નમોકાર મંત્ર વ્યક્તિને માત્ર પાંખો જ નહીં, આંખો સાથે આખું આકાશ આપે છે

- અહંકાર જાય તો એની પાછળ દૂષણોનું આખું ટોળું ચાલ્યું જાય છે. માણસને પીડતા ષડ્રિપુઓના મૂળમાં અહંકાર છે. જો આ અહંકારને નષ્ટ કરવામાં આવેતો બાકીના બધા આપમેળે નષ્ટ થઈ જાય છે

- મહામંત્ર એને કહેવાય જે સમસ્યાના મૂળમાં જઈને દુ:ખમાત્રની જડ પકડીને એના પર ઘા કરે, માણસને ઉંડી ખાઈમાંથી ઉઠાવીને, સમાજની પાંખો અને આંખો આપી વિરાટ ગગનમાં વિહાર કરતા શીખવે. નમોકાર આ કામ કરે છે આ મહામંત્ર માને છે કે માણસની તમામે તમામ પીડાનું એક માત્ર અને મૂળભૂત કારણ અહંકાર છે. અહંકારના કારણે જીવમાત્ર જન્મોજન્મોથી ભટકે છે ને દુ:ખના દાવાનળ વચ્ચે શેકાય છે. એક અહંકાર જાય તો એની પાછળ દૂષણોનું આખું એક ટોળું ચાલ્યું જાય છે. માણસને પીડતા ષડ્રિપુઓના મૂળમાં અહંકાર છે. જો આ અહંકારને નષ્ટ કરવામાં આવે તો બાકી બધા આપ મેળે જ નષ્ટ થઈ જાય છે


ન મોકાર મંત્ર વ્યક્તિને માત્ર પાંખો જ નહીં, આંખો સાથે આખું આકાશ પણ આપે છે. આ મંત્રને માનનારા, સમજીને - ચાહનારા લોકો સદ્ભાગી છે. ભલે જૈનો એના પર અધિકારની મહોર મારીને 'રામ.. રામ..' માળાની જેમ જિંદગીભર એને જપતા હોય પણ આટલી ઊંચી વાત કોઈ છીછરા ખાબોચિયામાં પુરાઈ ન શકે. સંપ્રદાયની નાનકડી જોળી ફાડીને પૂરી માનવજાત સામે બાંહો પ્રસારીને ઊભો રહી શકે, એવો આ મંત્ર છે. મંત્રના શબ્દોને નહીં એના મર્મને પકડતા આવડવું જોઈએ.

જગતમાં જે કોઈ પણ સ્વયંની શોધમાં નીકળ્યા છે, જેમના હૈયામાં સાચા ધર્મ પ્રત્યે પ્રેમ છે, જેમનું હૃદય મૈત્રી અને પ્રેમથી ભરેલું છે, જે પોતાને वसुधैव कुटुम्નાबकम्  વારસદાર માને છે તે તમામ માટે આ મંત્ર છે. સંતો પર, સંબુદ્ધ વ્યક્તિ પર કે કરુણાવશ એમણે ઉચ્ચારેલા શબ્દો પર કોઈ એક કોમ, સંપ્રદાય, ધર્મધારા કે કોઈ એક દેશનો હક્ક નથી. એ સૌ કોઈના માટે છે. કેમ કે એ સૌ કોઈના હિતમાં હોય છે. સત્ય સદાથી સાર્વભૌમ છે અને રહેશે. આ નમોકાર મંત્ર પણ જીવમાત્ર માટે, જીવમાત્રને ચાહવાનો આનંદ પોતાનો પણ અનુભવ બને એવું ઇચ્છતા તમામ માટે છે.

માણસને ઉપર ઉઠાવવામાં, આંગળી પકડીને છેક શિખર સુધી લઈ જવામાં એણે (આ નમોકાર મંત્રે) સહેજે ય કસર છોડી નથી. મહામંત્ર એને કહેવાય જે સમસ્યાના મૂળમાં જઈને, દુ:ખ માત્રની જડ પકડીને એના પર ઘા કરે. માણસને ઊંડી ખાઈમાંથી ઉઠાડીને, સમજની પાંખો અને આંખો આપી વિરાટ ગગનમાં વિહાર કરતા શીખવે. નમોકાર આ કામ કરે છે. આટલો ઊંચો મંત્ર જે ધર્મધારાની પાસે હોય એ સંકુચિત કેમ રહી શકે ? એણે તો સૌથી પહેલાં પોતે સાર્વભૌમ છે એવી ઘોષણા કરવી જોઈએ. વિશ્વના તમામ ધર્મપ્રેમીઓ, સાધુ-સંતો, સિદ્ધો અને સંબુદ્ધો પ્રત્યે નત મસ્તક થઈને ઉભા રહેવાની શીખ આપતો અને સૌ કોઈ પાસેથી સુવાસ લઈને, સુગંધના સંવાહક બનવાની પ્રેરણા આપતો આ મહામંત્ર મસ્તકને પીડતા તમામ રોગોની અમોઘ ઔષધિ છે.

આ મહામંત્ર માને છે કે, માણસની તમામે તમામ પીડાનું એકમાત્ર અને મૂળભૂત કારણ અહંકાર છે. અહંકારના કારણે જ જીવમાત્ર જન્મોજન્મોથી ભટકે છે અને દુ:ખના દાવાનળ વચ્ચે શેકાય છે. એક અહંકાર જાય તો એની પાછળ દૂષણોનું આખું ટોળું ચાલ્યું જાય છે. માણસને પીડતા ષડ્રિપુઓના મૂળમાં અહંકાર છે. જો આ અહંકારને નષ્ટ કરવામાં આવેતો બાકીના બધા આપમેળે નષ્ટ થઈ જાય છે.

આ નમોકાર મંત્ર વ્યક્તિને અહંશૂન્ય બની નમવાની પ્રેરણા આપે છે. સૌથી પહેલાં એ અરિહંતો અને સિદ્ધો સામે નમવાની વાત કરે છે. હા, પણ અધ્યાત્મનું જગત એટલું રહસ્યપૂર્ણ છે કે આ ચાર કેટેગરીના લોકોમાં જ એ સમાઈ જતું નથી. આથી મંત્રના પ્રણેતા એક ઊંચી ઉડાન લઈને વિશ્વના તમામ સાધુ-સંતો સામે નમવાની સમજને સલાહ આપે છે. સિદ્ધો અને અરિહંતો મૌન પણ હોઈ શકે છે. એટલે આચાર્યો અને ઉપાધ્યાયોની વાત કરી. જે પોતાના જ્ઞાાનને આચરણ અને વાણી દ્વારા વ્યક્ત કરે છે. એમની સામે નમવાની સલાહ આપી અને છેલ્લે ક્યાંય કોઈ બાકી રહી ન જાય એ માટે વિશ્વના તમામ સાધુ-સંતો, સંન્યાસીઓ, ફકીરો, ભિક્ષુઓ અને ઓલિયાઓ સામે નમવાની વાત કરી.

નમન વ્યક્તિની અંતર્યાત્રાને અર્થપૂર્ણ, સફળ અને મંગળમય બનાવે છે. તમારી આખી યાત્રામાં અટકવાનું કે ભટકવાનું થતું નથી. નમનના ભાવથી ભરેલી વ્યક્તિ લગભગ પ્રવાહી બની જાય છે. જળ જેમ અવરોધોથી ભરેલા ખડકાળ પ્રદેશને પાર કરીને પણ આગળ વધે છે એમ નમી ગયેલી વ્યક્તિ ક્યાંય પણ અટક્યા વગર આગળ વધી શકે છે. ક્યાંયથી પણ બહાર નીકળવું હોય તો માણસનું માથું સૌથી પહેલા ટકરાતું હોય છે અને માથુ જેટલું બહાર દેખાતું હોય છે એટલું જ નથી હોતું. કેટલાક માણસોનું માથુ પહાડ જેટલું ઉંચું, અક્કડ અને મોટું હોય છે. એમનામાં અહંકારનો કોઈ પાર નથી હોતો. હું તો દેશનો સર્વોચ્ચ નેતા છું. વિશ્વ આખામાં મારું નામ છે, કોઈની પાસે ન હોય એટલું ધન મારી પાસે છે, મારી સુંદરતાનો કોઈ પાર નથી. હું મોટો વક્તા, મોટો લેખક, કલાકાર, સમાજ સેવક કે સંત શિરોમણિ છું. હું કોઈની સામે કેમ નમું ? અને ધર્મની યાત્રામાં આવી 'અક્કડ' સૌથી મોટી બાધા બને છે.

જે એમ માન છે કે, આ વિરાટ બ્રહ્માંડમાં મારું હોવું એક નાનકડા રજકણ કરતાં પણ નાનું છે. એ સાધુ અથવા તો સંત છે. આવા લોકો સીધા અને સરળ હોય છે.અંદરથી એકદમ નમ્ર અને કોમળ હોય છે ક્યાંય પણ ટકરાતા નથી. 'હું કંઈક છું' એવું માનીને ચાલતા નથી. આવા લોકોને આ મહામંત્ર 'સાધુ' કહે છે. જે વાંકાચૂકા નથી વિશેષ પ્રકારનો વેશ પહેરવાથી કે કપાળમાં તિલક- ટીકા લગાવવાથી સાધુ બની જવાતું નથી.

સાધુ એ એક અવસ્થા, એક યાત્રા અને અંદરથી ઉદ્ભવેલી હળવાશ છે. સાધુ ભારેખમ નથી હોતા. એમના મનમાં કોઈ પણ પ્રકારની મોટપ નથી હોતી. અને સાચેસાચ નમવું એ કોઈ સહેલી વાત નથી જે પોતે અંદરથી પરિપૂર્ણ નમી ગયા છે, તે સાધુ છે. આવા સીધા, સરળ, અહંશૂન્ય લોકો જ્યાં ક્યાંય પણ હોય, જે કોઈ ધર્મધારામાં જીવતા કે શ્વસતા હોય, જે કોઈ દેશમાં હોય ત્યાં, તેમની સામે આપણા હૃદયમાં નમસ્કાર, આદર અને શ્રદ્ધાનો ભાવ પ્રગટવો જોઈએ એ આ મંત્રનો સાર છે.

સ્વયં મહાવીરે 'મુનિ'ની, સાધુ કે સંતની પરિભાષા આપી છે તે સમજવા જેવી છે. એમણે અમુક પ્રકારના કપડા પહેરતા, અમુક તમુક પ્રતીક લઈને ફરતા કે ખાસ પ્રકારનું આચરણ ઓઢીને જીવતા લોકોને જ સાધુ કે મુનિ નથી માન્યા. એમણે આવી નાની નાની વસ્તુઓની ચિંતા જ નથી કરી.

મૂળને પકડવાથી જેમ આખું ઝાડ હાથમાં આવી જાય છે તેમ અપ્રમાદ, જાગરૂકતા અને હોશને સાધવાથી નાના મોટા તમામ સદ્ગુણો એની પાછળ આવી જાય છે, આવી ઊંડી સમજના કારણે જ સાધુ કે સંતનું એમણે એક જ લક્ષણ બતાવ્યું : જેમની પાસે સાધુનો વેશ નહી હોય તો પણ ચાલશે તે કોઈ પણ કોમ કે દેશના હશે તો પણ ચાલશે. એવી મહાવીરની સમજ અને સારગ્રાહી દ્રષ્ટિ છે.

મુનિની વ્યાખ્યા આપતા તેમણે કહ્યું છે - असुता मुनि  અર્થાત્ જે જાગરૂક છે, સતત જાગતા રહીને જીવે છે તે મુનિ છે. બેહોશીમાં જે એક પણ ડગલું નથી ભરતા કે એક પણ કામ નથી કરતા તે મુનિ કે સાધુ છે. એ જ રીતે અસાધુ કે સંસારીની પરિભાષા આપતા મહાવીર કહે છે : सुत्ता अमुनि એટલે જે સૂતેલા છે, પ્રમાદમાં જીવે છે, પોતે શું કરી રહ્યા છે તેની પોતાની સમજ કે સૂઝ નથી તે 'અમુનિ' એટલે સંસારી છે. જે સંસારમાં રહે છે, ઘર- પરિવારની વચ્ચે વસે છ તે જે સંસારી નથી, સાધુ વેશમાં હોવા છતાં, આશ્રમ, મઠ કે ઉપાશ્રયમાં રહેતા હોવા છતાં જે સુપ્ત રીતે, બેહોશ બનીને જીવે છે, તે પણ સંસારી છે અને સંસારમાં હોવા છતાં પરિવારની વચ્ચે હોવા છતાં, ધંધો- રોજગાર કરતો હોવા છતાં જે સજાગ છે, પોતે શું કરી રહ્યા છે તેને સમજે અને જાણે છે તથા જે સતત સાક્ષીની જેમ જીવે છે તે સંસારી દેખાતા હોવા છતાં સાધુ છે. અને સાધુ હોવા છતાં જે બેહોશ બનીને અભાન રીતે જીવે છે તે સંસારી છે.

આ રીતે આ મંત્ર આપણને ક્યાંય પણ જે કોઈ પણ સાધુ છે તેની સાથે નમવાની સમજ અને સલાહ આપે છે. (ક્રમશ:)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3h2K5MZ
Previous
Next Post »