મહીસાગર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ ગળતેશ્વર પુલ પર 10 ફૂટ પાણી


નડિયાદ, તા. 31 ઓગષ્ટ 2020, સોમવાર

ગળતેશ્વર પાસેથી પસાર થતી મહીસાગર નદીમાં રવિવારે સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી મહીસાગર નદીમાં ઘોડાપુરની સ્થિતીનું નિર્માણ થયું છે. આજે સોમવારે બપોરે બે વાગે પણ પુલ પર પાણી વહી રહ્યું છે.

ગળતેશ્વર ખાતેથી પસાર થતી મહીસાગર નદીમાં ગત રવીવારે વણાકબોરી ડેમમાંથી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. મોડી સાંજે પુલ નીચેથી પાણી ધસમસતું વહી રહ્યું હતું. રાત્રે નવ વાગે પુલ પર એકથી દોઢ ફૂટ પાણી વહેતું થતાં તંત્ર એલર્ટ થયું હતું. તકેદારીના પગલારૃપે વડોદરા-ખેડા જીલ્લાને જોડતો રસ્તો વહીવટી તંત્રએ સદંતર બંધ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યાર બાદ રાત્રે અગિયાર વાગે મહીસાગર નદીના પુલ ઉપર પાણી  ૬ થી ૭ ફુટની સપાટીએ વહેતું થતાં પુલના બન્ને બાજુએ બનાવેલા પીલર દેખાતા બંધ થઈ ગયા હતા.

સોમવારે પુલ ઉપરથી દસ ફુટ પાણી વહેતું થયું હતું જેથી વડોદરા અને ખેડા જીલ્લાને જોડતો મહીસાગર નદી પરનો પુલ દેખાતો બંધ થયો હતો. મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૃપ ધારણ કરતા પુલ ડૂબી ગયો છે અને વિશાળ દરિયા જેવો માહોલ સર્જાયો છે. પુલ ઉપર પાણીનું લેવલ માપવા માટે મૂકેલ બોર્ડ ધસમતા પાણીના પ્રવાહમાં ડૂબી ગયુ હતુ.બીજી તરફ ખેડા અને વડોદરા જીલ્લાના વહીવટી તંત્ર બંને બાજુએ ચાંપતી નજર રાખી રહ્યું છે. 

છેલ્લા ચાર-પાંચ દિવસમાં બીજી વખત મહી સાગર નદીમાં પાણી છોડાતા ગળતેશ્વરનો પુલ બંધ કરી દેવાની ફરજ પડાઇ છે.આ ઉપરાંત પ્રાંત અધિકારી ધર્મેન્દ્રસિંહ ચૌહાણ, મામલતદાર, ટી.ડી.ઓ., સરનાલ ગ્રામપંચાયતના  સરપંચ, તલાટી અને પોલીસ વિભાગ સ્થળ ઉપર કાયદો વ્યવસ્થા બનાવી રાખ્યો છે.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bdJab3
Previous
Next Post »