યક્ષ પ્રશ્ન : પ્રવેશ પરીક્ષા યોજાવી જોઈએ ?

- ભારતના 26 લાખની સામે ચીને 1 કરોડ 10 લાખ વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા લીધી

- દેશનાં વિકાસ માટેનો જ્ઞાાનભંડાર જુદી જુદી વિદ્યા શાખાઓના પ્રતિભાવાનો  ઉમેરાયા વગર ખાલી રહે તે  અબજો રૂપિયાની ખોટ તરીકે જોવી જોઈએ.  


દે શના આઠ બિન ભાજપી રાજ્યોએ અન્ડર  ગ્રેજયુએશન મેડીકલના પ્રવેશ માટેની Neet (નેશનલ એલિજિબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ) અને ટોચની એન્જિનીયરીંગ સંસ્થાઓ અને યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા માટેની Jee (જોઈન્ટ એન્ટ્રન્સ એકઝામ) પરીક્ષા હાલ યોજવી ન જોઈએ તે પ્રકારનું આંદોલન છેડયું છે તે દેશના નાગરિકોની નજરે વિદ્યાર્થીઓની કોરોનાનાં સંદર્ભે ચિંતા કરવા કરતાં રાજકારણનો ચીપિયો પછાડવા જેવું વધુ લાગે છે.

Neet માટે ૧૫,૯૭,૪૩૩ જ્યારે  Jee માટે ૬,૪૯,૨૨૩ વિદ્યાર્થીઓએ તો રજીસ્ટ્રેશન પણ કરાવી દીધું છે. સુપ્રીમ કોર્ટે પણ માત્ર આ પરીક્ષાઓ  જ નહીં પણ તમામ શાખાઓની ફાઈનલ વર્ષની પરીક્ષા આ સત્રમાં યોજવી જ પડશે તેવો ચૂકાદો આપ્યો છે. Neet અને Jee પરીક્ષા ન યોજાય તે માટેની રણનીતિ નક્કી કરવા  સોનિયા ગાંધીએ બિન ભાજપી રાજ્યોના મુખ્ય મંત્રીઓ સાથે  વિડીયો કોન્ફરન્સ યોજી હતી. કેન્દ્ર સરકારના પરીક્ષા લેવાના નિર્ણય સામે સૌથી વધુ આક્રમક અને દેશવ્યાપી આંદોલન કરીને લડી લેવાના મૂડમાં મમતા દીદીનો મિજાજ જોવા મળ્યો હતો.

મહત્તમ વાલીઓ અને વિદ્યાર્થીઓના પરીક્ષા તરફી મિજાજને પારખ્યા વગર કોંગ્રેસ અને સાથી રાજ્યોએ એ પરીક્ષા આડે માંડ આંગળીના વેઢે ગણાય તેટલા દિવસો બાકી છે તેવા સંજોગો વચ્ચે આ લખાય છે ત્યારે સુપ્રીમ કોર્ટના અગાઉના Neet અને Jee પરીક્ષા યોજવી જ પડશે તેવા આ મહિનાના ૧૬ ઓગસ્ટે આપેલા ચૂકાદાને રિવ્યુ કરવા પીટીશન કરી છે.

૧૬ ઓગસ્ટે જ્યારે સુપ્રીમ કોર્ટે પરીક્ષા યોજવી જ પડશે તેવો આદેશ આપ્યો હતો તે પછીનાં એક બે દિવસમાં જ કોંગ્રેસ અને સાથી પક્ષોએ રિવ્યુ પીટીશન કરવાની જરૂર હતી જેથી બે ત્રણ દિવસમાં ફરી રિવ્યુ કરીને સુપ્રીમ કોર્ટ ચુકાદો ૨૦-૨૨ ઓગસ્ટની આસપાસ આપી શક્યું હોત અને વિદ્યાર્થીઓ પરીક્ષા લેવાશે કે નહીં તે માનસિક યાતના આપતી અવઢવમાંથી મુક્ત થઇ ગયા હોત. પણ કોંગ્રેસ અને સાથી પક્ષોએ છેક ૨૮ ઓગસ્ટે એટલે કે Jeeની પરીક્ષાના ત્રણ દિવસ પહેલા જ રિવ્યુ પીટીશન કરી અને તે પણ શુક્રવારે. વાલીઓ અને વિદ્યાર્થીઓ ભારે  અસમંજસ અનુભવે તે સ્વાભાવિક છે.

કેન્દ્રના શિક્ષણ વિભાગ અને નેશનલ  ટેસ્ટીંગ એજન્સીએ સાથે મળીને તમામ કોરોના પ્રોટોકોલ સાથેનું પરીક્ષા મેનેજમેન્ટ તંત્ર ગોઠવી દીધું છે, વિદ્યાર્થીઓએ પણ પ્રવેશ પત્ર ડાઉન લોડ કરી લીધા છે  ત્યારે વિદ્યાર્થીઓના મનમાં દ્વિધા ઉભી કરતા વિરોધ પક્ષના અભિગમથી બહુમતી વાલીઓ અને વિદ્યાર્થીઓ ખુશ હોય તેવું લાગતું નથી. Jeeની  ૧ થી ૬ સપ્ટેમ્બર અને Neetની ૧૩ સપ્ટેમ્બરે પરીક્ષા નિર્ધારિત કરેલી છે. વિદ્યાર્થીઓ આ પરીક્ષાની બે વર્ષથી તૈયારી કરતા હોય છે.

તેમના ભાવિ જીવન અને કારકિર્દી માટે જ નહીં દેશના તમામ સ્તરના વિકાસ માટે એ પરીક્ષા મહત્વની છે. કોંગ્રેસ અને સાથી પક્ષોની રિવ્યુ પીટીશન કરવા પાછળનું એક કારણ એ પણ હોઈ શકે કે  કોંગ્રસના સીનીયર નેતાઓએ ટોચની (ગાંધી પરિવાર) નેતાગીરીની નિષ્ક્રિયતા સામે પત્ર લખી કોંગ્રેસના ખેમામાં હડકંપ મચાવ્યો હોઈ તેનાથી મીડિયા અને નાગરિકોનું ધ્યાન બીજે ફંટાય અને રાહુલ ગાંધી પર યુવા જોડે કનેક્ટ નથી થતા તેવી જે ઈમેજ છે તેમાંથી તે બહાર નીકળી શકે.

માનવીય અભિગમથી જોઈએ તો સાવ એવું પણ નથી કે પરીક્ષા યોજવા સામે ચિંતા ન જ થઇ શકે. ભારતમાં આજે પણ કોરોનાના રોજના ૭૫,૦૦૦  કેસ આવે છે. બિહાર, આસામ જેવા રાજ્યોમાં પૂરની સ્થિતિ છે અને ભારતના મોટાભાગના રાજ્યોમાં આ વર્ષે ભરપુર સીઝન સાથે હાલ ભારે વરસાદી માહોલ છે.

જાહેર બસ, રેલ્વે સેવા પણ આંશિક કહી શકાય.પરીક્ષા કેન્દ્રમાં પહોંચવું પણ પડકારજનક પુરવાર થઇ શકે. શિક્ષણ વિભાગે પરીક્ષા આયોજન માટેની સમિતિમાં નિષ્ણાતોને સામેલ કર્યા છે. તેવી ખાતરી અપાઈ છે કે બંને પરીક્ષાના ૨૬ લાખ વિદ્યાર્થીઓને કોરોના સામે રક્ષણ મળે અને તેઓ તેમના પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચી શકે તે માટે ખાસ વાહન અને પરિવહન વ્યવસ્થા ઉભી કરાઈ છે.

એક પરીક્ષા ખંડમાં ૧૨ કે  રૂમની સાઈઝને નજરમાં રાખી  શારીરિક અંતર રહે તે રીતે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા રહેશે, અગાઉના  વર્ષો કરતા ચાર ગણા પરીક્ષા ખંડો રહેશે. જે પરીક્ષામાં કોમ્પ્યુટરની જરૂર હશે ત્યાં ચાર ટેબલ પર બે જ કોમ્યુટર  અને બે વિદ્યાર્થી જ પરીક્ષા  આપે તેવી ગોઠવણ પર ભાર મૂકાયો છે. પરીક્ષાના કેન્દ્ર બહાર ભીડ ન જમા થાય તે રીતે ધ્યાન રખાશે. વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને તેમજ અન્ય પ્રોટોકોલ સાથે પરીક્ષા આપવાની રહેશે.

તમે આ લેખ વાંચો છો તે દરમ્યાન પરીક્ષા લેવી કે ન લેવી તે નિર્ણય લેવાયો હોય કે નહીં પણ એન્ટ્રન્સ પરીક્ષાના કરંટ ટોપિકનો ટેકો લઈને વિશ્વની સૌથી મોટી એન્ટ્રન્સ પરીક્ષા વિષે પણ જાણવા જેવું છે. અત્યારે અત્ર તત્ર સર્વત્ર ચીન જ સમાચારમાં ચમકે છે. તો  ચીનની વધુ એક તાકાત જાણી લો કે વિશ્વની સૌથી મોટી જ નહીં પણ સૌથી અઘરી પ્રવેશ પરીક્ષા પણ ચીનના નામે છે અને આ પરીક્ષાનું નામ 'Gaokao'('ગોકો' તેવો ઉચ્ચાર થાય) છે. ચીનની ભાષામાં નેશનલ હાયર એજ્યુકેશન એક્ઝામ તેમ અર્થ થાય. ભારતમાં ૨૬ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસતા હોય છે તેની સામે 'Gaokao'માં ગયા મહીને અભૂતપૂર્વ રીતે કોરોના પ્રોટોકોલ જાળવણી તંત્ર ગોઠવી ચીને ૧ કરોડ ૫૦ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા પાર પાડી એટલું જ નહીં આ મહીને પરિણામ પણ આવી ગયા. ભારતમાં તો કેટલીયે શૈક્ષણિક સંસ્થાઓ અને યુનિવર્સીટીઓ  પોતપોતાની જુદી જુદી પ્રવેશ પરીક્ષા પણ યોજતી હોઈ બિચારા વિદ્યાર્થીઓ અને વાલીઓ આથક, માનસિક અને મહેનત કરવાની રીતે પીલાઈ જાય છે. તેમાં પણ એક પરીક્ષા એક તારીખે અને સ્થળે અને બીજી, ત્રીજીનું કેલેન્ડર પાછું જુદું. એકનું પરિણામ આવ્યું હોય અને ફી ભરવાની ડેડલાઈન આવીને ઉભી રહે અને જ્યાં પ્રવેશ લેવાની ઇચ્છા હોય ત્યાં હજુ મેરીટ લીસ્ટ બનવાને વાર હોય. ચીનમાં હાયર સેકન્ડરી પૂરું કર્યા પછી મેડીકલ, એન્જીનીયરીંગ, ફાર્મસી, કોમર્સ, મેનેજમેન્ટ, આર્ટસ અને કાયદા શાખાઓ માટે યુનિવર્સીટીમાં પ્રવેશ મેળવવા માટે આખા દેશની એક જ કાર્યક્રમ હેઠળ  પ્રવેશ પરીક્ષા યોજવામાં આવે. સ્વાભાવિક છે કે તમામ વિષયોના ડીગ્રી પ્રવેશ માટેની પરીક્ષા હોઈ દોઢેક કરોડ વિદ્યાર્થીઓ પરીક્ષા આપે. જરા કલ્પના કરો કેવું વિરાટ છતાં પારદર્શક પરીક્ષા તંત્ર ગોઠવાતું હશે.

પરીક્ષા પૂરી થયા પછી મેરીટ લીસ્ટ પણ આખા દેશનું એક જ બને! ચીનની ૩૦૦૦ યુનિવર્સીટીઓમાં પ્રવેશનું મેરીટ લિસ્ટ બહાર પડે. ૫૦થી ૬૦ ટકા પરિણામ આવે એટલે કે દર વર્ષે ૫૦ લાખ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે. ચીનનો નાગરિક ગમે ત્યારે અને ઈચ્છે એટલી વખત આ પ્રવેશ પરીક્ષા આપી શકે છે આને કારણે ૫૦ વર્ષની વયના પણ પરીક્ષાર્થી હોય છે. ટોચની યુનિવર્સીટીમાં ફી ભરીને જ્યારે તે વિદ્યાર્થી હતો ત્યારે અભ્યાસ કરવો શક્ય નહતો. તે પછી વર્ષો પરિવારનાં ઉછેરમાં જ ગયા હતા તેવા ૪૯ વર્ષની વયના ખેડૂતે કોરોનાના ભયને ત્યાગીને આ વખતે પરીક્ષા આપી હતી. આવા વયસ્ક પરીક્ષાર્થીઓના ઇન્ટરવ્યુ આધારિત ટીવી કવરેજ આ મહીને ચીનમાં ખાસ્સી ટીઆરપી મેળવી ગયું. ભારતમાં પણ કોઈપણ વયે પરીક્ષા અને ગમે તેટલી ટ્રાયલ આપી શકાય તેવું વિચારવા જેવું ખરું.

એ ખરું કે હાલ ચીનમાં ભારત જેટલા અને જુદા જુદા રાજ્યોમાં ફેલાયેલ કોરોનાના કેસો નથી પણ ચીનમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કથી માંડી અન્ય પ્રોટોકોલનું જેલ જવું પડે તેવા ભય સાથે પાલન થાય છે. તે રીતે જોઈએ તો ભારત કરતા નાગરિકો માટે ચીનમાં મુક્ત હવાનો શ્વાસ લેવો અઘરો છે. ચીનમાં જ્યારે ગયા મહીને ૧.૫ કરોડ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તે અરસામાં ચીનના મહત્તમ ભાગમાં બિહાર, આસામ કરતા પ્રચંડ પૂર અને ભારે વરસાદ હતો. ચીનની સરકારે હજારો બોટ અને ફેરીઓ ઉતારી હતી. માત્ર વિદ્યાર્થીઓ માટે જાહેર અને ખાનગી બસ, વાહનોને હુકમ ફરમાવી દેવાયો હતો કે વિદ્યાર્થીઓને મફતમાં પરીક્ષા કેન્દ્રમાં પહોંચાડવાનાં છે. શાળાઓ, કોલેજો, સરકારી સંસ્થાઓ, બોર્ડીંગ અને હોટલોની પણ યાદી બનાવી વિદ્યાર્થીઓને રાત્રી રોકાણ કરવું પડે તો વ્યવસ્થા કરવામાં આવી હતી. જિનપિંગ સરકારે નક્કી કર્યું ત્યારે પરીક્ષાની તારીખો જાહેર થઈ અને વિદ્યાર્થીઓને ખાતરી હતી કે હવે કોર્ટમાં કોઈ પીટીશન થવાની નથી. જિનપિંગનો મેસેજ હતો કે પરીક્ષા એ માત્ર પરીક્ષા નથી પણ દેશને વિશ્વમાં મોખરે લઇ જવો હોય તો જુદી જુદી શાખાની ટેલેન્ટ પ્રતિ વર્ષ દેશના નોલેજ પુલમાં ઠલવાવી જ જોઈએ. એક વર્ષ આ જ્ઞાાનધનમાં ખાલીપો રહે તે દેશને ન પોષાય. દેશને હજારો ડોકટર, ઈજનેરો, ટેકનોક્રેટ, ફામસ્ટ, કાયદાજ્ઞા તેમજ તમામ શાખાના ભાવિ નિષ્ણાતો દર વર્ષે ડીગ્રી લઈને ૨૫ લાખની સંખ્યામાં તો મળે જ. આમાં એક વર્ષનો ખાલીપો રહે તો દેશની જે જ્ઞાાનસંપત્તિમાં ખાધ પડે તેનું મુલ્ય મનોમન આંકો તો અબજો રૂપિયા થાય. જિનપિંગનો મેસેજ સ્પષ્ટ હતો કે કોરોના સામેની સિસ્ટમ અમે આપીશું, પરીક્ષા આપવી કે ન આપવી તે તમારી મરજી.

 ચીનની પ્રવેશ પરીક્ષાનું ધ્યેય આગળ જતા વિદ્યાર્થી ગૂગલની પરીક્ષામાં પુછાય છે તેવા અતિ પેચીદા અને મગજનું દહીં કરી નાખે તેવા પ્રશ્નો માટે તૈયાર થાય તે પ્રકારનું છે. આથી જ 'Gaokao' વિશ્વની સૌથી પડકારજનક પરીક્ષા મનાય છે. આ વખતે ચીન અને જિનપિંગનું વિશ્વ માટેનું સ્વપ્ન, ચીનની સંસ્કૃતિનું ગૌરવ, સાઉથ ચાઈના અને પડકારો, ચાઈના વન બેલ્ટ વન રોડ અને કોરીડોર જેવા વિષય પર નિબંધ પુછાયા હતા.ઓબ્જેક્ટીવ પરીક્ષા પણ ભારે ભેજાબાજ હોય છે.

પાસ થનારને કોઈને કોઈ સંસ્થામાં પ્રવેશ તો મળી જ જાય છે પણ બધાનું લક્ષ્ય ટોચ રેન્ક સંસ્થાઓમાં પ્રવેશ મેળવવાનું હોય છે. આ પરીક્ષાના આધારે જ વિદ્યાર્થીનું ભાવિ આકાર પામતું હોઈ બે વર્ષ  અગાઉથી પરીક્ષાની તૈયારી થાય છે. કેટલાયે વાલીઓ પરીક્ષા અગાઉ વારાફરતી ત્રણેક મહિના ઓફિસથી રજા લે છે. ભારે દબાણ તો સર્જાય જ છે.

અમેરિકામાં આમ તો SAT અને બ્રિટનમાં ટાયર વન પરીક્ષા ગ્રેજ્યુએશન માટે માન્ય છે પણ Gaokaoનું સ્તર એટલું ઉચ્ચ મનાય છે કે વિદેશની ઘણી રેન્ક યુનિવર્સીટી આ પરીક્ષાના પરિણામના આધારે ચીનના વિદ્યાર્થીઓને સીધો પ્રવેશ આપે છે. ચીનમાં પણ નવી પેઢીને વિદેશી ભાષા તરીકે અંગ્રેજી રાખવા પ્રેરિત કરાય છે.

ભારત સરકારે તો કોરોનાથી શક્ય તેટલી ફૂલપ્રૂફ સિસ્ટમ ગોઠવવી જોઈએ. જે વિદ્યાર્થી પરીક્ષા ન આપી શકે તો તે પણ ક્ષમ્ય જ છે પણ જેઓની ઈચ્છા હોય તે માટે તંત્રએ સજ્જ રહેવું જ જોઈએ.



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3lsXfWR
Previous
Next Post »