ગ્રેહાઉન્ડ : મધદરિયે મરણિયો જંગ

- અનુભવી કલાકાર ટોમ હેન્ક્સે નૌકા કમાન્ડર તરીકેની જવાબદારી બરાબર અદા કરી છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ હેન્ક્સે જ લખ્યો છે. 

- ડિરેક્ટર : એરોન સ્નેઈડર કલાકાર : ટોમ હેન્ક્સ, સ્ટીફન ગ્રેહામ રિલિઝ : જુલાઈ, 2020 લંબાઈ : 91 મિનિટ

- કોરોનાકાળમાં આવેલી આ ફિલ્મને ઓનલાઈન રિલિઝ કરવી પડી હતી. બીજું વિશ્વયુદ્ધ અને મધદરિયાના જંગમાં જેમને રસ હોય એમના માટે આ ફિલ્મ કામની છે.


બી જા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ ઝંપલાવ્યું પણ યુદ્ધનો મોરચો તો એટલાન્ટિક મહાસાગરની પેલે પાર યુરોપમાં હતો. અમેરિકા તરફથી જરૂરી સામગ્રીનો પુરવઠો યુરોપના કાંઠે પહોંચતો રહે એ જરૂરી હતું. એ માટે રવાના થતા પુરવઠા જહાજોના રક્ષણ માટે નૈકાજહાજો પણ મોકલવામાં આવતા હતા.

એ નૌકાજહાજોના રક્ષણ કાજે વળી આકાશમાં વિમાનો પહેરો ભરતા રહેતા. કેમ કે પુરવઠાની લાઈન કપાય તો યુરોપમાં અમેરિકા અને તેના સાથી દેશોની હાર નક્કી જ હતી. અને જર્મનીનું એ જ આયોજન હતું. એટલાન્ટિક પાર કરી રહેલા પુરવઠા જહાજોને રસ્તામાં જ ડૂબાડી દેવા...

ફેબુ્રઆરી ૧૯૪૨માં ૩૭ અમેરિકી જહાજોનો કાફલો અમેરિકાથી બ્રિટનના લિવરપૂલ જવા રવાના થયો. એ કાફલાના રક્ષણ માટે અમેરિકા, કેનેડા, બ્રિટન અને કેનેડાના એક એક એમ ચાર યુદ્ધજહાજો પણ સાથે રખોપિયા તરીકે જોડાયા હતા. એ ચારેય જહાજની આગેવાની અમેરિકી જહાજ 'યુએસએસ કીલિંગ'ને સોંપાઈ હતી, જેની કોલસાઈન 'ગ્રેહાઉન્ડ' હતી. ગ્રેહાઉન્ડનો કમાન્ડર કેપ્ટન અર્નેસ્ટ ક્રૂઝ છેવટે એ બધા જહાજોના રક્ષણ માટે જવાબદાર હતો. 

રવાના થતાં જહાજોને થોડે દૂર સુધી અમેરિકી વિમાનો રક્ષણ આપી શકતા હતા. એ પછી રેન્જની મર્યાદાને કારણે વિમાનોએ પરત ફરવું પડતું હતું. સામે પક્ષે યુરોપનો કાંઠો આવે ત્યારે પણ વિમાની રક્ષણ મળતું હતું. વચ્ચે થોડી સફર એવી આવતી હતી જ્યાં જહાજોને આકાશી રક્ષણ મળી શકતું ન હતું. ઉત્તર એટલાન્ટિકનો એ વિસ્તાર 'બ્લેક પિટ' તરીકે ઓળખાતો હતો. એ વિસ્તારમાં જર્મનો હુમલો કરે તો ભારે પડે. આકાશી ઓથ વગરના વિસ્તારમાં ૫૦ કલાકની સફર કરવાની હતી. 

૪૧ જહાજો એટલાન્ટિકના ઉછાળા મારતા પાણી પર સહેલ કરી રહ્યાં હતાં ત્યારે પેટાળમાં ચહલ-પહલ શરૂ થઈ. એ ચહલ-પહલ જર્મન યુ-બોટ એટલે કે સબમરિનોની હતી. બ્લેક-પિટમાં જહાજોને સૌથી મોટો ખતરો સબમરિનોનો હતો અને સબમરિનોને ખતમ કરવાનું કામ સૌથી વધુ અસરકારક રીતે વિમાનોમાંથી પડતાં બોમ્બ કરી શકતા હતા. એ અહીં હતા નહીં. સમય પારખીને સબમરિનો સક્રિય થઈ. 

એક સબમરિનની જાણકારી મળી એટલે ગ્રેહાઉન્ડ તેના તરફ પહોંચ્યુ, સામ-સામી લડાઈ થઈ અને સબમરિન ડુબાડી દીધી. નૌકાદળમાં કેપ્ટન અર્નેસ્ટની કામગીરી તો ઘણા વર્ષોની હતી, પણ એટલાન્ટિક પાર કરવાની તેમની પ્રથમ સફર હતી. એમાં જ જર્મન સબમરિન ડુબાડી દીધી એટલે આનંદ છવાયો. જોકે આનંદ લાંબો સમય ટકી ન શક્યો. કેમ કે વધુ એક સબમરિન નજીક આવી રહી હોવાની માહિતી મળી. એ સબમરિનને ઠેકાણે પાડે એ પહેલા તેમાંથી ટોર્પીડો રવાના થયો.. ગ્રેહાઉન્ડ તરફ આગળ વધી રહેલા ટોર્પીડોથી માંડ બચી શકાયું. 

થોડી વારે મેસેજ આવવા લાગ્યા કે ફલાણા પુરવઠા જહાજ પર ટોર્પીડો પ્રહાર થયો, બ્રિટનના જહાજે સબમરિન જોઈ, કેનેડાના જહાજની નજીક પણ એક યુ-બોટ છે... તેના પરથી એ વાત સ્પષ્ટ થઈ કે સબમરિન માત્ર એક-બે ન હતી, કુલ છ હતી અને બધી મળીને બધી બાજુથી પ્રહાર કરી રહી હતી. બધા જહાજો બધી સબમરિનોથી બચી શકે એવુ શક્ય ન હતું. સબમરિનો થોડી વાર નજીક આવતી, થોડી વાર દૂર જતી, થોડી વાર ઉપર દેખાતી, થોડી વાર ડૂબકી મારતી હતી. 

સફર આગળ ચાલી, રાત પડી. એ સાથે જ સબમરિનોએ વધુ એક પ્રહાર ચાલુ કર્યો. થોડી વારમાં પાંચેક પુરવઠા જહાજોને ઘાયલ કરી દીધા, કેટલાક ડુબી ગયા, કેટલાકના નાવિકોને બીજા જહાજો પર બચાવી લેવાયા. પરંતુ હુમલો કરવાની જર્મન સબમરિનોની સ્ટ્રેટેજી સફળ થઈ રહી હતી. કેપ્ટન અર્નેસ્ટ માટે પળેપળ કસોટીની હતી. સવા શેર સુંઠ ખાધેલી એમ જર્મન સબમરિને તો ગ્રેહાઉન્ડનો સંપર્ક કરી કેપ્ટન અર્નેસ્ટને ધમકી આપી કે ધીરા ખમો... તમને બધાને આજે તો એટલાન્ટિકમાં જ જળસમાધિ આપવાની છે.

સબમરિનને ડુબાડવા માટે સૌથી સારું હથિયાર જળગોળા (ડેપ્થ ચાર્જ) હતા, જે પાણીમાં ફેંકી શરૂઆતમાં જ એક જર્મન સબમરિન ડુબાડી હતી. પણ હવે જળગોળાનો પુરવઠો પણ ન હતો. એ મુશ્કેલી ઓછી હોય એ ગ્રેહાઉન્ડ પર જ ટોર્પીડો પ્રહાર થયો અને ૩ નાવિકો મૃત્યુ પામ્યા. મધદરિયે જ તેમની અંતિમવિધિ કરવામાં આવી.

જર્મન સબમરિનોથી હાજરી ગુપ્ત રહી શકે એટલા માટે ઈંગ્લેન્ડના કાંઠા સાથેનો રેડિયો સંપર્ક બંધ રખાયો હતો. પણ હવે અર્નેસ્ટે સંપર્ક કરવાનો નિર્ણય લીધો અને એક જ શબ્દનો સંદેશો મોકલ્યો : 'હેલ્પ'. સમય પસાર થઈ રહ્યો હતો અને હવે થોડી કલાકો પછી કાફલો બ્લેક પિટની બહાર નીકળી શકે એમ હતો.

એ પછી બ્રિટિશ હવાઈ જહાજો આવી પહોંચે તો સબમરિનોને મુશ્કેલી થાય. માટે સબમરિનોએ છેલ્લો નિર્ણાયક હુમલો શરૂ કર્યો. સામે ગ્રેહાઉન્ડે પણ આક્રમકતા દાખવી આગેવાની લઈ રહેલી જર્મન સબમરિન તોડી પાડી. એ જંગ ચાલી રહ્યો હતો ત્યાં બ્રિટિશ વાયુસેનાના વિમાનો પણ આવી ગયા, એટલે બાકી બચેલી સબમરિનોએ ભાગવા સિવાય વિકલ્પ રહ્યો નહીં. પચાસ કલાક ચાલેલી કસોટી પૂરી થઈ. 

સી.એસ.ફોસ્ટરની ૧૯૫૫માં આવેલી નવલકથા 'ધ ગૂડ શેફર્ડ' પરથી આ ફિલ્મ બની છે (હોલિવૂડ ફિલ્મ ધ ગૂડ શેફર્ડ સાથે લેવાદેવા નથી). કોરોનાકાળમાં આવેલી આ ફિલ્મને ઓનલાઈન રિલિઝ કરવી પડી હતી. અનુભવી કલાકાર ટોમ હેન્ક્સે નૌકા કમાન્ડર તરીકેની જવાબદારી બરાબર અદા કરી છે. ફિલ્મનો સ્ક્રીન પ્લે પણ હેન્ક્સે જ લખ્યો છે. બીજું વિશ્વયુદ્ધ અને મધદરિયાના જંગમાં જેમને રસ હોય એમના માટે આ ફિલ્મ કામની છે.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3jKVxhX
Previous
Next Post »