આ મઆદમી કરતાં કલાકારો વધુ સંવેદનશીલ હોય છે, એ તો બધા જાણે જ છે કેમ કે તેમની સંવેદના, ઋજુતા તેમના અભિનયમાં ટપકતી હોય છે, સ્વાભાવિક રીતે જ આજના રોકેટ- ઝડપી યુગમાં ફિલ્મ-ટીવી -નાટકના કલાકારોએ સુધ્ધા સમયની સાથે ડગ જમાવવા દોડવું પડે છે. ઘણીવાર તો આ દોડ એટલી લાંબી હોય છે કે તેઓ મનની વાત, સમસ્યા કે મુશ્કેલીઓ અંગે મિત્રો સાથે કે સાથી સાથે તો ઠીક પોતાના મન સાથે પણ શેર નથી કરી શકતાં અને સતત દોડતા રહે છે, સફળતા પાછળ! તાજેતરમાં કુશાલ પંજાબી અને સેજલ શર્માએ આત્મહત્યા કરી લીધી એ જાણી ટીવી વર્લ્ડમાં સોંપી પડી ગયો. ગ્લેમરવર્લ્ડની બે હસ્તી આમ ઓચિંતી આત્મહત્યા જેવું અણધાર્યું પગલું ભરે એ ખરેખર દરેક માટે આંચકાજનક છે. એનું કારણ શું ટીવી વર્લ્ડના કલાકારો વધુ સહેલાઈથી માનસિક અને શારીરિક રીતે ભાંગી પડે છે? તેઓ માનસિક- શારીરિક રીતે નિર્બળ હોય છે- સમસ્યાનો સહેલાઈ શિકાર બને છે? તેઓ સતત સ્ટ્રેસ અને ડિપ્રેશનમાં રહે છે.
આટલું જ નહીં, ટીવી ઈન્ડસ્ટ્રીમાં અન્ય પરિબળો પણ છે જે કલાકારોને પરેશાન કરે છે જેમાં સારા રોલ્સ મેળવવાનો અવિરત સંઘર્ષ, ટકી રહેવા માટે સતત કામ મળતું રહે તેની જરૂર, દરરોજ ૧૪ કલાકથી વધુ સમયનું કામ, સારા રેટિંગ માટે પાત્રમાં કરવામાં આવતા ફેરફાર વગેરે બાબતનો ભાર સતત તેમના માથે ટોળાતો રહે છે. ટીવી ઈન્ડસ્ટ્રીના એક અગ્રણીએ કહ્યું, 'ડિપ્રેશન અને સ્ટ્રેસ તો લાઈફસ્ટાઈલનો એક હિસ્સો છે અને એ બધા જ જોબમાં જોવામળે છે. આથી તમે ગ્લેમર વર્લ્ડમાં આવો છો ત્યારે આ વધુ પ્રેશર આપતું કામ છે, જેમાં એક્ટિંગ પણ સમાવિષ્ક છે. આ માટે મજબૂત અંગત ટેકા-સહારાની જરૂર રહે છે. આ સાથે માનસિક આરોગ્ય અંગેની વધુ જાગરુકતાની પણજરૂર રહે છે.' આજે અહીં ટીવી વર્લ્ડના કલાકારો કેવી મુશ્કેલીઓ સહન કરે છે, તેની વાતો કરે છે, જે વાંચી તમારા મનમાં પણ તેમના માટે વધુ સંવેદના અને પ્રેમ જાગશે એ નક્કી છે.

ઈકબાલ ખાન
કંઈક બનવા માટે ઘણા યુવાન-યુવતીઓ નાના શહેરોમાંથી અહીં આવે છે અને મોટાભાગના અહીં એકલા રહે છે. આ પ્રોફેશનમાં સ્ટ્રેસ તો હોય જ છે અને બધા જ કંઈ મન અને હૃદયથી મજબૂત નથી હોતા. હું માનું છું કે દરેકને સારા પરિવારજનો અને મિત્રોની જરૂર હોય છે. હું નસીબદાર છું કે મને બધાનો સાથસહકાર મળે છે. તમારો સમય ખરાબ આવે ત્યારે પરિવાર પાસે આવો અને તેની હૂંફ લઈને ફરી મેદાને પડો. હું દ્રઢપણે માનું છું કે જીવન અને વિચારમાં આવતી તમામ નકારાત્મકતાને ફગાવી દો. આ સાથે જ તમારા જીવનમાં અત્યંત મહત્ત્વનો ભાગ ભજવનારા સાથે ટચમાં રહો અને પ્રાર્થના કરો એ જરૂર તમારા માટે કામ કરી જશે.

મેં પણ પ્રતિકૂળ સમયનો સામનો કર્યો છે : દિવ્યાંકા ત્રિપાઠી
આ ઈન્ડસ્ટ્રીમાં કામની સ્થિતિ ઘણી જ થકવી નાખનારી, મહેનતકશ અને ડિમાન્ડીંગ છે. કલાકારોએ તેમના નાણાંકીય આયોજન માટે પ્લાન બનાવી રાખવો આવશ્યક છે અને એ પણ પહેલો ચેક મળતાંની સાથે જ! શો ચાલતા હોય ત્યારે અને એ પછી આ બંને પરિસ્થિતિ વચ્ચે સંતુલન જાળવવું જરૂરી છે. મેં પણ પ્રતિકૂળ સમય વિતાવ્યો છે, જ્યારે મારે પાસે કશું કામ નહોતું. મારા પરિવારજનોએ મને ડિપ્રેશનમાં જતાં બચાવી છે અને મેં પણ એ માટે સખત મહેનત અને પુરૂષાર્થ કર્યો છે. જો કલાકારોને તેમના કામની રોયલ્ટી મળે તો પરિસ્થિતિ બદલાય. હું કાયમ અવાજ ઉઠાવું છું કે એક્ટરોનું સંગઠન હોવું જોઈએ અને તેણે એક્ટર માટે રોયલ્ટીની માગણી કરવી જોઈએ. પશ્ચિમના કલાકારોને રોયલ્ટી મળે જ છે. નિર્માતાઓ અને પ્લેટફોર્મ્સને તેમના શો ફરીવાર દાખવવામાં આવે ત્યારે તેમને તેના નાણાં મળતાં જ હોય છે તો પછી કલાકારોને રોયલ્ટી કેમ નહીં?

આપણે ડિપ્રેશનને ખરા અર્થમાં ઓળખી શક્યા નથી: સૌમ્યા ટંડન
કોઈ એક વ્યક્તિ ટીવી ઈન્ડસ્ટ્રીને ચલાવી નહીં શકે અને એમ કહી પણ નહીં શકે. આ ઈન્ડસ્ટ્રી આત્મહત્યા માટે શિકાર બની શકે છે. મુંબઈમાં રહેવું ઘણું મુશ્કેલ અને મોેંઘુ છે . આ કારણે લોકો સહેલાઈથી ડિપ્રેશનનો શિકાર બની જાય છે. અને એ જ જીવનની વાસ્તવિકતા અને નબળાઈ છે, અન્યોની જેમ ! આથી આ અંગે વધુ ને વધુ જાગરુકતાની જરૂર છે. એક સમાજ તરીકે આપણે હજુ ડિપ્રેશનને પૂરેપૂરું ઓળખી નથી શક્યા. આ ખરેખર આરોગ્ય માટે ચિંતાકારક છે. કલાકારો અને ખેલાડીઓ માટે જીવન ઘણું મુશ્કેલ છે કેમ કે તેમની પાસે કંઈક કરી દાખવવાનો સમય ઘણો ઓછો હોય છે. આટલું જ નહીં તેમના જીવનમાં ઘણા ચડાણ-ઉતાર આવે છે અને તેમનું કામ પ્રોજેક્ટ-આધારિત હોય છે. એક વખત એ ફેંકાઈ જાય પછી તેણે સમતુલાથી ઊભા રહેવું પણ મુશ્કેલ બને છે.
આ સિવાય, આજના સમયમાં જીવન જીવવું ખૂબ મુશ્કેલ છે. ઘણી બધી એકલતા અને એકાંકીપણુ છે. કલાકારનું જીવન તો એ કેટલું ઝળકે છે તેના પર આધારિત છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં જબરદસ્ત પ્રેશર છે : વિવિયાન ડી'સેના
એમાં કોઈ શંકા નથી કે ટીવી ઈન્ડસ્ટ્રી ઘણી જ ડિમાન્ડીંગ છે. ટીવીમાં ડેઈલી શોપ્સ હોય છે, જેમાં ટેક્નિશિયનો, પ્રોડક્શન સાથે સંકળાયેલા, કલાકારો તથા દરેકે નિયમિત કામ કરવું પડે છે, પણ વર્કલોડ જબરદસ્ત હોય છે. હું અનુભવું છું કે અઠવાડિયાનો એક દિવસ મળે છે એ દરેક માટે મસ્ત હોય છે. અને માનવ તરીકે અમારે અમારી જાતને પણ તાજગીપૂર્ણ રાખવાની હોય છે અને સંતુલન જાળવવાનું હોય છે. સફળતા અને પ્રસિદ્ધ સમજવી અને પકડવી મુશ્કેલ છે. સોશિયલ મીડિયા પરની બનાવટી લાઈફસ્ટાઈલ પાછળ પડવું નકામુ છે. ટીવી કલાકારે બિનસલામતીનો શિકાર નહીં બનવું જોઈએ. તેણે જોવું જોઈએ કે એક્ટિંગ પછી પણ એક જિંદગી હોય છે.

ટીવી ઈન્ડસ્ટ્રીમાં અસલામતી અનિયંત્રિત છે : મોહસીન ખાન
આ મનોરંજનના વિશ્વમાં પણ અન્ય કોર્પોરેટ વર્લ્ડ જેવી જ ડિમાન્ડીંગ છે. કામ માટે સતત સંઘર્ષ, ડેડલાઈન્સની સાથોસાથ સર્જનાત્મક અને કશુંક નવું આપવા માટે તૈયાર રહેવાનું હોય છે. કામના પ્રેશરને કારણે ઘણી બાબતો ઓવરલુક્ડ થઈ જાય છે. અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સમતુલા જાળવવી અત્યંત આવશ્યક છે. આ માટેના પ્રયાસો પણ જરૂરી છે. આ ઈન્ડસ્ટ્રીમાં અસલામતી તો અનિયંત્રિત છે, પણ કોઈકે તો તેને સ્વીકારવી પડશે અને તેને મેનેજ કરવી પડશે. તમારા વિચારોને તમારા પરિવાર અને નિકટના મિત્રો સાથે શેર કરો, જે તમને સમજશે અને માર્ગદર્શન આપશે.

પરિવાર અને મિત્રોનો સાથ જરૂરી : ..... તો જ નિરાશા, હતાશા દૂર થાય: રાજન શાહી (નિર્માતા)
કુશાલ અને સેજલ સાથે જે બન્યુ એ ખરેખર કમનસીબી છે - આપણા માટે અને સમાજ માટે. આ માટે આપણે શું કરી શકીએ? વિશાળ પરિપ્રેક્ષ્યમાં વિચારીએ તો આપણએ આપણા તરફ જોવું જોઈએ. મનન કરવું જોઈએ. દરેકના માથે પ્રેશર હોય છે, પણ એ માટે ટીવી ઈન્ડસ્ટ્રી પર આક્ષેપ ન કરવો જોઈએ. આપણે એક માણસ તરીકે જે કરી રહ્યા છે તેની અને ટેક્નોલોજી ખરાબ અસર આપણા પર પડે છે. આજે લગભગ તમામ લોકો પોતાની જાતને જજ કરે છે અને દરેક જણ આનંદી અને પરફેક્ટ જીવન જીવવા ઈચ્છે છે અને દરેક જણ પર પ્રચંડ પ્રેશર આવે છે. આથી દરેક બાબતની યોગ્ય મૂલવણી જરૂરી છે. ટીવી ઈન્ડસ્ટ્રી પડકારરૂપ સ્થળ છે અને બધા જ તત્કાલ સફળતા ઈચ્છે છે.
આ સાથે જકોઈકવાર તમને એક દિવસમાં પાંચ ઓફર મળે અને કોઈક દિવસ એક ઓફર મેળવવા પાંચ સ્થળે રખડવું પડે. આ જ તો વાસ્તવિકતા છે આ ઈન્ડસ્ટ્રીની. આ બધી વાતોની જાણ બધાએ તેમના નિકટના મિત્રો અને પરિવારજનોને કરવી જોઈએ. આમ થાય તો જ નિરાશા, હતાશા અને ડિપ્રેશન દૂર થાય.

પડકારો તો દરેક ક્ષેત્રમાં છે: રવિ દુબે
જીવનમાં પડકારો તો માત્ર ટીવી અને ફિલ્મોદ્યોગમાં જ નથી. દરેક ક્ષેત્રમાં ચડાવ-ઉતાર છે અને છતાં બધા જ ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે. આવા સંજોગોમાં તમારે તમારા વિચારોેને ખુલ્લા મૂકી દેવા જોઈએ અને નિકટના મિત્રો કે અત્યંત વિશ્વાસુ વ્યક્તિ પાસે મન મૂકીને વાત કરવી જોેઈએ. બની શકે એ તમને યોગ્ય માર્ગદર્શન આપે.

કુટુંબીજનો અને મિત્રોનો સાથસહકાર જરૂરી : અર્જુન બિજલાની
ટીવી ઈન્ડસ્ટ્રીને તેમાનુ પોતાનું પ્રેશર હોય છે. કેમ કે દરેક શો અઠવાડિયામાં પાંચથી છ દિવસ પ્રસારિત થતાં હોય ે. કામના કલાકારો મન વિચલિત કરી દે એવા હોય છે. કોઈ પાસે અંગત જિંદગી જીવવાનો સમય હોતો નથી. દરેક વ્યક્તિ અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવી શકતી નથી. આને કારણે શૂન્યવકાશ સર્જાય છે અને જીવનમાં ખાલીપો અનુભવાય છે. આપણને થાય કે કશુંક ગુમાવ્યું છે. આ ઈન્ડસ્ટ્રીમાં મોટાભાગના મુંબઈથી બહારના લોકો આવેછે અને તેમના કોઈ મિત્રો કે નિકટના પરિવારજનો પણ હોતા નથી, તેથી એકલતા તેમને કોરી ખાઈ છે. મને મારા કુટુંબીજનો અને મિત્રો પાસેથી સાથસહકાર મળે છે. મને તેમના થકી જ શક્તિ મળે છે.

અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સમતુલા જરૂરી : બિનિફર કોહલી
અન્ય ઈન્ડસ્ટ્રીની જેમ ટીવી ઈન્ડસ્ટ્રીની પણ પોતાનું એક પ્રેશર હોય છે. કલાકારોએ વધુ પ્રેક્ટિકિલ અને સમજણા થવાની જરૂર છે. અહીં સ્પર્ધા પણ એટલી જ છે અને આ સ્પર્ધામાં કોઈ એકનો વિજય થાય છે. આથી અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સમતુલા જાળવવાની વધુ જરૂર છે.
ચિંતા દરેકને સતાવી રહી છે : ડો. અજય તાહમ્ણે
આઈ.ટી, પોલીસ, અગ્નિશામક દળ, સ્કૂલ, હોસ્પિટલ વગેરે તમામ સ્તરે દરેક જણકામગીરીની ચિંતાથી પીડિત છે. દરેક જણે શ્રેષ્ઠ બનવું છે, પણ કોઈ વાસ્તવિકતા ભણી ધ્યાન નથી આપતું. આ બાબત પરત્વે ખરેખરું ધ્યાન આપી જીવનમાં સમતુલા જાળવવાની જરૂર છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Yqrymp
ConversionConversion EmoticonEmoticon