મૃત પિતૃઓને પ્રસન્ન અને સંતુષ્ટ કરવા માટે શ્રદ્ધાપૂર્વક કરાતું કર્મ વિધાન એટલે શ્રાદ્ધવિધિ !


હિ ન્દુ ધર્મમાં પ્રાચીન કાળથી લોકોમાં શ્રાદ્ધ પ્રત્યે શ્રદ્ધા પ્રવર્તમાન રહી છે. જેમની પાસેથી શરીર અને સંસ્કાર ધર્મ અને સંસ્કૃતિએ અર્થપૂર્ણ વૈજ્ઞાાનિક વ્યવસ્થા ગોઠવી છે. એનું જ નામ છે શ્રાદ્ધ પદ્ધતિ. વેદોમાં કર્મકાંડ, ઉપાસના કાંડ, અને જ્ઞાાનકાંડનું વર્ણન આવે છે. એમાં મુખ્ય સ્થાન કર્મકાંડનું છે. કર્મકાંડમાં વિવિધ મંત્રોની અનુષ્ઠાન વિધિઓ (પદ્ધતિઓ) દર્શાવવામાં આવી છે. એમાં 'પિતૃયજ્ઞા'નું વર્ણન આવે છે. આ પિતૃયજ્ઞાનું જ બીજું નામ છે 'શ્રાદ્ધ'.

'શ્રાદ્ધ' શબ્દની ઉત્પત્તિ 'શ્રધ્ધા' પરથી થઈ છે. એની વ્યાખ્યા મુખ્ય બે રીતે કરાય છે. - 'શ્રદ્ધયા દીયતે યસ્માત્ તત્ શ્રાદ્ધમ્' શ્રદ્ધયા કૃતં સંપાદિત ઈદ તત્ શ્રાદ્ધમ્ । મૃત પિતૃગણને પ્રસન્ન અને સંતુષ્ટ કરવા માટે શ્રદ્ધાપૂર્વક જે કર્મ કરાય તેને શ્રાદ્ધ કહેવાય. શ્રાદ્ધમાં તર્પણની વિધિનું ખાસ મહત્વ હોય છે. તર્પણ એટલે જ પ્રસન્ન કરવું કે સંતુષ્ટ કરવું મહર્ષિ પરાશર શ્રાદ્ધ વિશે કહે છે, 'દેશે કાલે ચ પાત્રે ચ વિધિના હવિષા ચ યત્' તિલેર્દભૈશ્ચ મન્ત્રેશ્ચ શ્રાદ્ધ સ્યાચ્છદ્રયા યતમ્।। દેશ, કાળ તથા પાત્રમાં હવિષ્ય વગેરે વિધિ દ્વારા જે કર્મ તલ, જવ અને દર્ભ વગેરેથી અને મંત્રોથી શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે એને શ્રાદ્ધ કહે છે. મહર્ષિ મરીચિ દર્શાવે છે - મૃત પિતૃઓ માટે પોતાને પ્રિય ભોજન શ્રદ્ધાયુક્ત થઈને પ્રદાન કરવું એને શ્રાદ્ધ કહે છે.

મહર્ષિ બ્રહ્મસ્પતિ પણ આવું જ મંતવ્ય આપતાં કહે છે - 'જે કર્મ વિશેષમાં સારી રીતે રાંધેલા ઉત્તમ ભોજન ને દૂધ, ઘી અને મધ સાથે શ્રદ્ધાપૂર્વક પિતૃસમુદાય માટે બ્રાહ્મણ વગેરેને પ્રદાન કરવામાં આવે એને શ્રાદ્ધ કહે છે. બ્રહ્મપુરાણમાં પણ આવી જ બાબત નિર્દેશ કરવામાં આવી છે. પિતૃપક્ષ સાથે પિતૃઓનો વિશેષ સંબંધ રહેલો છે. એટલા માટે શાસ્ત્રોમાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ વિધિ કરવાનો વિશેષ મહિમા દર્શાવવામાં આવ્યો છે.'

ભવિષ્યપુરાણમાં ૧ર પ્રકારના શ્રાદ્ધ દર્શાવવામાં આવ્યા છે. ૧. નિત્ય ર. નૈમિત્તિક ૩. કામ્ય ૪. વૃદ્ધિ પ. સપિણ્ડન ૬. પાર્વણ ૭. ગોષ્ઠિ ૮. શુદ્ધયર્થ ૯. કમાંગ ૧૦. દૈવિક ૧૧. યાત્રાર્થ ૧ર. ષુષ્ટયર્થ. અનેક ધર્મગ્રંથો પ્રમાણે નિત્ય, નૈમિત્તિક, કામ્ય, વૃદ્ધિ અને પાર્વણ આ પાંચ પ્રકારના શ્રાદ્ધ મુખ્ય છે. દરરોજ પિતૃ અને ઋષિ તર્પણ વગેરે દ્વારા કરવામાં આવતું શ્રાદ્ધ નિત્ય શ્રાદ્ધ કહેવાય છે. એમાં માત્ર જળ અર્પણ કરવાથી પણ કર્મ સિદ્ધ થઈ જાય છે. કોઈ નિમિત્ત સંદર્ભે એકોદૃષ્ટિ શ્રાદ્ધ કરાય એને નૈમિત્તિક શ્રાદ્ધ કહેવાય છે.

કોઈ ઈચ્છા પૂરી કરવા કરાતા શ્રાદ્ધને કામ્ય શ્રાદ્ધ કહેવાય. લગ્ન, સંતાનપ્રાપ્તિ વગેરે માંગલિક કાર્યોમાં જેનાથી કુળની વૃદ્ધિ થાય છે તે પ્રકારનું પિતૃઓને પ્રસન્ન કરવા માટેનું શ્રાદ્ધ ' વૃદ્ધિ શ્રાદ્ધ' કહેવાય છે. એને 'નાંદી શ્રાદ્ધ' એવા નામથી પણ ઓળખવામાં આવે છે. એ ઉપરાંત પુણ્યતિથિ, અમાસ અથવા પિતૃપક્ષ (મહાલય)માં કરવામાં આવતું શ્રાદ્ધ કર્મ 'પાર્વણ શ્રાદ્ધ' કહેવાય છે.

શ્રાદ્ધ પક્ષ-ભાદરવા સુદ પૂનમ થી ભાદરવા સુદ અમાસ સુધીનાં સોળ દિવસ પિતૃઓની જાગૃતિના દિવસો હોય છે. એમાં પિતૃઓ પિતૃલોકથી પૃથ્વીલોક પર સૂક્ષ્મ રૂપે આવીને એમના વંશજો દ્વારા અર્પણ કરાયેલા ભોજય પદાર્થો અને જળને સ્વીકારે છે. મૃતાત્મા, પ્રેત, પૃતિ કે દેવ યોનિમાં હોય છે. તેમ છતાં નામ ગોત્રના આશ્રયથી વિશ્વદેવ અને અગ્નિ હવન કરાયેલ પદાર્થ વગેરે દિવ્ય પિતૃ ગ્રાસને તેમના પિતૃઓને પ્રાપ્ત કરાવે છે.

જે રીતે વિખુટું પડેલું વાછરડું ગાયોના ધણમાં રહેલી તેની માતાને શોધી કાઢે છે તે રીતે શાસ્ત્રોકત મંત્રો શ્રાદ્ધ કરનારના પિતૃઓને શોધી કાઢે છે અને એમણે શ્રદ્ધાપૂર્વક એમને અર્પણ કરેલી વસ્તુઓને ગ્રહણ કરી લે છે. 'મંત્રાધીનાસ્તુ દેવતાઃ' (દેવો મંત્રોને અધીન હોય છે) એ કથન અનુસાર મંત્રો દેવો અને પિતૃઓનો સંપર્ક સાધી એમને આવિર્ભૂત કરે છે.

મહાભારતના અનુશાસન પર્વના ૮૭મા અધ્યાયના ૯ થી ૧૭ સુધીના શ્લોકોમાં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને પ્રતિપદા (પડવા)થી અમાસ સુધીની દરેક તિથિમાં શ્રાદ્ધ કરવાનું જુદું જુદું ફળ બતાવ્યું છે. 'યાજ્ઞાવલ્કય સ્મૃતિ' એ પિતૃઓએ પ્રસન્ન થઈ પ્રદાન કરેલા આશિષ કેવા ફળ આપે છે તે દર્શાવતા લખ્યું છે - 'આયુઃ પ્રજા, ધનં, વિદ્યા, સ્વર્ગ, મોક્ષ, સુખાનિ ચ ।  પ્રયચ્છન્તિ તથા રાજ્યં પ્રીતા નૃણાં પિતામહઃ ।।  માનવો પર પ્રસન્ન થયેલા પિતૃઓ તેમને દીર્ઘ આયુષ્ય, સંતતિ, ધન-સંપત્તિ વિદ્યા, સુખ, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરે છે.' 

'ઓમ દેવતાભ્યઃ સ્વર્ધાયૈ નિત્યમેવ નમો નમઃ ।।' એ પિતૃ ગાયત્રી મંત્રનો શ્રાદ્ધ દરમિયાન જાપ કરવાથી પિતૃદોષમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gN8mXe
Previous
Next Post »