આણંદ જિલ્લામાં કોરોનાના વધુ 6 કેસ : કુલ આંક 800 ની નજીક


આણંદ, તા.5 સપ્ટેમ્બર 2020, શનિવાર

આણંદ જીલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આજે પણ જીલ્લામાંથી કોરોનાના વધુ નવા છ પોઝીટીવ કેસ નોંધાતા કોરોનાના કુલ દર્દીઓનો આંક ૮૦૦ની નજીક પહોંચ્યો છે. આજે જીલ્લાના આણંદ, પેટલાદ અને ખંભાતમાંથી કોરોનાના પોઝીટીવ દર્દીઓ મળી આવ્યાં છે.

છેલ્લા ત્રણ દિવસથી આણંદ જીલ્લામાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો થવા પામ્યો છે. ગત્ ગુરુવારના રોજ આણંદ જીલ્લામાંથી કોરોનાના પંદર પોઝીટીવ કેસ નોંધાયા બાદ ગઈકાલે કોરોનાના વધુ બાર પોઝીટીવ કેસો મળી આવ્યા હતાં.આજે પણ જીલ્લામાંથી કોરોનાના છ નવા પોઝીટીવ કેસ પ્રકાશમાં આવ્યા છે. જેમાં આણંદ તાલુકાના વહેરાખાડી ગામે તપોધન ફળિયામાં રહેતી ૪૩ વર્ષિય મહિલા તથા આણંદ પાસેના વિદ્યાનગરના કપીલદેવ સુપરસ્ટોર પીરરામદેવ ભુવન ખાતે રહેતા ૩૯ વર્ષિય યુવકનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જ્યારે તાલુકા મથક પેટલાદની ૨૫ વર્ષિય યુવતી અને પેટલાદના પાળજ ગામે ઈસરામા રોડ પર આવેલ પીબીએમ સ્ટાફ કોલોની ખાતે રહેતી ૬૬ વર્ષિય મહિલા પણ કોરોનામાં સપડાઈ છે. 

જીલ્લાના હોટસ્પોટ બની ચૂકેલ ખંભાત તાલુકામાં પણ કોરોનાનો પ્રકોપ જારી રહ્યો છે અને છેલ્લા બે દિવસ દરમ્યાન ખંભાતમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. 

આજે ખંભાતના શક્કરપુર વિસ્તારના નવી શેરી ખાતે રહેતા ૫૫ વર્ષિય પુરૃષ તેમજ ખંભાતની આરજી ભાવસાર હોસ્પિટલ નજીક રહેતા ૬૦ વર્ષિય પુરૃષ કોરોનાથી સંક્રમિત થયા છે. આજે નોંધાયેલ કુલ છ દર્દીઓ પૈકી ખંભાતના શક્કરપુર વિસ્તારના દર્દી ઓક્સિજન ઉપર જ્યારે અન્ય તમામ દર્દીઓની હાલત સ્થિર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/321oK1Y
Previous
Next Post »