
લોગઇનઃ
ભોંય ઉપર એક સૂરજ પાથર્યો લિપસ્ટિક વડે,
એ રીતે અંધારને પણ છેતર્યો લિપસ્ટિક વડે.
આયના પર એક કિસ્સો ચીતર્યો લિપસ્ટિક વડે,
વિસ્તરીને બહાર પણ એ પાંગર્યો લિપસ્ટિક વડે.
જડ રિવાજોના ગગનચુંબી બનેલા દુર્ગમાં,
સાવ છેલ્લો કાંગરો આજે ખર્યો લિપસ્ટિક વડે.
હાથ રાતા, ગાલ રાતા,આંખ ને ઉચ્છવાસ પણ,
રોજ એવો એક અવસર સાંભર્યો લિપસ્ટિક વડે.
જે રીતે વેરાનમાં મ્હોરી ઉઠે છે ગુલમહોર,
એમ બરછટ ગાલને નમણો કર્યો લિપસ્ટિક વડે.
આંખ સામે જે મિલાવે આંખ, એવા શબ્દને,
જન્મતા પહેલા જ કાયમ આંતર્યો લિપસ્ટિક વડે.
શુ હશે? અગવડ-અવેજી કે કોઈ સંકેત છે!
ઉંબરા પર કોઈએ સ્વસ્તિક ભર્યો લિપસ્ટિક વડે.
- લિપિ ઓઝા
૨ ૦૧૬માં અલંકૃતા શ્રીવાસ્તવે ડિરેક્ટ કરેલી અને પ્રકાશ ઝાએ પ્રોડયુસ કરેલી એક ફિલ્મ આવેલી 'લિપસ્ટિક અન્ડર માય બુરખા'. એ ફિલ્મમાં ચાર ભારતીય નારીની વાર્તા હતી. તેમાં બુરખો અને લિપસ્ટિક બંને એક પ્રતીક તરીકે ઊભરતાં. બુરખો સ્ત્રીનું બંધિયારપણું વ્યક્ત કરતો અને લિપસ્ટિક એ પડદામાં રહીને જીવાતી સ્વતંત્રતા. આજે જે કવિતાની વાત કરવી છે, તેમાં પણ લિપસ્ટિક એક પ્રતીક તરીકે ઊભરે છે.
સૌંદર્યપ્રસાધનોમાં લિપસ્ટિક સ્ત્રીઓને ઘણી પ્રિય હોય છે. પણ જ્યારે તે કવિતામાં ઊતરે ત્યારે તેનો ઉપયોગ માત્ર સૌંદર્યનિખાર પૂરતો નથી રહેતો. એમાંથી સ્ત્રીજીવનના ઘણા સંકેતો પ્રગટ થાય છે.
હિન્દીમાં દીપક કબીર નામના કવિએ લખેલી 'લિપસ્ટિક કે નિશાન' પણ સરસ કવિતા છે. ઉપરની કવિતામાં લિપિ ઓઝાએ 'લિપસ્ટિક વડે' રદીફ રાખીને ઘણી દિશામાં આંગળી ચીંધી આપી છે. આવી રદીફ અગાઉ ગુજરાતી ગઝલમાં ક્યારેય આવી નથી. લિપિ ઓઝા યુવાકવિ છે, તેમની કવિતામાં આજની ભાષા અને પ્રતીકોનો સુંદર સમન્વય જોવા મળે છે.
આ કવિતામાં લિપસ્ટિક, માત્ર લિપસ્ટિક નથી રહેતી પણ ઘણા રિવાજો, પ્રથાઓ, અંતરાયો અને સ્ત્રીસ્વાતંત્ર્ય ફરતે બાંધવામાં આવતી વાડને તોડવાનું ઓજાર બની જાય છે. લિપસ્ટિક અહીંયાં સૌંદર્યપ્રસાધન ન રહીને સ્ત્રીના હૈયામાં પ્રગટતી એક હામનું પ્રતીક બને છે. અહીં લિપસ્ટિક પોતે જ સ્ત્રીનું પ્રતીક છે. લિપસ્ટિક શબ્દ બોલાય તો પણ આંખ સામે કોઈ સ્ત્રીનો ચહેરો જ છતો થાય.
સામાન્ય રીતે લિપસ્ટિકનું કામ હોઠનું સૌંદર્ય વધારવાનું છે. પણ અહીં લિપસ્ટિક પાસે એ કામ નથી લેવાયું, અહીં તો કવયિત્રી લિપસ્ટિક વડે ભોંય પર સૂરજ પાથરીને અંધારને છેતરે છે. અરીસા પર કિસ્સો ચીતરે છે, એ કિસ્સો પાંગરે છે, વળી આ જ લિપસ્ટિક જડ રિવાજોના કાંગરા પણ ખેરવે છે.
લિપસ્ટિક એક જૂનો અવસર પણ યાદ કરાવડાવે છે. ગાલને નમણો પણ કરે છે. શબ્દોને આંતરે પણ છે, આટલું ઓછું હોય તેમ ઊંબરા પર સ્વસ્તિક પણ લિપસ્ટિક વડે જ કરે છે! લિપસ્ટિકમાં એક સ્ત્રી પ્રતીત થાય છે. જયા મહેતાની એક કવિતામાં આવે છે કે સ્ત્રી દેવી, માતા ભગીની, દુહિતા, મિત્ર, પ્રેયસી, પત્ની, ત્યાગમૂત, દયાળુ, સહનશીલ છે.
સ્ત્રી ચૂડેલ, ડાકણ, પૂતના, કુબ્જા, મંથરા, સીતા અને સાવિત્રી છે... દુઃખની વાત એ છે કે સ્ત્રી સ્ત્રી સિવાય બધું જ છે. સ્ત્રી મનુષ્ય સિવાય બધું જ છે. પુરુષોએ લીંપી દીધેલા ગાઢ અંધારાની ભીંત પર ઘણી સ્ત્રીઓ લિપસ્ટિકના રંગે સૂરજ ચીતરતી હોય છે. આ સૂરજમાંથી પથરાતા કૂણા તડકામાં તે મનોમન પોતાની સ્વતંત્રતાનો આનંદ માણે છે. લિપસ્ટિક માત્ર હોઠ નથી રંગતી, હિંમતને પણ રંગે છે.
લિપસ્ટિક કેટલી ગાઢ રીતે જોડાયેલી છે સ્ત્રી સાથે... કોઈ સ્ત્રીને ઘાટ્ટા લાલ રંગની લિપસ્ટિક પસંદ હોય તો કોઈને આછા ગુલાબી, કોઈને પર્પલ તો કોઈને લાઇટ ગ્રીન, કોઈને આસમાની તો કોઈને નારંગી... લિપસ્ટિકનો રંગ સ્ત્રીનો સ્વભાવ દર્શાવે છે. લિપસ્ટિક વડે સ્ત્રી માત્ર હોઠ જ નહીં, પોતાનું સમગ્ર જગત રંગતી હોય છે. લિપસ્ટિક જેવી એક નજીવી વસ્તુને પ્રતીક તરીકે લઈ સ્ત્રીજીવનની અનેક બંધિયાર ગલીમાં ટોર્ચ કરી આપી છે કવિએ. લિપિ ઓઝાની જ એક અન્ય ગઝલથી લોગ આઉટ કરીએ.
લોગઆઉટ
હવે કેમ વાસો છો તાળા કમાડે
મને મેં જ પૂરી ઉઘાડા કમાડે
ન તકતી, ના શુભ-લાભ, ના કોઈ સ્વસ્તિક
સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે
ભૂંસાઈ ગયા ક્યારના કંકુથાપા
વધ્યા છે ફક્ત એના ડાઘા કમાડે
કથા રામના રાજ્યની સાંભળીને
બહુ જીવ બાળ્યો બિચારા કમાડે
તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
લખે છે 'ભલેને પધાર્યા' કમાડે!
એ પહેરીને સૌ કોઈ ઘરમાં પ્રવેશે
મેં મૂક્યા હો જાણે અજંપા કમાડે
કયા કાળ મુહૂર્તમાં પગલાં કર્યાં'તાં
મરણ પણ નથી આવતું આ કમાડે
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3luO9ci
ConversionConversion EmoticonEmoticon