
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આળસને જોજનો દૂર રાખી શકે એવો કદાચ એક જ એક્ટર છે અને એ છે અક્ષય કુમાર. ૫૩ વર્ષની વયે આ કલાકાર ૨૫ વર્ષના યુવાનને શરમાવે એવી ત્વરાથી નિર્ણયો લઈ શકે છે, કામ કરી શકે છે. એટલે કોઈને એ જાણીને નવાઈ ન લાગવી જોઈએ કે લોકડાઉન પછી બોલીવુડમાં મોટાપાયે શૂટીંગ શરૂ કરી દેવાનું સાહસ પણ અક્ષયે જ કર્યું છે.
હજુ તો સિરીયલો અને ફિલ્મોના શૂટીંગ શરૂ જ થયા છે ત્યાં આપણાં ખિલાડીની ડાયરી શૂટીંગ માટે ફાળવાયેલી ડેટ્સથી ભરાઈ ગઈ છે.
મે મહિનામાં કોરોના અને લોકડાઉન મધ્યાન્હે હતો ત્યારે અક્ષયે કોવિદ મહામારી વિરુદ્ધ જાગૃતિ ફેલાવતી એક એડ ફિલ્મ શૂટ કરી હતી. જુલાઈમાં એણે ૧૦ જ દિવસમાં ૭ એડ ફિલ્મનું શૂટીંગ પતાવી દીધું. હવે એ પોતાની નવી ફિલ્મ 'બેલબોટમ'નું શૂટીંગ શરૂ કરવા સપરિવાર સ્કોટલેન્ડ જવાનો છે.
ઓક્ટોબરમાં કુમાર આનંદ એલ. રાય દિગ્દર્શિત 'સતરંગી રે'નું શૂટીંગ ફરીથી શરૂ કરશે. સોમવારે એણે એક નવી ફિલ્મ 'રક્ષાબંધન'ની ઘોષણા કરી એ પોતાની નાની બહેન અલ્કા હિરાનંદાનીને સમર્પિત કરી હતી. પત્ની ટ્વિન્કલ ખન્ના બાદ અક્ષયે આ ફિલ્મથી પોતાની બહેન અલ્કાને પણ પ્રોડયુસર બનાવી દીધી છે. રક્ષાબંધનનું દિગ્દર્શન પણ આનંદ રોય જ કરવાના છે.
ટૂંકમાં, બોલીવુડનો ખિલાડી પ્રવૃત્તિથી ધમધમતો આર્ટિસ્ટ છે. એટલે જ મિડીયાને એને મળવામાં અનેરો આનંદ આવે છે. 'રક્ષાબંધન' ની જાહેરાતને લઈને અમે અક્ષયને મળ્યા અને અલપઝલપ વાતો કરી. સૌપ્રથમ અમે એક્ટરને એ પૂછ્યું કે બહેન અલ્કાને પ્રોડયુસર બનાવવાનો વિચાર ક્યાંથી આવ્યો? કુમારે બહુ પ્રેમથી ટૂંકમાં જવાબ આપ્યો, 'સર, કલ રક્ષાબંધન કા ત્યોહાર થા ઔર મૈંને સોચા કિ સિસ્ટર કો ઇસસે અચ્છી ગિફ્ટ ઔર ક્યા દે સકુંગા? મેં અલ્કાને વીતેલા વરસોમાં ઘણી ગિફ્ટ આપી છે પણ એ બધા કરતા આ ચડિયાતી છે. સિલ્વર સ્ક્રીન પર અલકાનું નામ કાયમ માટે અંકાઈ જશે. એટલે મેં ફિલ્મના પ્રોડયુસર તરીકે એનું નામ મૂકી ફિલ્મ એને ડેડિકેટ કરી છે.'
બહુ ઓછા લોકો જાણે છે કે અલ્કા ઉંમરમાં અક્ષયથી નાની છે અને છતાં ખેલાડી એને મોટી બહેન જેવો આદર આપે છે. એનું શું કારણ? અમે જિજ્ઞાાશાવશ પૂછી લઈએ છીએ. એક્ટરના હોંઠ પર એક પ્રેમાળ સ્મિત આવી જાય છે, 'સર, પતા નહીં ક્યોં લેકિન હમારે બિચ પહેલે સે હી ઐસી સ્પેશ્યલ રિલેશનશીપ હૈ. હું મોટો હોવા છતાં અલ્કા મારી સાથે મોટી બહેનની જેમ વર્તતી આવી છે. કદાચ એટલા માટે કે એનામાં જવાબદારીનું ભાન વધુ છે.
ઘણીવાર મુશ્કેલ સંજોગોમાં અલ્કાએ મને માતાપિતાના ઠપકાથી બચાવ્યો છે. બીજા ભાઈ-બહેનોની જેમ અમારી વચ્ચે પણ ઝઘડા થાય છે પરંતુ કોઈ ત્રીજી વ્યક્તિ પિક્ચરમાં આવે તો અમે બંને એકબીજાની ઢાલ બનીને ઊભા રહી જઈએ છીએ. એને હું મારી પ્રોફેશન કે પર્સન - દરેક બાબત માટે મારી બેસ્ટ એડવાઈઝર ગણું છું અને એના મતનો બહુ આદર કરું છું. એટલા માટે કે એના જેટલી તટસ્થ વ્યક્તિ બીજી કોઈ નથી.'
બોલીવુડમાં ધડાકાભેર કામ શરૂ કરી દેનાર અક્ષય એક માત્ર એક્ટર છે. એને કામ પર ચડતા કોરોનાવાયરસની બીક નહોતી લાગી? એવા સવાલનો અભિનેતા બહુ સહજતાથી જવાબ આપે છે, 'ડર તો મને પણ લાગ્યો હતો પરંતુ મારુ એમ કહેવું છે કે વ્યક્તિ ડરીડરીને ક્યાં સુધી જીવી શકે? શરૂમાં, રોગચાળો શરૂ થયો ત્યારે વાયરસ કઈ રીતે ફેલાય છે એ વિશે લોકોને બહુ ઓછી જાણકારી હતી. હવે સમય વીતતા આપણે વધુ જાણીએ છીએ અને આપણને ખબર છે કે ધીંગી રોગપ્રતિકારક શક્તિથી વાયરસને મહાત આપી શકાય છે.
એટલે મેં તમામ સાવચેતી વર્તીને કામ પર પાછા ફરવાનો નિર્ણય લીધો. હું માત્ર મારી નહિ, આખા યુનિટની સુરક્ષાનું ધ્યાન રાખું છું. મારા ફેમિલીનો પણ મને પુરેપુરો સપોર્ટ મળ્યો છે. એ બાબતમાં હું નસીબદાર છું. તેઓ જાણે છે કે હું ચાર દીવાલો વચ્ચે લાંબા સમય સુધી પુરાઈ ન રહી શકું. એટલે એમના સહકારથી હું સૌની પહેલા શૂટીંગ શરૂ કરી શક્યો.'
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lNveJU
ConversionConversion EmoticonEmoticon