મન કી બાત કરતાં કરતાં મન મોર બની થનગાટ કરે છે?


ગુ જરાતી ભાષામાં રાષ્ટ્રીય ગીતનાં સુપરસ્ટાર ગણાતા કવિ ઝવેરચંદ મેઘાણીએ રાષ્ટ્ર ભાવનાથી છલોછલ શૌર્ય અને શૂરાતન  વ્યકત કરતાં અનેક ગીતો લખ્યા છે. એ બધા ગીતો દેશની આઝાદી માટે થનગની રહેલા આઝાદીના લડવૈયાઓને દિલ ખોલીને પ્રોત્સાહિત કર્યા છે ને આઝાદી માટે મરી ફીટવાની પ્રેરણા પૂરી પાડી છે. એમાંના બધા જ ગીતો આજે બધાને યાદ નહિ હોય ! કારણ કે હવે એ બધા સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના કોઈ હયાત નથીને નવી પેઢીએ આઝાદી માટેનો જુસ્સો જોયો નથી. છતાં મઝાની વાત તો એ છે કે સ્વાતંત્ર્યસેનાની ત્રીજી ચોથી પેઢી પણ ઝવેરચંદ મેઘાણીને ઓળખે છે.

કારણ કે મેઘાણી સાહેબનું એક ગીત 'મન મોર બની થનગાટ કરે'' નવી પેઢીના હૈયે એવું વસી ગયું છે કે એ ગીતથી હવે કોઈ અજાણ નથી ! મેઘાણીના ગીતથી અજાણ ન હોય એ મેઘાણીથી અજાણ કઈ રીતે હોઈ શકે ? એ ગીત મેઘાણીનું હોવાના કારણે કે મોરના કારણે પણ મહત્વ ધરાવતું હોવા છતાં નવી પેઢીને ગીતમાંનો એક શબ્દ 'થનગાટ' મનને સ્પર્શી ગયો.

મેઘાણીનો થનગાટ ભલે દેશની આઝાદી પૂરતો સીમિત હોય પણ જીવનના દરેક પ્રસંગે અને દરેક પ્રવૃત્તિમાં થનગાટની હાજરી જોવા મળે છે. મુખ્ય શબ્દ થનગનાટ છે. પરંતુ લયની આવશ્યકતા મુજબ મેઘાણીજીએ થનગનાટનું થનગાટ કરી દીધું !  થનગાટ માણ્યો ન હોય એવો કોઇ જણ આ જગતમાં પેદા થયો નથી ! દરેકને કોઈ ને કોઈ બાબતે થનગનાટ હોવાનો જ. જે કામમાં આપણને રૂચિ ન હોય એ કામ માથે આવે ત્યારે કરવા ખાતર એ કામ કરવું પડે છે, એમાં થનગાટ નથી હોતો.

અનેક માણસો અનેક પ્રકારની પ્રવૃત્તિમાં લાગેલા છે. જે પ્રવૃત્તિ થનગાટથી વંચિત હોય છે એ પ્રવૃત્તિ, પ્રવૃત્તિ નથી. પણ ગધ્ધાવૈતરું છે. એમાં કોઈ દિવસ ભલીવાર આવે નહિ, દરેક કાર્યની સફળતા પાછળ કાર્ય પાછળનો થનગાટ જ અસરકારક નિવડે છે !  વેપાર કરતા હો તો એમાં થનગાટ હોય તો જ તમારો બિઝનેસ વિકાસ પામી શકે. ખેડૂતને જેટલો વાવણીનો થનગાટ હોય છે એટલો ફસલ લણવાનો પણ થનગાટ હોય છે. રાજકારણીઓને બારેમાસ ચોવીસે કલાક પગની નસો ખેંચાવા માંડે ત્યાં સુધી થનગનાટ જાળવી રાખવો પડે.

ચૂંટણીમાં ઉમેદવાર તરીકેની ટિકિટ મેળવવાનો થનગાટ. એ પછી ચૂંટણી લડવાનો અને જીતવાનો થનગાટ પછી પણ સરકાર રચવાનો, બહારના સભ્યો ખરીદી લાવીને પણ પક્ષને અને સરકારને મજબૂત કરવાનો થનગાટ શ્વાસ લેવા પણ થોભતો નથી ! દરેક ક્ષેત્રે થનગાટ જરૂરી છે. તમારી પાસે મબલક પૈસા હોય પણ થનગાટ ના હોય તો તમારા આંગણે ટૂ વ્હીલર કે ફોર વ્હીલર આવી ન શકે ! ટી.વી., ફ્રીજ, વોશિંગ મશીન કે ઓવન જેવી લકઝરિયસ આઈટમ તમામ વસાવી ન શકો ! જોઈએ તે બધું જ પ્રાપ્ત થઈ જાય તો મન મોર બની થનગાટ કર્યા વગર  રહે નહિ !

મોર નસીબદાર પ્રાણી છે. એને પ્રચારમાં લઈ આવવા માટે મેઘાણી જેવા રાષ્ટ્રકવિ પ્રાપ્ત થયા ને હવે દેશના વડાપ્રધાને ઘરમાં બોલાવીને મોરને પોતાના હાથે જમાડયો ! એટલે હવે એના ટહુકા સોશિયલ મિડિયા પર સંભળાવા લાગ્યા છે. મેઘાણી પાસે તો મનનો મોરલો હતો. મોદી પાસે સાક્ષાત મોર છે.

મોદીજી પાસે ' મન કી બાત ' હોવાનું તો જાણ્યું છે પણ મનના મોરલાથી હંમેશા સૌ અજાણ્યા રહ્યા છે. મેઘાણીએ તો મોરને એવો માથે ચડાવ્યો કે એને રાષ્ટ્રીય પક્ષીનો દરજજો પ્રાપ્ત થયો. હવે મોદી એને ક્યું બીરૂદ અપાવે છે એ જોવાનું રહે છે. મોર એમના ઘરે આવ્યો. મોદીએ એને જમાડયો એ તો બધાએ જાણ્યું પણ મોર મોદીની નજરમાં આવ્યો કે મન સુધી પહોંચ્યો એ ખાતરી પૂર્વક કહી શકાય નહિ.

રાજકીય વ્યક્તિ વિશે કોઈપણ બાબત ખાતરીપૂર્વક કહો તો એમાં ખોટા પડવાની પૂરેપૂરી સંભાવના છે. મોદીજીના અનુકરણમાં રચ્યા પચ્યા રહેતા ભાજપી નેતાઓ અને કાર્યકરો મૂંઝવણ અનુભવી રહ્યાં છે કે ઘરમાં બોલાવીને દાણા નાંખવા માટે આપણે મોર ક્યાંથી લાવીશું ? બધી વાતે અનુકરણ કરવામાં પાછું વળીને જોયું નથી. ખમીશ ઉર્ફે શર્ટ ઉર્ફે ટીશર્ટ તો અડધી બાંયનાં જોયા છે. પણ કોટ અને પહેરણ ઉર્ફે ઝભ્ભો અડધી બાંયના હોય તો એ  કઢંગા પણ લાગે.

પણ ભાજપી નેતાઓ અને કાર્યકરોએ સાહસ કર્યું, ભલે અડધી બાંયનો ઝભ્ભો કઢંગો લાગે પણ મોદીજીએ અડધી બાંયનો ઝભ્ભો પહેર્યો એટલે આપણે પણ પહેરવા. મોદીભક્તિ પુરવાર કરવાની આવી સસ્તી અને સહેલી તક આપણને ક્યારે મળશે ? પણ એ કઢંગી મુસીબત અનુયાયીઓના ગળે વળગાડીને મોદીજી દિલ્હી જઈને સૂટબૂટ પહેરતા થઈ ગયા પણ મોદીજી જંપતા નથી. અનુયાયીઓના મોઢામાં અનુકરણનું પાણી આવી જાય એવું કંઈ ને કંઈ કરતા રહે છે. હવે  એમણે દાઢી વધારવા માંડી છે. હવે આપણે શું કરવું ? દાઢી વધારવી કે  નહિ એવી મૂંઝવણ અનુભવતા થઈ ગયા છે.

પક્ષીને દાણા નાખવાની રસમ પ્રાચિન છે. એની ક્યારેય કોઇ ચર્ચા થતી નથી. પણ ખાનાર અને ખવડાવનાર બંને ઊંચા દરજ્જાના હોય તો એ બહુ મોટી ઘટના બની જાય છે. રાષ્ટ્રીય પક્ષીને રાષ્ટ્રના વડા પોતાના ઘરે બેસાડી જમાડે એ નાની સૂની વાત નથી. એ બહુ મોટી ઘટના છે. ને એટલે જ એ ઘટના સોશિયલ મિડિયા પર વાયરલ પણ થઇ અને છવાઇ પણ ગઇ! સોશિયલ મિડિયાના કાયમી યૂઝર્સ દ્વારા જાતજાતની કોમેટ આવવા લાગી .

એમાં કેટલીક પ્રશંસા પણ થઇ, કેટલીક ટીકા થઇ, જયાં આ બંનેમાંથી કશું ય ન થયું ત્યાં આ ઘટના નવાઇ જેવી લાગી! રાજકીય ક્ષેત્રે પણ આ ઘટનાને સંડોવીને આર.જે.ડી.એ. પ્રશ્ન કર્યો કે મોર પાલવા બદલ લાલુપ્રસાદ યાદવને વન વિભાગ દ્વારા સજા થઇ તો મોદી માટે પણ કેમ એવું પગલું ભરાયું નથી? મોદી જેવું માર્કેટિંગ કોઇ કરી શકતું નથી. ચર્ચામાં રહેવા માટે મોદીજીને નવા નવા આઇડિયા સૂઝે છે. એ સતત ચર્ચામાં રહે છે.

મોરને દાણા નાખવાની ઘટના એમણે છાની રાખી હોત તો કોઇ એ વાત જાણવાનું નહોતું. પણ આવી વાતમાંય ચર્ચાનો વિષય બનવુ, સોશિયલ મિડિયા પર વાયરલ થવું, એ બધું મોદીના માર્કેટિંગનો જ એક હિસ્સો છે. એમની દાઢી પણ ચર્ચામાં આવી. દાઢી વિશે પણ અનેક પ્રકારની કોમેટ્સ આમથી તેમ વીંઝાતી રહી. કોઇએ દાઢીની મશ્કરી કરી, કોઇએ કોમેટ કરી કે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી આવી રહી છે. એટલે મોદીજી દાઢી અને માથાના વાળ વધારીને રવિન્દ્રનાથ ટાગોરનાં ગેટઅપમાં પ્રચાર કરવા નીકળશે. એમને જોઇને ભાજપના બીજા બધા નેતાઓ અને કાર્યકરો દાઢી વધારતા થઇ જશે તો માત્ર એમનો જ ચહેરો નહિ, સમગ્ર ભાજપનો ચહેરો બદલાઇ જશે.

મોદીએ અડધી બાંંયના ઝભ્ભાને તિલાંજલી આપી દીધી પણ એમનું અનુકરણ કરીને અડધીબાંયના ઝભ્ભા પહેરતા થઇ ગયેલા નેતાઓ અને કાર્યકરો આજે પસ્તાય છે. એમની સ્થિતિ તો સાપે ગળેલા છછુંદર જેવી થઇ ગઇ છે. હવે એ ઝભ્ભો પહેરવો ન ગમતો હોવા છતાં એ છોડી પણ શકાતો નથી! દાઢીની બાબતમાં એવું થશે તો શું થશે. ધારો કે પશ્ચિમ બંગાળની ચૂંટણીને લક્ષમાં રાખીને દાઢી વધારતા હોય તો ચૂંટણી પતી ગયા પછી પાછી દાઢી જેવી હતી એવી થઇ જાય તો એમને જોઇને દાઢી વધારનારાઓની શી દશા થશે?

અનુકરણ એ મોટાભાગના લોકોની ખાસિયત છે. જે લોકો પોતાનો વિકાસ પોતાની સમજ સૂઝ પ્રમાણે કરતા નથી અથવા કરી શકતા નથી. એ લોકો જ બીજાનું અનુકરણ કરતા હોય છે. અનુકરણ કરવાથી તમે એના જેવા બની શકતા નથી. કંઇક બનવા માટેની સૂઝ અને સમજ કામ લાગે છે. દરેક રેટિંયો કાંતનાર ગાંધીજી નથી બની જતા.

દરેક વાંસળી વાદક કનૈયો બની શકતો નથી. દરેક તીરકામઠાવાળા અર્જુન બની જતા નથી! સ્ત્રીનું અપહરણ કરનાર દરેક માણસ લંકેશ બની શકતો નથી! કરતાલ તો ઘણાએ વગાડી પણ કોઇ નરસૈયો થયો નહિ અને તંબુરો લઇને ફરતી હજારો સાધવીઓમાં કોઇ મીરા પાકી નથી! અને અડધી બાંયનો ઝભ્ભો પહેરવાથી વડાપ્રધાન નથી બની જવાતું!

મોરને દાણા નાખવા એ કોઇ ચર્ચાનો વિષય બને એવી વાત નથી. પણ આ વાતમાં વડાપ્રધાન જોડાયેલા છે. વડાપ્રધાન મોરને દાણા નાખે એ મહત્વનું છે. મોદીએ તો જીવનમાં પહેલીવાર કોઇ એક મોરને દાણા નાખ્યા અને વાતનું વતેસર થઇ ગયું. તમે મોરોની આખી જમાતને જમાડો તો પણ કોઇ એની નોંધ લેવાનું નથી. કારણ કે તમે વડાપ્રધાન નથી. અને મોદીજીને તો દાણા નાખવાની પ્રેક્ટિશ થઇ ગઇ છે. કોંગ્રેસના પાળેલા કબૂતરોને પણ એ દાણા નાખી નાખીને પોતાની પાસે બોલાવી લે છે! કોંગ્રેસ સૌથી જૂની સંસ્થા છે. બીજા પક્ષો તો આઝાદી પછી અસ્તિત્વમાં આવ્યા.

કોંગ્રેસ આઝાદી પહેલાની સંસ્થા છે. કોંગ્રેસે જ દેશની આઝાદી માટેની ચળવળની આગેવાની લીધી હતી. કોંગ્રેસ સૌથી જૂની સંસ્થા છે. એટલે કે બહુ જૂની ઇમારત છે અને હવે એ જૂની ઇમારતના પોપડા ઉખડવા માંડયા છે. જોકે કેટલાક કોંગ્રેસીઓ ઇચ્છે છે કે પોપડા ઉખડે છે એ સારી વાત છે. નવેસર પ્લાસ્ટર કરવાની તક મળશે.

ઇન્દિરા ગાંધીના શાસનકાળમાં કોંગ્રેસની આવી જ સ્થિતિ થઇ હતી. ભલભલા પોપડા ઉખડી ગયા હતા. ત્યારે એવું લાગ્યું કે હવે આ ઇમારત ધરાશાયી થઇ જશે. પણ એવું ના થયું. ઇન્દિરાએ ઉખડી ગયેલા પોપડાઓને વાળી ઝૂડીને દૂર ફેંકી દીધા ને એ સ્થાને નવું પ્લાસ્ટર થઇ જતા એ ઇમારત વધુ મજબૂત બની ગઇ હતી. જેને વોટબેન્કનું પ્લાસ્ટર કહેવામાં આવ્યું! અને ત્યારથી વોટબેન્ક ચર્ચામાં આવી વોટબેન્કની નોંધ થવા લાગી.

અગાઉ વોટબેન્કનો આક્ષેપ માત્ર કોંગ્રેસના શિરે હતો. હવે ભાજપ પાસે પણ વોટ બેન્ક છે. અને બંને પક્ષો હવે એક બીજાની વોટબેન્કમાં બાકોરા પાડવા મંડી ગયા છે. પરિણામે કોંગ્રેસને ભાજપની નીતિ અપનાવવી પડી અને ભાજપે કોંગ્રેસની નીતિ અપનાવી છે. હવે રાહુલ ગાંધી મંદિરોના દર્શન માટે જતા થયા છે ત્યારે તાજેતરમાં ફિલ્મ એક્ટર પરેશ રાવલનુ મુસ્લિમોની તરફદારી કરતું વિધાન ખાસું વાયરલ થયું છે. એ વિધાન ભાજપ દ્વારા કોંગ્રેસની વોટબેન્કમાં બાકોરૂં પાડવાનો પ્રયત્ન હોવાનો પુરાવો છે.

કોઇ જગ્યાએ ચાર મરે છે,

કયાંક કશે દસબાર મરે છે.

હિન્દુ મુસ્લિમ બંને સલામત

માણસ વારંવાર મરે છે!



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31D8jZM
Previous
Next Post »