
ક લાના સાગરમાં ડૂબકી મારવા માટેના કોઈ નિયમો સમય કે અંતરનાં બંધનો નથી. 'સંસારે મુજ મુગ્ધ ભ્રમણ' કરતાં કરતાં જે મોતી મળ્યાં તેનો આનંદ ગુંજે ભરીને તેનો ગુલાલ ચૌદિશ ઉડાડવાની મોજ કાંઈ ઓર જ છે. કલાકાર, કલારસિક કે કલાવિદના માંહ્યલામાં જ્યાં સુધી ચમકારો ન થાય ત્યાં સુધી સઘળું વ્યર્થ છે અને એકવાર લગની લાગી જાય તો ગુજરાતથી આંધ્રપ્રદેશના મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મંદિરથી શ્રી રામનાથ સ્વામી થિરૂકૉઇલ પહોંચેલો કોઈ રસિક કન્યાકુમારીથી 'હિમસાગર' એક્સપ્રેસ ટ્રેઇન પકડી દેશ અને પ્રકૃતિનાં વૈવિધ્યસભર દર્શન કરતો કરતો ઇકોતેર કલાકે જમ્મુ પહોંચી જાય તો કોઈ નવાઇની વાત નથી.
ચોક્કસ વિષય 'જ્યોતિર્લિંગ મંદિર સ્થાપત્ય'ની આંગળી ઝાલી. જમ્મુ થોડો પોરો ખાઈ, ઉત્તરાખંડ તરફ જવાની હોંશને બરકરાર રાખી, ચાર ધામમાંના એક કેદારનાથ જ્યોતિર્લિંગ મંદિરે અચૂક ધામા નાખે છે...ક ઉત્તરે શિવજીના સરનામા એવા કૈલાશ પર્વતની ખૂબ નજીક આવેલ એ જ્યોતિર્લિંગ ભાવકને બે લાભ આપે : શ્રધ્ધાપૂર્વકની શિવલિંગ સેવા સહિત સ્થાપત્યકલાની સૌંદર્ય જ્યોત અને ભવ્ય, રોમાંચક, અઢળક વ્હાલ કરતી પ્રકૃતિનો વિશાળ ખોળો. પરંપરામાં સમૃધ્ધ અને વિશ્વભરનાં શિવાલયોમાં સૌથી વધુ શક્તિશાળી એવું કેદારનાથ પંચકેદારમાંનું એક નોંધપાત્ર મંદિર છે.
૨૨,૭૬૯ ફિટ ઉંચા કેદારનાથ શિખર વડે શૃંગારિત આ સ્થળ ચૌરાબારી ગ્લેશિયર નજીક છે. એ મૂળમાંથી નીકળતી નદી મંદાકિનીની ખૂબ નજીક ૧૧,૭૫૫ ફિટની ઉંચાઈએ કેદારનાથ (એટલે કે ખેતરોના રાજા) ભક્તોની ભક્તિ ખેતીનાં રસાળ ફળ આપવા બિરાજ્યા છે.
ત્રિનાથ એટલે કેદારનાથ, કાશીવિશ્વનાથ અને બૈદ્યનાથ
આ જ સ્થળે જિલ્લા રૂદ્રપ્રયાગમાં સાતમી-આઠમી સદી પહેલાં શિવજીની જટામાંથી ગંગા ધારા થઇ હતી. હિમાલયના હિમાચ્છાદિત શિખરો વચ્ચે આઠમી સદીમાં પુનર્નિમાણ પામેલા આ મંદિરનો મૂળ ચોક્કસ કાળ મળતો નથી. ઉત્તરાખંડીય વિશિષ્ટ મંદિર શૈલી એટલે કે રેખ-શિખર શૈલીના નિર્માણમાં ગ્રે (ભૂખરા) ખડકાળ પથ્થરોના સ્લૅબ અંદરોઅંદર સાલવેલા છે. ઉપર લોખંઢના ચાપડા ભરાવેલા છે. ભવ્ય એવા કેદાર મંદિરમાં ચૂનો, ઇંટ, સિમેન્ટ જેવો કોઈ સામાન વપરાયો નથી.
નંદીનું વિશાળ શિલ્પ મંદિર બહાર મુલાકાતીઓનું સ્વાગત કરે. મંદિરનો મુખ્ય ભાગ-શિખર, છત્ર, કળશ સહિત મંડપની પાછળના ભાગે આખેઆખું શિખર આકારે ગોઠવાયેલું છે. આગળ ખેંચાયેલા ભાગે જ મુખ્ય પ્રવેશદ્વાર છે. ઘંટ, ઘંટડીઓ સાથેનો દ્વાર અલંકૃત છે. મંદિરના આગળના બિન ઉપર પાર્વતી અને પાંચ પાંડવોની ઝાંખી થાય. મંડપ ફરતે નકશી કોતરણી સહિત પ્રાંગણનાં ત્રિશૂળ, ધ્વજ અને પાછળના સ્થાપત્યમાં પ્લિન્થને અડીને વળાંકદાર પથ્થર ગોઠવણીની રચના છે.
જાણે કે પથ્થરના આડા-ઊભા પડ ! બહાર શિવ શિલ્પ નિરખી અંદર મંદિરમાં પ્રવેશીએ એટલે આગળના ખંડમાં કૃષ્ણ, પાંડવો, દ્રૌપદી, નંદી અને અનેક દેવી-દેવતાઓનાં પૌરાણિક શિલ્પો છે. હજાર વર્ષ ઉપરની ઉંમરના આ મંદિરમાં અંદર ખડક જેવું સ્વરૂપ પૂજાય છે તે વાઇલ્ડ બોર (પાડા)ની પૂંઠ છે જેને ઘીનો લેપ થાય છે કારણ કે પાડાને ઇજા થઈ હતી. આગળનું શરીર નેપાળના કાઠમંડુની ખીણમાં ખાબકેલું. શિવલિંગનો આકાર અનિયમિત છે.
સાડાત્રણ મીટર ઊંચાઈ અને સાડાત્રણ મીટર ઘેરાવા સાથે એ ઊંચું ભાસે છે. આ ભવ્યતાને 'આવજો' કહી, ઉત્તરાખંડ છોડી, ભારત વર્ષના ઉત્તર પ્રદેશના કાશી અથવા બનારસ અથવા વારાણસી તરફ પ્રયાણ કરી અતિ પવિત્ર ગંગા નદીના પશ્ચિમ કાંઠે ઉતરી, વિશ્રામ બાદ મણિકર્ણિકા ઘાટે પહોંચીએ.
કાશી વિશ્વનાથ છે ઉત્તર પ્રદેશનું 'સુવર્ણ મંદિર'
વિશ્વનાથ કે વિશ્વેશ્વરા એટલે દુનિયાના રાજા. ભારતના પ્રમુખ જ્યોતિર્લિંગોમાંનું એક છે આ મંદિર. અનેક ધ્વંસ અને અનેક પુન:નિર્માણ પછી ૧૭૮૦માં રાણી અહલ્યાબાઈ હોલકરે એનો જિર્ણોધ્ધાર કર્યો અને ૧૮૩૫માં રાજા રણજિતસિંહજીએ મંદિરના મસ્તિષ્કને શણગારવા માટે એક ટન સોનું દાનમાં આપેલું. અહીં શક્તિપીઠ પણ છે. મોક્ષપ્રાપ્તિ માટે પ્રસિધ્ધ એવા આ સ્થળે આદિ શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, તુલસીદાસ, સ્વામી દયાનંદ સરસ્વતી અને પ્રમુખસ્વામી મહારાજ સહિત અનેક સંતોએ પધરામણી કરેલી.
આ મંદિરની સ્થાપત્ય શૈલીને અનુસરી ભારતભરમાં એ વિશિષ્ટ મંદિર શૈલીનાં સ્થાપત્યો બન્યાં. નદી પાસેની સાંકડી ગલીમાં આ મુખ્ય મંદિર, ચતુષ્કોણ છે અને અન્ય નાનાં મંદિરોય ખરાં. ચોવીસ ઇંચનું કથ્થઇ શિવલિંગ ચાંદીના થાળામાં છે. ગર્ભગૃહમાં દીવાલ, બારણાં, છતમાં કોતરણી સહિત ચાંદીનાં જાણે કે આવરણો ચડાવ્યાં છે.
અહીં વિષ્ણુ, વિનાયક, શનીશ્વર આદિની મૂર્તિઓ છે. મંદિરમાં નાનો કૂવો-'જ્ઞાાનવાપી' છે જે અલંકૃત અને રંગીન જાળીઓ તથા કમાનોથી શોભે છે. મંદિરનું બાંધકામ ત્રણ ભાગમાં છે : અણીદાર શિખર, સુવર્ણગુંબજ અને સુવર્ણ શિખર જે ૧૫.૫ મીટર ઉંચા છે. ત્રણ અન્ય ગુંબજ પણ શુધ્ધ સોનાનાં બનેલાં છે. સભાગૃહમાં પથ્થરનાં સ્તંભ કોતરણી નકશીકામયુક્ત છે. મંદિરના ચાર દરવાજાના નામ છે : શાંતિ, કલા, પ્રતિષ્ઠા અને નિવૃત્તિ. પરસાળનાં સ્તંભો અને કમાનો સહિતના દ્વારો પર નકશી અને નક્શીદાર કુંભીઓ ધ્યાનાર્હ છે.
મંદિર શિખરો સહિત અત્યંત કલાત્મક કુંભ, કળશ, ફૂલ, વેલ, બુટ્ટા, ફૂલદાની, કળી, પાન, વલ્લરીથી શોભાયમાન છે. શિખરો ઉપર શિખરોની શૃંખલા, આમળિયા ભાત, કાંગરા વચ્ચે મોટો ગુંબજ શિખરોના મેળા જેવું વિરલ દ્રશ્ય ઉભું કરે છે. હવે, ઉત્તર પ્રદેશથી હેઠા ઉતરી ઝારખંડે શ્રી બૈદ્યનાથ પ્રતિ ગતિ.
બૈદ્યનાથ જ્યોતિર્લિંગના ત્રણ દાવેદારો : હિમાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢ
અરિદ્રા નક્ષત્રમાં શિવે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપ ધારણ કર્યાનું કહેવાય છે
જ્યોતિર્લિંગ સ્તોત્ર મુજબ 'પરલી' મહારાષ્ટ્રને મહત્ત્વ મળે છે જ્યાં નાગર શૈલીનું પારંપરિક મંદિર છે. હિમાચલ પ્રદેશમાં ધર્મશાળા પાસે પ્રાચીન સ્થાપત્યવાળું મંડપ અને સ્તંભો સહિત, શિલાલેખોથી શોભતું પથ્થરનું મંદિર છે જેમાં લાકડાના નકશીદાર બારણાં પર દેવી-દેવતાઓ આશિષ વરસાવે છે. પરંતુ છત્તીસગઢના દેવઘર સ્થિત બાબા બૈદ્યનાથ ધામ સાંથાલ પરગણામાં પ્રમાણિત થયું છે. મોટાએ સંકુલમાં અન્ય એકવીસ મંદિરો પણ છે.
શિલાલેખ મુજબ રાવણે અહીં શીર્ષ ધરાવેલા તેથી ઘાયલ થયેલા. સ્વયમ્ શિવજીએ તેમને વૈદ્ય બની ઉગારી, દવા કરેલી તેથી એ બૈદ્યનાથ કહેવાયું. પ્રતિવર્ષ અહીં બિહારથી આરંભાયેલી ગંગાજળની કાવડ યાત્રા પહોંચી અભિષેક કરે છે. 'ચિદાભૂમિ' દેવઘરનું પ્રાચીન નામ છે જે 'ચિતાભૂમિ' સૂચવે છે. અરિદ્રા નક્ષત્રમાં શિવે અહીં જ્યોતિર્લિંગ સ્વરૂપ ધારણ કર્યાનું કહેવાય છે.
સતીનું હૃદય અહીં પડવાથી આ એક શક્તીપીઠ પણ છે. પ્રસ્તુત મંદિર સફેદ રંગનું છે જે પિરામિડ આકારનું છે. નીચે મંડપ કમાનોવાળું વિશાળ છે જેનું સાદું શિખર શંકુ આકારનું છે. વચ્ચે વચ્ચે આંકા પાડયા હોય એવી ઉપસેલી ભાત છે જેની ઉપર ત્રિશૂલને બદલે રાવણને પ્રિય પંચશૂલ છે. પાંચ વિકારો અને પંચતત્ત્વની એ યાદ અપાવે છે. બેઠા ઘાટના નાના શિવલિંગમાં શક્તિ અપાર છે. ત્રિકૂટ પર્વત અને મયુરાક્ષી નદીના સાન્નિધ્યમાં આ શ્રી સ્થળ લોકપ્રિય છે.
લસરકો
પૂર્વોધ્ધારે પ્રજ્વલિક નિધાને; સદાવસંતમ ગિરિજા સમેતમ્ ।
સુરાસુરધીતા પદપદ્મમ્; શ્રી વૈદ્યનાથમ્ તમહમ્ નામમિ ।।
- આદિ શંકરાચાર્યજી
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2GzuS9D
ConversionConversion EmoticonEmoticon