ચમત્કાર આજે પણ બને જ છે!


દીઠાનું ઝેર છે ને ભાઈ, દીઠાનું ઝેર

સ્વચ્છતાની સાથે કેમ બાંધીએ વેર

સ્વચ્છતાના સત્યને શું વર્ણવીએ હવે

આ તથ્ય પણ જોવું જ રહ્યું, હા પણ હવે

નામ તેનું કચરો.

જનમ્યો ત્યારે પગ જરા વક્ર હતો. કચરાને તેનો કદી વાંધો આવ્યો નહિ. માતાને તે ગમતો નહિ. ' ફેંકી દો એને કચરામાં',  તે કહેતી અને ઊમેરતી : 'એને તો કચરો ય નહિ સંઘરે !'

પિતાનું નામ હતું પૂંજો. શાળામાં હાજરી પૂરાતી ત્યારે સાહેબ બૂમ પાડતાં: 'કચરો પૂંજો હાજર છે ?'

એક પગે ઊભો થઈને આંગળી સાથે હાથ ઊંચો કરીને, તે કહેતો 'હા સાહેબ.'

તે મનમાં જ વિચારતો કે નામમાં વળી શું રાખ્યું છે ? અનુસ્વારનો મહિમા છે. મારા બાપાના નામ 'પૂંજા'માંથી અનુસ્વાર લઈ લો, તો શું રહે ? પૂજા, નંદીનું ય એવું: ન ઉપરથી અનુસ્વાર ઉઠાવી લો તો રહી જાય નદી.

કચરાનો દોઢો પગ કદી તેને ભણવામાં નડયો નહિ. ભલા વાંચન-લેખન અને ગુણાકાર-ભાગાકારમાં વળી વાંકો પગ ક્યાં આડે આવવાનો છે ?

સારું કહી શકાય કે કેમ? તેની ખબર નથી પણ કચરો ભણ્યો. સાથીઓની લોકોની મશ્કરીની પરવા કરી નહિ. એવું અને એટલું ભણ્યો કે તે શિક્ષક બની રહ્યો. વિદ્યાર્થીઓમાં પ્રિય થઈ પડયો. એવી ખૂબીથી ભણાવે કે વિદ્યાર્થીઓને યાદ રહી જાય. જે વિદ્યાર્થીઓ પહેલાં, તેની જેમ જ ચાલીને તેની મજાક કરતા હતા, તેઓ હવે, કચરાલાલ સાહેબ આવે ત્યારે વંદન કરવા લાગ્યા. કચરો ક્યારે કચરામાંથી કચરાલાલ પૂંજાલાલ બન્યો. તેની ય તેને ખબર નથી.

તે ઠેઠ સુધી એક જ શાળામાં શિક્ષક રહ્યો. તમામ વર્ગોને તે સૂઝ, સમજ અને કાબેલિયતથી ભણાવતો, વિદ્યાર્થીઓ કચરાસાહેબના વર્ગની રાહ જોતા.

કચરાલાલ જ્યારે નિવૃત થયા ત્યારે તેમનું એવું બહુમાન થયું કે બન્ને પગવાળા શિક્ષકોને, પોતાનો એક-એક પગ ભાંગી નાખવાનું મન થયું.

પણ આ કચરાસાહેબની કથા કે જિંદગી તો હવે શરુ થતી હતી. સાંઠ વર્ષ થતાંની સાથે તેઓ દાદા બની ચૂક્યા હતા. ઘરનાં બધાં જ કામ કરે. દાદીનું, દીકરાઓનું, વહુઓનું અને પોતા-પોતી તો તેમને વળગેલા જ રહે. ઉંમરની સાથે કચરાદાદા જરાય આધેડ કે વૃદ્ધ થયા ન હતા.

ઘર-કુટુંબ કબીલાની જવાબદારી તો હજી તેમની જ હતી. તે ઉપરાંત તેમના નિયમ પ્રમાણે દાદા વહેલા ઊઠે. આંગણાનો કચરો સાફ કરે. ઝાડું તો એવું મારે કે આંગણું આરસનું બની રહે. પછી હાથની છાલકથી પાણી છાંટે. તેમનો ઓટલે બેસી ચા પીવાનો તથા છાપું વાંચવાનો સમય થાય ! બાળકો ઊઠીને તેમને વળગી પડે. છાપું વંચાઈ રહ્યું હોય કે નહિ, શી જરુર છે દુનિયા આખીની પંચાયતની ! તેઓ બાળકોને નવડાવે ધોવડાવે તેમની પ્રાતઃક્રિયાઓમાં મદદ કરે. બાળકોના પગે ઠીકરું ઘસે, ત્યારે પોતાના બાપુ અને ગાંધી બાપુના ઠીકરાની વાર્તા કરે. તેમને વહાલથી ખવડાવી પીવડાવી નિશાળે મૂકવા જાય. સાંજનાં સમયસર લેવા પણ જાય જ. તેઓ જ શિક્ષક, તેઓ જ તેડાગર.

દાદાનું આંગણું જોઈને આડોસી પાડોસી ઈર્ષા કરે. ના ઈર્ષા તો ન કરે, પણ પોતાનું આંગણું ય આવું જ ચોખ્ખું ચંદન જેવું કરેલું જોઈએ, એવું એમને લાગી રહે.

એક વખત એક નવયુવાન પાડોસણે કહ્યું, 'દાદા, સાથોસાથ અમારું આંગણુંય વાળી નાખતા હો તો !'

કચરાદાદા સાથેસાથે પાડોસીનું આંગણુંય વાળવા લાગ્યા. પોતાની રીતે જ, આંગળાનીછાલકથી પાણીય છંટકાવી દે.

બીજી બાજુની પાડોસણને થયું. કહી જોવા દે. તેણે કહ્યું: 'દાદા, સાથે આ તરફનું અમારું આંગણુંય...'

કચરાદાદાને ક્યાં વાંધો હતો ? એક સાથે ત્રણેય આંગણાં એવાં ચકચકી ઊઠયાં કે સૂરજને પોતાના જ પ્રતિબિંબ આકરા લાગવા લાગ્યા.

ભલાઈ કચરાલાલ પૂંજાલાલનું પ્રથમ કર્તવ્ય હતું. શારીરિક શ્રમથી જો શુભ કાર્યો પાર પડતા હોય, તો કચરાદાદાને વાંધો જ ન હતો.

ધીરે ધીરે શેરીની એ બાજુની આખી હરોળ ચંદન-આંગણ બની રહી. એથી કંઈ કચરાદાદાના બીજા કામો ઓછાં થયાં ન હતાં. ઓછા થવા જ દીધાં નહતાં. હા, ઉંમર સાથે, બપોરે બે-ત્રણ કલાક આરામ કરવાની ટેવ પડતી ગઈ. ઊંઘ એની મેળે જ આવી જતી. પણ દાદા ઊંઘને પંપાળતાં નહિ. અવાજ સંભળાય કે તરત ઊંઘ પડતી મૂકે અને કામે લાગી જતાં. તેઓ ક્યારેયવળી વિચારતા, શિક્ષક હતાં ને, કે આ બપોરે ઊંઘ શેની આવી જાય છે ? આમ ઊંઘ આવ્યા કરે અને ઊંઘની ટેવ પડી જાય, એ ઠીક નહિ. આના કરતાં શ્રમમાં જ કોઈ ઊંઘ અને આરામ મળી જાય તો !

શેરીની એક હરોળ ચાંદની ચોક બને, તે સામેની બીજી હરોળને દેખાયા વગર રહે ? તેમણેય કહ્યું 'દાદા, તમારે બીજું કામેય શું ?  સાથે સાથે અમારી બાજુઓનેય બે ઝાડું મારી દેતાં હોય તો !'

કચરાદાદાને વાદ ફાવે નહિ, વિવાદ ફાવે નહિ. લડવાનું તો જરાય ફાવે નહિ. જે કામ ઝાડૂથી પતી જતું હોય, તેમાં વળી પ્રશ્નો શું કામ ઊભા કરવા ?

એ આખી શેરીનું નામ પહેલાં કરડાશેરી હતું, પછી ઊકરડાશેરી પડયું અને હવે તો સ્વચ્છશેરી તરીકે એ ફળિયું પંકાવા લાગ્યું.

સુધરાઈના સફાઈ કર્મચારીઓ તો ધન્યવાદ આપીને જ ચાલ્યાં જતાં. તેઓ વળી કહેતા ય ખરાં કે, બધાં શેરીવાળામાં આવો એકાદો કચરો હોય, તો આપણું કેટલું કામ ઓછું થઈ જાય ? બસ પછી તો આપણે પગાર વધારાનું આંદોલન જ બાકી રહે.

આજની સમાચારની દુનિયામાં આવું અવળું કામ કંઈ છતું થયા વગર રહે ? એક ટીવી ચેનલે સ્વચ્છશેરીનો જયજયકાર શરુ કર્યો. બીજી ચેનલોએ બહેકાવ્યા, છાપાંઓએ ચગાવ્યા. આમાં શેરીની સ્વચ્છતાના વખાણ ખરા, પણ એની પાછળનું ઝાડૂકામ કોનું ? તે કોઈને સૂઝયું નહિ.

યશ આખી શેરીને મળ્યો. તેમણે એ યશ સ્વીકારી લીધો.

સરકાર જાગી. સરકાર હંમેશા પાછળથી જ જાગતી હોય છે. સરકાર જાગી એટલે સુધરાઈ જાગી અને પછી આખું સ્વચ્છતા ખાતું જાગ્યું. સરકારે સ્વચ્છતા પાછળ કંઈક બેઠકો કરી હતી. યોજના પાછળ ખર્ચી શકાય તેટલા અને ન-ખર્ચી શકાય તેટલાં નાણાં હોમી દીધા હતા. ના ના રોકાણ કર્યું હતું. એ ચમત્કારિક કાર્યો ક્યાં કેટલાં થયા એના અહેવાલોય જાહેરાત દ્વારા પ્રગટ થતાં હતાં.

પણ મોડો મોડે 'ચમત્કાર આજે પણ બને છે'  એવું દ્રષ્ટાંત પ્રત્યક્ષ થયું, ત્યારે સુધરાઈ સહિત નાયબ-મંત્રી અને મુખ્યમંત્રીએ એ સ્વચ્છતા શેરીનું જાહેર સન્માન કરવાનું નક્કી કર્યું.

મસ-મોટા કાર્યક્રમનું આયોજન થયું. મોટામોટા પેંડોલ બંધાયા, સ્વચ્છતા માટેની ધજાપતાકાઓ ફરફરી રહી. પોસ્ટરો અને બેનરોનો પાર નહિ. દરેકમાં મુખ્યમંત્રી તથા વડાપ્રધાનનો ફોટો તો ખરો જ. નાયબપ્રધાન અને સુધરાઈ પ્રધાને વાંધો ઉઠાવ્યો તો તેમની ય છબીઓ સામેલ કરવામાં આવી. કાર્યક્રમના દિવસે ચારેબાજુ ગાડીઓ ઊભરાઈ ગઈ. બાંગ પોકારવાનો ભલે વિરોધ થતો હોય, અહીં ભૂંગળાઓનો કર્કશ પ્રચાર, પ્રસારણના પરમ ધ્વનિનો માહોલ વરસતો હતો. સરકારના શુભ કાર્યો તો ગાજવાજ જોઈએ. વરસાદ ભલે ગાજવીજ સાથે પડે કે ન પડે, વરસાદ વરસાદ છે અને સરકાર સરકાર છે.

વારાફરતી બધાં પ્રધાનોએ સરકારની સ્વચ્છતાની ગર્જના કરી, ગીતો ગાયા ! અગાઉની સરકારોએ આવું કોઈ જ કરવા જેવું કર્તવ્ય પાર પાડયું ન હતું. તેનો વારાફરતી બધાં નાના-મોટા પ્રધાનોએ ઉલ્લેખ કર્યો. કોઈ પ્રધાને બાળપણને યાદ કરીને જેવું યાદ રહ્યું હતું તેવું થોડીક નાદાનિયત સાથે બાળગીત ગાયું:

ચોખ્ખું ઘરનું આંગણું

ચોખ્યો ઘરનો ચોક

જે સરકાર ચોખ્ખાઈ વહે

ત્યાં વસી રહે સ્વર્ગલોક

ભેગાં થયેલાં કે ભેગાં કરેલાં લોકોએ તાળીઓથી આખાય કાર્યક્રમને વધાવી લીધો.

ટીવી પર અને છાપાંઓમાં મોટા મથાળાએ સમાચારો છપાયાં,. મુખ્યમંત્રીની મુખ્ય છબી સહિત બીજા મંત્રીઓની આડ છબીઓ સહિત. વડાપ્રધાનની મોટી છબી તો ખરી જ.

કાર્યક્રમમાં, પાઠયપુસ્તકોમાં સ્વચ્છ બાળગીતો, બાળનાટક, બાળવાર્તાઓ સામેલ કરવાનું એલાન થયું. ખાનગી  સ્વરુપે, બહાર પડતાં તેવા સ્વચ્છ પુસ્તકોને, ઈનામો આપવાની , સુષુપ્ત અકાદમીને જાગૃત કરતી તાકિદ થઈ.

કાર્યક્રમનો મેળો તો આખો દિવસ મોડી રાત સુધી ચાલુ રહ્યો. બીજે દિવસે, બીજી સવારે જે કાગળ પત્તર, ફૂલોના દડા અને દોરા, ખાણીપીણીના પૂઠાઓ અને ડબલાં ભેગાં થયાં હતાં, તેના ખટારા ભરાઈ શકે !

એ બધી વાતની 'ન કોઈએ ખબર પૂછાવી.'

આપણાં કચરાદાદાને એ ખબરના ખબરપત્રી બનવાની આદત ન હતી. એવા તો કંઈક ઊજાગરાઓ તેમણે કરી નાખ્યા હતા.

પણ બપોર પછી જ્યારે માંડવાવાળાઓ પોતાના થાંભલા પાથરણાં ઉપાડવા આવ્યા, ખુરશી ટેબલવાળાઓ ખુરશીઓ ગણવા ઉપાડવા આવ્યા, ત્યારે અહીં અદભુત સ્વચ્છતા જોઈ તાજ્જુબ પામી ગયા. હિસાબ કરવા માટે માપ-પટ્ટીઓ લઈને સરકારી કર્મચારીઓ પણ પધાર્યા હતા. તે બધાં જ બોલી ઊઠયા. તેમના બોલ સાંભળીને દોડી આવેલાં છાપાંવાળા અને ટીવીવાળાએ જોરથી, વધુ જોરથી લખ્યું:

ચમત્કાર ! જે કચરો સરકારી કાર્યક્રમ પછી પડે છે અને પડયો હતો, જેને સાફ કરવા કંઈક સફાઈ કર્મચારીઓ જોઈએ, ખટારાઓ અને ટ્રકો જોઈએ, તે ગંદકી રાતોરાત કેવી રીતે સ્વચ્છ થઈ ગઈ ? ચમત્કાર 

ચમત્કાર !!

બપોરે ઊંઘવાનું મુલત્વી રાખી, ચોખ્ખી શેરીના આંગણાંનાં, ચોખ્ખા ઓટલા પર બેઠાં બેઠાં, કચરાદાદા એક વાંકો પગ હલાવ્યાં વગર, છાપુ વાંચતા હતા. બાળકોને વાર્તા કહેતા હતા. આ રીતે  બાળકોને વાર્તા કહેતા-કહેતા વાર્તાદાદા બની ગયેલા દાદા વિચારતા હતા : બાળકોને તો ઠીક પણ મોટાઓને પણ ચમત્કારિક વાર્તાઓ જ, અને વાર્તામાં ચમત્કાર જ કેમ ગમતાં હશે ?

જાહેરાતમાં તમે આ બધું જુઓ જ છો વહાલા

તો એ શું કહે, ખબર છે ? કહે: ઊલાલા

આજના નેતાઓના જ છે આ બધાં ઊલાળા

ઊના આપણને, તેમને લાગે ઠંડાઠંડાઈલાળા



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2EzBKTC
Previous
Next Post »