
ભા રતમાં અંગ્રેજોના અનુકરણમાં વર્તમાનમાં ચાલતું શિક્ષણ ઉછીનું છે. વિદેશમાં થયેલી ઔદ્યોગિક ક્રાન્તિની જરૂરિયાત મુજબનું, મેકોલેએ ગોઠવેલી યાંત્રિક શિક્ષણપ્રથા ભારતીય પ્રજાને પ્રતિકૂળ હોવા છતાં એમાં ક્રાન્તિ લાવનારો કોઈ ભારતીય ભડવીર પાક્યો નથી, જેની આપણને જરૂર છે. રોગ થાય ત્યારે જ તંદુરસ્તીનું ચિંતન થતું હોય છે. આપણી પ્રાચીન શિક્ષણ પરંપરા તપોવનની આદર્શ શિક્ષણ પદ્ધતિ હતી. સાંદીપની ઋષિના આશ્રમમાંથી કૃષ્ણ અને સુદામાએ અને વસિષ્ઠ- વિશ્વામિત્રના આશ્રમોમાંથી રામ-લક્ષ્મણે શું મેળવેલું ? નાલંદા-તક્ષશિલા જેવી વિદ્યાપીઠો કેમ સુખ્યાત છે ? એ વિદ્યાપીઠોમાં વ્યક્તિત્ત્વનું ઘડતર થતું હતું.
એ વિદ્યાપીઠોમાં શિષ્યોને ભૌતિક તેમજ આધ્યાત્મિક વિષયોનું જ્ઞાાન શિષ્યની ક્ષમતા અને રુચિ પ્રમાણે અપાતું આજે કેવળ ઢગલાબંધ માહિતીનું પ્રદાન એટલે શિક્ષણ એમ મનાય છે. જથ્થાબંધ તથ્યોનું પ્રદાન જેટલું વધુ તેટલું શિક્ષણ ઊંચુ એ પાયાની ભૂલ થઈ રહી છે. શિક્ષણનો સંબંધ પ્રદાન સાથે નહિ, અસર સાથે હોવો જોઈએ. માહિતી આપતી શિક્ષાવૃત્તિ એ એક અર્થમાં ભિક્ષાવૃત્તિ છે. શિક્ષણમાં ઘડતરની વાત બાજુ પર રહી જવી ના જોઈએ. આજના શિક્ષણમાં કેવળ યાંત્રિકતા હોઈ સ્પર્ધા, દ્વેષ અને પશુતાનાં દર્શન થાય છે.
આપણી વેદાંતી વિચારધારા શિક્ષણમાં લાવવી જોઈએ. એટલે કે સજીવ અને નિર્જીવ સમગ્ર જગત પંચતત્ત્વોમાંથી ઉદ્ભવ્યું છે એ પાંચ તત્ત્વો પૃથ્વી, આકાશ, જળ, વાયુ અને અગ્નિ... બાળકો પણ એ પાંચતત્ત્વોનું જ સર્જન છે. તો એ પંચતત્ત્વનો પરિચય બાળકને કરાવવો જોઈએ. આપણી પાંચ જ્ઞાાનેન્દ્રિય અને પાંચ કર્મેન્દ્રિય એ પંચતત્ત્વનું પરિણામ છે. પૃથ્વી તત્ત્વનો ગુણ ગંધ અને તેની ઈન્દ્રિય નાક. વાયુ તત્ત્વનો ગુણ સ્પર્શ તેની ઈન્દ્રિય ચામડી... આકાશ તત્ત્વનો ગુણ શબ્દ અને તેની ઈન્દ્રિય કાન... આ વાત બાળકને પાંચ અલગ તત્ત્વોની લાક્ષણિકતા બતાવીને ભણાવવી જોઈએ. પાંચેય તત્ત્વો અસીમ છે અને એ પાંચેયતત્ત્વોના સરવાળામાંથી બનેલું બાળક સીમિત કેવી રીતે હોઈ શકે ? શિક્ષણમાં સ્પર્ધા, દ્વેષ જેવા દુષણોે ક્યાંથી પ્રવેશ પામે ? - ધરમૂળથી વિચારવું પડશે. આપણે ત્યાં પરાપૂર્વથી નદી અને ધરતીને માતાનો આકાશને પિતાનો વાયુને દેવનો અને અગ્નિને પણ દેવાધિદેવનો દરજ્જો આપવામાં આવ્યો છે. એ કંઈ અમસ્તો નહોતો. એ ભારતીય સંસ્કારો પ્રત્યેક ભારતીયમાં રહેલા છે, એટલે જ માણસ મૃત્યુ પામે એટલે પંચમહાભૂતોમાં લીન થઈ ગયો એવા વિધાનો થાય છે... લગ્ન સંસ્કાર અગ્નિની સાક્ષીએ, મૃત્યુ સંસ્કાર અગ્નિની સાક્ષીએ, જન્મ સંસ્કારમાં પુંસવન જેવા સંસ્કારો વાયુની સાક્ષીએ થતા... એ બધી જીવનરીતિમાં પંચતત્ત્વોનું મૂલ્ય હતું. હવે આપણે એ પાંચ તત્ત્વોનો શિક્ષણમાં વિનિયોગ જોઈએ... અથવા શિક્ષણમાં પંચતત્ત્વોનું મહત્ત્વ જોઈએ.
શિક્ષણનું મૂળભૂત કાર્ય શું છે ? વ્યક્તિનું ઉત્તમ ઘડતર કરવાનું. વ્યક્તિ એટલે શું ? - પંચતત્ત્વોની સજીવ કાયા. તો વ્યક્તિનું ઘડતર કરવામાં એ પાંચતત્ત્વો પાણી, પૃથ્વી, આગ, આકાશ અને વાયુને કેન્દ્રમાં રાખીને ઘડતર કરવામાં આવે તો ? આપણે વાતને વધુ સારા દ્રષ્ટાંતથી સમજીએ શિક્ષણના કેન્દ્રમાં વિદ્યાર્થી છે - જે પૃથ્વી તત્ત્વ છે... પૃથ્વી એટલે માટી, એ માટીના જુદાજુદા ઘાટ ઘડાય... એ માટી પણ જુદાજુદા પ્રકારની હોય, કોઈ ફળદ્રુપ હોય, કોઈ રેતાળ હોય, કોઈ કાંપની હોય કોઈ નદીકાંઠાની હોય એ માટી મુજબનો ઘાટ થાય... કોઈ અભણ ખેડૂતનું દ્રષ્ટાંત લ્યો, એ બટાટા થતા હોય એવા ખેતરમાં ડાંગર કદી નહિ રોપે... કેમ ? એ જમીન બટાટાને અનુકૂળ છે - તેની તેને ખબર છે. આપણે પણ વિદ્યાર્થીની મૂળભૂત માટી - પૃથ્વી તત્ત્વ - એનો સ્વ-ભાવ જન્મજાત ક્યો છે તે જાણી લેવું પડે... પછી એ માટીમાંથી જુદા જુદા આકારનાં વાસણો તૈયાર થાય.
શિક્ષણની પ્રક્રિયામાં બીજું ઘટક શિક્ષક છે - જે તાત્ત્વિક દ્રષ્ટિએ જળનું કામ કરે છે. પૃથ્વી તત્ત્વમાં જળ તત્ત્વ ભળે એટલે માટી મુલાયમ બને. પૃથ્વીની કઠણતા-જળ ઓગાળે જેથી માટીને જે આકાર આપવો હોય તે આપી શકાય. શિક્ષકનું કામ પૃથ્વી તત્ત્વ ધરાવતા વિદ્યાર્થીને જળતત્ત્વનાં ઉમેરણથી એ માટીને નૂતન ઘાટ આપવાનો છે.
ઘાટ આપતી વખતે શિક્ષક માટીને થેપે છે - કુંભારની જેમ જ. પાત્ર તૂટે નહિ અને પાકું થાય એ એનો એમાં હેતુ છે. શિક્ષકનું શિક્ષકત્વ વિદ્યાર્થીમાં રેડાય છે - પરિણામે વિદ્યાર્થીનો ઘાટ ઘડાય છે... આ શિક્ષકનું કામ માત્ર શાળાનો શિક્ષક જ કરે છે એમ નહિ, માતા-પિતા ગુરુ, સંત કોઈ વડીલ, પ્રસંગ કે અનુભવમાંથી પણ વિદ્યાર્થી શિક્ષકત્વ પ્રાપ્ત કરતું હોય છે. મૂળ વાત છે પૃથ્વી તત્ત્વ ધરાવતા બાળકને - જળતત્ત્વથી શિક્ષક ઘાટ આપે છે.
શિક્ષણની પ્રક્રિયામાં ત્રીજુ તત્ત્વ અગ્નિ છે. માટીમાંથી ઘડાનો કે કોડિયાનો ઘાટ પામેલું બાળક અગ્નિ તત્ત્વમાંની ભાડામાં પાકુ થાય છે. આ અગ્નિ જ એને પાકુ કરે છે શિક્ષણની પ્રક્રિયામાં જ્ઞાાન એ અગ્નિ છે. અનુભવનું જ્ઞાાન હોય કે ઈન્દ્રિયનું જ્ઞાાન હોય પણ એમાં કાબેલિયત જ્ઞાાનથી આવે... હવે કુંભાર જેવો શિક્ષક દૂર થઈ જાય છે ખસી જાય છે. ઘાટ પામેલું કાચુ વાસણ શિક્ષકની નીપજ છે પણ પાકુ થયેલું ઘાટ પામેલું વાસણ જ્ઞાાન અથવા અગ્નિનું કારણ છે.
વિદ્યાર્થીનો વિચાર અને કલ્પનાનો પિંડ જે શિક્ષક દ્વારા બંધાયો તેને જ્ઞાાનના ભઠ્ઠામાં પાકો કરવો પડે... એ મજબૂત ત્યારે બને જ્યારે અનુભવ મેળવે... ગુરુ શિક્ષા આપ્યા પછી શિષ્યને વનમાં - સંસારમાં છૂટો મુકી દેતા એ શિષ્ય પોતે-જાતે અનુભવ દ્વારા જ્ઞાાન મેળવતો. એ અનુભવો જ એ શિષ્યની સાચી મૂડી. પાકા થયેલા વાસણમાંથી પાણી તો ઊડી જશે.
શિક્ષક-છૂ થઈ જાય, ખોવાઈ જાય, શિક્ષકનું કામ પૂરું થઈ જાય દ્રોણાચાર્ય અર્જુનને શિક્ષા આપે છે - પછી અર્જુનમાં અર્જુનપણું દાખલ થઈ જાય છે, દ્રૌણાચાર્ય પડદા પાછળ ધકેલાય છે. ગુરુ કરતાં શિષ્યો સવાયા થાય - એ અર્થમાં શિષ્યમાં રહેલાં મૂળભૂત તત્ત્વો ગુરુ કરતાં પણ વધારે માત્રામાં બળવત્તર હોય ત્યારે તેમ પણ બને છે. આમ આપણે ત્રણ તબક્કા જોયા. બાળક એટલે પૃથ્વી. શિક્ષક એટલે જળ તત્ત્વ અને જ્ઞાાન એટલે અગ્નિતત્ત્વ.
વિદ્યાર્થી-પૃથ્વીતત્ત્વ, શિક્ષકની સહાયથી - જળતત્ત્વની મદદથી નોખા નોખા મુલાયમ માટીના ઘાટ પામે છે. પછી એ અગ્નિ તત્ત્વમાં - જ્ઞાાનના ભઠ્ઠામાં એ ઘાટ વ્યક્તિત્ત્વ ઘડતર પામે છે. હવે ચોથું તત્ત્વ વાયુ છે જે સતત વિદ્યાર્થી - શિક્ષક... વિદ્યાર્થી-સમાજને જોડેલા રાખે છે. પ્રત્યાયનમાં સહાયક બને છે... શિક્ષકે કહેલી વાત શિષ્યને કાન સુધી વાયુ લઈ જાય છે અને શિષ્યએ પ્રાપ્ત કરેલું જ્ઞાાન સમાજ સુધી વાયુ દ્વારા વિસ્તરે છે. જ્ઞાાનના વિસ્તરણનો હવાલો વાયુ તત્ત્વ સંભાળે છે... એ વાયુ તત્ત્વની ગેરહાજરીમાં આખી પ્રક્રિયા અશક્ય બને છે અને પાંચમું તત્ત્વ અવકાશ-આકાશ - સ્પેસ છે.
જ્યાં આખો યજ્ઞા થાય છે તે જગ્યા... સમગ્ર વાતાવરણ સમગ્ર પર્યાવરણ બધું જ અંદર-બહારથી પ્લાવિત થાય. પલટો પામે. પરિવર્તન આણે. વાતાવરણને પરિશુદ્ધ બનાવે. એ વાતાવરણને કારણે વ્યક્તિત્વનું ઘડતર થાય. Personality Mold પામે... બાળકો પોતાનો વર્ગખંડ શણગારે, શાળાનું આંગણું સ્વચ્છ રાખે... એ બધાં વાતાવરણને સ્વચ્છ કરવાનાં દ્રષ્ટાંતો એ આકાશ તત્ત્વનાં પરિણામો છે.
વાતાવરણમાં - પર્યાવરણમાં આકાશ તત્ત્વ સુધારો આણે છે... સ્નાન, શૌચ વગેરે પછી પ્રાર્થના-પૂજા જેવી પ્રવૃત્તિ વ્યક્તિના શારીરિક એન્વાયરમેન્ટને પવિત્ર કરે એવી રીતે ભીતરી વાતાવરણમાં નિર્ભયતા, પ્રભુપ્રેમ, કરુણા સંવેદના જેવા સદ્ગુણો ઉદય પામે છે. આમ આકાશનું વ્યાપ્તિનું લક્ષણ વ્યક્તિનો અંદર-બહારથી વિકાસ કરે છે.
પ્રત્યેક બીજમાં વૃક્ષની ક્ષમતા રહેલી છે તેમ પ્રત્યેક વિદ્યાર્થીમાં પણ કોઈને કોઈ શક્યતા રહેલી છે પણ બીજ કઈ માટીમાં, કેટલા પાણીમાં, ક્યા વાતાવરણમાં રોપાય છે તેના ઉપર તેના વિકાસનો આધાર રહેલો છે - તેમ બાળક પણ બીજ છે... તે બીજમાં પણ ક્ષમતા તો છે જ... એ ક્ષમતાને તેનામાં રહેલી જિજ્ઞાાસા દ્વારા અને તેના પ્રત્યેના આત્મીય વ્યવહાર દ્વારા શિક્ષક ઓળખી શકે છે. એ શક્યતાઓ પારખી લીધા પછી એ બીજને પંચતત્ત્વોનું પોષણ મળી રહે તો એ બીજ અવશ્ય ઉન્નત વ્યક્તિત્વ પ્રાપ્ત કરી શકે... આપણે સંવેદનાસભર અધ્યાત્મવાળા આવા વ્યક્તિઓ ઘડવા માટે પંચતત્ત્વની પ્રક્રિયાથી શિક્ષણ પાસે જવું પડશે. ધરતી તત્ત્વ અવશ્ય અંકુરાશે, જળ તત્ત્વ અવશ્ય ભીંજવશે, વાયુ તત્ત્વ અવશ્ય ફેલાશે, અગ્નિ તત્ત્વ અવશ્ય અજવાળશે અને આકાશ તત્ત્વ અવશ્ય વિસ્તાર કરશે એ પાયાની વાતને વિસારી પાડી શકાશે નહિ.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UJaBTj
ConversionConversion EmoticonEmoticon