
ભા ષા પાસે એક અદ્બુત કરામત એ હોય છે કે શબ્દ એનો એ જ - એક જ હોય, છતાં એના અર્થમાં આસમાન-જમીનનો તફાવત હોય. ઉદાહરણરૂપે આપણે એક શબ્દ નિહાળીએ 'ભાવ'. આ 'ભાવ' શબ્દ જો બજારમાં ધંધાકીય વાતમાં બોલાતો હોય તો એનો અર્થ તાય કિંમત. પરંતુ એ જ 'ભાવ' શબ્દ જો પ્રભુના મંદિરમાં - ધર્મસ્થાનમાં કોઈ વ્યક્તિ અંગે બોલાતોહોય તો એનો થઇ જાય છે તે વ્યક્તિની શુભ વિચારધારા.
આ બીજા અર્થસંદર્ભમાં જ એક પ્રાર્થનાપંક્તિમાં બહુ મોટી વાત લખાઈ છે કે 'ભાવે કેવલનાણ'. મતલબ કે શુભભ વિચારધારાથી તો કેવલજ્ઞાાાન જેવી. અધ્યાત્મજગતની સર્વોચ્ચ ઉપલબ્ધિ પણ થઇ શકે છે. આમ, 'ભાવ' નામે શબ્દ એક અને એના અર્થઘટન અલગ અલગ થયા. આવી જ કરામત અન્ય અનેક શબ્દોમાં નિહાળી શકાય છે.
જેમ એક શબ્દના અલગ અલગ અર્થ થાય, તેમ એક શબ્દ સાથે અલગ અલગ અક્ષર જોડવાથી પણ અલગ અલગ અર્થો પ્રગટે. આવો, આપણે 'ભાવ' શબ્દ સાથે જ ચાર અલગ અક્ષર જોડીને કુલ ચાર લેખો દ્વારા ચાર સરસ મજાની પ્રેરક વિચારણા કરીએ:
(૧) અ-ભાવની દ્રષ્ટિ ન જોઇએ: અભાવની દ્રષ્ટિ એટલે 'પોતાને શું મળ્યું છે' એ નહિ, 'શું નથી મળ્યું' એ જ મનમાં ઘૂંટયા કરવાની વિચારશૈલી. આવી વિચારશૈલી ધરાવનાર પર મસ્ત કટાક્ષ કરતાં એક સુવાક્ય જણાવે છે કે 'આકાશી તારા નથી મળ્યાનું વિચારીને રડયા કરશો તો તમારી સાવ બાજુમાં જ ખીલેલાં પુષ્પોની સુવાસ માણવાનું ચૂકી જશો.'
અ-ભાવની દ્રષ્ટિ આ જ કરે છે કે જે મળ્યું છે એને માણવું નહિ અને જે નથી મળ્યું એના માટે વલોપાત કરવો. અ-ભાવદ્રષ્ટિનો ભોગ બનેલ વ્યક્તિ બીજાનો ફ્લેટ જોઇને વિચારશે કે 'આને ફ્લેટ મળ્યો છે ને મને નથી મળ્યો. મારું કે કમનસીબ જ છે.' હવે જો ફ્લેટ મળ્યો હશે તો એ વિચારશે કે 'ફ્લેટ ભલે છે, પણ 'કાર'નથી એનું શું ? મારા મિત્ર પાસે તો વૈભવી 'કાર' છે.' હવે ધારો કે એની પાસે ફ્લેટ-કાર વગેરે સંપત્તિનું સુખ હશે અને સંતતિનું સુખ નહિ હોય તો એ વિચારશે કે 'સંતાન વિનાની-વારસદાર વિનાની સંપત્તિને કરવાની શું ? માટે સંતાન તો જોઇએ જ.' હજુ એક પગલું આગળ.
પુત્ર હશે, પણ એ જો કશી જ આવડત વિનાનો-હોંશિયારી વિનાનો હશે એક પગલું આગળ. પુત્ર હશે, પણ એ જો કશી જ આવડત વિનાનો- હોંશિયારી વિનાનો હશે તો ય વ્યક્તિ જીવ બાળશે કે 'આ આવડત વિનાનો - ઇજ્જતના ધજાગરા કરે એવો દીકરો શા કામનો ? પુત્ર તો હોંશિયાર જ જોઇએ.' ટૂંકમાં, એક ઉપલબ્ધિ પછી પણ એની નજર તો અ-ભાવ તરફ જ ઠરવાની. અન્યોની અપેક્ષાએ ઘણું વિશેષ મળ્યા પછી ય અભાવદ્રષ્ટિ ધરાવનાર વ્યક્તિ કેવી દુઃખી-રડતી રહે એ જાણવું છે ? તો વાંચો આ માર્મિક પ્રસંગકથા:
એક ભાઈને કુદરતે ખોબેખોબે સંપત્તિ આપી હતી. છતાં એમની દ્રષ્ટિ-વિચારશૈલી હંમેશા નકારાત્મક હતી - અભાવની હતી. એમને આ સત્ય હજુ સુધી કોઇએ સમજાવ્યું ન હતું કે 'વ્યક્તિ ત્યાં સુધી જ જાતને ચડિયાતી માની શકે છે કે જ્યાં સુધી એણે પોતાની ઉપરના સ્તરની વ્યક્તિનું સુખ સામર્થ્ય નિહાળ્યું નથી. માટે ખરેખર સુખી બનવું હોય એણે ઉપર નજર કર્યા વિના પોતાની અવસ્થામાં સંતુષ્ટ રહેવું જોઇએ.' આથી એ હંમેશા ગલત રીતે સરખામણી કરી દુઃખી-નિરાશ રહેતા. એક વાર એમણે ત્રણ મજલાનો બંગલો બનાવવાનું શરૂ કર્યું.
જોતજોતામાં એમણે બંગલો એવો બનાવી દીધો કે પૂરા ગામમાં એની કોઈ બરાબરી કરી ન શકે. એ ભવ્ય બંગલામાં ઊંચામાં ઊંચી અદ્યતન સુવિધાઓ હતી. પહેલીવાર એવું બન્યું કે બંગલાનાં કારણે ભાઈના ચહેરા પર ખુશી-ગર્વ છવાયેલો રહ્યો. જેટલા પણ સ્વજનો-મુલાકાતીઓ આવે એમને એ પોતાની 'અદ્વિતીય' બંગલાની એકેક વિશેષતા લંબાણથી સમજાવે.
એ ભાઈ એક સંતને ગુરુ માનતા.સંત ભાઈના સ્વભાવથી પરિચિત હતા. બંગલો બન્યાના થોડા સમય બાદ તેઓ ભાઈના ઘરે પધાર્યા. ભક્તિભાવ વગેરે તો બરાબર હતા. પરંતુ સંતે મનોમન નોંધ્યું કે 'સાંભળ્યું હતું એ પ્રમાણે ભાઈને બંગલો બનાવ્યાનો હર્ષ પણ નથી દેખાતો કે બંગલાની વિશેષતા બતાવવાનો ઉમળકો ય નથી દેખાતો ! સાંજે વાતવાતમાં સંતે કારણ પૂછયું ત્યારે ખિન્ન થઇ ગયેલ ભાઈ કાંઈ બોલ્યા વિના સંતને બંગલાની અગાશીમાં લઇ ગયા અને થોડે દૂર આંગળી ચીંધતા બોલ્યા: 'જુઓ, સામે પાંચ મજલાની અતિ ભવ્ય હવેલી બની રહી છે અને એમાં મારા બંગલા કરતાં ય એકદમ 'એકસ્ટ્રા ઓર્ડીનરી' સુવિધાઓ આવવાની છે.
જ્યારથી મેં આ જાણ્યું છે ત્યારથી મારી બધી ખુશી ખતમ થઇ ગઇ છે. એની સામેમારી સુવિધાઓ અને ભવ્યતા કાંઈ નથી. તો હવે શું બતાવીને ગૌરવ લેવું ?''
સંત સમજી ગયા કે આ એની અભાવદ્રષ્ટિનું - ઓછપ જ ગોતવાની આદતનું પરિણામ છે જે એને ઘણી બધી પ્રાપ્તિ પછી પણ દુઃખી-રડતો જ રાખે છે..એક કાવ્યપંક્તિમાં આથી જ સરસ વાત લખાઈ છે કે:
અફસોસને આસન કદી ન આપશો, નહિ તો જે છે એનો આનંદ પણ ચાલ્યોજશે...
અફસોસને અંતરમાં આસાન ન આપવું હોય તો અ-ભાવદ્રષ્ટિને મૂળમાંથી બદલી દેવી જોઇએ અને જે મળ્યું છે એની વિશેષતા 'એન્લાર્જ' કરી ખુશી માણવી જોઇએ. એક સ્થળે આનંદની બહુ માર્મિક વ્યાખ્યા કરાઈ છે કે 'આનંદ એટલે હાથવગા ફૂલોમાંથી ગજરો બનાવવાની કળા' આવી કળા જેને હાથવગી થઇ હોય એ વ્યક્તિ પાસે સામાન્ય ઉપલબ્ધિ હશે તો ય એ એમાંથી આનંદનું અવતરણ કરશે. ઉદાહરણરૂપે, એની પાસે સુવિધાસજ્જ ફ્લેટ નહિ હોય તો એ એમ વિચારશે કે 'મારી જરૂરિયાત સંતોષાઈ જાય એવું ભલે નાનુંપણ પોતીકું ઘર તો છે. જેઓ ભાડાના ઘરમાં રહી વારંવાર ઘર બદલતા રહે એના કરતાં તો હું લાખ દરજ્જે સુખી છું...' એને કોઈ સંતાન નહિ હોય તો એ એનાા માટે રોજનાં રોદણાં રડવાના બદલે એમ વિચારશે કે 'ભલે મારાં જીવનમાં સંતાનસુખ ન હોય. પરંતુ મને સુશીલ પત્ની તો મળી છે. એવા કેટલાય માનવો છે જેને કર્કશા-કંકાસખોર પત્નીનો પનારો પડયો હોવાથી સતત અશાંતિ જ રહે છે અને દીકરાઓ કાબુમાં ન હોવાથી નિત્યની હૈયાહોળી હોય છે. એના કરતાં આ મારું શાંત જીવન હજારગણું સરસ છે.' આવો અભિગમ વ્યક્તિને ભીતરથી કેવી આનંદસજ્જ રાખે એ જાણવું હોય તો વાંચો આ નાનકડી મજાની વાત:
રશિયન ચિંતક લીઓ ટોલ્સ્ટોય એક વાર નિર્જન પ્રદેશમાં ભૂલા પડી ગયા. દૂર દૂર ઝૂંપડી જેવું દેખાતા એ મહામહેનતે ત્યાં પહોંચ્યા. ઝૂંપડીમાં ત્યારે માત્ર દશ-બાર વર્ષની એક બાલિકા જ હતી. પરંતુ એ સંસ્કારી હતી એથી એણે આવકાર આપી બેસવાનું કહ્યું. ઝૂંપડી એવા દરિદ્રની હતી કે બેસવા માટે ખુરશી તો ઠીક, ચટાઈ પણ ત્યાં ન હતી. આથી ટોલસ્ટોયનાં મુખમાંથી સહસા શબ્દો સરી પડયા કે 'બહુ ગરીબ ઘર લાગે છે.
' જો કે, બોલવામાં ઉતાવળે ચૂક થયાનું સમજી એમણે તરત 'સોરી' કહ્યું. પરંતુ પેલી બાળિકાએ સાવ વિ-લક્ષણ વાત કરી: 'હું માનું છું કે અત્યારે આ ઘર રશિયાનું સૌથી શ્રીમંત ઘર છે.' 'કેમ ?' ટોલસ્ટોયે આશ્ચર્યથી પૂછયું. 'કારણ કે અત્યારે આ ઘરમાં રશિયાના સૌથી મહાન તત્ત્વચિંતક ઉપસ્થિત છે. માટે એ રશિયાનું શ્રીમંત ઘર છે ?' ટોલ્સ્ટોય જેવાને આફ્રીન કરી દેનાર આ ઉત્તર, હાથવગા ફુલોમાંથી ગજરો બનાવી દેવાની કળાનો દ્યોતક છે.
છેલ્લે એક વાત : ચાહ્યું હોય તે બધુંજ મળે એવું પુણ્ય આપણા હાથની વાતનથી, પરંતુ જે મળે એમાં સંતોષી રહેવાની સમજ આપણા હાથની વાત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QNyqaf
ConversionConversion EmoticonEmoticon