રઝળી ગયેલી રાજકુમારી


જો ઈ લો આ રાજકુમારીને. કેવી બાવરી, બ્હી ગયેલી, ખોવાઈ ગયેલી લાગે છે.

તેમ જ છે.

કેમ કે તે એકાકી છે, એકદમ એકલી. ના કોઈ સાથી, ન કોઈ સંગાથી. ના કોઈ રમનાર, ન કોઈ રમાડનાર. ન કોઈ વાત કરનાર, ન કોઈ સાથે ફરવા આવનાર. અને... ન કોઈ માતા, ન કોઈ પિતા.

હશે ત્યારે બધાં જ હશે. હોય જ ને !

હતાં ત્યારે બધાં હતાં જ, હતા જ.

પણ ગયા.

ચાલ્યા ગયા.

અદ્રશ્ય થઈ ગયા.

મરી ગયા જ કહો ને !

કે મારી નાખ્યા ?

એ બધું એક જ.

મારનાર કોઈ એક હોય તો બચી શકાય. મારનારા ચારે બાજુ ફેલાયેલા હોય તો કેમ બચી શકાય ?

મારનારા અંદર અંદર હોય ! બહારના ય હોય !

અંદર અંદર લડી મરનારાની ય આવી જ દશા થાય. બધાં મરી જાય. છેલ્લે એકાદું કોઈક રહી જાય, આ રાજકુમારી જેવું.

બહારનાઓથી આખું જંગલ ભરેલું હોય જ.

જંગલ એટલે હિંસાચારી પશુઓનું દંગલ, કોઈ તેને વાઘ કહે, સિંહ કહે, ચિત્તો કહે, દીપડો કહે, રીંછ કહે, અરે એવા તો કંઈક. ગણ્યા ગણાય નહિ, વીણ્યા વીણાય નહિ. તો ય મારા જંગલમાં માય !

જળચરો ય કંઈ ઓછા આંતકી નહિ જ. મગર એકલાં જ બસ થાય. સ્થળચરમાં અજગરોને કોણ ગણવા બેઠું છે. આખે આખા જ ગળી જાય ! દુનિયામાંથી અસ્તિત્વ જ મીટાવી દે. વળી આકાશના કાગડાં, સમડી, બાજનો ય કંઈ ઓછો ત્રાસ હોય છે ? ગીધડાં જાતે શિકાર ન કરે. જીવતાં ને ન ખાય. પણ મરેલાઓની રાહ જુએ. કોઈ મર્યું કે ટોળે વળ્યાં જ સમજો.

આ તો થઈ જીવ જીવાતો ઝનૂનીઓ જેવા રાક્ષસોની વાત. તેમાં વળી હવા પાણી પવન જો વીફરી બેસે ! કોરોના તો એક છે ! એવા કંઈ જીવલેણ વાયુઓ, વાયરસો, વિષાણુઓ વખતોવખત પૃથ્વી પર આવે છે. પર્યાવરણને રણ બનાવી દે છે. કોઈ બચે નહિ એને કાળો પીળો તાવ કહો, કોલેરા કહો, કે કોરોના કહો. નામ જુદા, કામ એક જ. પૃથ્વીને નજીવી બનાવી દો. કોઈ આ ધરતી પર જીવતું રહેવું જોઈએ નહિ.

કુદરતે જીવવા માટે જીવ બનાવ્યા. વિવિધ જીવ બનાવ્યા. જાતજાતના જીવ બનાવ્યા. ઊચા નીચા વાંકા ચૂંકા સંતાયેલા છૂપાયેલા ! પણ એ જીવને મારનાર પણ બનાવ્યા. જીવથી જ જીવ જીવી શકે. મારો અને જીવો. જંગલનો એ જ નિયમ, એ જ પ્રકાર, એ જ વિકાર, એ જ આકાર, એ જ ગુણાકાર અને એ જ ભગાકાર, હા, ભાગાકાર વધારે.

પુરાણોએ તો દશ-યુગ, દશ-ચરિત્રો, દશ ઝંઝાવાતો, દશ લડાઈઓની દશ-દશ વાતો લખી છે. જીવો અને મારો. જીવવા માટે મારો. જે મારે તે જીવે. મરનારા ખત્મ થઈ જાય !

તેમાંથી જ આ રહી ગઈ આપણી એક એકાકી રાજકુમારી. ચકળવકળ આંખો બહાર કાઢીને શોધે છે સાથીને. કોઈ સાથી જો નહિ મળે, નહિ જ મળે, કદી નહિ જ મળે તો આ રૂપરૂપના અવતારસમી રાજકુમારીનું શું થશે ?

તેમને થશે કે એ આવી ક્યાથી ?

જ્યારે બધાં જ મરી ગયા, ત્યારે એ કેવી રીતે જીવી ગઈ ? કોણે બચાવી એને ? કોણે જીવાડી એને ? જનમ તો માતા જ આપે. જનમ આપે તે માતા. પાળી પોષીને બચ્ચાને મોટા કરે ય માતા ! પણ માતા જ મરી જાય તો ? દૂધાળી માંસલ માતાને જ મારનાર મારી નાખે તો ?

તો બિચ્ચારી રાજકુમારી એકલી જ રહી જાય ને ? પોષણ કરનાર જાય પછી તો બધાં શોષણ કરનાર જ રહે ને !

માતાએ - જીવવાની યુક્તિઓ શીખવાડી હોય તો રાજકુમારીબા સંતાઈ છૂપાઈ લપાઈને જીવી જાય ! મોટી ય થાય ! પછી શું ?

આ રાજકુમારી જેમ જ બચીને મોટી થઈ છે. ઉંમરમાં આવી છે. સાથીને ઝંખે છે, સાથીને શોધે છે, સાથી માટે વલખે છે, સાથી માટે ટળવળે વળવળે છે.

પણ સાથી હોય તો મળે ને ?

સાથી હશે ખરો ?

રાજકુમારીની જમે કોઈ રાજકુમાર ક્યાંક બચી ગયો હશે ખરો ? બન્નેના મિલન થઈ શકશે ? બંને એક બીજાને શોધી શકશે ?

આ રાજકુમારી કદાચ આ જાતિની છેલ્લી રાજકુમારી છે. એની માતાને મારી નાખવામાં આવી છે.

કહે છે કે વાનરોની એકસોથી વધારે જાતિ છે. કાળાં મ્હોનાં, પીળા મ્હોંના, ધવલમુખા, ધોળા-કાંળાં, લાંબા-ટુંકા, નાના-મોટા, જાંડાં-પાતળાં, વૃક્ષની ઊંચે રહેનારા, મધ્યમાં રહેનારા, નીચે રહેનારા, શહેરી વાનરો, ગામડી વાનરો, વનવાસી વાનરો ! ભૈ પાર નહિ. અમુક વાનર તો પાછા એકદમ માનવ જેવા. એટલે કે વાનરને માણસનો વડવો કહેવામાં આવે છે. કહે છે, કહે જ છે, કે માણસ વાનરમાંથી ઊતરી આવ્યો છે. ઠેઠ રામાયણ કાળથી વાનરોની જાહોજલાલી છે. અરે હનુમાન, વાલી, સુગ્રીવ જેવા વાનર-માનવ કે માનવ-વાનરની કલ્પના પણ થયેલી જ છે. 

તેમાં આ રાજકુમારીની જાતિ 'ગ્રે વુલ્લી મન્કી' પ્રકારની છે. તે માત્ર બ્રાઝિલમાં જ દેખાઈ હતી. તેના શરીરને લાલ સોનેરી લીલા ઘટ્ટ ઊનની માયા. માથું કાળું, આંખો બહાર નીકળેને દૂર સુધી જોઈ શકે તેવી. અરે અંધારામાં ય માર્ગ કરે તેવી. પણ મોટે ભાગે તે અંધારામાં ઝાડ પર જ રહે. તેનુ પૂછડું જાડું અને ઊનથી ભર્યું ભર્યું ગુચ્છાદાર.

એને પશુ વૈજ્ઞાાનિકોએ LEGOTHRIX CANE (EN)

ભછશઈ (ઈશ) વિભાગમાં સામેલ કરી હતી.

આપણે તેને વુલ્લી વીલ્લી કહીશું ? કંઈ હજ્જારો વર્ષોથી આ પ્રકારના વાનરો બ્રાઝિલમાં વસતા હતા.

માનવી જ્યારે અણઘણ અનાડી અને જંગલી હતો ત્યારથી જ આ વાનરોનો દોસ્ત. પણ માનવી કદી કોઈનો દોસ્ત થયો છે ? તેણે જોયું કે આ વુલ્લી વલ્લિીનું તો એકે એક અંગ કામમાં આવે તેવું છે. એનું ઊન, એના નખ, એના દાંત, એની આંખો, ગાજરની પીપૂડી માણસે વગાડેલી ખરી. વાગે તો સિસોટી નહિ તો બિસ્કિટ એટલે માણસે વુલ્લી વીલ્લીઓને છેતર્યા, પાલ્યા, વસાવ્યા અને પછી માર્યા. એટલે સુધી માર્યા કે છેવટે આ રાજકુમારીની માતા ય ન રહી. માત્ર રહી ગઈ આ રાજકુમારી.

ચારે બાજુ જોયું તો કોઈ આ પ્રજાતિના વાનર રહ્યા ન હતાં. એટલે જતનપૂર્વક આ રાજકુમારીને બચાવી, ઉછેરી, માવજત કરી, સાચવી, મોટી કરવાનું નક્કી કર્યું. પ્રાણી બાગવાળાએ, પશુ ચિકિત્સકોએ, પર્યાવરણ સંશોધકોએ નક્કી કર્યું. કે રાજકુમારી માટે રાજકુમાર શોધવો જ અને આ વંશનો વિકાસ કરવો.

આવી સુંદર ઉપયોગી લેજોથ્રીક્સનો કંઈ અંત ન લવાય. અંત જોઈ જ શકાય નહિ. 

પ્રશ્ન તો બ્રાઝિલનો હતો પણ કોરોનાની જેમ આખા વિશ્વનો બની ગયો. કોરોનાએ વિનાશનું બીડું ઝડપ્યું હતું, રાજકુમારી વુલ્લી વીલ્લીએ વિકાસનું બીડું ઝડપ્યું.

આ છબી સાથે દુનિયાભરમાં જાહેરાતો કરવામાં આવી, તમામ પ્રાણીબાગો, જંગલો, મ્યુઝિયમો, સરકસો, સરકારોને વિનંતી કરવામાં આવી કે : આ રાજકુમારીનો સ્વયંવર યોજવો છે એની જાતિનો કોઈ રાજકુમાર હોયતો તરત જ સંપર્ક કરવાનો આગ્રહ છે.

આ બાજુ રાજકુમારી મોટી ને મોટી થવા લાગી. ઊંમરમાં આવી અને ઊંમર વટાવી જવા લાગી. પણ કોઈ ખુણેથી કોઈ જ શુભ મંગળ સમાચાર આવ્યા નથી.

રાજકુમારી જાતે ય વિકસી વિકસીને જાણે કે મુંરઝાવા લાગી છે. તેના ઝૂરાપાનો પાર નથી. અષાઢસ્ય પ્રથમ દિવસેનો મેઘદૂતી કવિ કાળીદાસ પણ વુલ્લી વીલ્લીના વિરહને વર્ણવી શકે તેમ નથી.

અમે જોઈએ તો આત્મનિર્ભરના આ જમાનામાં તે હવે એકદમ આત્મનિર્ભર છે. કોઈ રાજકુમારને માથે પડવાની નથી. એ બધાં ગુણોની ગુણો ભરેલાં આકર્ષણો સાથે જાહેરાત પહોંચે છે., ઠેરઠેર પહોંચે છે, પણ હજુ સુધી આ રૂપસુંદરી સુધી કોઈ રાજવીર દોડી આવતો નથી.

અગાઉ ઘણી વાર આવી દશા ઘણી જાતિ પ્રજાતિની થતી, બીજે જીવતા હોય તો પ્રાપ્ત ન હોય, પ્રાપ્તનિર્ભર ન હોય ! પર્યાવરણના રક્ષકોએ તેવા માટે અવનવા પ્રયોગોય કરી જોયા છે.

વાઘણ એકલી રહી જાય. વાઘ ન જ મળે, તો તે વાઘણની સિંહ સાથે દોસ્તી કરાવી છે. તે યુગલનાં બચ્ચાંય થયા છે, જેને લાયગર નામ અપાયું છે. પણ આગળ જતા જાણવા મળ્યું છે, અનુભવાયું છે કે લાયગર જેવી એ જાતિ કોઈ કામની હોતી નથી. કદી લાયગર જાતિ વિકસી જ નથી. કુદરતનું સંયોજન જ એવું છે કે વાઘ અને વાઘણ જ વાઘ જાતિનો વિકાસ સાધી શકે. સિંહ અને સિંહણ જ સિંહબાળના માતાપિતા બની શકે.

કદીક વાઘને સિંહણની મૈત્રી થાય ખરી, પણ તેના બચ્ચાં ન તો વાઘ બની રહે કે ન તો સિંહનું રૂપ ધારણ કરી શકે. એ ટાઈગ્રેસીલિયન, ટાઈગ્રીલિયન બચ્ચાં આગળ ન વધી શકે. પોતાનું જીવન એમ જ પૂરૂં કરે.

એટલે આપણી રાજકુમારી વીલ્લી  વુલ્લી માટે એવું તો વિચારી જ શકાય નહિ.

આપણી માનવકથાઓમાં મજનુને મેળવવા ઝૂરી ઝૂરીને લયલાએ પ્રાણ આપ્યાની કથા છે, ફરહાદ ખાતર તરફડી તરફડીને શીરીંએ જીવન સમાપ્ત કર્યું હશે ! વીજાણંદના વિરહમાં શીરીંએ સોરાઈ સોરાઈને પ્રાણ ત્યજ્યા હશે ! અને રોમિયો રોમિયો કરતી જુલિયટ મરી હશે !

પણ આપણી આ રાજકુમારી માટે કોઈ મજનુ, ફરહાદ, વીજાણંદ કે રોમિયો છે જ નહિ. હોય તો તેની ખબર કોઈને નથી. રાજકુમારી વીલ્લી વુલ્લીને તો નથી જ નથી. તો શું બિચારી વુલ્લી-વીલ્લીના સ્વયંવરમાં કદી કોઈ મજનુ, ફરહાદ, વીજાણંદ કે રોમિયો ક્યાંકથી નહિ આવે ?

તેને આવડે તેવી ભાષામાં એ રાજકુમારી ગાતી હશે, પોતાના ચાલી ગયેલાં સાથીઓને કે તેમાંથી કોઈકને ઉદ્દેશીને ગાતી હશે :

ઓ દૂર કે મુસાફિર

હમ કો ભી સાથ લે લે રે

હમ રહે ગયે અકેલે

હમ રહે ગયે અકેલે

આપણે શુભ સમાચારની આશા રાખીએ. આપણે મંગળ મિલનની પ્રાર્થના કરીએ. આપણે સ્વયં દોડીને આવનાર વરની વિનંતી, વરદાયિની માતાને કરીએ આપણે લેગોથ્રીક્સની લોનલીનેસ દૂર કરનાર કોઈ એવા જ ગ્રે-વુલ્લીની વિહવળતાનો વલોપાત કરીએ.

અને પર્યાવરણના દેવ કે દેવીને દંડવત સાથે દીન સ્વરે વીનવીએ :

હે નિયતી !

કોઈ વુલ્લી-વીલ્લીને સાથી વગરની ન રાખીશ.

હે વિધાત્રી !

કોઈ ઈચ્છુક ઉત્સુક રાજકુમારીના સ્વયંવરને સૂનો સૂનો ન જ રાખીશ.

હે સર્જનહારિણિ !

કોઈ જોડને જોડાં વિહિન કે જોડી વિહિન કદી ન જ રાખીશ. એવા એકાકી સર્જનથી તારી જ સૃષ્ટિનો અંત આવી જશે.

હે વિકાસ-વિહારિણિ !

તારે વિકાસ સાધવો છે કે પછી ? કે પછી ? કે પછી.... ?

હિંસાખોરો, માંસાહારીઓ, પશુપંખી આરોગનારાઓ, અકરાંતિયા આતંકવાદીઓ, જોઈ લો આ રાજકુમારી વુલ્લી વીલ્લીની દશા ? તમને પ્રાયશ્ચિત કરવાનું મન થાય ખરું ?

તો છોડો તમારી હિંસક નીતિ, અને કરો પ્રાર્થના :

હે શકુન્તલે, જા તને તારો દુષ્યન્ત અવશ્ય મળી જ રહેશે.

હે સંયુક્તા, પૃથ્વીરાજ જાતે જ પૃથ્વીઓના પહાડનો ઓળંગતો તારી પાસે આવી રહેશે.

હે મેઘાવી ઢેલકુમારી, તાોર મોરલો જરૂર જરૂર તારી આજુ બાજુ કળા કરીને ટહુકા કરશે :  ટેંહૂક... ટેહૂક... ટે...હૂં-ઊં-ક!! 



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fhwPn8
Previous
Next Post »