વાજિદ ખાનની નસોમાં લોહીની સાથો સાથ સંગીતની સુરાવલીઓ વહેતી હતી


સાજિદ-વાજિદ બંને ભાઈઓનો ઉછેર સંગીતની સુરાવલીઓ વચ્ચે થયો હતો એટલે મ્યુઝિક તરફનો એમનો ઝોક સ્વાભાવિક હતો. એમાંય વાજિદ ખાનના મિત્રોના કહેવા મુજબ મ્યુઝિક એમનું પેશન હતું. વાજિદના ગીતોમાં એક તાજગીભરી સુરાવલી હતી. જે એમના સંગીતને એક નોખી ભાત આપતી હતી

તા જેતરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ પોતાના ગીત-સંગીતના બે સ્થંભ ગુમાવ્યા છે. એક ગીતકાર યોગેશ અને બીજા સાજિદ-વાજિદ જોડૂ ફેઈન સંગીતકાર વાજિદ ખાન. ૪૨ વર્ષની યુવાન વયે જન્નતનશીન થનાર વાજિદ ખાનની નસોમાં લોહીની સાથોસાથ સંગીત વહેતું હતું એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

વાજિદ ખાનના પિતા શરાફત અલી અવ્વલ દરજ્જાના તબલાવાદક હતા. તેઓ કિરાના ઘરાનાના શાસ્ત્રીય સંગીતના ગાયક ઉસ્તાદ ફરવાઝ અહમદ ખાન અને લેજન્ડ સારંગોવાદક અબ્દુલ લતીફ ખાનના પૌત્ર હતા. સાજિદ-વાજિદ બંને ભાઈઓનો ઉછેર સંગીતની સુરાવલીઓ વચ્ચે થયો હતો એટલે મ્યુઝિક તરફનો એમનો ઝોક સ્વાભાવિક હતો. એમાંય વાજિદ ખાનના મિત્રોના કહેવા મુજબ મ્યુઝિક એમનું પેશન હતું. સંગીતના જાણકારો કહે છે કે વાજિદના ગીતોમાં એક તાજગીભરી સુરાવલી હતી. જે એમના સંગીતને એક નોખી ભાત આપતી હતી.

લોકો કહે છે કે સલમાન ખાન સાથેની મૈત્રીને કારણે સાજિદ-વાજિદને બોલીવુડમાં એક મજબુત પ્લેટફોર્મ મળ્યું અને તેઓ પોતાની પ્રતિભા પુરવાર કરી શક્યા. વાત સાચી પણ છે. છતાં એક વાત નક્કી છે કે સલમાનની મુઝસે શાદી કરોગી, પાર્ટનર અને દબંગ જેવી ફિલ્મોની સફળતામાં સાજિદ-વાજિદના સંગીતનો ફાળો નાનો સૂનો નહોતો. સલમાનની ફિલ્મ 'વીર' એક સુપરફ્લોપ ફિલ્મ હતી પણ એના ગીતો આજે આટલા વરસે પણ સાંભળવા મળે છે.

કોઈ પણ કલાકાર આ દુનિયામાંથી એક્ઝિટ લે ત્યારે એના સાથી કલાકારો એને જે રીતે અંજલિ આપે છે એના પરથી એની ઊંચાઈનો ખ્યાલ લગાવી શકાય છે. બીજુ, શ્રદ્ધાંજલિ આપવામાં કઈ કઈ હસ્તીઓ સામેલ છે એ પણ મહત્ત્વનું છે. વાજિદ ખાન સંબંધમાં આપણે શરૂઆત પાકિસ્તાની સિંગર રાહત ફતેહ અલીખાનથી કરીએ. રાહત ફતેહ અલીએ પોતાના વીડિયોમાં માત્ર બે જ વાક્યો કહ્યા છે. 'મારા માટે આ અત્યંત દુખદ દિવસ છે. વાજિદ ખાનની વિદાયથી સંગીતની દુનિયાને પડનારી ખોટ કદી પુરી નહિ શકાય.'

સુરીલી ગાયિકા શ્રેયા ઘોસાલે ઈન્સ્ટાગ્રામ પર એવા શબ્દોમાં વાજિદને શ્રદ્ધાંજલિ આપી છે કે, 'હું તમને પહેલીવાર મળી ત્યારે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવીસવી હતી. છતાં તમે મારી સાથે પરિવારના સભ્યની જેમ વ્યવહાર કર્યો. એમાં સિંગર તરીકે મારું કામ સહેલું થઈ ગયું. સિગર અને ક્મ્પોઝર તરીકે હતી. તમને ગુડબાય કહેવું મારા માટે અતિ મુશ્કેલ છે.'

બહુ ઓછા લોકો એ વાત જાણે છે કે ટોચના ગાયક  સોનૂ નિગમ અને વાજિદ ખાને સાથે કરીઅર શરૂ કરી હતી. એ દિવસોને યાદ કરતા સોનું નિગમ કહે છે, 'અમે અમારા સંબંધના દિવસોથી એક બીજાના પરિચયમાં હતા. એ દિવસોમાં હું રેકોર્ડિંગ સ્ટુડિયોની બહાર ઊભો રહેતો.

પણ વાજિદને તરત જ એન્ટ્રી મળી જતી કારણ કે પેઢીઓથી એનો પરિવાર સંગીત સાથે જોડાયેલો હતો. સાજિદ-વાજિદે મારા પહેલા આલ્બમ દીવાનામાં સંગીત આપ્યું હતું અને એના બધા ગીતો લોકજીભે રમતા થઈ ગયા હતા. મને - લાઈમલાઈટમાં લાવવામાં આ બંને ભાઈઓનો ફાળો છે. વાજિદને હું ત્યારથી ઓળખતો હતો જ્યારે એ પોતાની પત્નીને ડેટ કરતો હતો. એમની વચ્ચે થોડી નોક-ઝોક થાય ત્યારે હું વચ્ચે પડીને સુલેહ કરાવી દેતો. આજે હસમુખો વાજિદ આપણી વચ્ચે નથી એવું માનવાનું મન નથી થતું.'



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2zutEJG
Previous
Next Post »