
જા પાનના ભૂતપૂર્વ વડા પ્રધાન યુકિઓ હાતોયામા ભારતની મુલાકાતે આવ્યા ત્યારે રાજભવનમાં યોજાયેલા એક કાર્યક્રમમાં તેમની પત્નીએ સાડી પહેરીને હાજરી આપતાં ત્યાં ઉપસ્થિત સહુ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અને મહત્ત્વની વાત એ હતી કે તેઓ સાડીમાં અત્યંત સોહામણા દેખાતા હતા. મીડિયાએ પણ આ વાતની નોંધ લીધી હતી. થોડા વર્ષ પૂર્વે બ્રિટનની મુલાકાતે ગયેલા રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલ રાણી એલિઝાબેથને મળ્યા ત્યારે પારંપરિક ભારતીય પોશાકમાં અત્યંત જાજરમાન દેખાતા હતા.
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી મોટે ભાગે સાડી અને ક્યારેક સલવાર કમીઝ પહેરેલા જોવા મળે છે. વ્હાઈટ હાઉસની મુલાકાતે ગયેલા ભારતીય વડા પ્રધાનના માનમાં અમેરિકી રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે યોજેલા ભોજન સમારંભમાં ઉપસ્થિત મહાનુભાવોમાંથી ઘણા પારંપરિક ભારતીય પરિધાન પહેરેલા જોવા મળ્યા હતા.
બીજી તરફ આંતરરાષ્ટ્રીસ્તરે ભારતીય ફિલ્મોદ્યોગનું પ્રતિનિધિત્વ કરવાનું સમ્માન મેળવનાર અભિનેત્રી ઐશ્વર્યા રાય હંમેશા રેડ કાર્પેટ પર પાશ્ચાત્ય ડિઝાઈનના ગાઉન પહેરેલી જ જોવા મળે છે. વિદેશમાં માનદ્ ડિગ્રી મેળવનારા અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાન જેવા અભિનેતાઓ હંમેશા સુટ-બુટમાં જ સજ્જ જોવા મળે છે.
કોર્પોરેટ કંપનીમાં ફરજ બજાવતાં કર્મચારીઓ બંધગલા, કુર્તા-પાયજામા, સાડી જેવા પોશાક સામે નાકનું ટીચકું ચઢાવે છે. તે જ પ્રમાણે આપણી યુવાપેઢીના માનસમાં જીન્સ-ટીશર્ટનું કલ્ચર ઘર કરી ગયું છે. આ જ કારણે પબ કે લાઉન્જ બારમાં સલવાર-કમીઝ, સાડી કે કુર્તા-પાયજામા પહેરેલાઓના પ્રવેશ પર પ્રતિબંધ છે.
વાસ્તવમાં અંગ્રેજોના શાસન દરમિયાન જે કેટલીક બાબતો આપણા રોજિંદા જીવનમાં પ્રવેશી ગઈ છે તેમાં પોશાકનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજોને જોઈને આપણે ત્યાં પેન્ટ અને બુશશર્ટ પહેરવાનું ચલણ શરૂ થયું હતું. તે પૂર્વે તો ધોતિયું, ડગલો, પાયજામો, કુર્તો, સાડી, ઘાઘરી-પોલકાં અને સલવાર-કમીઝ જેવા પારંપરિક પરિધાનો જ આપણે ત્યાં પહેરતાં હતા. બ્રિટિશ પુરુષ અને મહિલાઓને જોઈને ભારતીયોની વસ્ત્રશૈલીમાં પરિવર્તન આપ્યું હતું.
તેમ છતાં રાજવી પરિવારો તો બ્રિટિશ કાર્યક્રમોમાં હંમેશા ભારતીય પરંપરા દર્શાવાની તક ચૂકતાં નહોતા. જેમ કે, ૧૯૨૧માં પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા તે પ્રસંગે ઉપસ્થિત બુરદવાનના મહારાણી સોનેરી ગુલાબ અને સોનેરી લેસ ધરાવતી ટિશ્યુની સાડીમાં અત્યંત જાજરમાન દેખાતા હતા.
બ્રિટનના જાણીતા ફેશન આલોચક કોલીન મેકડોવેલ ગત વર્ષે ઇન્ડિયન ફેશન વીકમાં આવ્યા હતા. અહીંની યુવાપેઢીના વસ્ત્રો જોઈને તેઓ નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું હતુ ંકે, આ યુવાનો અન્ય દેશોમાંથી આવ્યા હોવાનો અહેસાસ થાય છે.
મોટા ભાગની યુવતીઓ લીટલ બ્લેક ડ્રેસ (એલબીડી) પહેર છે. આમાં ભારતીયતાની ઝલક જોવા મળતી નથી. ભારતમાં રંગ, ટેકસ્ટાઈલ અને ટેકસ્ચરની ભરપૂર વૈવિધ્યતા છે. પરંતુ એકપણ ભારતીયના વસ્ત્રોમાં આ વૈવિધ્યતાની છટા જોવા મળતી નથી. વિશ્વના અન્ય દેશોના લોકો પણ આ પ્રકારના પોશાક પહેરે છે. આમાં નવું શું છે?
કોલીન મેકડોવેલની વાત તદ્દન સાચી છે. આપણે આપણી આસપાસ નજર કરીશંુ તો ખબર પડશે કે તમામ ક્ષેત્રમાં પાશ્ચાત્ય શૈલી પ્રમાણેની જ વસ્ત્રસજ્જાને પસંદ કરવામાં આવે છે. ભારતીય શૈલીના પારંપરિક વસ્ત્રો પહેરેલા લોકો ખૂબ ઓછા જોવા મળે છે. કદાચ, આપણે જ આપણા વસ્ત્રોને 'ઓફિસ વેર' કે 'ડેઈલીવેર' તરીકે અપનાવવામાં નિષ્ફળ રહ્યા છીએ.
ચોક્કસ કારણોસર 'કોર્પોરેટ વોર્ડરોબ'માં ભારતીય પરિધાનોનો સમાવેશ થતો નથી. ઉલ્ટું આપણા પારંપરિક વસ્ત્રો અત્યારે પ્રસંગોપાત પહેરાંતાં 'કોશ્ચ્યુમ' તરીકે ઓળખાય છે. મોટા ભાગના શહેરીજનો લગ્ન કે મરણ પ્રસંગે અથવા નવરાત્રિ દિવાળી જેવા તહેવારોમાં જ ભારતીય શૈલીના વસ્ત્રો પહેરે છે.
ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતમાં તો આ જ ટ્રેન્ડ જોવા મળે છે. મહિલાઓ તો થોડે ઘણે અંશે હજુ પણ સાડી કે સલવાર કમીઝ પહેરે છે પણ ૯૯ ટકા પુરુષો શર્ટ અને ટ્રાઉઝર જ પહેરે છે. આ જ કારણે ભારતીય પરિધાન શૈલી અને આગવી રંગછટા ક્રમશ: મૃતપાય: થઈ રહી છે.
એક સમયે દૂરદર્શન કે પ્રાદેશિક ચેનલ પરથી રજૂ થતાં સમાચારના વાચકો બંધગલા કે સાડી જેવા ભારતીય પોશાકમાં જોવા મળતા હતા. પણ અત્યારે રહેલી મોટાભાગની ન્યુઝ ચેનલના સંચાલકો સૂટમાં જ સજ્જ જોવા મળે છે. તેઓ પણ તહેવારો દરમિયાન જ પારંપરિક પોશાક પહેરે છે.
માર્કેટના ચહેરા તરીકે જાણીતા ઉદયન મુખર્જી મુહૂર્તના સોદાની ઝલક દર્શાવતી વેળા 'બંધગલા' પહેરે છે. રાજદીપ સરદેસાઈ ભાગ્યે જ કુર્તામાં જોવા મળે છે. બાકી મોટે ભાગે તો રાજદીપ આછા રંગના શર્ટ અને ઘેરા રંગના ટ્રાઉઝર્સમાં જ જોવા મળે છે. પ્રણય રોય પણ બંધગલાને બદલે સૂટ વધારે ફાવતાં હોવાનું કબૂલે છે.
ન્યુઝચેનલ પર જોવા મળતી માનુનીઓમાં બરખા દત્ત અને નિધિ રાઝદાન અપવાદરૂપ છે. બરખા હંમેશા સલવાર-કમીઝ પહેરેલી જ હોય છે જ્યારે નિધિ સાડી પહેરે છે. એક હકીકત એ છે કે ભારતના પુરુષ સંચાલકો સુટ કરતાં બંધગલામાં વધુ પ્રભાવશાળી દેખાય છે અને જો તેઓ ઇચ્છે તો બંધગલાને સુટના સ્થાને અપનાવી શકે છે.
એવું નથી કે ભારતીય પરિધાનો બિઝનેસવેર ન બની શકે. અહીં આપણે એર ઇન્ડિયાની પરિચારિકાઓની વાત નથી કરતાં. કારણ કે આ પરિચારિકાઓએ તો ફરજના ભાગરૂપે જ આવો પોશાક પહેરવો પડે છે. પણ નૈના લાલ કિડવાઈ, ચંદા કોચર, શીખા શર્મા જેવી ભારતની સશક્ત મહિલાઓ સાડી પહેરેલી જ જોવા મળે છે. પરંતુ અફસોસ એ વાતનો છે કે માત્ર ભારતીય પરિધાન પહેરતાં પુરુષો એક પણ ક્ષેત્રમાં જોવા મળતા નથી.
એક સમયે બોલીવૂડની અભિનેેત્રીઓ જેમ કે રાણી મુખર્જી, ઐશ્વર્યા રાય, અમીષા પટેલ જાહેર કાર્યક્રમોમાં સાડી પહેરેલી જોવા મળતી હતી. પણ હવે વય વધવા સાથે તેમણે પણ પોતાની પરિધાન શૈલીમાં ફેરફાર કર્યો છે અને તેઓ પાશ્ચાત્ય કે અંગપ્રદર્શન કરતાં ટૂંકા વસ્ત્રોમાં જ દેખાય છે.
હાલમાં માત્ર કરીના કપૂર એક એવી અપવાદરૂપ અભિનેત્રી છે જે મોટા ભાગના કાર્યક્રમોમાં ડિઝાઈનર સાડી પહેરેલી જ જોવા મળે છે. તેમાંય ખાસ કરીને સૈફ અલી ખાન સાથે હોય ત્યારે તો કરીના સાડીના પાલવને લહેરાવતી ઠસ્સાથી ચાલતી હોય છે. જ્યારે બિપાશા બાસુ, પ્રિયંકા ચોપરા, કેટરીના કૈફ જેવી લોકપ્રિય અભિનેત્રીઓ તો શોર્ટ ડ્રેસ પહેરવાનું જ પસંદ કરે છે.
તે જ પ્રમાણે રાજકારણમાં રાહુલ ગાંધીને જોઈને ઘણા યુવા રાજકારણીઓ કુર્તા-પાયજામા કે બંધગલાને પહેરવાનું પસંદ કરે છે. પરંતુ કેઝ્યુઅલ વેર તરીકે જિન્સ-ટીશર્ટ જ તેમના મનપસંદ પરિધાન છે.
વિશ્વના અન્ય દેશો કરતાં ભારતીય સંસ્કૃતિ અનોખી છે. આપણે સહુ ભારતીય હોવાનો ગર્વ સુધ્ધાં અનુભવીએ છીએ. છતાં વર્ષોથી આપણને પાશ્ચાત્ય વિચારોને અનુસરવાની એક આદત પડી ગઈ છે એટલે આપણા વ્યક્તિત્વમાં પણ તેનું જ પ્રતિબિંબ જોવા મળે છે.
આજે ખગોળશાસ્ત્રથી લઈને અનેક ક્ષેત્રમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. આવા સિનારિયામાં નથી લાગતું કે હવે બ્રિટિશ વિચારોની બેડી તોડીને ભારતીયતાને ઝળકાવવાનો સમય પાકી ગયો છે? અને આની શરૂઆત વસ્ત્રો દ્વારા કરવામાં આવે તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે.
-હિમાની
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gF4qYw
ConversionConversion EmoticonEmoticon