જમાનો વૉટરપ્રૂફ મેકઅપનો


આપણે ફિલ્મમાં કરિના કપૂર, બિપાશા બાસુ કે પ્રિયંકા ચોપરાને વરસાદમાં પલળતા જોઈએ ત્યારે વિચાર આવે છે કે પાણીમાં ભીંજાઈને પણ તેમનો મેકઅપ કઈ રીતે ટકી રહ્યો છે? પાણીમાં પલળ્યા બાદ તેના મોેઢાની રોનક ચમકી રહી છે. આપણામાંથી ઘણા તેમના કરતા પણ સારો મેકઅપ કરી ઓફિસે, પાર્ટીમાં કે અન્ય કાર્યક્રમમાં જાય છે. મેકઅપ કરવામાં કલાક બગાડે છે પરંતુ મેકઅપ કર્યા ના બે કલાક બાદ   ગરમીને લીધે પરસેવાથી મેકઅપ નીતરવા માંડે છે અને બધી મહેનત ઉપર પાણી ફરી વળે છે.

શું તમે ઈચ્છો છો કે એવો મેકઅપ હોેય જેના ઉપર વરસાદના પાણી કે પરસેવાની અસર ન થાય? કે તમે મેકઅપ કર્યા બાદ સ્વીમીંગ કરવા પણ જઈ શકો? 

હા, શક્ય છે. વરસાદનું પાણી, પરસેવો કે સ્વીમીંગ પુલનું પાણી તમારોે મેકઅપ બગાડી શકતું નથી. કારણ કે આજે બજારમાં વોટરપ્રૂફ મેકઅપ મળે છે જે આખો દિવસ ટકે છે અને ભૂસાતો નથી.

મેકઅપની શરૂઆત આપણે ફાઉન્ડેશનથી કરીએ છીએ. ચીકાશયુક્ત ફાઉન્ડેશન ભેજવાળા વાતાવરણમાં પીગળવા માંડે છે. લાંબી સમયમર્યાદા, વાતાવરણમાં બદલાવ, ભારેલાઈટ, વગેરેને લીધે મેકઅપ ખરાબ થઈ જાય છે. જેથી તમારું કુદરતી સૌંદર્ય પણ  સારું દેખાતું નથી તેથી આપણને  એક એવા ઉત્પાદનની જરૂર છે જે ત્વચા સાથે ભળી જાય અને રોનક આપે. હાલમાં પરસેવો, તેલ તથા પાણીને શોષી લે તેવા મેકઅપ બજારમાં મળે છે.

આ પ્રકારના મેકઅપ જરૂરી છે. કારણ કે નવવધૂ સજીને માંડવામાં આવે છે.  એટલે તેણે વિડિયો કેમેરાની લાઈટ,  ફોટોગ્રાફરના ફ્લેશનો સામનો કરવાનો હોય છે. તથા તેના ભારે કપડામાં પણ તેને ખૂબ ગરમી થતી હોય છે તેથી આવા સમયે તેનો મેકઅપ ટકાવી રાખવો ખૂબ જરૂરી છે તે ઉપરાંત લાગણીવશ નવવધૂનું માતા-પિતા તથા સ્વજનોને જોઈને મનભરાઈ  આવે છે અને આંખ છલકાઈ ઊઠે છે તે સમયે વોેટરપ્રૂફ મેકઅપ ખૂબ જ સહાયક નિવડે છે.

જોકે, બદલાતી ઋતુમાં  પણ વોટરપ્રૂફ કોસ્મેટિકનો વપરાશ કરી શકાય તે ઉપરાંત વોટરપ્રૂફ કોસ્મેટિક ત્વચા સાથે મેચ થઈ જાય છે જ્યારે લીક્વીડ મેકઅપમાં પાણી હોવાથી તે એકદમ સુકાઈ જાય છે અથવા તેનાથી પરસેવો વળે છે. 

ઘણા નિષ્ણાતો વોટરપ્રૂફ મેકઅપને રોજ વાપરવાને સલાહભર્યું નથી ગણતા કારણ કે આ મેકઅપ તેલ આધારિત હોય છે. જો તમારી ત્વચાને તે પ્રકારની કોઈ એલર્જી હોય તો નુકસાન પહોંચી શકે છે તેથી એલર્જી થતી હોય તેવી ત્વચા ઉપર આવો મેકઅપ ન કરવો. મેકઅપ કરવાથી ત્વચાના છિદ્રો બંધ થઈ જાય છે. તેથી જો એલર્જીક ત્વચા હોય અને છિદ્રો પણ બંધ હોવાથી ત્વચા ઉપર વધારે પ્રમાણમાં એલર્જી થાય છે.

પરંતુ જો તમે તમારી ત્વચાની સંભાળ બરાબર લો તો વોટરપ્રૂફ મેકઅપ તમને ક્યારેય નુકસાન નહીં કરે. વોટરપ્રૂફ આયલાઈનર, આયશેડો, બ્લશઓન, ફાઉન્ડેશન અને 'નોન ટ્રાન્સફરેબલ' લિપસ્ટીક પણ મળે છે. ભારતમાં   વિવિધ વોટરપ્રૂફ ઉત્પાદન મળે છે. 

કેટલાંક સૌંદર્ય પ્રસાધનો ઓરીએન્ટલસ્ક્રીન માટે સારા છે કારણ કે તેમાં બોટનીકલ પાણી, એમીનો એસીડ અને વિટામીન ઈ હોવાથી તે ત્વચા માટે ફાયદાકારક પુરવાર થાય છે. તે ઉપરાંત વિવિધ વયની વ્યક્તિ માટે અલગ મેકઅપ છે. તે ઉપરાંત નોેન-ટ્રાન્સફરેબલ લિપસ્ટિક તથા મોઈશ્ચરાઈઝર પણ મળે છે.

લિપસ્ટિક આખો દિવસ ટકી રહે છે તે ઉપરાંત તેમાં કુદરતી જડીબુટ્ટી હોય છે. તથા પ્રચલિત અને આધુનિક રંગમાં પણ હોય છે. આવા તૈલવિહીન કે પાણીવિહીન મેકઅપને લીધે તમે આખો દિવસ તાજા દેખાવ છો.

ફાઉન્ડેશન :

ખૂબ જ હળવું અને દરરોજ ઉપયોગમાં લઈ શકાય. આની કેક ન હોવાથી તેનાથી વધારે પરસેવો થતો નથી. તૈલવિહીન હોવાથી તે સુંદર લાગે છે. તે મેટફીનીંશમાં હોય છે. પ્રવાહી તરીકે બાટલીમાં મળે છે. આના ઉપર કોમ્પેક્ટ અથવા અન્ય પાવડર  લગાડવો નહિ. વોટરપ્રૂફ છે. આનાથી ત્વચા કુદરતી ગોરી દેખાય છે તથા લાંબા સમય સુધી આ ટકે છે. 

ક્રીમ આધારિત ફાઉન્ડેશન : 

આ ફાઉન્ડેશનની સ્ટીક અથવા કોમ્પેક્ટ મળે છે. આમાં તેલ હોય છે. આના ઉપર કોમ્પેક્ટ અથવા અન્ય પાવડર લગાડાય છે. પાણી આધારિત મેકઅપ કરતાં લાંબા સમય સુધી ટકે છે. તે સાદા પાણી અથવા સાબુથી સાફ થતું નથી. તેને ઓલીવ ઓઈલ અથવા બેબી ઓઈલથી સાફ કરો.

હવે ક્રીમબેસ વોટરપ્રૂફ મેકઅપ કોમ્પેક્ટના આકારમાં પણ મળે છે. આ કોમ્પેક્ટ આંગળીથી અથવા નાના સ્પંજના ટુકડાથી લગાડવામાં આવે છે.

વોટર એક્ટીવેટેડ વોટરપ્રૂફ મેકઅપ : 

આને થિયેટરના મેકઅપ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ મેકઅપમાં પાણી ઉમેરીને તેને બ્રશ અથવા સ્પંજ વડે લગાડવામાં આવે છે. આ મેકઅપ વોટરપ્રૂફ હોેય છે. પરંતુ આર્ટીફીશિયલ લાગે છે અને તેનો ઉપયોગ ફિલ્મ-ફોટોગ્રાફી તથા નવવધૂના શણગારમાં કરવામાં આવે છે.  આના ઉપર પાવડરનો ઉપયોગ કરવામાં આવતો નથી. 

વોટરપ્રૂફ આય-મેકઅપ : 

આયલાઈનર અને મસ્કરા લાંબા સમય સુધી લગાડી રખાય છે. પરંતુ તે સૂતા પહેલા સરખી રીતે સાફ કરવા જોઈએ. આજકાલ વોટરપ્રૂફ મસ્કરાની બહુ ફેશન છે. તે ખૂબ જ સહેલાઈથી મળે છે અને પાણીની તેના ઉપર અસર થતી નથી, પરંતુ તેને દૂર કરવું ખૂબ જ કઠણ કામ છે. અને ખૂબ જ ધ્યાનપૂર્વક તેને દૂર કરવું જોઈએ.  જો સરખી રીતે સાફ ન થાય તો તમે તમારી પાંપણ ગુમાવી દેશો. વોટરપ્રૂફ આયશેડો પણ મળે છે. 

વોટરપ્રૂફ લિપસ્ટીક : 

લાંબા સમય સુધી ટકે તેવી અને કીસપ્રૂફ લિપસ્ટીક મળે છે પરંતુ વોટરપ્રૂફ લિપસ્ટીક નથી. હા, લિપસ્ટેનર છે. જેનાથી લિપસ્ટીક વધુ કલાકો ટકે છે. તથા કુદરતી લાગે છે. પરંતુ આવી લિપસ્ટિકના વપરાશથી તમારા હોઠનો કુદરતી રંગ જતો રહેવાની શક્યતા છે. જોકે આવું દર વખતે થતું નથી. પરંતુ ઘણીવાર લાંબા સમય સુધી લિપસ્ટિક હોઠો પર રહેવાથી હોઠ સુકાઈ જાય છે. તથા ફાટી જાય છે.

વોટરપ્રૂફ લીપલાઈનર : 

લાઈનરથી હોઠને ચોક્કસ આકાર મળે છે. ઘણા  લિપસ્ટીકને બદલે લાઈનર જ કરે છે. કારણ કે તે લાંબા સમય સુધી ટકે છે. 

વોટરપ્રૂફ શેડીંગ એન્ડ કોન્ટોરીંગ મેકઅપ :  વિવિધ શેડર્સ તથા સનસ્ક્રીન લોશન તથા જેલ પણ વોટરપ્રૂફ મળે છે.

તો હવે ઉનાળા તથા વરસાદની ચિંતા છોડી મનગમતી કંપનીના તથા ખિસ્સાને પરવડે તેવા વોટરપ્રૂફ સૌંદર્ય પ્રસાધનો ખરીદો અને પ્રિતમની માનીતી સૌંદર્ય સામ્રાજ્ઞાી બનો.

- અવન્તિકા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EB90Kx
Previous
Next Post »