વરસતા વરસાદનાં રૂપો .


વ રસતા વરસાદનાં કેટકેટલાં રૂપો? 'બારે મેઘ ખાંગા' થવા એટલે બાર પ્રકારનાં રૂપો ફોરાં, હેલી, ઝરમર, ઝાપટું સાંબેલાધાર જેવાં... પ્રત્યેક રૂપનું આગવું સૌંદર્ય. વાદળાં જ્યારે વરસાદ ઢોળે છે તે ઘટના જ વિસ્મયભરી છે. એ વરસાદ વેરે છે કે વ્હાલ? વેરે છે કે વ્હેંચે છે? વરસતા વરસાદને નરી નાંખે જોવાની મજા માણી છે? કેટલી ઉંચાઈ સુધી તમારી નજર વરસતા વરસાદની ગતિએ નિહાળી શકે? જ્યાં નજર અટકે તેથી આગળ શું હશે? વરસતો વરસાદ કેવળ જોવાની નહિ માણવાની ઘટના છે. એની અનુભૂતિ કેવો રોમાંચ સર્જે છે? રોમાંચની જેટલી મજા એટલી વરસતા વરસાદની...

વરસાદી પળોમાં તડકાના તાકાનું શું થતું હશે? વરસાદ પંખીના માળા પ્રત્યે કૂણું વર્તન રાખતો હશે ખરો? સૂર્ય જેવો મહાન આગગોળો કેમ ઠરી જતો અનુભવાય છે? કોણ ઠાર છે સૂરજને? એ સૂરજને વરસતા વરસાદમાં છીનવાઈ જતા સામ્રાજ્ય જેવી અનુભૂતિ થતી હશે કે શું? પ્રભાતે વરસાદ પડતો હોય ત્યારે કૂકડા કેમ પોતાનો પ્રભાતી રાગ ધીમો પાડી દેતા હશે? કોયલ ક્યાં જતી હશે? મોરને પીંછાંનો ભાર કેટલું પજવતો હશે? બુલબુલ શું વિચારતું હશે? લપાઈ-છુપાઈને બેસી ગયેલા પોપટો, કબૂતરો અને ચકલીઓના ઉપવાસ કોણ છોડાવતું હશે? પંખીડાંને કણ વરસતા વરસાદમાં ક્યાંથી મળે? - ભુંડી ભૂખમાં એ પારેવાંની આંતરડી શું કહેતી હશે? કીડી, ઉંદર, મંકોડા, વીંછી, સાપ વગેરેનાં રહેઠાણો માટીમાં જ હોય છે અને વરસતા વરસાદમાં એ બધાં દર તો પુરાઈ જતાં હોય છે ત્યારે એ બધા જીવોનું શું થતું હશે? જેનું ઘર મેઘ પુરી કાઢે અથવા પાડી નાખે તે જંતુઓ નુકસાનીનો દાવો કોની ઉપર કેવી રીતે માંડતાં હશે? ઘર વગરનાં થઇ જતાં હશે કે મેઘ તરફથી કોઈ નવી વ્યવસ્થા થઇ હશે? વરસતા વરસાદને હથેળીમાં ઝીલવાથી તેની સ્પર્શાનુભૂતિ દ્રશ્યાનુભૂતિ અને હોઠે લગાડવાથી સ્વાદાનુભૂતિ થાય છે.

એ રોમાંચ મેળવવા જેવો છે. વરસાદનું પાણી વાદળોમાં કેવી રીતે સમાતું હશે? વાદળો વરસાદનું ઘર છે કે વાદળાં જ વરસાદ છે? વરસતા વરસાદમાં ઝાડ, પાન, ડાળ, ફળ, ફૂલ, તૃણ બધું જ ભીંજાય છે ત્યારે, પૃથ્વી ભીંજાય છે ત્યારે, પ્રાણીઓ ભીંજાય છે ત્યારે, પક્ષીઓ ભીંજાય છે ત્યારે તેમના કોઇના માથે છત્રી હોતી નથી કે નથી હોતો એમની પાસે રેઇનકોટ તેમ છતાં તેના ભીંજાવાનું કેટલું આહ્લાદક!! વરસતા વરસાદમાં ભીંજાતાં વાંદરાં જોયાં છે? કોરું શોધી કાઢે પણ ના મળે તો ઝાડ પર મેઘને ઝીલે!! ગાય પાંપણો મીંચીને વરસાદને માણે ભેંસ વાગોળે - વરસાદ પડતો રહે - પીઠ ઉપર - પ્રેમપૂર્વક ઝીલે... વરસતો વરસાદ એવો સ્નેહ વરસાવે છે કે પશુઓ અને પ્રાણીઓને ભૂખ લાગતી નથી પેલો સ્નેહ એમની ભૂખને ઠારે છે : કોઈ પ્રકૃતિના તત્ત્વએ ક્યારેય વરસાદનો વિરોધ કર્યો નથી.

વૃક્ષો વરસાદને બોલાવે છે ક્યારેક વરસાદ તેમને ડોલાવે છે ક્યારેક વરસાદના અતિસ્નેહમાં એ વૃક્ષો મૂળ સમેત તણાવા પણ માંડે છે - કેવો રાગાવેગ! કોઈ વરસાદી ટીંપાનો અવાજ વૃક્ષના પાંદડા ઉપર, નળિયા 

ઉપર પતરાં ઉપર, ભેંસની પીઠ ઉપર કે કોઈ કન્યાના ગાલ ઉપર પડતો સાંભળ્યો છે? ત્યારે વરસાદ કાવ્યની પંક્તિઓ લખે છે - તમારે એ ગાવી જોઇએ - સાંભળવી જોઇએ. વરસાદનો આનંદ વૃક્ષો જ નહિ, મયૂર પણ મલકાર અનુભવે છે.

ધરતી ઉપર મલકાટ થાય છે એ મલકાટ વરસતા વરસાદમાંથી ઉતરી આવે છે. વરસતો વરસાદ ઇશ્વરની કૃપા સ્વરૂપે હોય છે તમે કોઈ કોલેજ કન્યાને વરસાદમાં જતી જોઈ છે? વરસાદ એ કન્યાના કાનમાં પોતાના પૂર્વપ્રેમની વાતો કરતો હોય એવી અનુભૂતિ આપણને દ્રશ્યમાન થાય. વરસાદમાં ભીંજાતા પદાર્થોમાં ક્ષણેક્ષણે રોમાંચની માત્રાઓની વધઘટ થતી રહે છે.

તેનું માપ તમે ક્યારેય કાઢ્યું છે? વરસાદ એ તો પૃથ્વીનો પ્રેમી છે - લાગણીનો પર્યાય છે. વરસતા વરસાદમાં પવનની ઘેલછા નિહાળી છે? વરસતા વરસાદમાં પવન થંભી જતો નથી - વરસાદને નિહાળે છે પ્રાણીઓની પાંપણો ઢળી જાય છે. ડુંગરા-પર્વતો સ્નાન કરી ધ્યાનસ્થ થઇ જાય છે. પ્રકૃતિનો સ્વીકાર-સ્વીકાર થઇ રહે છે. કોઈપણ સ્વરૂપે વરસતો વરસાદ એના અપ્રતિમ સૌંદર્યનો બોધ કરાવે છે. વરસાદ ક્યારેય વયસ્ક થતો નથી. એને યૌવનના આશિષ મળેલા છે.

વરસતા વરસાદમાં કેટકેટલાં પ્રાણીઓ ગેલ કરે છે. બાળક નિર્વસ્ત્ર થઇ નાહવા દોડે છે. કૃષિકોના જીવમાં જીવ આવે છે. ધરતી પ્રિયતમને મળ્યાનો અહેસાસ અનુભવે છે. પંખીઓ અને પ્રાણીઓ વરસાદનો આનંદ પાંખમાં અને આંખમાં ભરે છે... કવિ કાલિદાસે મેઘદૂત લખીને વરસતા વરસાદની કવિતા લખી છે. નદીનાળા, પર્વત, નહેર, ડુંગર વગરેે છલછલ થાય છે. રસ્તા હરખાય છે. વરસાદ છલકાય છે. હરખાય છે. એકબીજાનાં પર્યાયવાચી ક્રિયાપદો બની જાય છે. ખેતરો ધરવ અનુભવે છે - ખેડૂતો રાજીપો. મોરલા ગાય ને સૃષ્ટિ ન્હાય. આનંદ જ આનંદ છવાય.

વરસતો વરસાદ નટખટ કહાન જેવો. અષાઢમાં આવે ત્યારે ગોકુળ જેવો અને શ્રાવણ-ભાદરવામાં વળી પાછો વનરાવન જેવો અને ભાદરવામાં કાલિન્દ્રી-જેવો છલકાય. વરસાદ પૃથ્વીનો એવો પ્રેમી છે કે પૃથ્વીનું પૂરુ એ કરે છે અને સંસારનું પૂરુ પૃથ્વી કરે છે. સુગંધની વરસા થાય છે.

વરસતો વરસાદ કેવળ જળ વરસાવતો નથી, ગંધ-દ્રશ્ય સ્પર્શ અને સ્વાદ પણ વરસાવે છે. વરસાદને લય હોય છે એ લયમાંથી સર્જન થાય છે. જેને આપણે ખેતી અને વનસ્પતિને નામે ઓળખીએ છીએ. વરસાદ એ પૃથ્વી ઉપરની અમર કવિતા છે... આપણે એને માણીએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QVQfUz
Previous
Next Post »