- રાત્રે એને પેલા યુવાનના શબ્દો યાદ આવતા હતા. પોતાના રૂપની પ્રશંસા એણે કેટલી ચાલાકીથી વાતમાં વણી લીધી હતી? ગામડામાં ઉછરેલી યુવતીને કોઈએ પહેલી વાર આવું કહ્યું હતું!
- એક મનિષા ચાર જ દિવસમાં ઘેર પાછી આવી ગઈ હતી. બીજી મનિષાના ઘેર પોલીસ પહોંચી ત્યારે મમ્મી અને ફૈબાએ રડીને કહ્યું કે અમારી દીકરીને અમન નામનો તાંત્રિક ઉઠાવી ગયો છે.

ફે બ્રુઆરી,૨૦૧૯માં લુધિયાણામાં કાતિલ ઠંડી હતી. સિમરન અને મનિષા એક ખાનગી કંપનીમાં નોકરી કરતા હતા. સિમરન અઠવાડિયાથી જ આ કંપનીમાં જોડાઈ હતી. ચોવીસ વર્ષની મનિષા કરતા એ દસેક વર્ષ મોટી હતી. એણે પૂછયું. 'તું ક્યારથી નોકરી કરે છે?અહીં કોણ કોણ રહો છે?'
'હિમાચલ પ્રદેશમાં કાંગડા પાસે સાવ નાના ગામમાં હું બી.કોમ. થઈ પછી અહીં નોકરી મળી. પપ્પા ચાર વર્ષ અગાઉ અવસાન પામેલા. એક વિધવા ફોઈ અમારી સાથે રહેતા હતા.મમ્મી અને ફૈબાને સમજાવ્યું કે હવે હિમાચલ પ્રદેશ છોડીને આપણે પંજાબમાં જ સેટલ થઈએ. ત્યાંનું ઘર-ખેતર એ બધુંય વેચીને કાયમ માટે અહીં આવી ગયા.' પોતાની આત્મકથા ટૂંકમાં વર્ણવીને મનિષાએ ઉમેર્યું. 'આઈ.પી.એસ કે આઈ.એ.એસ.માટે તૈયારી કરું છું.'
ઑફિસ છૂટી ત્યારે હવામાં ઠંડક વધી હતી. માથાની ઊનની ટોપી ગઈ કાલે ફૈબાને આપી દીધેલી એટલે અત્યારે ઠંડી લાગતી હતી. ઘેર પહોંચવા માટે વીસેક મિનિટ ચાલવાનું હતું. લોકોની અવરજવર વચ્ચે એ ઝડપથી પગ ઉપાડીને ચાલી રહી હતી.
'મેડમ, ઠંડી લાગે છેને? આ પ્યોર વુલન કેપ આપના માટે જ બચી છે.' ગાંધી ચોક પાસે બાઈક લઈને ઊભેલા યુવાને એની દશા આબાદ પારખી લીધી હોય એમ આછા ગુલાબી રંગની ટોપી એની સામે ધરીને પૂછયું. છવ્વીસેક વર્ષના એ ગોરા યુવાનની સામે મનિષા તાકી રહી. બાઈક ઉપર થેલાઓમાં સ્વેટર્સ અને અને ટિશર્ટસ્ પણ હતા.
'કેટલા રૂપિયા?' પોતાને ગમતો રંગ હતો અને ખરીદવાની તો હતી જ એટલે મનિષાએ પૂછયું.
'ખોટું નહીં બોલું. આવી બ્રાન્ડેડ કેપ ચારસો રૂપિયાની આવે. મારો કપડાંનો ધંધો છે પણ ઑર્ડર હતો એટલે એક ગ્રોસ ખરીદેલી એમાં બે પીસ ફ્રીમાં આવ્યા. એક એંશી રૂપિયામાં વેચી અને આ છેલ્લો પીસ છે. તમારે જે આપવું હોય એ પ્રેમથી આપી દો.'
મનિષાએ પર્સ ખોલીને પચાસની નોટ એની સામે ધરી.'ચાલશે?'
'દોડશે.' મનિષાના હાથમાંથી નોટ લઈને જાણે આરતીની આશકા લેતો હોય એમ એણે વારાફરતી બંને આંખે અડાડી અને માથા ઉપર ફેરવી.
'આ શું?' મનિષાએ હસીને પૂછયું.
'જાદૂ-ટોના, મેડમ, જાદૂ-ટોના!' મનિષાની આંખોમાં આંખો પરોવીને એણે કહ્યું. 'તમને દૂરથી આવતા જોયા ત્યારે જ ખબર પડી ગયેલી કે આ કેપ આ રૂપાળા મેડમ ખરીદશે અને પચાસ રૂપિયા આપશે! આ કાપડનો ધંધો તો સાઈડ બિઝનેસ છે. તાંત્રિક છું. મેઈન ધંધો તો મંત્ર-તંત્રનો છે.'
'મારા પર કોઈ જાદૂમંતર ના કરતો, ભાઈ!' મનિષાએ હસીને કહ્યું અને કેપ પહેરીને આગળ વધી ગઈ.
રાત્રે પથારીમાં પડયા પછી પણ એને પેલા યુવાનના શબ્દો યાદ આવતા હતા. પોતાના રૂપની પ્રશંસા પણ એણે કેટલી ચાલાકીથી વાતમાં વણી લીધી હતી? ગામડામાં ઉછરેલી યુવતીને કોઈએ પહેલી વાર આવું કહ્યું હતું!
બીજા દિવસે ઑફિસેથી ઘેર આવતી વખતે એણે સામેની સાઈડે ચાલવાનું નક્કી કર્યું. ગાંધી ચોક વટાવ્યા પછી અછડતી નજરે જોયું તો પેલો એની ગઈ કાલની જગ્યાએ જ ઊભો હતો. કોઈ વડીલને એ સ્વેટર દેખાડી રહ્યો હતો.
ચોથા દિવસે રવિવાર હતો. ઘરની સફાઈ પછી મનિષા ઓટલો વાળતી હતી ત્યારે પેલાએ એને જોઈને ત્યાં બાઈક ઊભી રાખી.
'આપ અહીંયા રહો છો? વેરી ગુડ. એક ગ્લાસ પાણી પીવડાવશો?'
પેલાએ એવી રીતે કહ્યું હતું કે મનિષા ના પાડી જ ના શકે. બાઈક સ્ટેન્ડ પર ચડાવીને પેલો એની પાછળ ઘરમાં આવ્યો. મમ્મી અને ફૈબા એની સામે આશ્ચર્યથી તાકી રહ્યા. 'આ નવી કેપ મેં આમની પાસેથી ખરીદેલી. ધંધો કાપડનો છે, પણ મંત્ર-તંત્રનો કારોબાર વધુ મોટો છે.' એ બંનેની સામે જોઈને મનિષાએ ખુલાસો કર્યો. 'અહીંથી પસાર થતા હતા અને તરસ લાગી.'
રૂડા-રૂપાળા યુવાનને જોઈને બંને સ્ત્રીઓએ સૂચક રીતે એકબીજાની સામે જોયું.'આવ,બેટા,બેસ.' મમ્મીએ આવકાર આપીને કહ્યું. 'પાણી નહીં, ચા પીને જજે.'
પેલાએ નિખાલસતાથી મોં મલકાવ્યું. 'ઈચ્છા તો ચાની જ હતી અને મારા મનની વાત તમે વાંચી લીધી,માસી!'
છોકરો બોલવા-ચાલવામાં તો હોશિયાર છે-બંને સ્ત્રીઓએ ફરી વાર એકમેકની સામે જોયું.મનિષા રસોડામાં ચા બનાવવા ગઈ.
'શું નામ છે, બેટા? મા-બાપ ક્યાં રહે છે?'
'અમન વર્મા નામ છે પણ બધા અમન તાંત્રિક તરીકે જ ઓળખે છે. મમ્મી-પપ્પા મેરઠ પાસે રહે છે. અહીં એક મિત્ર સાથે રહું છું. મારા ગુરૂજી કરનાલમાં રહે છે એટલે અહીં અને કરનાલમાં તાંત્રિક કામકાજ સારું ચાલે છે.'
એ ઊભો થયો. જાણે હવાને સૂંઘતો હોય એમ ધીમા પગલે ચાલીને આખા ઓરડામાં ચક્કર માર્યું. પછી ખુરસી પર બેસીને મનોમન ગણતરી કરવા લાગ્યો. મમ્મી અને ફૈબા અચરજ અને જિજ્ઞાાસાથી એની સામે જોઈ રહ્યા હતા.
'છેલ્લા મહિનામાં તમારાથી વારંવાર દૂધ ઉભરાય છે?' અમને પૂછયું એટલે બંને સ્ત્રીઓએ હકારમાં માથું હલાવ્યું.
'દૂધ ઉભરાય એને આપત્તિનું એંધાણ મનાય પણ અહીં એવું નહીં બને. લખી રાખો. દોઢસો દિવસમાં તમે ધાર્યું પણ ના હોય એવા સારા સમાચાર મળશે. 'એણે આત્મવિશ્વાસથી કહ્યું અને બંને સ્ત્રીઓ આદરભાવથી એની સામે તાકી રહી.
મનિષા ચા લઈને આવી. ચા પીને બધાને નમસ્કાર કરીને અમને વિદાય લીધી.
છોકરો ખૂબ સારો છે, ડાહ્યો અને ઠરેલ છે, વળી વિદ્વાન છે- અમનથી પ્રભાવિત થઈ ચૂકેલા મમ્મી અને ફૈબા અંદરોઅંદર વાત કરતા હતા. એ સાંભળીને મનિષાના મનમાં પણ ના સમજાય એવી લાગણી હિલોળા લેતી હતી.
એ પછી ઑફિસેથી ઘેર આવતી વખતે મનિષા રોજ અમન પાસે પાંચ-દસ મિનિટ ઊભી રહેતી હતી. સામાન્ય વાતચીત ધીમે ધીમે વધવા લાગી. મહિના પછી અમને મનિષાની ગલીમાં જ એક રૂમ ભાડે રાખી લીધો. પોતે કઈ રીતે અમનના પ્રેમમાં પડી એનું મુગ્ધ મનિષાને ભાન પણ ના રહ્યું. અમનની વાતો સાંભળીને એ જાણે બીજી દુનિયામાં જ ખોવાઈ જતી હતી. અમનની ઓરડીમાં એક વાર ગયા પછી શારીરિક મર્યાદા પણ લોપાઈ ગઈ.
ત્રણ મહિનાના પ્રેમ સંબંધ પછી મનિષાએ કહ્યું. 'અમન, આપણે લગ્ન કરી લઈએ.' 'થોડી તકલીફ છે.' એના ખભે હાથ મૂકીને અમને નિખાલસતાથી કહ્યું. 'તને આઈ.એ.એસ કે આઈ.પી.એસ.ની પરીક્ષામાં પાસ કરાવવા માટે મારી પૂરી શક્તિ કામમાં લગાડી દઈશ. આજ સુધીની તમામ સાધના દાવ પર લગાડીને તને ટોચની અધિકારી બનાવવાનું મારું ખ્વાબ છે. એ માટે કરનાલ જવું પડે અને ફૂલ ટાઈમ આ જ કામ કરવું પડે. ટુ બી વેરી ફ્રેન્ક,એમાં પૈસાનો પણ પ્રોબ્લેમ છે.'
'પૈસાની ચિંતા ના કર. કાંગડાની અમારી જમીન અને ઘર વેચ્યું એના પચીસ લાખ મારી પાસે છે. મારા લગ્ન માટે મમ્મીએ સોળ તોલા જેટલું સોનું પણ રાખી મૂક્યું છે.' પ્રેમાવેશમાં મનિષા બબડી. 'તારું છે એ બધુંય મારું અને મારું છે એ બધુંય તારું!'
એ પળે અમનની આંખમાં જે ચમક ઉભરાઈ એ તરફ મનિષાનું ધ્યાન નહોતું.
'લિસન, ડાલગ!' મનિષાને બાથમાં જકડીને અમન બોલ્યો. 'તું ભોળી છે પણ વિદ્યાના જોરે મને દેખાય છે કે આટલા સંબંધમાં વડીલો હા નહીં પાડે. એમને અંધારામાં રાખીને આપણે એક વાર કરનાલ જતા રહીએ. એ પછી ત્યાંથી ફોન ઉપર વાત કરીશું તો જ એ લોકો સંમતિ આપશે.' અવઢવમાં ફસાયેલી મનિષાના ગાલે ટપલી મારીને એણે ઉમેર્યું. 'મારા ઉપર એટલો ભરોસો તો છેને?'
સર્વસ્વ અર્પણ કરી ચૂકેલી મનિષાએ અમનની વાત સ્વીકારી.
જૂન,૨૦૧૯ની બીજી તારીખે પચીસ લાખ રોકડા અને સોળ તોલાના દાગીના સાથે એણે ઘર છોડયું અને અમન સાથે કરનાલ પહોંચી ગઈ.
બીજા દિવસે મમ્મીને ફોન કરીને કહી દીધું કે મારી ચિંતા કરશો નહીં. અમન તાંત્રિક સારો છોકરો છે પણ તમે હા નહીં પાડો એવું લાગ્યું એટલે આ પગલું ભર્યું છે. લગ્ન કરીને અમે આશીર્વાદ લેવા આવીશું.
- મેરઠથી સત્તર કિલોમીટર દૂર દૌરાલાની પાસે લોહિયા નામનું ગામ ચૌદ જૂન, ૨૦૧૯ની સવારે ખળભળી ઉઠયું. એક ખેડૂત પોતાના ખેતરે ગયો ત્યારે તાજું ખોદકામ જોઈને ચમક્યો. પાવડો લઈને એણે ત્યાં તપાસ્યું અને ચીસાચીસ શરૂ કરી. આખું ગામ ત્યાં દોડી આવ્યું. એક યુવતીનો કપાયેલો હાથ ખેતરમાં દાટવામાં આવ્યો હતો અને થોડે દૂર એનું ધડ પણ દટાયેલું મળી આવ્યું. ગામલોકોએ પોલીસને જાણ કરી. દૌરાલાના પોલીસ ઈન્સ્પેક્ટર જિતેન્દ્ર સરગમની સૂચનાથી આખું ખેતર ખોદવામાં આવ્યું પણ મસ્તક અને બીજો હાથ ના જડયો.ગામમાંથી કોઈ યુવતી ગૂમ થઈ નહોતી. જરૂરી કાર્યવાહી કરીને પોલીસે વિદાય લીધી.
લુધિયાણામાંથી મમ્મી અને ફૈબાએ છેલ્લે દસમી જૂને મનિષા સાથે ફોન પર વાત કરી હતી. એ પછી હમેશાં દીકરીના વોટસેપ મેસેજ જ આવતા હતા. દીકરી અને જમાઈના ફોટા જોઈને પણ એ બંને રાજી રહેતા હતા.
દૌરાલા અને મેરઠ પોલીસની કાર્યવાહી ચાલુ હતી. ખેતરમાંથી જે હાથ મળ્યો હતો એના ઉપર છૂંદણાથી નામ કોતરેલું હતું. મનિષા નામની કોઈ યુવતી ગૂમ થયાની ફરિયાદ આસપાસના કોઈ વિસ્તારમાંથી આવેલી નહોતી એટલે માત્ર ધડ અને એક હાથના આધારે મૃતકની ઓળખ મેળવવાનું કામ મુશ્કેલ બન્યું હતું. પોલીસના સાયબર સેલ દ્વારા ઘટનાસ્થળની નજીક આવેલા મોબાઈલ ટાવરનો ઝીણવટભર્યો અભ્યાસ કરવામાં આવ્યો. ટાવર ડ્રોવ્ન ડેટા (ટી.ડી.ડી.) મારફતે તેર અને ચૌદ જૂન,૨૦૧૯ના દિવસે ત્યાં ક્યા ક્યા નંબરના મોબાઈલનો ઉપયોગ થયો હતો એની તપાસમાં લુધિયાણામાંથી ઈશ્યુ થયેલા સિમકાર્ડની જાણકારી મળી. દૌરાલાના દસેક યુવાનો લુધિયાણામાં નોકરી કરે છે એ માહિતી મળી એટલે ૨૫ મે,૨૦૨૦ના દિવસે દૌરાલા પોલીસ લુધિયાણા પહોંચી. લુધિયાણા પોલીસે એ તારીખ અગાઉના રેકર્ડ ચકાસીને માહિતી આપી કે મનિષા નામની બે યુવતી માટે ફરિયાદ નોંધાયેલી છે.
એક મનિષા ચાર જ દિવસમાં ઘેર પાછી આવી ગઈ હતી. બીજી મનિષાના ઘેર પોલીસ પહોંચી ત્યારે મમ્મી અને ફૈબાએ રડીને કહ્યું કે અમારી દીકરીને અમન નામનો તાંત્રિક ઉઠાવી ગયો છે. અગિયાર મહિનાથી દર અઠવાડિયે વોટસેપ આવે પણ ફોન કરીએ ત્યારે જમાઈ જ જવાબ આપે અને જાતજાતના બહાના કાઢે એટલે અમે ફરિયાદ નોંધાવેલી છે.
એ અમન તાંત્રિકનો કોઈ ફોટો છે તમારી પાસે? પોલીસે પૂછયું એટલે મમ્મીએ વોટસેપમાં ફોટા બતાવ્યા. પોલીસે તાબડતોબ એની પ્રિન્ટ કઢાવી લીધી. પોલીસ દૌરાલા પાછી આવી. ફોટા જોઈને ગામના ખબરીએ ધડાકો કર્યો કે આ અમન તાંત્રિક નથી, આ તો દૌરાલાના મુસ્તકિમ મિંયાનો દીકરો શાકિબ છે! લુધિયાણામાં કાપડની ફેરી કરે છે.
મેરઠ એસ.પી.અજય સહાની લવ જેહાદ અને એમાં મર્ડરની વાત સાંભળીને ચોંકી ઉઠયા. એકત્રીસમી મે, ૨૦૨૦ના દિવસે સવારમાં જ શાકિબને દબોચી દેવામાં આવ્યો. યુ.પી.ની પોલીસ જ ચખાડી શકે એવા ચૌદમા રતનની પ્રસાદી પછી શાકિબે મોઢું ખોલ્યું ત્યારે પોલીસ પણ કમકમી ઉઠી. શાકિબના પિતા મુસ્તકિમ, ભાઈ મુસરત,ભાભી ઈસ્મત, ભાઈ નાવેદની પત્ની રેશમા અને શાકિબના બે મિત્રો અયાન અને રમઝાનને પણ પૂરી દેવામાં આવ્યા.
બીજી જૂન, ૨૦૨૦ના દિવસે એસ.પી. અજય સહાનીની પ્રેસ કોન્ફરન્સ ભરચક હતી. 'દૌરાલાના શાકિબે અજય બનીને એક ભોળી છોકરીને પ્રેમજાળમાં ફસાવી. પોતે તાંત્રિક છે એવું કહીને મોટી મોટી વાતો કહીને એનો ગેરલાભ ઉઠાવ્યો. પેલી મુગ્ધ છોકરી વૃધ્ધ માતા અને ફૈબાને કહ્યા વગર પચીસ લાખ રૂપિયા અને સોળ તોલાના દાગીના લઈને શાકિબ સાથે ભાગી. બંને કરનાલમાં રહ્યા. એ પછી મનિષા લગ્ન માટે દબાણ કરતી હતી એટલે ગયા વર્ષે બારમી જૂને શાકિબ એને લઈને દૌરાલા આવ્યો ત્યારે મનિષાને ભાન થયું કે પોતે જેને અમન વર્મા સમજતી હતી એ તો શાકિબ છે! એણે પાછા જવા માટે ધમાલ મચાવી.
આટલો મોટો દલ્લો જવા ના દેવાય એ હેતુથી આખા પરિવારે એને ઘરમાં બાંધી રાખી. હવે મનિષાને જીવતી છોડવામાં જોખમ હતું એટલે શાકિબે એના બે મિત્રોની મદદ માગી. અયાન અને રમઝાને નફટાઈથી કહ્યું કે એને મારી જ નાખવાની છે તો એ પહેલા અમને લાભ લેવા દો. એ બંનેએ મનિષા ઉપર સામૂહિક બળાત્કાર કર્યો. એ પછી રાત્રે મનિષાને લોહિયા ગામની સીમમાં લઈ ગયા. કુહાડી અને કરવતથી એના બંને હાથ અને માથું અલગ કરી નાખ્યું. એક હાથ અને ધડ ખેતરમાં દાટયા. ઈંટ સાથે બાંધીને માથું અને એક હાથ તળાવમાં ફેંકી દીધા.'
એસ.પી.એ નિરાશાથી માથું ધૂણાવ્યું. 'કરવત, કુહાડો, પાવડો અને યુવતીનો મોબાઈલ મળી ગયા છે, પરંતુ આખી રાત જેસીબી લઈને તળાવમાં તપાસ કરવા છતાં મસ્તક મળ્યું નથી. આરોપી વારંવાર બયાન બદલતો રહે છે. એક વર્ષ અગાઉ મનિષાની ક્રૂર હત્યા કર્યા પછી પણ આ આરોપી એની માતાને મનિષાના મોબાઈલ પરથી વોટસેપ મોકલતો રહેતો હતો અને પંદર દિવસે ડીપી પણ બદલતો હતો!' એમણે આત્મવિશ્વાસથી ઉમેર્યું. 'અત્યારે આ બધાને કોરોનાના ટેસ્ટ માટે લઈ જવાના છે. આ નરાધમોને પૂરતી સજા મળે એ માટે પોલીસ પૂરો પ્રયત્ન કરશે.'
પ્રેસ કોન્ફરન્સ પત્યા પછી કડક જાપ્તા સાથે બધાને જીપમાં બેસાડયા. એક જીપ રવાના થઈ. બીજી જીપમાં શાકિબની જોડે કોન્સ્ટેબલ સુધીર મલિક બેઠો હતો. 'થોડા ખિસક..' સંકોડાઈને બેઠેલા શાકિબે સુધીરને કહ્યું. સુધીર સહેજ ખસ્યો એ તક ઝડપીને શાકિબે જબરજસ્ત સ્ફૂતથી એની રિવોલ્વર ઝૂંટવી લીધી અને જીપમાંથી કૂદ્યો. સુધીરે એને રોકવા પ્રયત્ન કર્યો ત્યારે શાકિબે ફાયરિંગ કર્યું. સુધીરના ખભા પર છરકો કરીને બુલેટ પસાર થઈ ગઈ. ત્યાં સુધીમાં ચિત્તાની ઝડપે શાકિબ દૌરાલાના જંગલ તરફ ભાગ્યો.પોલીસની ટૂકડી એની પાછળ દોડી. સિવાયા-ભરાલા રોડ ઓળંગીને એ કબ્રસ્તાનમાં સંતાયો.એની પાસે રિવોલ્વર હતી એટલે પોલીસ સાવધાનીપૂર્વક આગળ વધી રહી હતી. સરગમની ચકોર નજરે એને પકડી પાડયો. શાકિબ ભાગે એ અગાઉ સરગમની રિવોલ્વરમાંથી ત્રણ ગોળી વછૂટી. પગ વીંધાઈ ગયો એટલે શાકિબ ફસડાઈ પડયો અને પોલીસે એને ઘેરી લીધો.
તમામના કોરોના રિપોર્ટ નેગેટિવ છે.મેરઠની જિલ્લા હોસ્પિટલમાં શાકિબની સારવાર ચાલુ છે. મુગ્ધ મનિષાની કરૂણ કથા આસપાસના વિસ્તારમાં ચર્ચાય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hCvFo4
ConversionConversion EmoticonEmoticon