
મનને રોમાંચિત કરતું- ઘેલું કરી મૂકતું પર્વતીય વાતાવરણ અહીં ભાવકોને આકર્ષે છે. ઉબડખાબડ પ્રદેશ હોવા છતાં છલકાતાં નદી, નાળા, ધરાં, ઘટાદાર વૃક્ષોની આગોશમાં પોઢેલા પંખીડાના બચ્ચાં, સૂર્યપ્રકાશથી ઝળહળતા તળાવો અહીં પ્રાણ પૂરે છે. જ્યારે ખડકાળ ખીણોની ધારે ટૂંકા ઘાસના ઢાળના લીલા ભૂખરાં રંગો અત્યંત ચિત્રાત્મક અને સૌંદર્યમઢ્યા અનુભવાય છે હવે, હજારેક ફિટ નીચે જરા દ્રષ્ટિ કરો એ પણે દેખાય મા નર્મદાના છવાયેલા વિશાળ મેદાનો ! વળી દર્શન દે નાજુક નમણાં રંગોના ભેખધારી છટાદાર મેઘધનુષ્ય. આહા ! અભૂતપૂર્વ આનંદ- મંગળની અનુભૂતિ આ પર્વતીય પ્રદેશની ઘણી બધી અગત્યની જગ્યાઓ નજરે ચડે ત્યારે આસમાન સપાટી હોવા છતાં તે જાદુઈ, નાજુક, નમણાં દ્રશ્યોની વણથંભી વણઝાર લઈને જાણે કે ચાલતી ન હોય એવું લાગે ! છોગામાં, ઉંચા પર્વતના મુગટસમ દેખાય કમાનસોતા પેવેલિયન્સ (મંડપો), સ્તંભ સહ છત્રીઓ, મિનારાઓ અને અનેક ઘુમ્મટોની હાર ! જીવન, આનંદ અને પ્રેમના પડછાયા જેવા પથ્થરોના સંગનો ઉત્સવ ઉજવતું શહેર તે માંડુ. વિંધ્યાચળ પર્વતશ્રેણી વચાળે બે હજાર ફિટની ઉંચાઈએ માંડુું આ સ્થાપત્ય નગર કુદરતી સંરક્ષણ રચનાઓથી ઘેરાયેલું અને સચવાયેલું છે. મૂળ તો એ માળવાના પરમાર રાજવંશની કિલ્લેદાર રાજધાની હતી. તેરમી સદીના અંત તરફ સરકતા માળવા રાજપાટ સુલતાનના તાબામાં આવી પડયું અને એમણે માંડુને નવું નામઆપ્યું : શાદીદાબાદ એટલે કે આનંદનગરી.
સ્વચ્છતમ નગર ઇન્દોરથી સો કિ.મી.ના અંતરે છે મેજિકલ માંડુ
સૃષ્ટિએ વેરેલા અગાધ સૌંદર્યઝરણોમાં રસડૂબકી મારવી કોને ન ગમે ભલા ? એમાં ય ભારત દેશના દરેક રાજ્યમાં એની વિશેષ ઓળખ સમા અનેક એવાં સ્થળો જડી આવે જે ખૂબ જાણીતા હોય; એની તસવીરો, એનાં ચિત્રો એ સ્થળની મુલાકાત લેવા પ્રવાસીઓને આકર્ષવા માટે નિમિત્ત બનતાં હોય એવું બને. સહેલાણીઓને ગમતી રમતો, 'રાઇડ્સ', ભોજન, મનોરંજન મળે તો ભયો ભયો ! જોવાલાયક સ્થળો માટે 'સાઇટ સિઇંગ'ની ખાસ સમયસારણી. જાણે કે વિહંગાવલોકન કરવાના હોય એમ કરવું પડે માટે કરવું - એવું વલણ દાખવી ઘણાં લોકો પોતાના લિસ્ટમાંથી એક સ્થળ 'પત્યું' કે 'થઈ ગયું' એવી માનસિકતા સાથે એક કામ પતાવ્યાનો ઉંડો સંતોષ લેતા હોય છે. પરંતુ આ
પૃથ્વી પર અનેક સ્થળો એવાં છે કે જ્યાં આંટો મારી આવવો કે આરામથી હૉટલમાં રહી, ખાઈ- પી જલસા કરી, ઘરેથી રમતો લઈ જઈ રમી, ધાડ મારને પાછા આવવાની વૃત્તિનો ધરમૂળથી સફાયો થઈ જાય. અરે ! આપણી રસદ્રષ્ટિને પૂર્ણ સંતોષનો ઓડકાર ખવડાવે એવા નૈસર્ગિક દ્રશ્યો, સ્થાપત્ય, શિલ્પ, સંગીત, સાહિત્ય અને ચિત્રોના જાદૂઈ કળા વિશ્વમાં રસજ્ઞાોને લટાર મારવા લઈ જાય એવા અઢળક તત્ત્વો એક સાથે એક જ સ્થળે વિદ્યમાન હોય તો જોઈએ શું બીજું આ જીવને ? લટકામાં ઇતિહાસની પવન પાવડી ભવ્ય ભૂતકાળમાં આપણને સફર કરાવી આવે. 'મેરા ભારત મહાન'નારો લગાવવાનું મન થઈ આવે એવાં અસંખ્ય સ્થળોમાંનું એક છે - માંડુ અર્થાત્ માંડવગઢ. રાજધાની દિલ્હીની દક્ષિણે સાતસો કિ.મી. દૂર આ માળવા રાજ મધ્યપ્રદેશ સ્થિત છે જેને રાજસ્થાન અને મહારાષ્ટ્રની સરહદ સ્પર્શે છે.

માંડુની ફેલાયેલી કાયામાં વસે છે આનંદ રૂપ આત્મા :
અફઘાન સુરિ રાજવંશના વંશજ રાજકુમાર કવિ બાઝ બહાદુર એક સમયે માળવાના સુલતાન પદે તશરીફ લાવ્યા અને બિરાજ્યા. માંડુના વૈવિધ્યસભર ઇતિહાસની મૂક સાક્ષી પૂરતા અફઘાન સ્થાપત્યનું અહીં બાહુલ્ય છે. તેમના સુદીર્ઘ અને સમૃદ્ધ શાસનકાળમાં આફ્રિકાના 'બાઓબાબ' વૃક્ષોથી ઘેરાયેલા ભવ્ય મહેફિલો, કિલ્લા આદિ સ્થાપત્યો અદ્ભુત સુંદરતમ ઇમારતોના વૈશ્વિક દ્રષ્ટિએ અગત્યના અને એકમેવ કહેવાતા નમૂનાઓના કારણે સદાય ચર્ચામાં રહ્યા અને માંડુને વિશ્વ પ્રવાસન દિવસે 'ઉત્તમ હેરિટેજ નગર પ્રશસ્તિ એવોર્ડ' પણ મળ્યો આ સઘળો શ્રેય સુલતાન બાજ બહાદુરની દૂરંદ્રષ્ટિ માટે અને કળાશોધક વલણ માટે તેમને તથા તેમના પૂર્વજોને ફાળે જાય છે.
શાંતિ અને સવલતોના સમયમાં સુધારક બાઝ બહાદુર સદાય માંડુને સમૃદ્ધ બનાવવાના પ્રયત્નોમાં રહેતા. તેમણે અનેક અલંકૃત નહેરો, સ્નાનગૃહો, મંદિરો- મસ્જિદો, સમાધિ, કબરો, રેવાકુંડ ઇત્યાદિ બનાવડાવી અગાઉના સુરિવંશના સુલતાનોના કર્તૃત્વમાં વધારો કર્યો. સ્થાપત્યમાં અફઘાન શૈલી સાથે ટર્કિશ લોકોની પરંપરાગત કળા વણી લીધી- સંસ્કૃતિ ઉજાગર કરી. આમ, અનેક સિદ્ધાંતોને ભેગા કરી અદ્વિતીય અજોડ, બે સંસ્કૃતિના સંમિશ્રણ સમી પ્રભાવશાળી ઇમારતોનું નિર્માણ કરાવ્યું. તેની ફરતે લીલાંછમ ઉપવનો ય ઉછેર્યાં. ઉત્તમ હેરિટેજ નગરની ઓળખ એટલે જ તો મળી ! જામી મસ્જિદ અને હોશંગ શાહની કબર જોવા ખાસ સ્થપતિઓની એક ટુકડીને બાદશાહ શાહજહાંએ માંડુ મોકલેલી. એમાંથી પ્રેરણા લઈને સ્તો આગ્રામાં યમુના કિનારે પ્રેમમગ્ન તાજમહાલ આજ સુધી સુવાંગ ઉભો છે !

ભૂતકાળની કળાની પુન: શોધયાત્રા :
એ 'હોશંગ શાહ' ધવલ આરસમાં બનેલી, દિવ્ય વિશાળ કબર છે એમાં સંયમિત માત્રામાં કોતરણી અને તેમાં ભૂરા રંગના કાચના અને મીનાકારીના સિતારા જડેલા છે જેને કડિયાકામ પદ્ધતિથી કંડારવામાં આવ્યા છે. લાગે છે ને જાણીતું ! એનું ચણતર- ઘડતર અફઘાન સ્થાપત્ય શૈલી મુજબનું છે. ભારતનું તે પ્રથમ આરસમાં બનેલું સ્મારક છે, એનો ગુંજબ ભવ્યતાથી ઇમારતના પ્રમાણભાનસર ઉંચા મસ્તકે ઉભો છે. નાજુક જાળીઓ (જાફરી), રવેશદાર સભાખંડો અને મિનારાઓ ચાર ખૂણિયો લંબચોરસ આકાર સર્જે છે.
દમાસ્કસની એક મહાન મસ્જિદ પ્રેરિત જામી મસ્જિદ માંડુમાં છે જેની કલ્પના મુજબ અહીં મોટા પાયે કામ થયું છે. ઊંચી પ્લિન્થ (ઓટલી) ઉપર વિશાળ ગુંજબ છે જે દ્વારમંડપ પર ઇમારતના કેન્દ્રીય ભાગ તરફ ઝૂકેલો દેખાય છે.
પશ્ચાદભૂમાં એના જેવા અનેક ઘુમ્મટ એકબીજા સાથે સંકળાયેલા, ગોષ્ઠિ કરતા દ્રષ્ટિગોચર થાય છે. એમાંનો એક અતિ વિશાળ ગુંબજ છે. ચારે કોરથી મસ્જિદ મસમોટા થાંભલાઓની હારથી ઘેરાયેલી છે જેના આધારે કમાનો, અન્ય સ્તંભો, અનેક ગોખલાઓ અને ઝરૂખા સાથેની દીવાલો જાણેકે એકબીજાની કેડે હાથ બાંધીને ટોળે વળેલી હોય એવું ભાસે છે. હા, બાઝ બહાદુર અહીં હાજરાહજૂર હોય તો રાણી રૂપમતી ક્યાં ?
લસરકો :
બેનમૂન કળાની ગરવાઈને
પોષે લોકગીતો - કથાઓ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hpxXab
ConversionConversion EmoticonEmoticon