
જ્યા રે પુત્રનો જન્મ થયો ત્યારે માતાપિતાએ આનંદમાં પેંડા વહેંચ્યા હતા અને આજે એ સંતાનો માતાપિતાને વ્હેંચે એ કરુણતા છે.
આપણે ત્યાં ભાદરવા વદ એકમથી ભાદરવા વદ અમાસ સુધી શ્રાદ્ધ પક્ષની ઉજવણી કરવામાં આવે છે. પુત્રો પોતાના પૂર્વજોને શ્રાદ્ધ અર્પણ કરે છે. ખરેખર આવી શુભ ભાવનાઓ આપણા ભારતીયોમાં વર્ષોથી જોવા મળી રહી છે, તે ખરેખર પ્રશંસનીય છે પરંતુ હવે, આજના આધુનિક યુગમાં માણસો રાત્રી અને દિવસ દોડતા થઈ ગયા છે.
તેના કારણે ઘણા ઘરોમાં માતા-પિતા, દાદા-દાદીઓની સેવામાં અવગણના થતી હોય તેવું નજરે જોવા મળે છે. શહેરોમાં હવે વૃદ્ધાશ્રમની સંખ્યાઓ હવે વધી રહી છે, ત્યારે આજના યુવાનોએ થોડુંક જાગવાની જરૂર છે, આત્મખોજ કરવાની જરુર છે, આજના સંતાનોની જવાબદારી બની જાય છે કે, જ્યારે માતાપિતા ઉંમર લાયક થાય, નિરાધાર થાય ત્યારે તેમની સેવા દિલ દઈને કરવી જોઈએ.
આજના દરેક સંતાનોએ મારી દૃષ્ટિએ ઘણી બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.
- હે પુત્ર, તું જન્મયો ત્યારે તું રડતો હતો, મા હસતી હતી... હવે એટલું ધ્યાન રાખજે... તું હસતો હોય ત્યારે મા રડતી ના હોય...
- હે પુત્ર, બચપણ દૂધથી જીવે, ઘડપણ હૂંફથી જીવે, તને દૂધ દેનારીને હૂંફ દેવાનું ચૂકતો નહીં.
- તુ લાચાર હતો ત્યારે તને જેણે સાચવ્યો એ મા-બાપ લાચાર બને ત્યારે તું સાચવી લેજે. તું એટલો તો અવશ્ય લાયક બની જ રહેજે.
- સંસારની બે મોટી કરુણતા છે મા વિનાનું ઘર અને ઘર વિનાની મા.. માટે આવી કરુણતાનું સર્જન ના કર તો.
પરંતુ જ્યારે સંતાનો આ વાતને ભૂલી જાય ત્યારે માતાપિતાની હાલત કફોડી બની જતી હોય છે.
જે માતાપિતાને ચાર ચાર સંતાનોને મોટા કર્યા છે, પોતાના લોહીનું પાણી કરીને સારી રીતે ભણાવી ગણીને મોટા કર્યા છે. જ્યારે પુત્રનો જન્મ થયો ત્યારે માતાપિતાએ એ આનંદમાં પેંડા વ્હેંચ્યા હતા. અને આજે એ ચાર ચાર સંતાનોને ભેગા થઈને માતાપિતાને સાચવી શકતા નથી. તેમનું પોષણ કરી શકતા નથી. સેવા કરી શકતા નથી. એટલે માતાપિતાને વહેંચવામાં આવે છે. મા એક પુત્રના ઘરે રહે અને પિતા બીજા પુત્રના ઘરે રહે, કાંતો માતા પિતાના વારા પાડવામાં આવે છે. ચાર પુત્ર હોય તો દરેક પુત્રના ઘરે એક એક મહિનો રહે....
ખરેખર, હેં સંતાનો થોડું વિચારો અને આવી કરુણ પરિસ્થિતિનું સર્જન ના કરશો. તમે નાના હતા ત્યારે માતાએ ભૂખ્યા રહીને પેટ ભર્યું છે. આજે એમનું પેટ અને હૃદય ભરવાની જવાબદારી આપણી છે.
પરંતુ આજના યુવાનો આ વાતને વિસરી જાય છે ત્યારે માતાપિતાના ઘરડા ઘરમાં જવાના દિવસો આવે છે.
આંખમાં આંસુ અને હૈયામાં પ્રેમ ભરી રાખનાર મા-બાપોની આવી દુર્દશા અને ધર્માદા ઉપર ચાલતા વૃદ્ધાશ્રમો એ શું ભારતની શાન છે ?
હા, અમુક મા-બાપના સ્વભાવો ઘણીવાર થોડાક પ્રમાણમાં ખરાબ હોય તે માની શકાય છે, પણ એ બોજ બનીને કુટુંબનો ભાર બની જાય છે, એ હરગીજ માની શકાય તેમ નથી, નથી ને નથી જ.
એકબાજુ આ દેશની ગિરિ કંદરાઓમાં એ સુસંસ્કારી પુત્રોના એ ઘોષ હજુ પણ શમ્યા નથી.. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.... અને બીજી બાજુ કેટલાક સંતાનો પોતાના મા-બાપને વૃદ્ધાશ્રમોમા મોકલવા લાઈનમાં ઉભા છે ! ત્યારે આપણને અતિશય દુઃખ થઈ આવે છે.
જો આજના દરેક સંતાનો પોતાના માતા-પિતાની સાથે સ્નેહભાવથી સાથે રહેતા અને સેવા કરતા થઈ જાય તો સમાજના મોટા ભાગના પ્રશ્નો ઉકેલી જાય અને દરેક ઘર એક સ્વર્ગ બની જાય...
જે પોતાના સદાચારથી મા-બાપને પ્રસન્ન કરે છે, તે જ પુત્ર છે પરંતુ આજનો પુત્ર જાણે આ સાવ વિસરી જ ગયો છે. તેથી જ આજના પુત્રોએ માતાપિતાની સેવા ખરા દિલથી કરવી જોઈએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તેથી હાલ, શ્રાદ્ધપક્ષ ચાલી રહ્યો છે, ત્યારે આજના યુવાનોને માતાપિતાની સેવા કરવાના શપથ અવશ્ય લેવા જોઈએ એને જીવન પર્યંત માતાપિતાની સેવા કરવી જોઈએ. શ્રી સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીના ૧૩૯ મા શ્લોકમાં માતાપિતાની સેવા કરવાની આજ્ઞાા કરેલી છે, તેને આપણે જીવનમાં અવશ્ય ઉતારવી જોઈએ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31SxMyt
ConversionConversion EmoticonEmoticon