
પ ર્યાવરણ, જલવાયુ પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ અને કાર્બન ઉત્સર્જનની વૈશ્વિક સ્તરે થતી ચર્ચાઓ અને સેમિનારો પછી એ અંગે નિાપૂર્વક કાર્ય કરનારા કેટલા એનો વિચાર કરીએ, તો ખ્યાલ આવે છે કે બહુ ઓછા લોકો આ ક્ષેત્રોમાં કામ કરતા જોવા મળે છે. એમાંય પ્રકૃતિ માટે જીવન સમપત કરનારી તો વિરલ વ્યક્તિઓ જ મળે.
આવી જ એક વ્યક્તિ છે દામોદર કશ્યપ. છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સંઘકરમરી નામનું ગામ આવેલું છે. આ ગામના ખેડૂત પરિવારમાં દામોદરનો જન્મ થયો. દામોદરનું પ્રાથમિક શિક્ષણ ગામમાં જ થયું. અભ્યાસની સાથે પ્રકૃતિ અને જંગલ પ્રત્યે એને ઘણો લગાવ હતો. પોતાનો ઘણો સમય તે વૃક્ષો સાથે વીતાવતો. આઠમા ધોરણ પછી વધુ અભ્યાસ માટે ગામ છોડીને જગદાલપુર જવાનું થયું. ત્યાં હોસ્ટેલમાં રહીને સ્નાતકની ડિગ્રી મેળવી. સ્નાતક થયા પછી કોઈ નોકરી કરવાને બદલે પોતાના ગામમાં જ ખેતીવાડીનું કામ સંભાળવાનું નક્કી કર્યું.
પોતાને વહાલા ગામ પાછા ફરેલા દામોદરે જોયું તો બાળપણમાં જે વૃક્ષો મન ભરીને જોયા હતા, તે જડતા નહોતા. જે જંગલ હતું, એમાંનું કંઈ હવે બચ્યું નહોતું. જંગલ માફિયા જંગલોને કાપતા ગયા. કીમતી વૃક્ષો બચ્યાં નહીં અને ગામના લોકોએ પણ પોતાની જરૂરિયાત માટે વૃક્ષો કાપવામાં કોઈ કસર છોડી નહીં. તે ગામની આસપાસ જ્યાં જ્યાં ગયા, ત્યાં સઘળું ઉજ્જડ થઈ ગયું હતું અને જમીન પણ સાવ વેરાન બની ગઈ હતી. એમણે નક્કી કર્યું કે તેઓ જંગલની જમીનને પહેલાં જેવી હરિયાળી બનાવી દેશે.
આ માટે એમણે સૌથી પહેલું કામ લોકજાગૃતિનું કર્યું. જે સ્ત્રીઓ જંગલમાં લાકડીઓ કાપવા આવતી હતી એને સમજાવી કે ભવિષ્યમાં લાકડીઓ જોઈતી હોય તો આપણે સહુએ જંગલને ઊગાડવું પડશે અને જાળવવું પડશે.
૧૯૭૬માં ગામમાં સરપંચની ચૂંટણી થઈ અને તેમાં એણે જીત મેળવી. ઘેર-ઘેર ફરીને લોકોને એકત્ર કર્યા અને સમજાવ્યા કે જંગલને બચાવવાથી જ આપણે બચી શકીશું. જંગલની રક્ષા કરવા માટે 'ઠેંગાપાલી પદ્ધતિ' અપનાવી. ઠેંગાનો અર્થ થાય છે વાંસ. વાંસથી બનેલા દંડા પર કપડાં બાંધવામાં આવે છે, જે કપડાં એમની દેવીના પ્રતીક સમાન મનાય છે.
આ દંડો લઈને ગામની કોઈ એક વ્યક્તિ રોજ જંગલની ચોકી કરે છે, ત્યારબાદ તે દંડો પાડોશીના ઘર આગળ રાખી દે એટલે બીજે દિવસે એ પાડોશી જંગલની ચોકી કરે. આ રીતે ગામમાં વારાફરતી સહુ જંગલની રખેવાળી કરે ને વૃક્ષોની રક્ષા કરે.
ઠેંગાપાલીની સાથે બીજા કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા. જેમકે, જંગલમાં પશુઓને ચરાવવાના નહીં. ઘર બનાવવા કે સામાજિક કામ માટે સૂકી લાકડી સિવાય અન્ય ઝાડ કાપી શકાશે નહીં. ત્યાં વૃક્ષ વાવવાના અને એની સંભાળ લેવાની. આ નિયમોનો જો કોઈ ભંગ કરે તો તેને પાંચસો રૂપિયા દંડ થશે. આવા વિચારો સાથે દામોદરે ગામલોકો સાથે મળીને ત્રણસો એકર જમીનમાં જંગલનું નિર્માણ અને સંરક્ષણ કર્યું. વૃક્ષારોપણ કર્યું અને જે વૃક્ષો બચ્યાં હતાં તેની યોગ્ય માવજત કરી.
આ જંગલ સંઘકરમરી ગ્રામ પંચાયતમાં આવેલું છે. આ જંગલમાં આજે અનેક પ્રકારના વન્ય પ્રાણીઓ રહે છે. અનેક જડી-બુટ્ટીઓ અને ઔષધિનું મૂલ્ય ધરાવનારા અનેક છોડ પણ અહીં જોવા મળે. ત્રણસો એકરમાં ફેલાયેલું આ જંગલ બાડલાકોટના નામે જાણીતું છે. આ ઉપરાંત માવલીકોટનું જંગલ સો એકરમાં અને ધોડાડોંગરી, કરાપકના અને ડાઉલસોરાના ક્ષેત્રોમાં બસો એકરનું જંગલ આવેલું છે.
આમ દામોદરે કુલ છસો એકર જમીન પર જંગલ ઊભું કર્યું. દામોદરની સફળતાથી પ્રેરાઈને મોતીગાંવ, સિવનાગુડા, ગોઈગુડા, કેરાગાંવ, સિરસિયાગુડા જેવાં ક્ષેત્રોમાં પણ ઠેંગાપાલી પદ્ધતિથી લોકોએ જંગલને બચાવ્યા છે. આ બધી જગ્યાએ ભૂગર્ભના જલસ્તરમાં વધારો જોવા મળ્યો. જૈવ વિવિધતા અને પર્યાવરણનંો સંરક્ષણ તેમજ સંવર્ધન પણ થયું છે.
ભતરા આદિવાસી સમુદાયના ૭૨ વર્ષના દામોદર કશ્યપ પાંત્રીસ વર્ષ સરપંચ રહ્યા અને પાંચ દાયકા તેઓએ જંગલ સંરક્ષણનું કામ કર્યું. ૨૦૧૪માં સ્વિટ્ઝર્લેન્ડના પૉલ કે. ફેયરવેંડ ફાઉન્ડેશન દ્વારા એમને પુરસ્કૃત કરાયા, ત્યારે તેના પદાધિકારીઓએ એમના ગામ જઈને એમનું સન્માન કર્યું હતું, પરંતુ તેમને સૌથી વધુ આનંદ ત્યારે થયો કે જ્યારે છત્તીસગઢ સરકારે નવમા ધોરણના સામાજિક વિજ્ઞાાાનના વિષયમાં એમના જીવન વિશેનો પાઠ અભ્યાસક્રમમાં સામેલ કર્યો.

પૂર્ણિમાસિંહની પેપરમેશી
- તેઓ પાંચ લાખ ટન વેસ્ટમાંથી જાતજાતની સુંદર વસ્તુઓ બનાવે છે. આમાં પસ્તી, કપડાં અને અન્ય નકામી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે
જ યપુરમાં રહેતી પૂર્ણિમા સિંહે નેશનલ ઇન્સ્ટિટયૂટ ઑફ ટેક્નૉલૉજી કુરુક્ષેત્રમાંથી એન્જિનિયરીંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી. પૂર્ણિમા અને એના પતિ ચિન્મય બાંઠિયા - બંને કોર્પોરેટ ક્ષેત્રમાં ઊંચા પગારની નોકરી કરતા હતા, પરંતુ પૂર્ણિમાના મનમાં એવું થતું કે પોતાનો વ્યવસાય હોય અને એ એવો વ્યવસાય હોય કે જેમાં બીજાને મદદરૂપ થવાય.
પૂર્ણિમા ઘરમાં કામ કરતા નોકર, રીક્ષા ડ્રાઈવર, શાકભાજી અને ફ્રટ વેચનારા સાથે વાતો કરતી અને એમના જીવન વિશે જાણતી. આવા લોકોને સહાયરૂપ થવા માટે પણ તે વિચારતી. એના મનમાં જાતજાતના વિચાર આવતા. એ વિશે પતિ-પત્ની ચર્ચા કરતા. સમાજ માટે, પર્યાવરણ માટે કંઈક કરવું, પરંતુ શું કરવું અને કેવી રીતે કરવું તેની કંઈ સમજ પડતી નહોતી.
એવામાં એક વખત એને જયપુરના માનપુરા નામના ગામમાં જવાનું થયું. અહીં એણે એક-બે એવા ઘરો જોયા કે જ્યાં હજી પારંપરિક રીતે જીવન જીવાતું હતું. માટીના વાસણોમાં રસોઈ કરવી, તેમાં જ જમવાનું, અનાજ ભરવાની કોઠી પણ માટીની હતી, તો વસ્તુઓ રાખવા માટે ઘાસની બાસ્કેટ હતી.
આ બધું જોઈને એના મનમાં ચાલતી મૂંઝવણનો જવાબ એને મળી ગયો. એને સમજાયું કે એને શું કરવું છે ? પૂર્ણિમાએ પોતાની નોકરી છોડી અને ૨૦૧૮માં 'શુભમ્ ક્રાફ્ટ્સ'ની સ્થાપના કરી. પતિએ પણ નોકરી છોડીને પૂર્ણિમાને સાથ આપ્યો. પૂર્ણિમાએ વિચાર્યું કે પારંપરિક રહેણીકરણીવાળાં ઉત્પાદનો બજારમાં લાવીશ, તો ભારતીય સંસ્કૃતિમાંથી લુપ્ત થઈ રહેલી વસ્તુઓને પુનર્જીવન મળશે અને પર્યાવરણ જળવાશે.
આજે આપણા ઘરોમાં કેટલી બધી વસ્તુઓ એવી છે કે જેનું સ્થાન પ્લાસ્ટિકે લઈ લીધું છે. પૂણમાએ પેપરમેશી અર્થાત્ કાગળની લુગદીમાંથી બનતાં પાત્રો અને સજાવટની ચીજો પર પસંદગી ઉતારી. એના માટે રાજસ્થાનનાં ગામડાંઓમાં તપાસ કરી કે જેમને આ કારીગરીનો ખ્યાલ હોય અને તેઓને તાલીમ આપવાથી શીખી શકે. ત્યારબાદ ઉત્પાદન શરૂ કર્યું. જયપુરની આ લોકકલાને પુર્નર્જિવિત કરી. પહેલાં ત્રણ મહિલાથી આ કામની શરૂઆત કરી.
આજે પાંચ ગામમાંથી પાંત્રીસ મહિલાઓ શુભમ્ ક્રાફ્ટ્સ માટે કામ કરે છે. પૂણમા સિંહ કહે છે કે શરૂઆતના વર્ષોમાં સૌથી મોટી મુશ્કેલી તો સ્ત્રીઓ પાસે કામ કરાવવાની હતી, કારણ કે એમને એમની માનસિકતામાંથી બહાર લાવવી, ઘૂંઘટ છોડીને ઘરની બહાર કામ કરતી કરવી, એ સૌથી મોટું પડકારરૂપ કામ હતું, પરંતુ આજે શુભમ્ ક્રાફ્ટ્સમાં ઘણી કુશળ કારીગર સ્ત્રીઓ કામ કરે છે.
માનપુરા ગામના બિમલા આંટી વિધવા છે, બે પુત્રીઓની જવાબદારી છે. પૂર્ણિમાએ એમને જ્યારે કામ કરવાનું કહ્યું, ત્યારે તેઓએ શું કામ કરવાનું છે એવું પૂછયું પણ નહોતું, કારણ કે એમના પર બે પુત્રીઓની જવાબદારી હતી. તેઓ કહે છે કે દીકરીઓને કંઈક બનાવવી હોય તો પહેલાં પોતે તો કંઈક શીખવું પડે ને ? આજે તેઓ એટલા કુશળ કારીગર બની ગયા છે કે એમના ગ્રાહકો જે ડિઝાઈન મોકલે તે તેઓ બનાવી આપે છે.
પૂર્ણિમા સિંહ કહે છે કે તેઓ પાંચ લાખ ટન વેસ્ટમાંથી જાતજાતની સુંદર વસ્તુઓ બનાવે છે. આમાં પસ્તી, કપડાં અને અન્ય નકામી ઘણી વસ્તુઓનો સમાવેશ થાય છે. તેઓ હોમ ડેકોરના જથ્થાબંધ વેપારીને અને મોટી ચેઈન ધરાવતા વેપારીઓ સાથે વેપાર કરે છે. ભારતમાં આનો છૂટક વેપાર બહુ થતો નથી, કારણ કે લોકો કાગળ કે માટીમાંથી બનેલી વસ્તુઓની કિંમત આપવા તૈયાર થતા નથી. એની પાછળ કરવામાં આવેલી મહેનતને નથી જોતા. જ્યારે પરદેશમાં એને ખૂબ જ ઉમળકાભર્યો આવકાર મળ્યો છે.
યુરોપ, કેનેડા, નોર્થ અમેરિકા, આસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને સિંગાપોરના લોકો 'શુભમ ક્રાફ્ટ્સ' ની ચીજવસ્તુઓ ખરીદે છે. પાંચ લાખના મૂડીરોકાણ સાથે શરૂ કરેલ શુભમ્ક્રાફ્ટ્સનું આજે એક કરોડ રૂપિયાનું ટર્નઓવર છે. દરેક પ્રદર્શનમાં તેઓ એમનાં ઉત્પાદનોની ડિઝાઈન બદલે છે. સાતસો જેટલી જુદી જુદી સ્ટાઈલ અને મટીરીયલનો ઉપયોગ કરે છે. હવે તેની ટીમમાં વધુ મહિલાઓને સમાવવા માગે છે. તેમજ વધુ વિસ્તાર કરવા માગે છે વેસ્ટમાં આવેલા પથ્થરો પર કોતરણીનું કામ કરે છે.
ખેતરમાં બાળવામાં આવતી પરાલીમાંથી તે બાસ્કેટ બનાવે છે. સાત-આઠ ખેડૂતોનો સંપર્ક કરીને તેમને પરાલી ન બાળવાનું કહ્યું છે. હરિયાણા અને પંજાબમાં બાળવામાં આવતી પરાલીથી દિલ્હી સુધી પ્રદૂષણ ફેલાય છે. તેનો ઉકેલ પણ આના દ્વારા કરી શકાય. આ ઉત્પાદનો વધુ ને વધુ લોકો સુધી પહોંચે તેવો એનો પ્રયત્ન છે.
કારણ કે તેના દ્વારા સ્ત્રીઓની જિંદગીમાં એક સકારાત્મક પરિવર્તન આવે છે. પૂર્ણિમા માને છે કે દરેક સ્ત્રીમાં કોઈ ને કોઈ હુન્નર હોય છે જ. બસ, જરૂર છે એને ઓળખ આપવાની. વિશ્વમાં એવું કંઈ નથી કે જે સ્ત્રીઓ ન કરી શકે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3gFW7f3
ConversionConversion EmoticonEmoticon