
પ રી એની પ્રિય સખી પ્રતિમાને ઘેરથી પાછી આવી ત્યારે એનું નાક સહેજ સાજ ગમતું હતું. મંજરીને જરા ચિંતા થઈ. એણે મુન્નાને, પરીના પપ્પાને જરા ચિંતાથી વાત કરી.
મુન્નો આમેય બધી બાબતોમાં બેપરવા. કશી પણ ઉપાધિ આવે તે એને ના ગમે. એ એની સાદી સરળ જિંદગીમાં રચ્યોપચ્યો રહે. મંજરીએ એને પરીના નાક ગળવા વિશે વાત કરી. એણે શાહમૃગની જેમ મુશ્કેલી સામે આંખ ચીંધી દીધી હોય તેમ કહ્યું : 'જરા શરદી થઈ હશે. એ તો મરી જશે.'
જરા નાકે બામ લગાડી દેજે ને ! સલાહ આપીને જાણે કામ પતાવી દીધું હોય તેમ મનથી એ છૂટો થઈ ગયો. મોબાઈલમાં આવતી જોક્સ સાંભળવામાં લીન થઈ ગયો.
મંજરી ચિંતામાં હતી. રોજેરોજ નવા ફૂટી નીકળેલા કોરોના વાઇરસ રોગના સમાચાર એ જાણતી હતી. કોરોના વાઇરસ રોગનો એને છૂપો ભય પણ પેસી ગયો હતો. એવામાં જ વળી પરીનું નાક ગળ્યું. શરદી હશે એમ એણે માની લીધું પણ કોરોના વાઇરસનો ભય રોજેરોજ ફેલાતો જોઈ એને માનસિક ફફડાટ તો થવા જ માંડયો.
એણે શાણીબહેનને- મમ્મી/સાસુને વાત કરી. સાલુ તો વળી વહુ થીય વધુ ગભરાટિયાં હતાં. મંજરીએ પરીની શરદીની વાત કરતાં જ એ ગભરાઈ ગયાં. વાત તાબડતોબ દાદા-શકરાભાઈ પાસે પહોંચી. એ તો એમના સ્વભાવ મુજબ હાંફળા ફાંફળા થઈ ગયા. તાબડ તોબ ફોન કરીને મોટા ડૉક્ટરને બોલાવ્યા. ડૉક્ટરે થોડી હૈયાધારણા તો આપી કે શરદીથી વિશેષ કાંઈ લાગતું નથી. છતાં છતાં, હોસ્પિટલમાં સ્પેશિયલ ડૉક્ટરોને બતાવો. રોગનો વાવર એટલો બધો છે કે...એ આગળ કશું બોલ્યા વિના ઊભા થઈ ચાલ્યા ગયા. શકરાભાઈના પરિવાર પર તો પરીનું નાક ગળ્યું તેથી માથે આભ તૂટી પડયું હોય તેવો ધ્રાસ્કો પડી ગયો.
થોડાંક ઉપચારથી પરીને જરા સારું લાગ્યું, એવામાં વિશાલ એમના ઘર પાસેથી બહાર જવા નીકળ્યો હતો તેને જોઈને મંજરીથી બોલ્યા વિના રહેવાયું નહિં. એના મનમાં ક્યારની ય ચિંતા ખદબદ થઈ હતી. એણે સહેજ સમાચાર આપતાં કહ્યું : 'વિશાલભાઈ, પરીને શરદી થઈ ગઈ છે.'
પરીને એકદમ વિશાલ એમનાં ઘરનાં પગથિયાં સડસડાટ ચડીને પરીની પાસે પહોંચી ગયો.
પરીની આંખો અધ ખૂલી હતી. વિશાલને જોતાં એ ખૂલી ગઈ. એની આંખમાં સહેજ નૂર પ્રગટયું. 'વિશાલભાઈ' એટલું જ એ બોલી પડી.
વિશાલે એકદમ એના માથા પર કપાળ પર હાથ ફેરવતાં અત્યંત મૃદુ અવાજે પૂછ્યું : 'બેટા, શરદી થઈ છે ? મટી જશે હોં !'
વિશાલભાઈને જોતાં પરીમાં જરા ઉત્સાહ આવ્યો. મંજરીએ પ્રેમથી જરા ભીના સ્વરે આશ્વાસન આપ્યું. 'બેટા' હવે તારા વિશાલભાઈ આવ્યાને એટલે હવે તું સાજી તાજી થઈ જઈશ.
વિશાલે પરી પાસે પડેલા રૂમાલથી એનું નાક હળવેકથી લૂછ્યું અને જવા માટે ઊભો થયો.
પરીએ પૂછ્યું : 'જાવ છો ? પાછા ક્યારે આવશો ? એનાથી પૂછ્યા વિના રહેવાયું નહિ. એના ભોળા સ્વભાવને શી ખબર હોય કે વિશાલભાઈને રોજ કામ હોય. અને વળી એ ક્યાં એના સગા ભાઈ હતા ?' બાળકના નિર્દોષ સ્વભાવ મુજબ એ બોલી પડી. માયા લાગે પછી એને એમ જ સૂઝેને ? મંજરીએ તરત કહ્યું : 'બેટા, એમને કામકાજ હોય ને ? એવું સાંભળીને વિશાલ બોલી પડયો : 'બેટા, તું સાજી થાયને ત્યાં સુધી રોજ આવીશ હોં !'' વિશાલ એના સહેજ ગરમ કપાળે હાથ ફેરવતાં બોલ્યો પરી એને જતો જોઈ રહી.
ફેન્ટાએ જાળીમાંથી કચરો કાઢવા સાવરણી ફેરવતાં એને મંજરીના ઘરમાંથી બહાર નીકળતો જોયો. સ્વભાવ મુજબ એને કુતૂહલ થયું. 'વિશાલ ત્યાં કેમ ગયો હશે ? મંજરીએ કે મુન્નાએ તેને બોલાવ્યો હશે !'
વિશાલ કલાકેક પછી પાછો ફર્યો કે તરત ફેન્ટાના પેટમાં ખદબદતી વાત જીભ પર આવી. એણે સ્વભાવ મુજબ આડકતરી રીતે પૂછ્યું :
'વિશાલ, શકરાભાઈ અન્કલને ત્યાં કોઈ માંદુ સાજાું છે ?'
'ના....આ કેમ ?'
એમના ઘરમાં બહાર નીકળતો જોયો એટલે મને થયું કે...બાકીના શબ્દો એ ઇરાદાપૂર્વક, વિશાલનો જવાબ સાંભળવા ગળી ગઈ.
વિશાલે સહજ રીતે કહ્યું : 'પરીને શરદી થઈ છે. એ યાદ કરતી હતી મંજરી ભાભીએ સહેજ વાત કરી. એટલે હું પરીને મળવા ગયો હતો.'
'હવે એને કેમ છે ?' ફેન્ટાએ સહજ રીતે પૂછ્યું.
વિશાલે જરા વિગતે પરી માટે કરેલા ઉપચારની વાત કરી.
બાબલો તતડી ઉઠયો. 'એને પેલો રોગ કોરોના વાઇરસ તો નથી ને ?' તારી ભાભી તો સહેજ કામ પડે એટલે તને યાદ કરે અને તું 'ભાભી'ને મળવા તરત પહોંચી જાય. વિશાલને પપ્પાનો આ અશ્લીલ કટાક્ષ સોંસરો કાળજે લાગ્યો.
'પપ્પા' પડોશમાં આપણા સંબંધી માંદા સાજા હોય કે ભીડમાં હોય ત્યારે તેમને કામમાં આવશું તે તમને બેહૂદું લાગે છે ? પરી બીચારી મને સંભારતી હતી...
વિશાલને પપ્પાનાં વચન હાડોહાડ લાગી ગયાં હતાં. એ રાતે ય એના મનનો વિશાદ દૂર થયો નહોતો. એણે જમવાની ના પાડી ! મમ્મી, મને ભૂખ નથી ?
ફેન્ટાએ તેને સહેજ આગ્રહ કર્યો. પછી બાબલાને તતડાવ્યો : 'તને કયે વખતે શું બોલવું તેનું ભાન નથી ! પડોશીને તકલીફ હોય ને વિશાલ તેમની મદદે જાય. તેમાં તને શું નડયું ? વિશાલ ભૂખ્યો રહ્યો.'
'એ મારે માટે ભૂખ્યો રહ્યો ? હવે હું કોઈને કશું કહેવાનો જ નથી. જેને જે કરવું હોય તે કરે.' પછી તતડીને બોલ્યો : 'મંજરી ભાભી કે પરી એની શી સગી કોરોના વાઇરસ ચાલે છે ત્યારે ત્યાં જવાની શી જરૂર હતી ?'
બધા પર મિજાજ ઠાલવીને બાબલો બહાર નીકળી ગયો.
બાબલાના વિલાસ અને સમગ્ર પરિવાર પ્રત્યેના બેહૂદા વર્તનથી પેથાભાઈના પરિવારમાં સન્નાટો અને ભિન્નતા પ્રસરી રહ્યાં.
બાબલો તો મિજાજ કરીને જતો રહ્યો, પણ એના અસભ્ય અને ગંદા શબ્દોના પડઘા હજી વત્તે ઓછે અંશે સહુનાં હૃદયમાં હતાં.
વિશાલ (નાનપણનો નાનકો) હતો, કેવો સુધરી જઈને કુલદીપક બની ગયો ! મને બાબલાને એનું પરિવર્તન જ ખૂંચવા માંડયું. એના માનપાન જીરવાતાં નહોતાં. વિશાલને એ ઇર્ષાથી જોતો હતો. એનાં માનપાન જીરવાતાં નહોતા. એમણે એ જ બાબલાનેય કેવા જતનથી ઉછેર્યો હતો. લાડકોડમાં કશી કમી નહોતી રાખી. છતાં એ આવો કેમ પાક્યો ? એને ફેન્ટા જેવી ગુણિયલ પત્ની પણ મળી હતી. પેથાભાઈએ એનાં લવમેરેજ કરાવી આપ્યાં હતાં.
એ બધું 'ઇન્વેસ્ટમેન્ટ' ઉધારે ગયું ?
વિશાલ સેવાભાવથી અને પરી પ્રત્યેના વહાલથી, મંજરીને બોલાવ્યાથી પરીની ખબર જોવા ગયો એમાં એણે એવું તે શું 'પાપ' કરી નાખ્યું કે બધા જ સાથે ઝઘડો કરી વિશાલ પર ગલીય લાગે તેવા કટાક્ષ કરીને મિજાજથી ચાલ્યો ગયો.
રાતે સહેજ મોડા પ્રોફેસર પ્યારેલાલ વિશાલના દુ:ખતા ખભામાં કેવો સુધારો છે તે જાણવા અને વાતો કરવા આવ્યા. એમણે વાતાવરણ સૂંઘી લીધું. બધી વાત જાણી વિશાલ પરીને શરદી થઈ તેના ખબર જોવા ગયો એ જાણી બહુ જ પ્રસન્ન થયા 'પરી તો દેવની દીધેલી મીરાત, ખેરાત છે એ ભલે છોકરી પણ કુળનું નામ રોશન કરશે એવી આગાહી તેમણે ભારપૂર્વક કરી.'
વિશાલને એમણે ખૂબ મમતાથી નવાજતાં કહ્યું. 'બેટા, તે પુણ્યનું કામ કર્યું. કોઈનીય તકલીફમાં મદદ કરવા જેવું પુણ્ય એકેય નથી. તેં બહુ જ સારું કર્યું.'
વાતાવરણ કોરોના વાઇરસની વાત નીકળતાં વિશાલે સ્પષ્ટતા કરી : 'અન્કલ, હવે આ કોરોના વિદાય થાય પછી લગ્નની વાત. હમણાં એની હલચલ કરવી જ નથી.'
બાબલાએ આ વાત ઘેર આવ્યા પછી જાણતાં કહ્યું : એ માસ્તરડો જ લગ્ન અટકાવે છે. હવે કોરોના ક્યારે પતશે તેની રાહ જોયા કરો. કુટુંબમાં ન જાણે કેવો શાપ લાગ્યો છે. ઘર કુંવારું જ રહેશે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MVI2xA
ConversionConversion EmoticonEmoticon