
ગુજરાતીમાં એક જૂની કહેવત છે કે નવરા બેઠાં નખ્ખોદ વાળે. પ્રવૃત્તિ વિનાનો માનવી જો ક્રિયેટિવ ન હોય તો જરૂર કાંઈક બગાડીને રહે. દેશવ્યાપી તાળાબંધી (લોકડાઉન) દરમિયાન બધાએ ઘરે બેસવાનો વારો આવ્યો. એના આપણા ફિલ્મસ્ટારોએ પેઇન્ટિંગ્સ દોરવામાં બિઝી રહીને સારો સદુપયોગ કર્યો છે.
આમ તો, થોડા અરસા પહેલાં સલમાન ખાને પોતે દોરેલા પેઇન્ટિંગ્સનું લિલામ કરી એમાંથી ઉપજેલા નાણાં સખાવતમાં આપ્યા ત્યારથી બોલીવૂડમાં બધાને એકાએક ચિત્રકાર બનવાના હેવા જાગ્યા હતા. એમાંના મોટા ભાગના દેખાદેખીથી હાથમાં બ્રશ લેવા પ્રેરાયા હતા, પરંતુ લોકડાઉનમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કેટલાકે જેન્યુઇન આર્ટિસ્ટ મળ્યા છે. દાખલા તરીકે અર્શદ વારસી. બહુ ઓછા લોકો જાણે છે કે મુન્નાભાઈનો સર્કિટ એક સારો પેઇન્ટર છે.
અર્શદે લાંબા લોકડાઉનનો લાભ લઈ ફરી બ્રશ હાથમાં લીધું અને કેનવાસ પર સુંદર ચિત્રોએ આકાર લીધો. સર્કિટે પોતાના પેઇન્ટિંગ્સ ડોનેટ કરવાને બદલે ઘરની ગેલેરીમાં રાખ્યા છે. પોતાની ક્રિયેટિવિટીની સાક્ષી પુરવા આ ચિત્રો અર્શદ પોતાના નજીકના મિત્રોને ભેટ આપવા માગે છે. 'પહેલા હું બહુ બધા પેઇન્ટિંગ દોરતો પણ પછી અભિનયના વ્યવસાયમાં ટૂંપી જતા હાથમાંથી બ્રશ છૂટી ગયું. હવે લોકડાઉનમાં મેં ફરી મારી જૂની હોબી શરૂ કરી છે અને એનું રિઝલ્ટ પણ સારું આવ્યું છે,' એમ સર્કિટ કહે છે.
સલમાનને પોતાનો મેન્ટર માનતી મૌની રોયે ક્યારેક સ્કેચીસ અને પેઇન્ટિંગ્સની પ્રીત છોડી નથી. દર અમુક દિવસમાં એ એક પેઇન્ટિંગ પૂરું કરી લે છે. હમણાં મૌનીએ પોતાના ડાન્સિંગ મટેના લગાવ પર આધારિત એક બેલેરીના પેઇન્ટિંગ બનાવ્યું છે, જે વખણાયું છે. એમ તો એણે ભગવાન શંકરની ત્રણ પેઇન્ટિંગની એક સિરીઝ પણ પૂરી કરી લીધી છે. મિસ રોય હવે પોતાના કેટલાક પેઇન્ટિંગ્સનું ઓકશન કરી એ નાણાં ડોનેટ કરવાની તૈયારી કરી રહી છે. ન્યુકમર સોનલ ચૌહાણ પણ મહાદેવજીની પરમ ભક્ત છે.
એણે પણ શિવજીના સુંદર સ્કેચીસ દોર્યા છે. જ્યારે પીઢ અભિનેત્રી નફીસા અલી ગોવાનું અદ્ભુત કુદરતી સૌંદર્ય જોઈ કેનવાસ પર ઇન્દ્રધનુષી રંગો રેલાવા પ્રેરાયા છે. એમના પેઇન્ટિંગ્સના તો એમના પોતાના સંતાનો અને પૌત્ર-પૌત્રીઓ ફેન છે. નફીસાના મોટાભાગના ચિત્રો તેઓ જ રાખી લે છે. એમાંથી જે બાકી બચ્યા એનું અભિનેત્રી ઓક્શન કરવા વિચારે છે. એમ તો આપણા સોના (સોનાક્ષી સિંહા) પણ સારી પેઇન્ટર છે. એનર્બે વર્ષ પહેલાં કલર્સનો ક્રેઝ લાગ્યો હતો. આજે સોનાક્ષી પાસે પોતાના પેઇન્ટિંગ્સનું સારું એવું કલેક્શન છે. હવે સોનાક્ષી લોકડાઉન જેમાના માટે દુસ્વપ્ન બની ગયું છે એવા લોકો માટે ભંડોળ ભેગું કરવા પોતાની હોબીનો ઉપયોગ કતરવા ધારે છે.
મિસ સિંહાના ખાસ કરી પશુ-પક્ષીઓના સ્કેચીસ જોઈને થાય કે પેઇન્ટિંગની બાબતમાં એણે ખરેખર પોતાના ગુરુ સલમાનનું નામ ઉજાળ્યું છે.
નવી પેઢીની હિરોઇનો જાહ્ન્વી કપૂર, અનન્યા પાંડે અને અલામા એફ. પણ તાળાબંધી દરમિયાન પેઇન્ટિંગમાં ખૂેપેલી રહી છે. જ્યારે આયુષ્માન ખુરાનાએ તો નવરાશમાં પેઇન્ટિંગને ફેમિલી બિઝનેસ બનાવી દીધો છે. આયુષ્માને પત્ની તાહિરા, પુત્ર વિરાજવીર અને પુત્રી વરુષ્કા સાથે મળીને ચાર અદ્ભુત ચિત્રો બનાવ્યા છે. એમાંનું દરેક પેઇન્ટિગ ક્રિયેટિવિટીથી છલકાય છે. ટૂંકમાં બોલીવૂડના કલાકારોએ લોકડાઉનમાં કંટાળીને ભગાવવા હાથમાં બ્રશ અને કલર ઝાલીને એક પોઝિટિવ દાખલો બેસાડયો છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hWuKyR
ConversionConversion EmoticonEmoticon