Tips & Tricks: બનાવટી વેબસાઇટથી સાવધાન!, લોકોની સાથે થઇ રહી છે છેતરપિંડી

અમદાવાદ, તા. 31 ઓગસ્ટ 2020, સોમવાર

ભારતમાં હંમેશા કોઈ પણ એક ટોપિક બહુ વ્યાપક રીતે લોકચર્ચાનો વિષય બને એ સાથે તેનો લાભ લેવા માટે તેના જેવા જ ભળતાં નામ ધરાવતી સંખ્યાબંધ વેબસાઇટ્સ અને એપ્સ ફૂટી નીકળતી હોય છે. આધારકાર્ડ, યુપીઆઈ, આયુષ્યમાન ભારત યોજના વગેરેના સંદર્ભમાં આવું જોવા મળ્યું છે.

લોકો આ વિષયો વિશે ઇન્ટરનેટ પર ખાસ્સું સર્ચ કરતા હોવાથી તેનો લાભ ખાટી લેવા અનેક લોકો સક્રિય થઈ જતા હોય છે. તેમનો હેતુ આ વિષયો વિશે સાઇટ કે એપ બનાવીને તેમાં ટ્રાફિક મેળવીને જાહેરાતોમાંથી બને તેટલી આવક કરી લેવાનો હોય છે. તો ઘણી એપ્સ સ્માર્ટફોનમાં માલવેર ઘૂસાડીને ડેટા ચોરી કરવાની બદદાનત પણ ધરાવતી હોય છે.

રિલાયન્સ જિઓ કંપનીએ પ્રારંભે બિલકુલ ફ્રી સર્વિસ આપીને ભારતમાં મોબાઇલ માર્કેટમાં તહેલકો મચાવી દીધો ત્યારે પણ તેના જેવાં જ નામ ધરાવતી સંખ્યાબંધ સાઇટ અને એપ ફૂટી નીકળી હતી. હવે એ ઇતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે. કંપનીની ઇ-કોમર્સ પહેલ જિઓમાર્ટને પગલે તેના જેવું નામ ધરાવતી બનાવટી વેબસાઇટ્સ બનવા લાગી છે.

હેકર્સ અદ્દલ જિઓમાર્ટ જેવો જ દેખાવ ધરાવતી વેબસાઇટ બનાવે છે, માત્ર તેના યુઆરએલમાં થોડો ઘણો ફેરફાર કરી દે છે. આવી સાઇટ પર ભારે ડિસ્કાઉન્ટની લાલચમાં લોકો રૂપિયા ગુમાવી શકે છે. જિઓમાર્ટની ઓરિજિનલ વેબસાઇટ jiomart.com છે. jiomart અને .com વચ્ચે બીજું કંઈ પણ લખેલું હોય તો એ બનાવટી સાઇટ હશે.

ભારે ડિસ્કાઉન્ટના દાવા સાથે શેર કરવામાં આવેલી કોઈ પણ લિન્ક પર ક્લિક કરીને જિઓમાર્ટની વેબસાઇટ પર જવાનો પ્રયાસ કરશો નહીં.




from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34P26M4
Previous
Next Post »