પરિપકવતા એટલે જડતા કે મૃદુતા?


અં ગ્રેજીમાં જેને 'મિથ' કહી શકાય એવી અનેક ભ્રમણાઓ આપણાં ચિત્તમાં ઘર કરી ગઈ છે. આવી, આપણી અનુકૂળતા મુજબ આપણે સ્વીકારી લીધેલી ભ્રમણા 'પરિપકવતા' બાબતની છે. પરિપકવતા કોને કહેવી ? વ્યક્તિ ગેંડા જેવી જાડી ચામડીનો, સંવેદન-વિહીન, જડસૂ બની જાય કે તીવ્રપણે જાગૃત, મૃદુ અને સંવેદનશીલ બની જાય તે રૂપાન્તર ને પરિપકવતા કહેવી ?

વ્યક્તિને માનવ તરીકે જન્મ મળે એટલે પરમેશ્વર તરફથી એક બહુ જ વિશિષ્ટ, આગવી બક્ષિસ મળે છે : વિવેકશક્તિની. માત્ર સંવેદના તો પશુઓને પણ હોય છે, મનુષ્યને સંવેદના સાથે વિવેકશક્તિ પણ મળેલી છે. જીવન-વિકાસ દરમ્યાન વ્યક્તિ સંવેદના અને વિવેકનો વિનિયોગ કરતો રહે, પછી વ્યક્તિના પ્રકાર મુજબ, આગળ જતાં, એની સંવેદનક્ષમતા તીવ્રતર અને જાગૃત બને છે, અથવા બૂઠી અને જડસૂ બની જાય છે.

પ્રશ્ન એ છે કે નૈસર્ગિક ઉત્ક્રાન્તિના ધર્મ અનુસાર વ્યક્તિત્વ-વિકાસનાં ઉચ્ચતર સોપાને માણસ જાડી ચામડીનો હોવો જોઇએ કે ખૂબ સંવેદન-ક્ષમ હોવો જોઇએ ?

વ્યક્તિત્વનો વિકાસ કોને કહેશું ?

કાળજાંના કટકા સમી વહાલસોયી દીકરી પહેલીવાર સાસરે જતી હોય, ને ગળે ડૂમો ભરાઈ આવે એવી સંવેદનશીલતાને, કે કશી જ લાગણી ન થાય એવી જડતાને ? ઘટાટોપ, કાળાં વાદળો વચ્ચેથી શ્વેતપક્ષીઓની હારમાળા ઊડી જતી હોય ત્યારે નજરપડતાંવેંત રોમાંચિત થઇ ઉઠીએ એ વિકસિત અને પરિપકવ વ્યક્તિત્વની નિશાની છે કે કશો જ પ્રતિભાવ ન ઉઠે એ સાચી પરિપકવતા છે ? નર્યા દંભ અને અન્યાય સામે કલમ ઉઠાવવાનું મન ન થાય એ પરિપકવતા છે કે હૈયાંનો ખળભળાટ લેખનમાં પ્રગટયા વિના ન રહે એ પરિપકવતા ?

અહીં જડસંવેદનશૂન્યતા અને ગીતાભાખી સ્થિતપ્રજ્ઞાતાની ભેળસેળ કરીએ તે ન ચાલે. જડતા અને સ્થિતપ્રજ્ઞાતા વચ્ચેની ભેદરેખા બહુ જ પાતળી છે, છતાં જબરદસ્ત ભેદ છે. ગીતાભાખી વિરલ સ્થિતપ્રજ્ઞાતાતો આધ્યાત્મિક ઉન્નતિની પરાકાષ્ઠાએ પ્રગટતી હોય છે. તમે કાદવમાં જડસૂ જેમ પડેલી ભેંસને કે બાજૂનાં ઘરમાં કોઈ એકાકી વ્યક્તિ દાઝી રહી હોય ત્યારે ટી.વી.ના સમાચાર માણી રહેલી વ્યક્તિને સ્થિતપ્રજ્ઞા ન જ કહી શકો.

ફળ પાકીને કોમળ બને, ચંદન ઘસાઈને સુંવાળું બને, સખત ચામડું સુંદર કલાકૃતિનું રૂપ ધારણ કરવા પહેલાં કમાઈ કમાઈને મૃદુ બને, એમ માણસ જીંદગીના અનુભવોથી ઘડાય, સુખદુ:ખના જોરાવર સપાટા વડે ઘસાય પછી કોમળ અને તીવ્રપણે સંવેદનશીલ બનવો જોઇએ. વિવેકશક્તિની સજગતા એને સંવેદનસભર વ્યક્તિમાંથી વેવલો બનતાં રોકી શકે.

આધ્યાત્મિક અનુભૂતિની પરાકાષ્ઠાએ પહોંચેલા સ્થિતપ્રજ્ઞાતાનાં ઉદાહરણ સમા શ્રી રામકૃષ્ણે અન્યને વાંસે પડેલા ચાબખાના સોળ પોતાના વાંસામાં અનુભવેલા.

સંવેદનશૂન્ય અને જાડી ચામડીના હોવું એને પરિપકવતાનું શિખર માનવાની 'ફેશન'માં નિસર્ગની અપેક્ષા કાંક બીજું જ સૂચવે છે. વ્યક્તિત્વના નૈસર્ગિક વિકાસની નિશાની મૃદુતા છે, જડતા નહીં.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gXzEdH
Previous
Next Post »