
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સુપરસ્ટાર હિરો તો ઘણા છે પણ સૂપરસ્ટાર હિરોઇન એક જ છે - વિદ્યા બાલન. ૨૦૦૫માં 'પરિણીતા' ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર વિદ્યાને એના ટીકાકારો પણ સુપરસ્ટારનું બિરૂદ આપવા સામે વાંધો લઈ શકે એમ નથી. સામાન્યપણે પુરુષો માટે રિઝર્વ રખાતું આ બિરૂદ કદાચ પહેલીવાર કોઈ અભિનેત્રીને ફાળે આવ્યું છે. આજે પ્રોડયુસરો જો મહિલા કેન્દ્રી ફિલ્મમાં રોકાણ કરતા જો ઓછો ખચકાટ અનુભવતા હોય તો એનો ઘણો બધો શ્રેય વિદ્યાને ફાળે જાય છે.
બાલને પા (૨૦૦૯), ઇશ્કિયા (૨૦૧૦), ધ ડર્ટી પિક્ચર (૨૦૧૧) અને કહાની (૨૦૧૨) જેવી એક પછી એક ફિલ્મમાં પાવરપેકડ પરફોર્મન્સ આપી પુરવાર કરી દીધું છે કે ફિલ્મને ખભા પર ઉંચકી જવા અને બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડવા માટે સિક્સ પેક એબની જરૂર નથી.
ઉપરાઉપરી ૩ સફળ ફિલ્મો - તુમારી સુલુ (૨૦૧૭), મિશન મંગલ (૨૦૧૯) અને શકુંતલા દેવી (૨૦૨૦) આપીને આ સાડીપ્રેમી મહિલાએ તાજેતરમાં બોક્સ ઓફિસ પર હેટટ્રીક નોંધાવી છે. મિસીસ વિદ્યા બાલન કપૂરની સફળતાનો મંત્ર જાણવા અમે એને ફોન જોડીએ છીએ. અમારો સવાલ સાંભળી એકટ્રેસ ખડખડાટ હસી પડતા કહે છે, 'ખુદ મને જ મારો સક્સેસ મંત્ર ખબર નથી. આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપવામાં મને કાયમ મુશ્કેલી પડે છે.
સર, તમે કદાચ નહિ માનો પણ હું આજેય મારા તમામ નિર્ણયો મારી ગટ ફીલિંગ, આંતરસ્ફુરણાને આધારે લઉ છું. મને તરત ખબર પડી જાય છે કે મારે આ ફિલ્મ કરવી છે કે નહિ. એટલે મારે ઘણાં ફિલ્મમેકરોને ના કહી નારાજ કરવા પડયા છે.' આજ સુધી ધરતી પર કોઈ એવો એકટર પાક્યો નથી જેની બધી જ ફિલ્મો હિટ ગઈ હોય.
વિદ્યા કબુલે છે કે એની અંત:સ્ફુરણા કાયમ એને બ્લોકબ્લસ્ટર ફિલ્મો પસંદ કરવા તરફ દોરી નથી ગઈ. એણે પણ પોતાના કરીયરમાં ઘણાં ચઢાવ-ઉતાર જોયા છે. 'પરંતુ એક વાત ચોક્કસ છે કે મેં જ્યારે પણ બીજા ક્રાઇટેરિયા (માપદંડ)ના આધારે કોઈ ફિલ્મ પસંદ કરી છે ત્યારે થોડા અરસા બાદ મને મારા નિર્ણય વિશે મનમાં પ્રશ્ન થવા લાગે છે અને હું મારા કામમાં આનંદ નથી લઈ શકતી.' ટુંકમાં, ઠંડા કલેજે વિચારપૂર્વક લેવાયેલા નિર્ણયો કદી બાલને ફળ્યા નથી. ફોન પરની વાતચીતમાં એનો સ્વીકાર કરતા અભિનેત્રી કહે છે, 'તમને સફળતા મળે સકસેસ ગ્રાફ જાળવી રાખવા તમારી પર પ્રેશર આવે છે. પરંતુ હું સક્સેસ ગ્રાફ જાળવવા કોઈ ગણતરીઓ નથી કરી શકતી.
કદાચ મને એ આવડતું જ નથી. જ્યારે પણ મેં મારા મનની વાત માની છે ત્યારે મને આનંદ મળ્યો છે, પછી ભલે એનું પરિણામ ગમે તે હોય. બોક્સ ઓફિસ પર શું ચાલશે એની સચોટ આગાહી હું કે બીજુ કોઈ કરી શકતું નથી. બીજાની જેમ હું પણ ઇચ્છું કે મારી દરેક ફિલ્મ સફળ થાય પણ એ માટે સ્ટ્રેટજી ઘડવી મને અર્થહીન લાગે છે. એકટર તરીકે હું સારુ પરફોર્મન્સ આપી શકું. એ માટે મને ફિલ્મ મેકિંગના પ્રોસેસમાં આનંદ આવવો જોઈએ.
અભિનેત્રી એક સામાન્ય માનવીની જેમ જ વર્તે અને વિચારે છે. 'હે બેબી' (૨૦૦૭) અને 'કિસ્મત કનેક્શન' (૨૦૦૮) જેવી ફિલ્મો પસંદ કરવા બદલ એની ઉપર માછલાં પણ ધોવાયા છે. 'પેલી કહેવાત છે ને કે નિષ્ફળતા સફળતા તરફનું પહેલું પગથિયું છે. મારા માટે પણ નિષ્ફળતા જરૂરી હતી.
મારા જીવનમાં નિષ્ફળતા ન આવી હોત તો હું આજે જ્યાં છું ત્યાં ન પહોંચી હોત. તમને એક દાખલો આપી સમજાવું. કોઈ પણ સ્ત્રી જ્યારે જુદા જુદા ડાન્સક્લાસ કરે છે ત્યારે એને સમજાય છે કે મને ભારતનાટયમ સૌથી વધુ ગમે છે. એવું જ ફિલ્મોના વિષયનું છે. તમે જુદી જુદી ફિલ્મો કરો ત્યારે તમને બ્રહ્મજ્ઞાાન લાગે કે અમુક પ્રકારની ફિલ્મોમાં આપણી ચાંચ ડુબે તેમ નથી,' એમ બાલન કહે છે.
ફિલ્મ પસંદ કરવા માટે એની પાસે બીજો પણ એક ક્રાઇટેરિયા છે. એ સ્ક્રીપ્ટ સાંભળતી વખતે એક સામાન્ય માનવીની જેમ વિચારે છે કે આ ફિલ્મ જોવામાં મને રસ પડશે કે નહિ? દાખલા તરીકે હોરર ફિલ્મ વિદ્યાને હોરર ફિલ્મો નથી ગમતી એટલે એ આવી ફિલ્મ સાઇન નથી કરતી. જ્યારે કે એ 'ભુલભુલૈયા' જેવી કોમિક - હોરર થ્રિલરમાં મંજુલિકાનું પાત્ર ભજવી ઘણી લોકચાહન મેળવી ચુકી છે.
ફિલ્મ પ્રોડયુસર સિદ્ધાર્થ રોય કપૂરને પરણેલી એકટ્રેસ પહેલા ઇન્ટરવ્યુમાં કાયમ એવું કહેતી કે મેરેજ પછી મારામાં ઝાઝો બદલાવ નથી આવ્યો. ચાર વર્ષ પછી વિદ્યા કબુલે છે કે મને હવે એક હકીકત સમજાઈ ગઈ છે કે પ્રોડયુસર બધાને ભેગા કરે છે અને બધા પાસેથી શ્રેષ્ઠ યોગદાન લે છે. એટલે હવે હું ફિલ્મ સાઇન કરતા પહેલા એના પ્રોડયુસર વિશે અચુક જાણી લઉ છું.'
તથાપિ, એટલું તો માનવું જ પડે કે વિદ્યા બાલન પોતાના પ્રોડયુસરો કે ડિરેક્ટરોને લીધે નહિ પણ પોતાના અદમ્ય આત્મબળને લીધે સ્ટાર છે. એની પાસે પોતાની ઉણપોને યુએસપીમાં બદલી નાખવાની કોઈ જાદુઈ છડી છે. એ પોતાની સ્થુળ કાયાને સાડીમાં લપેટીને પણ સેક્સી દેખાઈ શકે છે. એણે એકલા હાથે બોલીવુડમાં સફળ થવા માટેના હિરોઈનોના તમામ જુના માપદંડોનો ભાંગીને ભુક્કો બોલાવી દીધો છે. એટલે જ એ બધાથી અલગ છે અને આગવી છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gYVLQT
ConversionConversion EmoticonEmoticon