
લીમડીનો ભોગાવો બહુ ભારી
તણાયું સમલા શે'ર, બુટમા છે બહુ ભારી.
મારા પગ કેરાં ઝાંઝરાં ટૂંકાં પડે,
કેસરિયા ફરી ઘડાવ્ય, ભોગાવો બહુ ભારી.
લીમડીનો...
મારા હાથ કેરો ચૂડલો ટૂંકો પડે,
કેસરિયા ફરી ઘડાવ્ય, ભોગાવો બહુ ભારી.
લીમડીનો...
મારા ડોક કેરું દાણિયું ટૂંકું પડે,
કેસરિયા ફરી ઘડાવ્ય, ભોગાવો બહુ ભારી.
લીમડીનો...
મારા નાક કેરી નથણી ટૂંકી પડે,
કેસરિયા ફરી ઘડાવ્ય, ભોગાવો બહુ ભારી.
લીમડીનો...
ચો માસે મેઘકૃપા આરંભાય એટલે લોકજીવન હરખઘેલું થઈ જાય પણ જો મેઘમહારાજ રૌદ્રરૂપ ધારણ કરે, પુર આવે, ખેતરો ધોવાય, ઘરવખરીને નુકસાન થાય, પશુઓ ને માનવીઓ તણાય તો લોક નિમાણું થઈ જાય પણ 'દુઃખનું ઓસડ દા'ડા' એ ન્યાયે થોડાં સમય પછી બધું ભૂલીને ફરી નાનીમોટી ખુશીઓથી લોકો તરબતર બને. ટૂંકમાં, આનંદ-ઉલ્લાસનાં બે પડ વચ્ચે દુઃખદ બીનાઓને દળી નાખે એ લોકજીવન...!
'લીમડીનો ભોગાવો બહુ ભારી...' ઝાલાવાડનું બહુ જાણીતું લોકગીત છે. પાંચાળ ભૂમિ તરણેતર અને ચોટીલા પંથકમાંથી નીકળતી ભોગાવો નદી મૂળી તરફથી સુરેન્દ્રનગર, વઢવાણ, લીમડી તાલુકામાં થઈને આગળ નળ સરોવર ને ત્યાંથી ધોળકા પાસે વિખ્યાત વૌઠા નજીક સાબરમતીમાં મળી જાય છે. આ સ્થળે વાત્રક, મેશ્વો, હાથમતી, શેઢી, ખરી, માઝમ નદીઓ મળે છે જે સપ્ત સંગમ તરીકે ખ્યાત છે ને આ નદીઓના સંગમ સાબરમતીને મળે છે ને એમ મહા સંગમ પામેલી સાબરમતી ખંભાતના અખાતમાં સમાઈ જાય છે.
હવે વાત લીમડીના ભોગવોના આ લોકગીતની તો, કેટલાંક વર્ષો પૂર્વે અતિભારે વરસાદથી લીમડીનો ભોગાવો કાંઠા કૂદીને ખેતરો ને ગામડાંમાં પુરરૂપે વહ્યો ને લીમડીના સમલા ગામમાં ભારે ખાનાખરાબી નોતરી.અહીં 'સમલા'નો શહેર તરીકે ઉલ્લેખ છે પણ એ તો પ્રાસ મેળવવાથી ગાવું ફાવે એટલે માટે. બુટ માતાનો ઉલ્લેખ એટલે છે કે બુટ ભવાનીને સમલાનાં 'ગામમાતા' માનવામાં આવે છે.
લીમડીનો ભોગાવો સમલાને નુકસાન કરે છે, એવું લોકગીતનું મુખડું કહે છે પણ અંતરામાં તો એક નારી પોતાના પતિ પાસે નવા અલંકારોની માગણી કરે છે-આવું કેમ? બસ, એ જ તો લોક છે. મુશ્કેલ પળ વીતે કે તરત જ ભૂતકાળ ભૂલીને ભવિષ્યની વ્યાધિ કર્યા વિના વર્તમાનમાં જીવી લેવું, જીવનને ઉત્સાહથી છલકાવી દેવું એ જ તો લોકજીવન દ્વારા મળતી શીખ છે.
સામાન્ય રીતે નદીઓનાં નામ સ્ત્રીવાચક 'ઈ' કારાંત કે 'અ' કારાંત હોય છે પણ ભોગાવો પુરૂષવાચક 'ઓ' કારાંત છે એ તેની વિશેષતા છે. ગુજરાતી લોકગીતોમાં ભાદર,માલણ,મચ્છુ પુરનો પણ ઉલ્લેખ છે.એમ પણ મનાય છે કે મૂળ 'વઢવાણનો ભોગાવો બહુ ભારી' જેવા લોકગીત પરથી આ લોકગીત ઉતરી આવ્યું છે, જે સ્વાભાવિક છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2QPcviZ
ConversionConversion EmoticonEmoticon