખરૂં ? પરંતુ આવા અનેક પ્રકારના વિચિત્ર વિચારો વ્યક્તિના મગજમાં આવ્યા કરતાં હોય છે. આ પ્રકારના વિચારો સ્વાભાવિક છે કે સ્વસ્થ મનના વ્યક્તિને તો આવે જ નહિ. તો કોણે આવા વિચારો આવતા હશે - નીચે દર્શાવેલ સંવાદો જોઇએ.

'ક્યારેક એવું લાગે છે કે મારૂં મગજ ખરેખર મારૂં છે જ નહિ.'

'મારા મગજમાંથી વિચારો ગાયબ થઇ ગયા છે. કોઇક વ્યક્તિ મારા વિચારો ચોરી ગયા છે.'

'હું જે કાંઇ વિચારૂં તરત જ તેનું ટેલીકાસ્ટ થઇ જાય છે - અને ટી.વી.માં જોઇ શકાય છે.'

'મારૂં મગજ ખુબજ નાનું થઇ ગયેલ છે - સંકોચાઇ ગયું છે.'

આવા સંવાદો વાંચીને તરત જ એવા વિચારો આવે કે ખરેખર આવું થઇ શકે ખરૂં ?

વાચકમિત્રો, માનસીક બિમારીમાં એક બિમારી એવી છે કે જેમાં વ્યક્તિને ખુબજ હાસ્યાસ્પદ લાગે એવા જ વિચારો આવે છે. અન્યને હાસ્યાસ્પદ લાગતા વિચારો હકિકતમાં જે વ્યક્તિને આવતાં હોય તેને સાચા જ લાગે છે. ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં પણ તે વ્યક્તિ માનતી જ હોતી નથી કે તેના વિચારો કાલ્પનિક છે.

આવા પ્રકારના વિચિત્ર વિચારો આવવાંની સાથે સાથે વ્યક્તિ માનવા તૈયાર પણ નથી હોતી કે તે એક પ્રકારની માનસિક બીમારીથી પીડાય છે.

પરિણામે આવી વ્યક્તિઓની સારવાર કરાવવી અને કરવી બંને મુશ્કેલ થઇ જાય છે. દર્દીના કુટુંબીજનોને ખબર હોય છે કે તેને બીમારી છે. પરંતુ દર્દી માનવા તૈયાર હોતો નથી કે તેને સારવારની જરૂર છે.

આ પ્રકારની બીમારીને સીઝોફ્રેનિયા કહેવામાં આવે છે. સીઝોફ્રેનિયા એવી બીમારી છે કે જેમાં દર્દીના વિચારો તદ્દન અવાસ્તિવક અને કાલ્પનિક હોય છે. કોઇપણ નોર્મલ વ્યક્તિને આવા વિચારો આવતાં નથી હોતાં. ક્યારેક તો વિચારો એવા આવે કે જેનાથી ઘરમાં કંકાસ ઉભો થાય, તોફાન થઇ જાય.

દા.ત. પતિને એવું લાગે કે તેની પત્નીને કોઇક વ્યક્તિ સાથે આડા સંબંધો છે. પરિણામે ઘરમાં અકારણ ઝગડા ઉભા થાય છે. કોઇક દર્દીને એવું લાગે કે પડોશીનાં ઘરમાં કેમેરા દ્વારા બધા જ ખબર થઇ જાય છે કે પોતે શું કરે છે. અન્ય કિસ્સાઓમાં વ્યક્તિને એવું લાગે કે બધા તેની વિરૂધ્ધમાં છે. કોઇ તેને મારી નાંખવાં માંગે છે. ખોરાકમાં ઝેર નાખવામાં આવે છે. વગેરે.

આમ દર્દીને આવા પ્રકારના શંકાશીલ વિચારો આવે છે.

આ પ્રકારની માનસીક બિમારીને જેમ ઉપર કહ્યું તેમ સીઝોફ્રેનિયા કહેવામાં આવે છે. આ બીમારીના ઘણા પ્રકારો હોય છે. જેમ કે પેરેનોઇડ, કેટાટોનીયા, વગેરે.

જેમ અન્ય બિમારીઓમાં અમુક બિમારી ગંભીર ગણી શકાય તેવી જ રીતે સીઝોફ્રેનિયા પણ એક ગંભીર બીમારીની કક્ષામાં મુકી શકાય. કારણ કે આ બીમારીમાં દર્દીનો સાથ-સહકાર મળતો નથી. દવા નિયમિત લેવામાં આવતી નથી. દવા ક્યારેક ખુબજ મોડેથી શરૂ કરવામાં આવે છે. શરૂઆતનો સમય મેલી વિદ્યા, ભુત-ભુવા, નડતર, અને અન્ય વિધિઓમાં નિકળી જાય છે.

મનોચિકિત્સામાં સીઝોફ્રેનિયાની સારવાર માટે આધુનિક દવાઓ ખુબજ અસરકારક હોય છે. શક્ય તેટલું જલ્દીથી નિદાન કરીને મનોચિકિત્સકની સલાહ લેવી જોઇએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bk4tYt
Previous
Next Post »