
ચોમાસુ આવે અને શરદીનો જાણે ચેપીરોગ ફેલાયો હોય તેવું લાગે. જ્યાં જુઓ ત્યાં લોકો છીંકાછીંક કરતાં હોય અને રૂમાલ વડે નાક સાફ કરતાં દેખાય. વાસ્તવમાં શરદી વરસાદ કે શિયાળાની ઠંડીને કારણે નહીં, પણ મોસમમાં થયેલા આકસ્મિક ફેરફારને કારણે થતી હોય છે. આપણે જેને સામાન્ય શરદી (કોમન કોલ્ડ) તરીકે ઓળખાવીએ છીએ તે શરદીનો રોગ આમ તો ખૂબ સામાન્ય છે પણ તેની કેટલીક વિચિત્રતા છે.
શરદી એ સામાન્ય રોગ છે છતાં હજુ સુધી તેનો કોઈ રામબાણ ઈલાજ શોધી શકાયો નથી. તે એક રીતે ચેપી રોગ છે. છતાં તે જે વિષાણુઓ (વાયરસ)થી ફેલાય છે તેને અટકાવવાની દવા હજુ સુધી શોધાઈ નથી. નાના બાળકથી માંડીને વૃદ્ધ સુધી શરદીનો રોગ ગમે તેને લાગુ પડે છે. આ જગતમાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને જીવનમાં ક્યારેય શરદી ના થઈ હોય.
આપણે ત્યાં સામાન્ય રીતે કોઈને શરદી થાય એટલે જાતજાતની એલોપથી દવા જેવી કે કોલ્ડારીન રોલ્સીડીન, વગેરે લેવાનું આપણે શરૂ કરીએ છીએ. કેટલાંક લોકો રૂમાલમાં યુકેલીપ્ટસ તેલનાં ટીપાં નાખી રૂમાલ નાક પર દબાવી રાખે છે. કેટલાક મેન્થોલવાળા 'ઈન્હેલર' (શ્વાસ લેવા માટેની નળી) વાપરશે. ગળામાં થતી ખારાશ માટે વીક્સ, વૉકીસીલ કે બીજી પીપરમીન્ટ જેવી લોઝેન્સ ચૂસશે.
સવારે બપોરે અને રાત્રે બ્લેન્કેટ ઓઢીને સૂતી વખતે વિક્સ અથવા બામ ગળા, છાતી અને પીઠ પર લગાડશે. કેટલાક લોકો ગરમ પાણીમાં કે વગર પાણીએ ડોેક્ટર બ્રાન્ડી પી જશે અથવા પગના તળિયે બ્રાન્ડી ઘસશે. આ ઉપરાંત હોમિયોપેથી અને આયુર્વેદિક ઈલાજો પણ ઘણા કરે છે. પણ શરદી શા માટે થાય છે તે જાણવાની અને મૂળથી જ તેનો ઉપચાર કરવાની તસ્દી આપણે લેતા નથી.
એવું કહેવાય છે કે સરેરાશ દરેક વ્યક્તિ વર્ષમાં બેથી ત્રણવાર શરદીનો ભોગ બને છે. શરદીથી આમ તો શરીરના દરેક અંગને અસર થાય છે પણ નાક અને ગળાને વિશેષ તકલીફ પડે છે. મોટાભાગે શરદી એક યા બીજા પ્રકારના વાયરસથી થાય છે. શ્વસનતંત્ર રૂંધાઈ જાય ત્યારે શરદીનું પ્રાથમિક લક્ષણ ગણાય છે. ત્યારબાદ નાકમાંથી પાણી ગળે છે, તાવ હોય તેવું લાગે છે. ગળામાં કંઈક ખટકે છે, માથું ભારે લાગે છે, શરીરમાં હળવો દુ:ખાવો સતત થાય છે. ઘણી વ્યક્તિને શરદી વખતે ભૂખ ઓછી થઈ જાય છે.
શરદી થવા માટે એવું કારણ અપાય છે કે શરીરની પ્રતિકાર શક્તિ જ્યારે ઘટી જાય ત્યારે શરદીના વાયરસનો હુમલો શરદી લાવે છે. આ ઉપરાંત એલર્જીને કારણે, અપૂરતી ઊંઘને કારણે અને આહારની ખોટી ટેવને કારણે શરદી થાય છે. ક્યારેક હવામાનમાં ઓચિંતા ફેરફાર થાય, શ્વાસમાં ધૂમાડો, રજકણ વગેરે જાય, શારીરિક અને માનસિક સ્થિતિ કથળી ગઈ હોય ત્યારે પણ શરદી થાય છે. અતિશય ટેન્શનમાં લાંબો સમય કામ કરનારને પણ શરદી થાય છે.
આ ઉપરાંત કબજિયાત અને લીવરની શક્તિ મંદ પડવાથી પણ શરદી થાય છે. જોકે શરદીના વિષય પર સંશોધન કરનારા વૈજ્ઞાાનિકો માને છે કે શરદી થવાનું મુખ્ય કારણ શરીરમાંની 'ટોક્સીક' સ્થિતિમાં થતા ફેરફાર છે. આવા ફેરફાર વધુ પડતા સ્ટાર્ચ, કાર્બોહાઈડ્રેટ્સ અને પ્રોટીનવાળા ખોરાક લેવાથી થાય છે. આવો ખોરાક એસિડ પેદા કરે છે.
સંશોધનકારો એવું માને છે કે જ્યારે શરીરમાં વધુ પ્રમાણમાં એસિડ પેદા થયું હોય ત્યારે નાક આરોગ્ય બગડવાની નિશાની રૂપે ચેતવણી આપવા શરદીનો ઉપદ્રવ વધારે છે. શરીરમાં એસિડરૂપી ઝેર વધી રહ્યા છે, રોગ પ્રતિકાર શક્તિ ઘટી રહી છે અને ફેફસાં નબળા પડી રહ્યા છે તે બતાવવા 'લીટ' રૂપી પ્રવાહી ઝેર બહાર આવે છે.
મનુષ્ય આ ઝેરને બહાર કાઢી નાખવાને બદલે તેને બહાર આવતું અટકાવવા દવાના ડોઝ લીધે રાખે છે. આમ કરવા જતાં ઝેર શરીરમાં જ જમા થયા કરે છે. તેથી જ શરદી થાય ત્યારે બને તેટલી વધુ વખત નાક સાફ કરી શરદી રૂપી કચરો ઝેર બહાર ફેંકી દો. લીટ અને ગળફા રૂપી આ કચરો બહાર નીકળી જતા ફરી પાછી મૂળ સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. આમ જ્યાં સુધી શરીરમાં એકઠું થયેલું ઝેર લીટરૂપે બહાર ફેંકાઈ ન જાય ત્યાં સુધી શરદી ચાલુ રહે છે.
આપણે ત્યાં એવી માન્યતા છે કે શરદીનો રોગ સાત દિવસમાં દવા લઈને મટાડી શકાય. જો સાત દિવસમાં દવાથી ન મટે તો પણ આ રોેગ આપોઆપ સપ્તાહ પછી હઠી જાય છે. આનો એવો પણ મતલબ થાય કે શરદી માટે કોઈ અકસીર ઈલાજ નથી.
શરદીના ઈલાજ માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. બિલકુલ આરામ અને બની શકે તો એક કે બે દિવસ ઉપવાસ. ઉપવાસ દરમિયાન ફળોના રસ અને ગરમ કરેલા પાણી સિવાય કંઈ જ નહીં પીવાનું. ફળોનો રસ પીવાથી શરીરમાંના એસિડની શક્તિ મંદ પડે છે અને ગરમ ચા-કોફી પીવાથી કિડની સાફ થાય છે.
કેટલીકવાર પેટ અને આંતરડા સાફ કરવા એનિમા અપાય છે. શરદી થઈ હોય ને છાતીમાં ભરાવો લાગતો હોય તો શરીરવધુ પવનમાં ખુલ્લુ ન રહે તે રીતે ગરમ પાણીથી સ્નાન કરવાથી રાહત રહે. ગરમ પાણીની વરાળનો નાક પર શેક લેવાથી નાકને રાહત રહે છે. ઘણીવાર 'હોટ પેક' અને 'ફોર્મેન્ટેશન' પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. મીઠાનું ગરમ કરેલું પાણી લઈને કોગળા કરવાથી ગળામાં થતો દુ:ખાવો અટકી જાય છે. આ ઉપરાંત ઊંડા શ્વાસ લઈને વધુ માત્રામાં શરીરમાં અને લોહીમાં ઓક્સીજન જવો જોઈએ.
એક-બે દિવસ ઉપવાસ કર્યા પછી દરદી ફરી ખોરાક શરૂ કરે ત્યારે આલ્કલાઈન બેઝ ધરાવતો ખોરાક (ફળો અને શાકભાજી) લેવો જોઈએ. ફળ અને શાકભાજીમાંના ખનીજો લોહી શુદ્ધ કરીને તેમાંના કોષોની પ્રવૃત્તિ વધારે છે અને 'ઓક્સીડેશન' પણ વધારે છે. શરદી મટી ગયા પછી પણ થોડા દિવસ માંસ, માંછલી, ઈંડા, ચીઝ અને બીજા સ્ટાર્ચવાળા ખોરાકથી દૂર રહેવું જોઈએ.
મેડિકલ સાયન્સમાં શરદીના રોગને 'કોરીઝ' તરીકે ઓળખાવાય છે. આ રોગની ઓળખ આપતા તબીબી વિજ્ઞાાની એમ કહે છે કે શરદી 'રહીનો વાયરસ'થી થાય છે. 'રહીનો' લેટિન ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ નાક થાય છે. તેથી એમ કહેવાય કે શરદી નાક પર હુમલો કરતાં વાયરસથી થાય છે. આ વાયરસ વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં હોય છે.
તેમ જ માનવી પણ શરદીના જંતુની જાણે અજાણ્યે હેરાફેરી કરતો હોય છે. શરદી થઈ હોય તેવી વ્યક્તિ જે કોઈ ચીજ-વસ્તુને અડે, જે સ્થળે જાય ત્યાં બધે શરદીના વાયરસ ફેલાય છે. તે છીંકે છે ત્યારે તો મોટા પ્રમાણમાં આ વાયરસ વાતાવરણમાં ઠલવાય છે. આ વાયરસના સંપર્કમાં જે વ્યક્તિ આવે તેને ગણતરીના કલાકોમાં જ શરદી થાય છે.
એવો અંદાજ કાઢવામાં આવ્યો છે કે સરેરાશ દરેક વ્યક્તિને વર્ષમાં છ-સાત વાર શરદી થાય છે. જ્યારે કેટલાક નબળી પ્રતિકારક શક્તિ ધરાવતા અને ધૂળ રજકણ, તેમ જ સીધા સૂર્ય પ્રકાશની એલર્જી ધરાવતા લોકોને બારેમાસ શરદી થયા કરે છે. કેટલાક લોકોને શરદી થાય ત્યારે આંખ લાલ થઈ જાય છે અને નાક પાસેનું હાડકું (મ્યુકોઉસ) સૂજી જાય છે. આ માટેનું કારણ એવું અપાય છે કે શરદી થઈ હોય ત્યારે તેના વાયરસને વધુ ફેલાતા અટકાવવા શરીરમાં જે આંતરિક પ્રતિકાર-પ્રક્રિયા થતી હોય છે.
તે આવા સોજા રૂપે કે લાલઘૂમ આંખોમાં દેખાય છે. જો શરદીના વાયરસ ખૂબ જટીલ હોય તો શરૂઆતમાં નાકમાંથી પાણી જ ગળતું હોય તેની બદલીમાં ખૂબ જ ચીકણું અને ઘટ્ટ એવું સફેદ પ્રવાહી નીકળે છે. જેને આપણે 'લીટ' શેડા કે બલગમ નામે ઓળખીએ છીએ. આ સફેદ પ્રવાહી વાયરસ સામે લડતાં લડતાં ખતમ થયેલા શરીરના 'એન્ટીબોડીઝ' અને શ્વેત કણોનું બનેલું હોય છે. આવું પ્રવાહી બને તેટલી ઝડપથી નાકમાંથી ખંખેરીને સાફ કરી નાખવું જોઈએ.
શરદીની અસર ફક્ત નાકથી જ ખબર પડે છે. છતાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેના જીવાણુઓ શરીરમાં બધે પ્રસરવા લાગે એટલે શરીરમાં દુ:ખાવો થાય છે, તાવ આવે છે, મોટેભાગે શરદી થાય ત્યારે માથુ દુ:ખે છે તેનું કારણ એ છે કે શરદીના જીવાણુઓ જ્યારે લોહીમાં મળીને તેને દૂષિત કરે છે ત્યારે આવું લોહી મગજના જ્ઞાાનતંતુને છંછેડે છે જેથી બેચેની લાગે છે અને માથુ દુ:ખે છે.
શરદી વિશે છેલ્લા કેટલાંય વર્ષોથી વ્યાપક સંશોધન ચાલી રહ્યું છે. તેમ જ તેનો રામબાણ ઈલાજ શોધવા વિશ્વના અગણિત વૈજ્ઞાાનિકો રાત-દિવસ સંશોધન કરી રહ્યાં છે. શરદીના ક્ષેત્ર વિશ્વમાં સૌથી વધુ અભ્યાસ અને સંશોધન ઈટાલીના મિલાન શહેરમાં રહેતા ડૉક્ટર સર ક્રિસ્ટોફર એન્ડ્રુઝે કર્યું છે. તેઓ મિલાનની ઈન્સ્ટીટયુટ ઓફ વિરોલોજીમાં વૈજ્ઞાાનિક છે. તેમણે કરેલા સંશોધન પછી શરદી વિશેની કેટલીક ખોટી માન્યતા પ્રકાશમાં આવી છે.
વિશ્વના ઘણા ડોક્ટરો હવે માને છે કે ઠંડીને કારણે શરદી થાય છે તે માન્યતા બિલકુલ ખોટી છે. ભેજવાળી જમીન પર ઊભા રહેવાથી કે પાણીમાં ભીંજાતા રહેવાથી શરદી થાય છે તે માન્યતા ખોટી છે. જો ઠંડીથી કે વરસાદથી શરદી થતી હોત તો ઉત્તર-દક્ષિણ ધુ્રવ પર બરફના ટાપુઓ પર રહેનારા એસ્કિમો અને ટુંડ્ર પ્રદેશના લોકો અને ખૂબ વરસાદ પડે છે તેવા ભેજવાળા એમેઝોનના જંગલોમાં રહેતા આદિવાસીઓ બારેમાસ શરદીથી જ પીડાતા હોત પણ આવું નથી. ડૉ. એન્ડ્રુઝે તેમનાં કેટલાક વિદ્યાર્થીઓને ખૂબ ઠંડા પાણીમાં કલાકો સુધી સ્નાન કરાવીને પછી ખુલ્લા શરીરે ઠંડા ફુંકાતા પવનમાં ઊભા રાખ્યા તેમ જ પછી ફરીથી તેમના પર વરસાદના પાણીનો છંટકાવ કર્યો. આ અખતરા પછી તેમણે જે વ્યક્તિઓને શરદી થઈ તે અને બીજા સામાન્ય શરદીના રોગીઓની ચકાસણી કરી તો ખાસ ફેર માલુમ ન પડયો.
ડૉ.એન્ડ્રુઝે એ પણ સાબિત કર્યું છે કે શરદી થવાનું કારણ એક પ્રકારના વાયરસ જ છે. તેમની પ્રયોગશાળામાં તેમણે શરદી થયેલી વ્યક્તિના લીટમાંથી વાયરસ અલગ કરીને તેમને ઉછેર્યા હતા.આવા વાયરસનું અદ્યતન ઈલેક્ટ્રોન માઈસ્કોપ હેઠળ વર્ષો સુધી સંશોધન કર્યા બાદ પણ તેના વિશે ચોક્કસ કોઈ સિદ્ધાંત નક્કી કરી શકાયો નથી.
છતાં એવું માલુમ પડયું છે કે શરદીના વાયરસ જ્યારે વ્યક્તિની પ્રતિકાર શક્તિ ઓછી થાય ત્યારે જલ્દી લાગુ પડે છે. જો કે ડૉ.એન્ડ્રુઝનું એમ માનવું છે કે શરદીના જીવાણુઓ બધી જ વ્યક્તિ પર સરખો જ હુમલો કરે છે અને તે છતાં જો કોઈ વ્યક્તિને શરદી ન થાય તો તે માટેનું કારણ એવું હોઈ શકે કે તે થોડાં સમય પૂર્વે જ શરદીનો ભોગ બની ચૂક્યો હોય.
અત્યારે મોટાભાગના ડોક્ટરો શરદી થાય એટલે એલોપથીની વિવિધ દવા, ટીકડીઓ તો આપે જ છે. પણ સાથે સાથે વિટામીન સીની ગોળીઓ આપે છે. આ બાબતમાં પણ ડૉ.એન્ડ્રુઝ એવું કહે છે કે શરદી થઈ હોય ત્યારે વિટામીન સી લેવાથી કે ન લેવાથી કોઈ ફરક પડતો નથી. નોબેલ પારિતોષક વિજેતા લાયન્સ પોલીંગે સૌપ્રથમવાર એવી રજૂઆત કરી હતી કે શરદીના દરદીએ વિટામીન સીની ગોળી લેવાથી તેને રાહત થાય છે. પણ ડૉ.એન્ડ્રુઝ કહે છે કે રોજ માનવી ૫૦૦ મી.ગ્રામ વિટામીન સી આપતી ટીકડીઓ લેવાનું તે શરૂ કરે તો તેનાથી કિડનીમાં પથરી થવાના ચાન્સ રહે છે.
શરદીનો રોગ ઉત્પન્ન કરનારા વાયરસ વિશે હજુ સુધી વિજ્ઞાાનીઓને ધારી સફળતા નથી મળી. એવું કોઈ ઘટક હજુ સુધી શોધી શકાયું નથી જે વાયરસનો નાશ કરી શકે અને રોગ કાબુ લાવી શકે. (ડોક્ટરો શરદી થાય ત્યારે જે દવા આપે છે તે માત્ર કફને સુકવી નાખે છે)
કેટલીક વાર શરદી સાથે તાવ હોય તો એસ્પીરીન આપવામાં આવે છે. નાકનો ભરાવો દૂર કરે તેવી ગોળીઓ અપાય છે. જ્યારે ડૉ.એન્ડ્રુઝ એવી ભલામણ કરે છે કે જેને શરદી થઈ હોય તેવી દરેક વ્યક્તિએ ખૂબ વધુ પ્રમાણમાં પ્રવાહી ખોેરાક અને પાણી લેવું જોઈએ. કારણ કે શરદી થઈ હોય ત્યારે શરીરમાં ડીહાઈડ્રેશન (સૂકાઈ જવું) થઈ જાય છે. વળી માથુ દુખતું હોય કે થાક લાગતો હોય તો પાણીની વરાળ શ્વાસમાં લેવી જોઈએ.
મોટાભાગના વાયરસથી થતાં રોગો કોઈ વ્યક્તિને એકવાર થાય પછી તેનું શરીર જીવનભર એ રોગ માટેની પ્રતિકાર શક્તિ (ઈમ્યુનિટી) કેળવી લે છે. જ્યારે શરદી એક જ એવો રોગ છે જે 'વાયરલ ઈન્ફેક્શન' હોવા છતાં દર વર્ષે ફરી ફરીને થાય છે. આ માટે એવું કારણ આપવામાં આવે છે કે શરદીના જીવાણુઓ ખૂબ જ નબળી એન્ટીજેનીક પ્રોપર્ટી ધરાવે છે.
તેથી તેની સામે લડવા શરીર જે 'એન્ટીબોડીઝ'નું લશ્કર તૈયાર કરે છે તે પણ નબળું હોય છે. એવું નોંધવામાં આવ્યું છે કે શરદી સામે પ્રતિકાર કરવા ઉત્પન્ન થયેલા શરીરના 'એન્ટીબોડીઝ' છ મહિનાના ગાળામાં નાશ પામે છે. કેટલાકને શરદી થાય પછી સાયનસ થાય છે. કારણ કે શરદી થાય ત્યારે સાયનસની જે નળીના દ્વાર નાકમાં ખૂલતા હોય છે તે શરદી વખતે રૂંધાઈ જાય છે અને તેથી સાયનસનો રોગ થવાના ચાન્સ રહે છે. આવા લોકોએ શરદીના જરા પણ લક્ષણ દેખાતા તત્કાળ પગલાં લેવા જોઈએ.
મુંબઈમાં નાક, કાન, અને ગળાના ખાસ નિષ્ણાત ઈ.એન.ટી. સર્જન છે. જેણે શરદી વિશે કેટલીક જાણવા જેવી માહિતી આપી છે. તેઓ જણાવે છે કે ઘણાંને બારેમાસ શરદી થતી હોય તેવું લાગે છે. પણ શરદી બારેમાસ સતત ચાલુ રહેતી નથી. આવા કિસ્સામાં વાસ્તવમાં દરદીને 'રહીનોટીસ' (એલર્જી કે બીજા જીવાણુનેકારણે નાકમાંના મ્યુકોલસ કોષો ફુલી જવા) થયું હોય છે. કારણ કે શરદી કોઈ દિવસ પાંચ કે સાતથી વધુ દિવસ રહેતી નથી. કેટલીક વાર કાયમી સાયનસનો રોગ રહેતો હોય તો પણ બારેમાસ શરદી થઈ હોય તેવું લાગે છે. આવા કિસ્સામાં દરદીએ સાયનસનું નાનું ઓપરેશન કરાવી લેવું હિતાવહ છે.
શરદી થઈ હોય ત્યારે એલોપથીની દવા લેવાને બદલે ઓરલ ડિકન્જેસ્ટન્ટ વાપરવા જોઈએ. નાકમાં નાખવાના ટીપા અને વરાળને શ્વાસમાં લેવાથી પણ ફાયદો થાય છે. જેઓને એલર્જીને કારણે શરદી થાય તેમણે એલર્જીને પારખી લઈને ખાટા ફળ ચોકલેટ, કાંદા, ઘરમાંની ધૂળ, જંતુઓથી દૂર રહેવું જોઈએ.
શરદીને થતી અટકાવવા અગાઉથી લઈ શકાય તેવા સાવચેતીના કોઈ પગલાં નથી. હા માત્ર કોઈ માણસ છીંક ખાય ત્યારે તરત જ તેનાથી દૂર રહેવું જોઈએ. બસ-ગાડીમાં બેઠા હોય ત્યારે દૂર જવાનું શક્ય ન હોય તો આપણો ચોખ્ખો રૂમાલ નાક પર ઢાંકી દેવો જોઈએ. જોકે કેટલીકવાર બંધ રહેતા રૂમોમાં છીંક ખાધાના ત્રણ દિવસ પછી શરદીના વાયરસ મળી આવ્યા છે. શરદી થતી અટકાવવા જાતજાતની રસીની શોધ થઈ છે. પણ કોઈપણ કેસમાં સફળતા મળી નથી.
ચોમાસામાં શરદીનો ચેપી રોગ ફાટી નીકળ્યો હોય તેવું લાગે છે તેનું કારણ એ છે કે ચોમાસા દરમિયાન વાતાવરણમાંનો ભેજ અને ગરમી શરદીના જીવાણુને ઝડપથી વધારવાના પ્રોત્સાહન આપે છે. તેથી તેના વાયરસનો ફેલાવો વધતા વધુ લોકોને શરદી થાય છે. જોકે શરદી થઈ હોય ત્યારે નાકમાં નાખવાના ટીપાનો ખૂબ વધારે પડતો ઉપયોગ નહીં કરવો જોઈએ. આ ઉપરાંત કેટલાંક પીઠ, છાતી અને ગળા પર લગાડવાના ક્રીમ પર પણ વધુ પડતો આધાર ન રાખવો જોઈએ. નહીં તો કાયમી આદત પડી જાય છે.
શરદીનો રોગ કોઈ વ્યક્તિને ખૂબ હેરાન કરતો હોય તો તેને માટે તાજેતરમાંના નાના ઓપરેશન કરીને ઈલાજ કરવાનું શક્ય બન્યું છે. આ વિશે જણાવતાં ડોક્ટર બોરકર કહે છે કે કોઈને કાયમી એલર્જીથી રહીનોટીસ (નાક ગળતું હોય) થયું હોય તો તેની પર 'ઓટોહોમીયોથેરાપી' પદ્ધતિથી નાનું ઓપરેશન કરી શકાય.
આ માટે દરદીનાજે શરીરમાંથી થોડું લોહી લઈને તેને કોર્ટીકોસ્ટરોઈડ સાથે ભેળવીને પછી તેનું ઈન્જેક્શન સુધી દરદીના નાકના કોષોને (નસલ મેમ્બ્રન્સ) અપાય છે. આમ કરવાથી શરદીની પ્રતિકાર શક્તિ વધે છે. જે ત્રણથી પાંચ વર્ષ સુધી રાહત આપે છે. 'રિહનોટીસ'ના બીજા કિસ્સાઓમાં (વા સો મીટર રિહનોટીસ) 'વિડિયન નર્વ' કાપી નાંખવામાં આવે છે. 'વિડિયન નર્વ' એવી જાતની માંસપેશી છે, જે નાકને જરૂરી કોષો પૂરા પાડે છે. આમ કરવાથી ૧૮થી ૨૪ મહિના રાહત રહે છે.
બ્રિટનમાં 'કોમન કોલ્ડ રિસર્ચ યુનિટ' નામની સંસ્થાએ શરદી વિશે સંશોધન કર્યા પછી એવો અહેવાલ બહાર પાડયો કે શરદી થાય તે માટે વ્યક્તિની માનસિક સ્થિતિ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ સંસ્થાના ડૉ.ડેવીડ ટાઇરલ જણાવે છે કે જે વ્યક્તિને માનસિક ત્રાસ વધુ હોય તેને શરદી વધારે હેરાન કરે છે. આથી જ ગ્રામીણ પ્રજા કરતા શહેરીજનોમાં શરદીનો ઉપદ્રવ વધુ હોય છે. શહેરીજનો માનસિક તણાવ વધુ થાય તેવા વાતાવરણમાં જ રચ્યા-પચ્યા રહે છે. વળી ખોરાક પણ આહારના નિયમો વિરુધ્ધ લે છે.
માનવજાત શરદી જેવા સામાન્ય રોેગને કારણે પણ દર વર્ષે કેટલા માનવ કલાકો બગાડે છે. શરદીનો રોગ પણ એવો વિચિત્ર છે કે નાકમાં પાણી ગળવાની નાની સરખી ફરિયાદ પણ માનવી સહન કરતો નથી. અને તેથી જ શરદી થતા જાતજાતના નુસ્ખા અપનાવે છે. શરદી જેવા અતિસામાન્ય રોગ સામે તબીબો વર્ષોથી જંગ છેડીને બેઠા છે પણ આ મામૂલી વ્યાધિને પણ તેઓ અંકુશમાં લઈ શક્યા નથી એ હકીકત છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lxPXRV
ConversionConversion EmoticonEmoticon