
વા ત સુપ્રીમ કોર્ટનાં અપમાનની છે. વરિ વકીલ પ્રશાંત ભૂષણે હાર્લે ડેવિડસન મોટરસાયકલ લઈને નાગપુરમાં સરેઆમ ફરતા ચીફ જસ્ટીસની ટીકા ટ્વીટી કે આ એ જ છે જેમણે કોરોનાકાળમાં કોર્ટ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. એમણે અગાઉ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે 'ઈતિહાસકાર ભારતના છેલ્લા ૬ વર્ષને જોશે તો તેમને ખ્યાલ આવશે કે કઈ રીતે ઈમરજન્સી વગર દેશમાં લોકતંત્રને ખત્મ કરવામાં આવ્યું. તેમાં(ઈતિહાસકાર) સુપ્રીમ કોર્ટ, ખાસ કરીને ૪ પૂર્વ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાની ભૂમિકા પર સવાલ કરશે.' પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટનાં અપમાનનાં કેસમાં દોષી જણાયા. હવે સજાની ઘડી આવી છે.
સુપ્રીમ કોર્ટે માફી માંગવા મુદત આપી. પણ તેમણે માફી માંગવાની ઘસીને ના પાડી દીધી. પ્રશાંત ભૂષણની મનોસ્થિતિ પ્રિય કવિ ર.પા.નાં શબ્દોમાં કહું તો 'સજા કબૂલ,મને આ નગર કબૂલ નથીત હવે આ કેદ, આ ખુલ્લી કબર કબૂલ નથી.' ન્યાયતંત્ર સાથે સંકળાયેલી અનેક નામી હસ્તીઓએ સુપ્રીમ કોર્ટને આ બાબતે પુનઃ વિચાર કરવા વિનંતી કરી છે. પૂર્વ સોલિસિટર જનરલ સોલી સોરાબજીએ કહ્યું કે સુપ્રીમ કોર્ટ ઓવર-રીએક્ટ કરે છે. શું છે આ ઓવર-રીએક્શન?
ગુજરાતી લેક્સિકોન અનુસાર 'ઓવર-રીએક્ટ' એટલે વાજબી ગણાય તે કરતાં વધુ આવેશયુક્ત પ્રતિક્રિયા કરવી તે. આમ તો જ્ઞાાની લોકો એવું કહે છે કે પ્રતિક્રિયા જ ટાળવી જોઈએ ત્યારે અતિ-પ્રતિક્રિયા તો સર્વત્ર ત્યાજ્ય છે. હેં ને? ઇંગ્લિશમાં કહે છે કે 'એક્ટ, ડૂ નોટ રીએક્ટ'. પણ ન્યાયતંત્રમાં તો ક્રિયા સાથે પ્રતિક્રિયા વણાયેલી હોય છે. એટલે રીએક્શન આમ સાવ નકામું છે, એવું કહેવું વાજબી નથી પણ જે-તે રીએક્શન વાજબી હોય, એ જરૂરી છે. આપણે આપણી વાત કરીએ. આપણે રહ્યા અન-સુપ્રીમ માણસો.
આપણે અતિ-પ્રતિક્રિયા શી રીતે ટાળી શકીએ? આમ તો આપણે કાયમ ઓવર-રીએક્ટ કરતા હોતા નથી પણ ક્યારેક કોઈ મગજની પત્તર ફાડે તો કમાન છટકે. બસ, આ જ વિચારી લેવું કે એવા કયા કયા ટ્રીગર પોઈંટ છે જેનાથી આપણી છટકે છે? ગમતી વ્યક્તિ દૂર જાય ત્યારે એવું થાય? તમે બોલો પણ કોઈ સાંભળે જ નહીં ત્યારે? બધા જ લોકો તમને કાયમ જજ જ કર્યા કરે ત્યારે? હું કોઈને કેમ ગમતો/તી નથી એવો વિચાર સતત આવે ત્યારે? જો મને ખબર પડી જાય કે કે મારો ટ્રીગર પોઈંટ શું છે? -તો હું મારું ઓવર-રીએક્શન કંટ્રોલ કરી શકું. અને એમ કરવા માટે થોડી સામાન્ય વાતો મદદરૂપ થઈ શકે.
જેમ કે રીએક્શન આપતા પહેલાં ઊંડા ઊંડા શ્વાસ લેવા. મન શાંત થાય તો સારું. ક્યારેક સામાન્ય શારીરિક સ્થિતિ જેમ કે પેટમાં દુઃખવું કે ડોક રહી જવી પણ મગજને વધારે પડતી પ્રતિક્રિયા આપવા મજબૂર કરે છે. માટે પેટ દુઃખે ત્યારે માથું ન કૂટવું હિતાવહ છે. અને હા, સાત આઠ કલાકની ઊંઘ જરૂરી છે. શ્વાન જેવી નીંદર સારી નહીં. ઊંઘ મળી જાય તો ઓવર-રીએક્શન ન થાય. મગજને તાલીમ આપો. ફરી ફરી તાલીમ આપો. અતિપ્રતિક્રિયા ટાળવા માટે મગજનું નિરંતર શિક્ષણ જરૂરી છે. પોઝિટિવ બનો, પોઝિટિવ વાત કરો એવું કાયમ બધા કેહ કેહ કરે છે.
આમ બધે હા એ હા ન કર્યા કરીએ તો પણ હકારાત્મક તાસીર માણસને આવેશયુક્ત પ્રતિક્રિયા ટાળવામાં મદદ કરે છે. શક્ય છે કે અત્યારની ભાવુક કે આવેશયુક્ત પ્રતિક્રિયાઓ આપણાં ભૂતકાળ સાથે જોડાયેલી હોય. માટે... શક્ય હોય તો ભૂતકાળ ગમે તેવો ભવ્ય હોય તો ય એની મુલાકાત લેવી નહીં. અને લો તો ત્યાંથી કોઈ સામાન લઈને પાછું વર્તમાનમાં તો આવવું જ નહીં. હેં ને?
ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ યાદ છે? આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય છે. પણ માણસની મતિનો ત્રીજો નિયમ છે ઃ આઘાત અને પ્રત્યાઘાત સામસામા અને સરખા હોય... ઐસા જરૂરી નહીં હૈ! કારણ કે હવે સોશિયલ મીડિયા છે. અને સોશિયલ મીડિયા જેવું ઘોરખોદિયું બીજું કોઈ નથી. ઘોરખોદિયું એટલે? ગુજરાતી લેક્સિકોન અનુસાર ઘોરખોદિયું એટલે ખાડામાં કે કબરમાં દાટેલાંને જમીન ખોતરી ખાઈ જનારું એક જંગલી પ્રાણી. લો બોલો! પ્રશાંત ભૂષણને માલમ થાય કે ટ્વીટવાનું રહેવા દો. અને સુપ્રીમ કોર્ટને માલમ થાય કે ટીકા પર પ્રતિક્રિયા ટાળો. અને અમને શાંતિથી જીવવા દો ને ભૈસાબ!
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EK3sgg
ConversionConversion EmoticonEmoticon