મિકુની મોબાઈલ શોપ .

- ''જેવું તમે અમારી સાથે કર્યું એવું અમે તમારી સાથે કર્યું. તારા શેફર્ડકાકાએ કારસ્તાન કર્યું એટલે તમને પાઠ ભણાવવા બીજા એક્સપર્ટ પાસે અમે આ સીસ્ટમ ફીટ કરાવી. આ કિરણોની ગરમીથી બચવું હોય તો તારા અંકલને કહે બધા વાયરસ દૂર કરે.''


મિ કુ સસલાએ જંગલમાં મોબાઈલની દુકાન શરૂ કરી. મિકુનો મળતાવડો સ્વભાવ, સાચી નીતિથી થતો ધંધો, રિઝલ્ટ એ મળ્યું કે, મિકુનો ધંધો જામી ગયો. જંગલના રાજા સિંહથી લઈને લુચ્ચા શિયાળ સુધીના ગ્રાહકો મિકુની શોપ પર આવતા. મિકુ બધાની સાથે સાલસતાથી વર્તતો.

સમય પસાર થયો. મિકુનો ધંધો જામવા લાગ્યો. મોબાઈલ વેચવાની સાથે સાથે ડાઉનલોડ, રિચાર્જ, સ્પેરપાર્ટસ વગેરે પરિમાણો બીઝનેસમાં ઉમેર્યા. બધા પ્રાણીઓ મોટાભાગે મિકુ પાસે આવવા લાગ્યા. બાજુના જંગલમાંથી પણ અન્ય પ્રાણીઓ આવવા લાગ્યા. બાજુના જંગલમાં શકરા શિયાળની મોબાઈલ શોપ હતી. શકરો ભારે લુચ્ચો, ભારે કપટી, રિચાર્જ ન થયું હોય તોયે સાચા-ખોટા કારણો આગળ બતાવી પૈસા પડાવી લેતો. ડાઉનલોડ કરવા માટે તે બમણા રૂપિયા વસુલતો. હવે આ બાજુ, મિકુએ શોપ ખોલી એટલે શકરા શિયાળનો ધંધો ઓછો થવા લાગ્યો. શકરો ઈર્ષ્યાની આગમાં બળવા લાગ્યો. ''શું કરું તો આ મિકુડાનો બીઝનેસ ચોપટ થઈ જાય!''

શકરો માથુ ખંજવાળતો શોપ પર બેઠો છે. ગ્રાહકની રાહ જોઈ રહ્યો છે. મિકુ સસલા પર ગુસ્સા આવી રહ્યો છે. ત્યાં એને સમાચાર મળ્યા કે તેનો માસીયાઈભાઈ આફ્રિકાના જંગલમાંથી અહીં આંટો મારવા વેકેશનમાં આવી રહ્યો છે. તેની સાથે શેફર્ડ શિયાળ પણ આવશે અને તે કમ્પ્યુટરનો જાણકાર છે અને એવા વાયરસ દ્વારા મોબાઈલ અને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડી શકે છે. શકરાના મનમાં મનસુબો ઘડાઈ ચુક્યો. 'શેફર્ડ શિયાળની મદદથી મિકુડાના મોબાઈલ, કમ્પ્યુટરને નુકસાન પહોંચાડયે જ છુટકો.'

સમયના વહેણમાં દિવસો ડૂબતા ગયા. શકરો જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યો હતો તે માસીનો દિકરો શેફર્ડ અંકલ સાથે આવી પહોંચ્યો. શકરાએ હરખભેર આવકાર્યા. હાય, હેલ્લો કર્યા શકરાભાઈએ પૂછ્યું, ''ધંધા પાણી કેવા છે?'' જવાબમાં શકરાએ પોતાનો પ્રોબ્લેમ કહ્યો. શકરાનો ભાઈ તેના જેવો જ હોય ને? ચપટી વગાડતા બોલ્યો, ''એમાં શું તારો પ્રોબ્લેમ તો આ શેફર્ડ અંકલ ઝડપથી સોલ્વ કરી દેશે.'' શેફર્ડ અંકલ શિયાળે ગર્વથી માથું હલાવ્યું.

શેફર્ડ અંકલે પોતાની બુધ્ધિ કામે લગાડી. એવો વાયરસ ઉત્પન્ન કર્યો કે મિકુ સસલાના કમ્પ્યુટરના મેમરી યુનિટને ખાસ્સું નુકસાન પહોંચાડયું. મોબાઈલમાં પણ આ પ્રકારનું નુકસાન કર્યું. મોબાઈલ ડબલા થવા લાગ્યા. ગ્રાહકો ફરિયાદ કરવા લાગ્યા. ઓપરેટીંગ સીસ્સટમ જાણે સાવ ખોરવાઈ ગઈ. મિકુ મુંઝાયો. તેના જાણકાર મિત્રોની સલાહ લીધી. મિત્રો દ્વારા ખાનગી રાહે તપાસ કરી તો આખી હકીકત જાણવા મળી. બધાએ સાથે મળીને નક્કી કર્યું કે, ''આ શકરાને અને શેફર્ડને પાઠ ભણાવવો.'' પણ કઈ રીતે? મિકુ અને મિત્રોએ પ્લાન ઘડી કાઢ્યો.

મિકુ બાજુના જંગલમાં શકરા શિયાળની શોપ પર આવે છે. તેનો ભાઈ અને શેફર્ડ શિયાળ ત્યાં જ બેઠા હતા. શકરો તો મિકુને જોતાં જ સમજી ગયો કે, 'શા માટે આવ્યો છે!' પણ મિકુ સસલો તો જાણે કશું બન્યું જ ન હોય તે રીતે બોલ્યો. 'ભાઈ શકરા, તું તો જાણે છે કે, મારે પણ તારી જેમ મોબાઈલ-કમ્પ્યુટરમાં કામકાજ રહે છે. પરંતુ હમણાં વાયરસના પરિણામે બધા જ ઈન્સ્ટ્રુમેન્ટને નુકસાન થયું છે. જાણવા મળ્યું કે, તારે આફ્રિકાથી જે મહેમાન આવ્યા છે તે કમ્પ્યુટર એક્સપર્ટ છે. મારે તેમની મદદ જોઈએ છે.' 'અરે એમાં શું' શકરો ઊભો થતા બોલ્યો, 'તને મદદ કરવી મારી ફરજ છે.' એમ કહી શેફર્ડ શિયાળ સામે ઈશારો કર્યો. શેફર્ડે મસ્તક હલાવ્યું. શકરો કહે, 'મિકુ, તું જા, અમે સાંજે આવીશું.'

મિકુ ગયો. શકરાએ શેફર્ડ અંકલને કહ્યું, 'આપણે જઈશું જરૂર, પરંતુ એના કમ્પ્યુટરને અને મોબાઈલને વધુ નુકસાન પહોંચાડી મિકુડાનો ધંધો જ બંધ કરી દેવો છે. પછી એયને આપણે લીલાલહેર.'

સાંજ પડી. શકરો-શેફર્ડ બને મિકુની શોપ પર પહોંચ્યા. મિકુ તેના મિત્રો સાથે રાહ જોતો બેઠો હતો. 'આવો, વેલકમ મિ. શેફર્ડ.' કહી હાથ મિલાવ્યા. મિકુએ કમ્પ્યુટર બતાવ્યું. શકરો અને શેફર્ડ કમ્પ્યુટર જોઈને આશ્ચર્યમાં પડી ગયા. 'આ કેવું કમ્પ્યુટર ? આનો આકાર સાવ અલગ જ છે! અને આ કમ્પ્યુટરની બંને સાઈડમાં શું છે?' મિકુ કહે, 'આ અમેરિકાથી મારા અંકલે મોકલ્યું છે અને સાઈડમાં જે છે ને ગોલ્ડન આઈ છે. જેના દ્વારા વર્લ્ડના કોઈપણ ખૂણે લાઈવ સંપર્ક થઈ જાય.'

શેફર્ડ કમ્પ્યુટરની સામે સીટ પર બેઠો. ઓન કર્યું. માઉસ હાથમાં લઈને ર્ંણ કરવા ગયો ત્યાં કહેવાતી બંને ગોલ્ડન આઈમાંથી કિરણો છુટયા. શકરા અને શેફર્ડના શરીર પર લાગ્યા. બંનેને ખૂબ ગરમી લાગી. એ હીટવેવ હતું. બને 'બચાવો, બચાવો' કરવા લાગ્યા. સાથે ગુસ્સામાં શકરો બોલ્યો, ''આ શું છે મિકુડા. અમારી આવી હાલત કરી?'' મિકુ બોલ્યો, ''જેવું તમે અમારી સાથે કર્યું એવું અમે તમારી સાથે કર્યું. તારા શેફર્ડકાકાએ કારસ્તાન કર્યું એટલે તમને પાઠ ભણાવવા બીજા એક્સપર્ટ પાસે અમે આ સીસ્ટમ ફીટ કરાવી. આ કિરણોની ગરમીથી બચવું હોય તો તારા અંકલને કહે બધા વાયરસ દૂર કરે.''

શેફર્ડ અંકલે વાયરસ દૂર કર્યા. શકરાએ તે દિવસથી મિકુ સામે આવવાનું જ બંધ કર્યું. મિકુની શોપ ફરી ચાલવા લાગી.

- હરીશ મણિયાર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2BUEr0m
Previous
Next Post »