- સુશાંત સિંહની આત્મહત્યાના સમાચાર જાણી અનુપમ ખેરની જેમ આઘાત અનુભવતા તેના ચાહકોના હૃદયમાંથી પણ શબ્દ સરી પડયા કે 'આખિર ક્યૂં?'
- બાળપણથી સુશાંત સિંહ રાજપૂત શાહરૂખ ખાનનો દિવાનો હતો ૧૫ વર્ષની વયે અરીસા સામે ઉભો રહી 'સુરજ હુઆ મધ્ધમ' ગીત ગાતો

ફિ લ્મ સ્ટાર સુશાંત સિંહ રાજપૂતનાં આત્મહત્યાના સમાચાર જાણીને ફિલ્મ ઉદ્યોગ જ નહીં દેશ વિદેશમાં વસતા તેના ચાહકોએ જાણે તેમના પરિવારના કોઈ આપ્તજને અકાળ વિદાય લીધી હોય તેવો આઘાત અનુભવ્યો. ઈરફાન ખાન કે રિશી કપૂરની જેમ કોઈ અસાધ્ય બીમારી સામે પ્રેરણાદાયી રીતે લડીને યુવા વયે મૃત્યુ પામ્યો હોત તો પણ દુઃખ તો થાત જ પણ ૩૪ વર્ષની વયે જ ભારે આશાસ્પદ કારકિર્દી માટે તેની પ્રતિભા પુરવાર કરી ચૂકેલ સુશાંત સિંહ રાજપૂતને હવે વધુ ઉંચી ઉડાન જ ભરવાની હતી ત્યારે જ તેણે જીવનને સ્વગત 'એ કાઈપો છે' જેવો ચિત્કાર કરી ટૂંકાવી દીધું તે જાણી અનુપમ ખેર જેવો જ અવાજ આપણા ગમગીન હૃદયમાંથી નીકળી પડે કે 'આખિર ક્યૂં?'
દેશભરના નાના શહેરો અને ગામડાઓમાંથી રોજ હજારો યુવાનો મોહમયી મુંબઈ નગરીમાં હિરો બનવા આવે છે અને કોરસ ડાન્સર બનીને જીંદગી પૂરી કરે છે. બાંદ્રામાં પોશ એપાર્ટમેન્ટમાં રહેવાના સપના સજાવીને આવતા આ યુવાનો એક્સ્ટ્રા તરીકે જીવન ગુજારે છે અને એક ભંડકિયા જેવા રૂમમાં તેના જેવા કચડાઈ ગયેલા અરમાનોના પાંચ -સાત આસામીઓ જોડે રહી જીવનમાં બલ્બ જેટલા પ્રકાશનો ઈન્તેજાર કરી આયખું કાઢી નાખે છે. કોઈપણ પરફોમગ ક્ષેત્રમાં આ કોઈ નવી તો ઠીક સહેજ પણ સહાનુભુતિ પેદા કરતી બાબત નથી. આની સામે સુશાંત સિંહ મૂળ બિહારના પટના નજીકના પૂણયા જેવા ગામડાનો વતની હતો.
શૈક્ષણિક રીતે હોનહાર હોઈ તે દિલ્હીની એન્જીનિયરીંગ કોલેજ સુધી ખેંચાઈ આવ્યો હતો. આ કોલેજમાં પ્રવેશ માટેની જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં તે સાતમા ક્રમે આવ્યો હતો. ખગોળ, અંતરીક્ષ અને ભૌતિક વિજ્ઞાાન તેનો ગમતો વિષય પણ પ્રવેશ લીધો મિકેનીકલ એન્જીનીયર બનવા માટેની ડીગ્રી લેવા માટે. છ સેમેસ્ટર પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓમાં રહેતો. કોલેજના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં તેની ડાન્સ આઈટમ ભારે આકર્ષણ જમાવતી. પટનાની શાળામાં ૧૦-૧૨માં ધોરણમાં અભ્યાસ કરતો ત્યારે તેનું સ્વપ્ન હતું કે મારે મેટ્રો શહેરની કોલેજનો અભ્યાસ કરવો છે અને હિન્દી ફિલ્મો અને ફેશન જગતમાં જોવા મળે છે તેવી શહેરની ઘણી બધી છોકરીઓને મિત્ર બનાવવી છે.
શાળાના વર્ષો દરમ્યાન તો તેને ફિલ્મ કરતા ક્રિકેટનો વધુ શોખ હતો. ક્રિકેટર બની શકાય તો કેવું સારું તેવી ઈચ્છા પણ મિત્રો સમક્ષ વ્યક્ત કરતો હતો. સુશાંત નવ વર્ષનો હતો ત્યારે તેણે 'દિલ વાલે દુલ્હનિયા' ફિલ્મ જોઈ અને શાહરૂખ ખાન બનવાના ખ્વાબ જોવા માંડયો. મજાની વાત એ છે કે તેને શાહરૂખ જેમ ફિલ્મ સ્ટાર નહીં પણ તે જે રીતે ફિલ્મમાં હિરોઈન જોડે ડાન્સ કરે છે તે રીતે ડાંસ અને રોમાન્સ કરવાની કલ્પનામાં તે સરી પડતો હતો.
ફિલ્મ 'કભી ખુશી કભી ગમ'નું શાહરૂખ-કાજોલ પર ફિલ્માવાયેલ 'સુરજ હુઆ મધ્ધમ' તે વખતે ૧૫ વર્ષની વયના દિલોદિમાગમાં એ રીતે સવાર હતું કે તે અરીસા સામે પોતે શાહરૂખ હોય તેમ ભજવતો રહેતો. આગળ જતા શહેરમાં ખુબસુરત છોકરીઓ જોડે શાહરુખની ફિલ્માં ગીતો સ્ટેજ પર ભજવીશ તેવા મનોતરંગ સાથે દિલ્હીની એન્જીનિયરીંગ કોલેજ અને તેમાં પણ મિકેનીકલ શાખામાં પ્રવેશ લીધો અને ભારે નિરાશા અનુભવી કેમ કે તેણે જે લાઈન લીધી છે તેમાં તો જે કલ્પના કરી હતી તેવી છોકરીઓ સંખ્યા કે ગ્લેમરની રીતે હતી જ નહીં. આમ છતાં યુનિવર્સીટીના ડાન્સ ઇવેન્ટમાં તેની પ્રતિભા જોઇને મુખ્ય મહેમાન શામક દાવર પ્રભાવિત થઇ ગયા હતા.તેમણે સુશાંતને કહ્યું કે તારામાં સારા ડાન્સર બનવાની પ્રતિભા છે તું મારા ક્લાસમાં જોડાઈ શકે છે.
તેના મિત્રોએ તેને પાનો ચઢાવતા કહ્યું કે શાહરૂખ ખાન શામક દાવરની એકેડમીનો જ વિદ્યાર્થી છે. શાહરૂખ પણ દિલ્હીનો જ છે. તેને શામકની એકેડમીમાં જોડાવવાનું વધુ ઇજન આપતા મિત્રોએ કહ્યું કે શામકની એકેડમીમાં મેટ્રો અને ગ્લેમર જગતની રૂપસુંદરી જેવી છોકરીઓને તું તારી પાર્ટનર બનાવી શકીશ. દિલ્હીમાં શામક દાવરના ક્લાસમાં સુશાંત સિંહ તેની ડાન્સ પ્રતિભાથી હિરોની જેમ જોવાતો. ડાન્સ ક્ષેત્રે જ કારકિર્દી બનાવવાનું ઝુનૂન એ હદે સવાર થઇ ગયું હતું કે તેના મિત્રો અને કુટુંબીઓના આશ્ચર્ય વચ્ચે તેણે ડીગ્રી મળવાને એક જ વર્ષની વાર હતી ત્યારે અભ્યાસ છોડી દીધો. આ વખતે પણ તેને તો ટીવીના રીયાલીટી શો અને સ્ટેજમાં ડાન્સર તરીકે જ છવાઈ જવાનું સ્વપ્ન હતું.
એક મજાનો પ્રસંગ પણ જાણીએ. શામક દાવરના ગ્રુપને લંડનમાં ૨૦૦૬માં યોજાયેલ કોમનવેલ્થ ગેમ્સના પૂર્ણાહુતી સમારંભમાં એક ડાન્સ આઈટમ માટે આમંત્રણ મળેલું. તે ગ્રુપમાં સુશાંત ગ્રુપ ડાન્સરનો હિસ્સો હતો. ડાન્સ આઈટમના આકર્ષણ તરીકે ડાન્સના અંતિમ ચરણ વખતે ઐશ્વર્યા રાય પણ તેમાં ઉતારવાની હતી. સ્ટેપ એ રીતે નક્કી થયા હતા કે ડાન્સ પૂરો થતી વેળાએ સુશાંત સિંહ ઐશ્વર્યાને ખાસ મુદ્રા સાથે ઊંચકે. સુશાંત તો મિસ વર્લ્ડ એવી ઐશ્વર્યાને જોઈને જ અંજાઈ ગયો હતો જયારે અહીં તો તેને વિશ્વભરના દર્શકો વચ્ચે ઊંચકવાની હતી. કોઈ રીહર્સલ પણ આ માટે ઐશ્વર્યા જોડે નહતું થયું. સ્ટેજ પર તે પળ આવી.
બિહારના ગામડામાં અરીસા સામે ડાન્સ કરતો છોકરો આજે વિશ્વમંચ પર ઐશ્વર્યા જોડે ડાન્સ કરીને મનોમન ભારે રોમાંચ અને હર્ષભીની આંખો સાથે તાળીઓ મેળવતો હતો. હવે ડાન્સની આખરે તેણે કોરિયોગ્રાફી મુજબ ઐશ્વર્યાને ઊંચકી લીધી અને તેને હવે એક ખાસ અદા સાથે નીચે ઉતારી બધા સાથે ડાન્સ પૂરો કરતા વિદાય લેવાની હતી પણ સુશાંત તેના જીવન જોડે બની રહેલી આ ધન્ય પળમાં એ હદે ખોવાઈ ગયો કે ઐશ્વર્યાને તેણે ઊંચકી જ રાખી. શામક અને તમામ સાથી ડાન્સરો તેને ઇશારાથી સંકેત કરતા હતા કે હવે ઐશ્વર્યાને નીચે ઉતાર તો બધા ડાન્સનું સમાપન કરતા 'એકઝિટ' કરે. અચાનક જાણે સુશાંત દિવાસ્વપ્નમાંથી બહાર આવ્યો અને માંડ ફિયાસ્કો થતા રહી ગયો. સુશાંતને ડાન્સ એકેડમી કે કોરીયોગ્રાફીમાં આગળ વધવાનો ધ્યેય હતો.
હિન્દી ફિલ્મોમાં ૨૦૦૮ સુધી તે બેક ગ્રાઉન્ડ ડાન્સર એટલે કે હિરો-હિરોઈનની આજુબાજુના કોરસ ડાન્સર તરીકે આવતો હતો. ફિલ્મના નિર્માતા-નિર્દેશક શામક દાવરને જણાવે અને શામક તેના ચુનંદા ડાન્સ ગ્રુપને શુટીંગમાં મોકલે. સુશાંત શાહરૂખની બાજુમાં કોરસમાં ડાન્સ કરી અનેરી ધન્યતા અનુભવતો. 'સુરજ હુઆ મધ્ધમ'નો અરીસા સામે ડાન્સ કરતા હવે શાહરૂખ સાથે છું તેવું તેનું જીવન સાફલ્ય માનતો. 'બન્ટી ઔર બબલી' ફિલ્મના ગીતોમાં અભિષેક અને ઐશ્વર્યા જોડે પણ તે ગ્રુપ ડાન્સમાં હતો. હવે તેના મિત્રોએ તેને કહ્યું કે અત્યારે તો ડાન્સ સ્ટારનો જ જમાનો છે થોડી એક્ટિંગ શીખી લે તારી પાસે ચામગ વ્યક્તિત્વ તો છે જ ને. શાહરૂખ ખાનને ખબર પણ નહીં હોય કે ડાન્સર કારકિર્દી અને ડાન્સ ગુરુ શામકને સુશાંતે તેને રોલ મોડેલ માનીને જ પસંદ કર્યાં હતા. હવે સવાલ એ આવ્યો કે શાહરુખે એક્ટિંગની તાલીમ કોની પાસેથી લીધી હતી. જવાબ હતો નવી દિલ્હીમાં નાટયકાર બેરી જોહનની એકેડમીમાંથી. અને સુશાંત સિંહે પણ બેરીને તેમના ગુરુ બનાવ્યા. ૨૦૦૯માં એકતા કપૂરની બાલાજી કંપનીની 'પવિત્ર રિશ્તે' ટીવી શ્રેણીમાં ભૂમિકા મળી અને 'રેસ્ટ ઈઝ ધ હિસ્ટ્રી.'
મુંબઈમાં હિરો બની અંધેરી જેવા વિસ્તારમાં રહેવાના સ્વપ્ન સાથે આવનારા હજારો યુવાનો નિષ્ફળ જતા બેક ગ્રાઉન્ડ ડાન્સર બનીને અંધેરી ગલીમાં અજ્ઞાાત બનીને જીવી કાઢે છે જ્યારે ખરેખર જેને ડાન્સર જ બનવું હતું અને ચમકતી દુનિયાના કોઈ સ્વપ્ન નહોતા જોયા તેવા સુશાંતને એક પછી એક એવી ફિલ્મો અને પહેચાન મળી કે એક્ટિંગ અને ગ્લેમરનો સંગમ હોય તેવો રણવીર સિંહ પછીનો તે એકમાત્ર અભિનેતા કહી શકાય. આમ છતાં તેણે આવું પગલું કેમ ભર્યું તે ઉકેલ માંગતો કોયડો છે.
આમ જોઈએ તો ૨૦૧૩માં તેણે 'કાઈપો છે' ફિલ્મથી કારકિર્દીનો પ્રારંભ કર્યો અને તેના અભિનયથી ફિલ્મ દુનિયાના જાણીતા નિર્માતા -નિર્દેશકો પ્રભાવિત થયા. સાત વર્ષની કારકિર્દીમાં તેણે જે ફિલ્મો મેળવી અને તેના કરતા પણ પ્રત્યેક ફિલ્મમાં તેના રોલમાં જે પરફેક્શન સાથે તૈયારી કરીને જાન રેડતો તેના પરથી એ સ્પષ્ટ બન્યું હતું કે આગામી દાયકો રણવીર, આયુષમાન, સુશાંત સિંહ, રાજકુમાર રાવ અને બહુ તો કાતક આર્યનનો રહેશે.
આ બધા કલાકારો સ્ક્રિપ્ટને ન્યાય આપનારા અને આજની પેઢીને નેટફ્લીક્ષ, પ્રાઈમમાં બને છે તે પ્રકારની જે ફિલ્મો પસંદ છે તેમાં પણ પરફેક્ટ પુરવાર થાય તેમ છે. હા, એવું ચર્ચાય છે કે બોલીવુડમાં ખાન સ્ટારો અને તેઓની નિર્માતાઓની ટોળકી તેમજ પરિવારવાદના પ્રભાવ હેઠળ જે સ્ટાર બન્યા છે તેઓને આ પોતાના બળે આગળ આવેલા સ્ટારો ખટકે છે. આ કલાકારો હવે પગ જમાવતા હોઈ જામી ગયેલા પરિવારવાદી કલાકારો ફિલ્મ નિર્માણ કંપનીઓને મેસેજ આપે છે કે આવા કલાકારોને કાસ્ટ ન કરવા અને જો તેમ કરશો તો પરિણામ ભોગવવા તૈયાર રહેવું પડશે. સુશાંત પણ આવી ધમકીથી કારકિર્દીમાં ભીંસ અનુભવતો જ હોય.
તેમાં પણ રણવીર, આયુષમાન અને કાતક જેવા કલાકારોની લોબી અને રાજકારણ જુદું. સુશાંત સિંહની આત્મહત્યાના સમાચાર જાણી શોક વ્યક્ત કરતા કરન જોહરે મગરના આંસુ સારતા ટવીટ કર્યું કે 'મેં કેમ એક વર્ષથી તારા ખબર અંતર કેમ ન પૂછયા? તેનો મને ભારે રંજ અને દોષની લાગણી સાથે ખટકો છે.' ફિલ્મ ચાહકોએ જ નહીં હંસલ મહેતા, નીખીલ દ્વીવેદી અને રાહુલ ધોળકિયા જેવા ફિલ્મ મેકરે કરન જોહર અને ફિલ્મ ઉદ્યોગ તેમની બાપીકી માલિકીની જ છે તેવું સમજતા દંભીઓની ઝાટકણી કાઢતા સોશિયલ મીડિયામાં આક્રોશ ઠાલવ્યો છે કે આ ટોળકી ખતરનાક છે.
તેઓ તમારી હાંસી ઉડાવવાની એક પણ તક નહીં છોડે. તમને પ્રમોટ કરતી એજેન્સીઓને તમારાથી દુર કરાવી દેશે. એક ટવીટ એવી પણ હતી કે ધર્મા, નડિયાદવાલા, યશરાજ, વિજાન અને ટી સીરીઝ જેવી નિર્માણ કંપનીઓ તેમની ફિલ્મમાં સુશાંત સિંહને લે જ નહીં તેવી લોબી રચી દીધી હતી. ધોની પરની ફિલ્મ હિટ ગઈ એટલે એક લોબીએ એવો પ્રચાર કર્યો કે ધોનીની લોકપ્રિયતાને લીધે ફિલ્મ થોડી પણ ચાલી આમ છતાં ધોનીનો જે હદે દેશભરમાં ક્રેઝ છે તે પ્રમાણે ફિલ્મનું કલેક્શન નબળું કહી શકાય. આડકતરી રીતે સુશાંત સિંહને જશ આપવા કરતા આ ટોળીએ જવાબદાર ઠેરવ્યો.
'કોફી વિથ કરન' શોનો ઉપયોગ પણ ફિલ્મ દુનિયાના સગાવાદ અને તેની સાથે હાથ મિલાવનારની વાહવાહી માટે જ થતો હતો. આઉટસાઈડરોની હાંસી ઉડાવાતી. કરને એક શોમાં આલિયા ભટ્ટને પૂછયું કે વરુણ ધવન, રણવીર સિંહ કે સુશાંત સિંહ તારી પસંદગીનો ક્રમ જણાવ. ત્યારે આલિયાએ ભારે અપમાનજનક હાસ્ય સાથે જવાબ આપ્યો કે 'રણવીર અને તે પછી વરુણ પણ આ સુશાંત વળી કોણ છે?' તે પછીના એક કાર્યક્રમમાં કરને ફરી જાણે પૂર્વ આયોજન હોય તેમ આલિયાને પ્રશ્ન કર્યો કે તારે લગ્ન કરવાના હોય, ડેટ પર જવાનું હોય કે લોંગ ડ્રાઇવ કરવાની હોય તો કોની જોડે શું કરવાનું પસંદ કરે ?તારી પાસે રણવીર, રણબીર અને સુશાંત સિંહ રાજપૂત એમ ત્રણ વિકલ્પો છે.
હવે આલિયાનો જવાબ જાણો. 'હું રણવીર જોડે ડેટમાં જઉં, રણબીર જોડે લગ્ન કરું અને આઈ વિલ કિલ સુશાંત.. સુશાંત સિંહને મારી નાંખું.' સુશાંત સિંહે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે તેને બોલીવુડની પાર્ટીઓમાં આમંત્રણ જ નથી મળતું. બધા જાણે જ છે કે એવોર્ડ ફંકશનોમાં કોને પ્રોજેક્ટ કરવા, એન્કરીંગ આપવું કે ડાન્સ આઈટમ આપવી તે કઈ લોબી નક્કી કરે છે. આટલા હોનહાર ડાન્સરને એવોર્ડ ફંકશનમાં ખાસ જોયો હોય તે યાદ નથી.
આ જ કારણે આયુષમાન અને રાજકુમાર રાવ જેવા કલાકારો ક્રીટીકસ એવોર્ડ પ્રકારની ફિલ્મો મેળવતા રહે. બધા તેઓના અભિનયને દાદ આપે પણ ક્યારેય તેઓ મેગા સ્ટાર કે સગાવાદી સ્ટાર જેવા સ્લોટમાં ગણાય જ નહીં. કાતક આર્યન પણ તેના માપમાં જ રખાશે. અક્ષય કુમાર કોઈ કેમ્પમાં નથી,વર્ષો સુધી તેણે બી ગ્રેડ પ્રકારના નિર્દેશકોમાં વિતાવ્યા. સુશાંત સિંહ રાજપૂત જોડે કોઈ નિર્માતા, નિર્દેશક કે અભિનેતા એક બે વર્ષથી 'હેલો હાઉ આર યુ' પણ ન કરે અને હવે આ જ લોકો દંભીઓ અંજલી આપે તે કેવું. કુદરતી રીતે નિષ્ફળ જવું તે એટલી હતાશા નથી લાવતી. પણ નિશાન બનાવી ભારે નાલેશીજનક રીતે સપના અને ક્ષમતાને કોઈ કચડી નાંખે તે ભારે આઘાત અને ડીપ્રેશન લાવી દેતું હોય છે. વ્યક્તિ તેના ક્ષેત્રની દુનિયા કેટલી હદે ગંદી અને પડકારજનક છે તે વિચારીને પ્રવેશ કરે તો આગળ જતા તેને એટલો આઘાત ન લાગે.
સુશાંતને એ વાતનો પણ ભારે અફસોસ રહેતો કે શેખર કપૂરે 'પાની'(પાણી) ફિલ્મ માટે તેની પાસે બે વર્ષ સખ્ત મહેનત કરાવી અને તેને લીધે 'બાજીરાવ મસ્તાની' તેણે ગુમાવી હતી. તે પછી આ રોલ રણવીરને મળ્યો હતો. કમનસીબે માણસની માનસિકતા એવી હોય છે કે પોતે એક વખત શું હતો અને ક્યાં પહોંચી ગયો તેવા સંતોષ કે સાફલ્યનો તેને એહસાસ નથી હોતો પણ અત્યારે જે છે ત્યાં તેના સમકાલીન કલાકારો ફિલ્મોના બેનર મેળવવામાં અને બ્રાંડ એમ્બેસડર, જાહેરાતોમાં કેટલા આગળ નીકળી ગયા તે પણ ઈર્ષા અને અદેખાઈનું કારણ બને છે. કલાકારે હરિફાઈમાં ટકવું હોય તો બાહોશ સેક્રેટરી, મેનેજર અને બ્રાન્ડીંગ એજન્સી રાખવી પડે છે.
આ પબ્લિક રીલેશનની દુનિયાનું પણ અલાયદું રાજકારણ છે. સુશાંત આ મામલે નિષ્ફળ ગયો હતો. ઘણા એવું પણ કહે છે કે ડીપ્રેશનને લીધે તેની જોડે કામ કરવું અઘરું બનતું જતું હોઈ કુશળ સ્ટાફ તેની જોડે ટકતો નહતો અને આ કારણે તેની ભાવિ કારકિર્દી તે ઈચ્છતો હતો તેવી આકાર નહોતી પામતી. તેવી જ રીતે તેના જેવા મુકામે પહોચેલ કલાકારને લગ્ન માટે બોલીવુડ અને ચાહકો પસંદ બદલ દાદ આપે તેવું આગવું સ્થાન ધરાવતું પાત્ર મળે તેવી ખ્વાઈશ હોય પણ તે માટે કોઈ ટોચની હિરોઈન કે સારું બેક ગ્રાઉન્ડ ધરાવતી છોકરી રસ ન બતાવે અધૂરામાં પૂરું ગર્લ ફ્રેન્ડ જોડેની રીલેશનશીપમાં પણ વારંવાર બ્રેક અપ થાય એટલે ડીપ્રેશન ઉમેરાતું જાય. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટવીટરના ફોલોઇન્ગના ૯૦ લાખ જેટલો આંક હોય તો પણ અન્ય સ્ટાર કરતા તુલનાત્મક ઓછા આંક પણ બીમાર બનાવી દેતા હોય છે.
આત્મહત્યા કરનારે ક્યાં કારણસર આ હદે પગલું લીધું હોઈ શકે તેવી અટકળ કરનાર પણ જો ફિલ્મ ઉદ્યોગ કે તેના મિત્ર વર્તુળમાંથી કોઈ ન હોય તે જ બતાવે છે કે આત્મહત્યા કરનારને એક પણ એવી વ્યક્તિ નહીં મળી હોય જેની જોડે તે દિલ ખોલી ને વાત કરી શકે. હંમેશા વ્યક્તિએ એક કે વધુ એવા મિત્રો રાખવા જોઈએ જેની સાથે તે હળવો થઈને વાત કરી શકે. તમને પણ કોઈ વાત કરવા માંગતું હોય તો કરન્ગાન જેવું કોઈ દાન નથી, એક ધારણા એવી પણ સેવી શકાય કે કોરોનાના લોક ડાઉનને લીધે એકલતા અને નિષ્ફળ ડરામણા ભાવિના વિચારોમાં તે વધુને વધુ ઊંડા વમળોમાં ગરકાવ થઇ ગયો હોય. ખરેખર બોલીવુડ જ નહીં તમામ ક્ષેત્રોમાં યુવા પેઢીએ મનોચિકિત્સકોની સારવાર કે કાઉન્સીલીંગ લેવામાં ખચકાટ ન અનુભવવો જોઈએ. પ્રેરણાદાયી પુસ્તકો. વિડીયો અને ગરીબો, શ્રમિકોના સંઘર્ષ છતાં ઝીન્દાદીલીને જોવી જોઈએ.
કોઈ રાજકારણીને આત્મહત્યા કરતા જોયા છે? સંવેદનશીલ ન બનો તો થોડા જાડી ચામડીના પણ બનો. જાન હૈ તો જહાં હૈ. સતત સ્વર્ગસ્થ માતાની યાદમાં ઝૂરતા સુશાંતે કદાચ એવું વિચારવા જેવું હતું કે જો તેની માતા હયાત હોત તો તેના આવા કૃત્યથી કેવો આઘાત પામત. તે તેના લાડલા પુત્ર માટે ગૌરવ અનુભવત ખરા? બાવડા ફૂલાવવા જીમમાં જતા યુવાનો મેન્ટલ હેલ્થનાં મામલે માયકાંગલા છે. સુશાંત સિંહે 'છીછોરે' ફિલ્મમાં પિતાનો રોલ નિભાવતા તેનો હતાશ પુત્ર કે જે આત્મહત્યા કરતા આબાદ રીતે ઉગરીને ગંભીર સારવાર લેતો હોય છે તેને બેઠો કરવા જે જીવનનું તત્વજ્ઞાાન આત્મસાત કરાવ્યું હતું તે જ સ્ક્રીપ્ટ કબાટમાંથી કાઢીને વાંચી હોત તો કદાચ આ પગલું ન ભર્યું હોત. કલાકારોને આપણે સુપર હ્યુમન માનતા હોઈએ છીએ પણ રીયલ લાઈફ પર રીલ લાઈફનો સહેજ પણ પ્રભાવ નથી હોતો. આખરે તો તેઓ ભીતરથી સામાન્ય માણસ જ છે. કચકડાની પટ્ટીની દુનિયાના કલાકારોના મનોબળ કચકડા જેવા જ હોય છે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hyOXL3
ConversionConversion EmoticonEmoticon