'બ્લેક પેન્થર'ના અભિનેતા ચૈડવિક બોસમેનનું કેન્સરથી 43 વર્ષે નિધન


લોસ એન્જેલસ, તા.29 ઓગસ્ટ 2020, શનિવાર

હોલિવૂડ અભિનેતા ચૈડવિક બોસમેનનું શુક્રવારે ૪૩ વર્ષની વયે નિધન થયું હતું. ચૈડવિક છેલ્લા ચાર વર્ષથી આંતરડાના કેન્સરથી પીડાતા હતા. તેમના પરિવારે મોતના સમાચાર ચૈડવિકના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આપ્યા હતા. ૨૦૧૬માં તેમને કેન્સર હોવાની જાણ થઈ હતી. એ પછી તેમની સારવાર ચાલુ હતી. અનેક વખત કિમોથેરાપી અને નાની-મોટી અનેક સર્જરીઓ સાથેે તેમણે અભિનય ચાલુ જ રાખ્યો હતો.  ડઝનથી વધારે ફિલ્મો અને અનેક ટીવી સિરિયલો કરનારા ચૈડવિકને જગવ્યાપી ઓળખ ૨૦૧૮ની ફિલ્મ બ્લેક પેન્થર પછી મળી હતી.

અમેરિકામાં સુપરહિરોની કાલ્પનિક કથા કહેતી અનેક ફિલ્મો બને છે. એમાં પેન્થર એવી પહેલી ફિલ્મ હતી જેનો સુપરહિરો અશ્વેત હતો અને કથા પણ આફ્રિકાની હતી. આ ફિલ્મએ બોક્સ ઓફિસ પર કમાણીના વિક્રમો તોડયા હતા તો સાથે સાથે ૩ ઑસ્કર પણ મેળવ્યા હતા.

અમેરિકાના દક્ષિણ કેરોલિનામાં જન્મેલા ચૈડવિકના માતા નર્સ હતા, જ્યારે પિતા વેપાર કરતા હતા. વોશિંગ્ટનમાં અભ્યાસ પુરો કર્યા પછી ચૈડવિકે હોલિવૂડમાં કરિયર બનાવી હતી. ૨૦૦૮માં આવેલી 'ધ એક્સપ્રેસ : ધ અર્નિસ ડેવિસ સ્ટોરી' એમની પહેલી ફિલ્મ હતી. છેલ્લી ફિલ્મ વિએટનામ યુદ્ધ આધારિત 'દી ફાઈવ બ્લડ્સ' હતી, જે જૂનમાં રિલિઝ થઈ હતી. 

ચૈડવિક પોતે કેન્સરની બિમારી વિશે જાહેરમાં ખાસ વાતો કરી ન હતી પરંતુ તેમનું વજન સતત ઘટતું જતું હતું. એટલે ચાહકો સતત ચિંતિત રહેતા હતા. ચૈડવિકના નિધનથી હોલિવૂડ કલાકારો અને તેમના વિશ્વભરમાં ફેલાયેલા ચાહકોને આઘાત લાગ્યો છે. અમેરિકી ડેમોક્રેડિક પાર્ટીના વાઈસ પ્રેસિડેન્ટ પદના ઉમેદવાર કમલા હેરિસે પણ ચૈડવિકના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32wb2TO
Previous
Next Post »