બંદૂકના નાળચાથી વધુ જોખમી છે એ... ખુદનો, છતાં ય હાથ જે લમણે મૂકાય છે!

- ઘણી વાર ઘૂંઘવાટ કે અકળામણ વ્યક્ત કરી નાખવી એ પ્રેશર કૂકરની સિસોટીની જેમ હળવા કરે સેન્સિટિવ માણસોને. કારણ કે, બીજાઓ પોતાના અધૂરિયા માપે માપતા હોય એમ એમને દરેક વાતમાં કંઈ - પબ્લિસિટી ન જોઈતી હોય. પણ અંદરનો વલોપાત ચક્રવાત બનીને ઘૂમરાતો હોય એના ફોર્સફુલ ધક્કા લાગતા હોય


કાશ જિંદગી સચમુચ કિતાબ હોતી

પઢ સકતા મૈં

કિ આગે ક્યા હોગા ?

ક્યા પાઉંગા મેં,

ઔર દિલ ક્યા ખોયેગા...

કબ થોડી ખુશી મિલેગી,

કબ દિલ યે રોયેગા ?

ફાડ સકતા મૈં ઉન લમ્હોં કો

જીન્હોને મુજે રૂલાયા હૈ...

જોડતા કુછ પન્ને

જિનકી યાદોંને મુજે હંસાયા હૈ

હિસાબ તો લગા પાતા

કિતના ખોયા, કિતના પાયા હૈ

કાશ, જિંદગી સચમુચ કિતાબ હોતી

વક્ત સે આંખ ચુરાકર

પીછે ચલા જાતા

તૂટે સપનો કો ફિર

અરમાનોં સે સજાતા

કુછ પલ કે લિયે

મૈં ભી મુસ્કુરાતા...

કાશ, જિંદગી સચમુચ કિતાબ હોતી !

ગુ લઝારના નામે ચડી ગયેલી આ ગુમનામ રચના એઝ ઓલ્વેઝ સોશ્યલ નેટવર્ક પર નધણિયાતા બચ્ચાંની જેમ ફરે છે. પણ અચાનક ધમાકેદાર ચાલુ ફિલ્મે થિએટરમાં લાઈટ જાય, ને પડદો કાળોધબ્બ થઈ જાય એમ દેશ આખાને સ્તબ્ધ કરી દેતી સુશાંતસિંહ રાજપૂતની અણધારી આત્મહત્યા બાદ ફરી સરક્યુલેટ થઈ. ૩૪ વર્ષ, કરોડોની દોલત ને ઈન્ટરનેશનલ શૌહરત બાદ જીવન ફેંકી દેવાની ઉંમર નથી હોતી. કે કદાચ, એ જ ઉંમર હોય છે. વધુ પડતા પાકટ થયા વિના સંવેદનાઓના સમંદરમાં તણાઈ જવાની...

અનલાઇક મેની સ્ટાર્સ ઓફ બોલીવૂડ, અમિતાભ અને શાહરૂખની જેમ એકટિંગ કોર્સ સિવાય સુશાંત ભણેલો ગ્રેજ્યુએટ જુવાન. ભારતભરમાં એન્જીનિયરિંગ ટેસ્ટમાં સાતમો રેન્ક પ્રાપ્ત કરી, પછી અંદર ઘૂંટાતી કવિતાઓને વિસામો દેવા અભિનય તરફ વળેલો. તંદુરસ્ત ટટ્ટાર દેહ, લહેરાતા કેશકલાપ અને પરાણે વ્હાલું લાગે એવું સ્મિત. ટીનએજમાં મા ગુમાવ્યા બાદ ચાર-ચાર બહેનોનો લાડકો. પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આઉટસાઈટર. ફ્રેન્ડસ ઓછા, અંતર્મુખી. છતાં ય વોકલ ખુલીને બોલે આસપાસના જગત વિશે. સેલિબ્રિટીઝ પોતાના પોલિટિકલ ઓપિનિયન ઝટ આપે નહિ, એવો માહોલ આપણી આસપાસ 'વાઈરલ' છે. પણ પછી થોડો શાંત (અને કદાચ એટલે વધુ અજંપામાં ઘેરાયેલો) સુશાંત એના સોશ્યલ નેટવર્ક પ્રોફાઈલ રદ થાય, એટલા મંતવ્યો સટીક આપી. જ્ઞાાતિવાદી માનસિકતાના વિરોધમાં કળાની અભિવ્યક્તિની ભેરે રહેવા એણે એકવાર અટક હટાવી લીધેલી.

રીડરબિરાદર ડૉ. ભગીરથ જોગિયા સચોટ નિદાન કરે છે એમ ''આ જગત યુવાનોના આપઘાત પછી પણ લાશના ફોટોગ્રાફ શેર કરવાની કે મૃત્યુના મનઘડંત કારણો આપવાની તલબ રોકી શકતું નથી. તો જીવતેજીવ બદનામ જ કરી નાખે !'' રાઇટ. ઘણી વાર ઘૂંઘવાટ કે અકળામણ વ્યક્ત કરી નાખવી એ પ્રેશર કૂકરની સિસોટીની જેમ હળવા કરે સેન્સિટિવ માણસોને. કારણ કે, બીજાઓ પોતાના અધૂરિયા માપે માપતા હોય એમ એમને દરેક વાતમાં કંઈ - પબ્લિસિટી ન જોઈતી હોય. પણ અંદરનો વલોપાત ચક્રવાત બનીને ઘૂમરાતો હોય એના ફોર્સફુલ ધક્કા લાગતા હોય. મફતનું નેટ આવ્યા પછી પોતાના મોબાઈલ પર ટેરવાં ખોડીને જજ-મેન્ટલ લઈ જતા 'કાજીજગત'ની લાગણી બટકણી થઈ ગઈ હોય. એ જરઠ ઝરખ તરીકે અલ્પવિકસીત રહી ગયેલાઓને કશું આવું સમજાય નહિ, કારણ કે એ દુનિયાનો પરિચય ન હોય. માટે કોઈ પણ વ્યક્તિની વર્ષોની સફર પર સેકન્ડોમાં ગંદીગંધાતી ઉલટીઓ કરી, એને 'સફરિંગ' આપે. મનોબળ લોખંડી મજબૂત ન કર્યું હોય, તો થાકીહારી માણસ મુક્ત સંવેદનો વહેંચતો બંધ કરે. એ ''હૈયાવરાળ'' એની અંદર ઉતરીને ભીતર પ્રેશર ઉભું કરે, તો કોઈ નબળી પળે બ્લાસ્ટ થાય !

સુશાંત વોઝ ડ્રીમર. એની પછી 'શાંત' થયેલી પોસ્ટસ પર નજર ફેરવો તો જરાક અળગો ચાલતો અલગારી લાગે. અમુક આભાઓ 'અસૂર્યલોક'ના અંધારજીવો હોય છે. એમની પાસે દેશદ્રોહી, વામપંથી એવા સ્ટિકરો હોય છે કોઈના પર ચીપકાવવા માટે. એમને માટે ફિલ્મી કલાજગત એમની કોહવાઈ ગયેલી ધાર્મિક માન્યતાઓની કચરાટોપલી કરતાં વધુ લોકપ્રિય કોઈને કાવત્રાંખોર મૂર્ખાઓનું 'ભોડ' જગત હોય છે. એ ગીધો મસાણમાં ય મડદાં ચૂંથવા ચકરાવા લે છે. ઘણા બિચારા એવા ગીધ નહિ પણ ભોળાં પારેવડાં હોય છે. એમ જ જનરલ ફ્રેમમાં બધાને બાંધી લે. દરેક કલાકાર આવા જ હોય, એક્ટર તેવા જ હોય, રાજકારણી આજ જ જીવ ને લેખક તેમ જ વર્તે એવું બધું. સ્ટડી વિનાના ઓપિનિયનથી એ લોકો સુશાંતને સારા વાચન કે અધ્યાત્મની સલાહો મર્યા પછી ય આપે.

જોઈ છે સુશાંતની પોસ્ટસ કદી ? એ રીડિંગ કલબ ચલાવતો બૂક્સલવર હતો એ ખ્યાલ છે ? વિશ્વ સાહિત્યની ઉત્તમ રચનાઓથી પરીચિત હતો, ખબર છે? સાયન્સનો અભ્યાસ લોકડાઉન દરમિયાન ઓનલાઇન કરતો, અને મરોડદાર અક્ષરોમાં ક્વોન્ટમ ફિઝિક્સના, સ્પેસ-ટાઇમ થિયરીના સમીકરણો શેર કરતો એ જોયાં છે ? ના, એમાં રસ ન પડે. કંઈક લફરાંની વાતો આવે, તો મધલાળ ઝરે ગોસિપ કરવાની. થોડી સાહિત્યિક કળાત્મક સમજને તો ઠાલવવાના ઠેકાણાં જ ક્યાં જડે છે, આજકલ ઝાંઝવાના જળ પાછળ તરસી દુનિયામાં !

હજુ સપ્ટેમ્બર ૨૦૧૯માં એણે એના ૫૦ અધૂરા સપનાની યાદી શેર કરેલી, કદાચ સમાચારોમાં વાંચ્યું હશે. હાથે લખેલી ચિઠ્ઠીઓ મુકેલી. પ્લેન ઉડાડવું છે, ડાબા હાથે ક્રિકેટ રમવું છે, ટ્રેનમાં બેસી યુરોપ ફરવંો છે, સો ભારતીય બાળકોને 'ઈસરો' અને 'નાસા'માં વર્કશોપ માટે સ્પોન્સર કરવા છે, સ્ત્રીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ માટેના કલાસ ખોલવા છે, પોલેનિશયન ખગોળશાસ્ત્ર સમજીને આકાશદર્શન કરવું છે, ભભૂકતા જ્વાળામુખીની ફોટોગ્રાફી કરવી છે, ગિટાર ને યોગ શીખવા છે, લશ્કરી તાલીમ વિદ્યાર્થીઓને આપવી છે... ઈત્યાદિ ઈત્યાદિ. પોસ્ટ ટ્વીટર પર ખોળીને વાંચવા જેવી છે. કેવા સુંદર હસ્તાક્ષરો !

લેમ્બોર્ગિની કાર લેવા સાથે આકાશમાં એન્ડ્રોમીડાને ટેલીસ્કોપમાં જોવાનું સપનું હોય, વિએના ફરવા સાથે સિમેટિક્સના પ્રયોગો કરવા હોય - આ ખ્વાબ, ખ્વાહિશો માણસની રેન્જ બતાવે છે. અફસોસ આવા લોકો અભિનયમાં હોય ને ચાલ્યા જાય એનો છે. કારણ કે, આવા કમાલ કોમ્બિનેશન ઝટ ઝડતા નથી, જેમના રસરૂચિમાં મેઘધનુષ છલકાતું હોય ને જે એને જીવવા માટે મથતા હોય.

જેને ફિઝિક્સ ને કોસ્મોસના સાયન્સમાં સાચો રસ હોય, એ ભારતીય હોય તો એને શિવની સ્પિરિચ્યુઆલિટીમાં ઈન્ટરેસ્ટ જાગે જ. સુશાંત એ રીતે શિવભક્ત પણ ખરો. સંસ્કૃતના સ્વયં સિંહ બની ગર્જના કરો જેવા શ્લોક પણ શેર કરે. આ બધી પોસ્ટસ એ જગતને બદલે, જાત માટે મુકતો હોય એવું લાગે. ઈન્ફિનિટીમાં રસ હોય એને બ્યુટી એન્ડ સિમેટ્રીમાં ય રસ પડે. પછી ર્કિકેગાર્ડના ક્વોટ સાથે સરરિયલ પેઈન્ટિંગ્સ શેર કરવા લાગે ને કોઈ ગ્લેમરસ ગર્લફ્રેન્ડ છળીને ભાગી પણ જાય ! - એક્ટર શું, કહેવાતા કેટલા ચિંતકો સુશાંતની જેમ 'કોન્શ્યસનેસ'ના સાયન્સ પર 'પાનફિઝિસીઝમ' શું એ સમજાવતું લખી શકે કે એ કોન્સેપ્ટ સમજી શકે ? ડાર્ક મેટરની ચર્ચામાં આર્ટીસ્ટોને ટપ્પા ન પડે અને ગાલિબના શેરમાં સાયન્ટીસ્ટો ઉચાળા ભરી જાય, તો પછી આટલી ઈન્ટેલીન્જન્સ સફળતા સાથે આવી હોય, એ ઠાલવવી ક્યાં ?

એટલે સુશાંત જેવા પ્રજ્ઞાા અને સંવેદનાથી છલોછલ વ્યક્તિત્વો રોમેન્ટિક - સેકસ્યુઅલ રિલેશન્સથી રિલેક્સ થતા હોવા છતાં, અંદરથી 'લોનર' બનતા જાય. ખુદ એ બાતેં કરતે રહેના ટાઇપ એકાંતવાસી આ તંગ દોરનું નર્તન હોય છે. જરાક ચૂક્યા તો ડિપ્રેશનની ખાઈમાં નહિ તો નિત્ય પ્રવાસી સાહસી. એમાં વળી આજુબાજુની વિવેક દુનિયા પાણા મારીને બેલેન્સ ખોરવવા સતત પ્રયાસ કરે. એમને સાચે અંદાજ જ નથી હોતો કે એમની એ કુત્સિત, ઝેરીલી મસ્તી કેવી રીતે કોઈ સર્જકજીવનો ભોગ લઈ શકે. પછી આત્મ-હત્યામાં આ 'હત્યારા'ઓ ક્યારેય ચોપડે ચડતા નથી. પારકાં તો શું, પોતાના જે ફેમિલી ગણાય એમાં ય ઘણાને આ સમજ ન પડે. સુશાંત આવું કરે નહિ, એમ સ્વજનો ય બોલે. મીડિયા એક્સ મેનેજર દિશાના અચાનક અપમૃત્યુની લિંક જોડવા પ્રયાસ કરે. (અન્ય ટીવી ક્ષેત્રના આપઘાતો - મોતો સાથે એનો સંબંધ નથી, પણ ગપોડી મેસેજીઝ ફર્યા કરે છે.) આ લખાય છે, ત્યારે પ્રાથમિક તપાસમાં પોલિસે બાહ્ય દબાણ વિનાની આત્મહત્યા ગણાવી છે. વિધાઉટ સ્યુસાઇડ નોટ.

એ બહાર આવશે કે ન આવે કારણો. જીવતો જીવ તો જતો રહ્યો. 

ઘણા જાય જ છે, પણ કોઈ બીજાને જીવન જીવતા કરે એની કળાથી એ જાય ત્યારે સાલું લાગી આવે.

ધોની હોય કે છિછોરે, એ બેઝિકલી નીરજ પાંડે કે નીતિશ તિવારી જેવા ડાયરેક્ટરની ફિલ્મો છે. એક્ટર્સ તો એમના પપેટ હોય, પણ પડદા પર આપણે એમની ફિલ્મ માની લઈએ. સુશાંતને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઓળખાણો- વખાણોની ખાણ હતી, પણ દોસ્તો અંગત નહોતા એવું એણે જાતે કહેલું છે.

ઝાકઝમાળ લાઇટ્સ અને રંગરસીલી મોજ પાછળ એક કાળી, પસીના અને થાકથી ખદબદતી સ્ટુડિયોની અંધારી દુનિયા પણ હોય છે. જ્યાં મેકઅપ ઉતરી જાય છે. સતત બીજા પાત્રમાં પ્રવેશીને એની લાઇનો બોલવી એટલું સહેલું નથી હોતું ને આક્ષેપો, દેવું, અકસ્માત, બીમારી, નિંદા, નિષ્ફળતા દરેક આફતોમાંથી બેઠાં થાય એવા અમિતાભ જેવી માનસિક મજબૂતાઈ અને ભાગ્ય દેવતાઈ પણ દરેક પાસે નથી હોતી.એક તો ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઓર્ગેનાઇઝ્ડ નથી. ભયાનક પોલિટિક્સ હોય છે. પડદા પાછળ બુદ્ધિશાળી કહેવાય એવા લેખકો કે સંગીતકારો રીતસર ફાઇનાન્સીઅર કે સ્ટાર્સના તાલે નાચે છે,. લાખો દિલોની રાણી બનેલી તારિકાઓ કોઈકના હાથે રિજેક્શન કે એકસ્પ્લોઇટેશન સહન કરે, તો કરવા ક્યાં જાય ? અચાનક બધું મળી જાય, એ જીરવી કેટલું શકાય ? પછી આવો નશો. સતત જાતને સાબિત કરવાની અને લોકનજરમાં પરફેક્ટ રહેવાની અસલામતી. અઘરું છે આ.

આત્મહત્યાઓ બધી કંઈ કાયરતા જ નથી હોતી અને ફલાણું વાંચ્યું કે ઢીંકણું સાંભળ્યું તો બચી કેમ ન ગયા ? એવું પૂછનારાઓને માત્ર મરી ગયેલા જ દેખાયા કરે છે. બચી ગયેલાઓ એમને થેન્ક્સ કહેવા થોડા જવાના છે કે જાહેરમાં એની કબૂલાત કરવાના છે, કે એની એમને ખબર પણ પડે ? એક જાય એટલે ઘરઘરાઉ એક્સપર્ટસ કોમેન્ટ્રી શરૂ કરી દે. સુશાંત સાથે પ્રોફેશનલ કરિઅરમાં કે પર્સનલ રિલેશનમાં શું ઉઝરડા પડયા હૃદય પર કે એ ડિપ્રેશનની સારવાર કરાવતો હતો, એ પૂરી ખબર પણ કદાચ નહિપડે. કોઈ દગો, કોઈ ઘટના, કોઈ વાક્ય, કોઈ ધક્કો કેમ હલાવી દે એના ગણિત કોઈ એન્જિનિયરિંગ કોર્સમાં આવતા નથી. આત્મહત્યા, જીવ લઈ લેવો જરાય સહેલું કામ નથી. જાતે તમારી આંગળી તો મરડી જુઓ. કઈ જબ્બર આક્રોશ કે જબ્બર હતાશાનો ફોર્સ જોઈએ કે પછી કોઈ ઠંડા કલેજાનું આયોજન.

બધાં તો બચી ન શકે, પણ જે બચે એમને બચાવવા એ માણસ તરીકેની આપણી પહેલી ફરજ જ નથી, જીવતરનું કરજ છે. જીવાડીને જીવવાના વર્ષોમાં અનુભવે કેટલાક સત્યો જડયા છે. તમારી સમસ્યાઓની વાત કરો, વાત કરો એ કહેવું સહેલું છે, પણ સાંભળે કોણ ? ઘણા પાસે સાચે જ સમય ન હોય, ઘણા મજાકમાં હસી કાઢે, ઘણા સંભળાવવાના નામે સદાય સહાનુભૂતિ ઉઘરાવ્યા કરે તો લપ જેવા લાગે, ઘણાને જાત પર કાબૂ ન રહે તો ગુસ્સો કરીને ખુદ માટે જ કિલ્લેબંધી કરી નાખે.

આત્મહત્યા રોકવા બાબતે અનુભવ કેટલાક તારણો આપે છે. મૌન સંકેતો ખાસ તો નજીક ગણાતા મિત્રો અને પરિવારે ઉકેલવા જોઈએ. સેલિબ્રિટીઓ હૂંફથી વધુ એમાં કશું ન કરી શકે. કોઈ એ વિશે વાત કરે, તો ધ્યાનથી સાંભળવી. પણ બહુ વેવલાવેડા વિના સ્પષ્ટ વાસ્તવિકતા સમજાવવી. આપઘાતની એક ક્ષણ હોય છે. એની મક્કમતા આવે, એ પહેલાં ડામાડોળ ચિત્તને સંભાળી લો તો ફરક પડે. ડેટા બતાવે છે કે ભારતમાં બધા જ આપઘાત ડિપ્રેશન કે માનસિક બીમારીથી થતા નથી એનો મોટો હિસ્સો ફેમિલી રિલેશન, રોમાન્સમાં નિષ્ફળતા, આર્થિક કટોકટી, સમાજમાં મોઢું બતાવવાની શરમ, લોકોની લિમિટ વગરની ટીકાઓ, બેહદ નશો અને કેફી દ્રવ્યોનું સેવન, 'ટચી' સ્વભાવને લીધે વાંરવાર હર્ટ થઈ જવાનો ઇગો, પોતાની ભૂલને લીધે ઉભી કરેલી શોષણની ભ્રમજાળ (એ શોષણ, આર્થિક, કૌટુંબિક, જાતીય હોઈ શકે), બ્લેકમેઇલિંગ, પસંદગીની મુંઝવણનો ન ખમાતો ભાર, એજ્યુકેશન સિસ્ટમ કે મેરેજ લાઇફનું પ્રેશર એ બધું હોય છે. એટલે કાચી વયના વિદ્યાર્થીઓ કે વગદાર વેપારીઓ ય આપઘાત કરે છે.

આમાંના ઘણા કારણ તો 'ચાર લોગ ક્યાં કહેંગે'ના ડરમાંથી આવે છે. એ બાબતે જો બિન્દાસ બની જાવ, તો ટેન્શન જરૂર આવે, પણ ડેથ સ્ટેશન ન આવે. એટલે સ્તો કાયમ કહ્યું છે એમ રાજકારણીઓને લોકો ઓળખે, ગાળો ય આપે ને માથે ચડાવી પછાડે છતાં હાર- જીતની પબ્લિક લાઇફમાં ભાગ્યે જ આપઘાત કરે. એ સિવાય અમુક કટોકટીના પ્રેશરમાં ફરિયાદો સંભળાતી નથી થાકી હારીને માણસ જીવન ટૂંકાવે છે. બીમારી અને એકલતા ય બહુ મોટા કારણો છે. એકલતા તો ખાસ. આપઘાત માટે ઘણી વાર એકાંત ભાગ ભજવી જાય છે. એટલે મિત્રો હોવા જોઈએ. જ્યાં હૈયું ઠાલવી શકાય પણ એમાં ય કડવા અનુભવો થાય પછી ભાંગી પડવાની શક્યતા વધુ. મિત્રો કાંઈ મિલ્કત નથી કે દસ્તાવેજ કરી બે-ચાર ખરીદી શકાય.

ધાર્મિક સામાજિક શૈક્ષણિક માન્યતાઓના ચોકઠાં આપણા જડબેસલાખ છે. બધા જાણે બીજાએ કેમ જીવવું એના જમાદાર થઈ દૂરબીન રાખી બેઠા હોય છે. સેક્સ કે રિલેશનના ગૂંચવાડા તો જવા દો, નોટી હ્યુમરના જોક સહન નથી કરી શકતા. આવા પારકી પંચાતિયાઓના ટેરરટોળાઓ ય ઘણી સંવેદનશીલ જિંદગીઓના ખાત્મા માટે (બે)જવાબદાર હોય છે. માણસ બહારથી તો ઠાવકાઈથી જીવી જાય. પણ અંદર એની એક વાઇલ્ડ સેલ્ફ હોય છે. એ એક્સપ્રેસ ન થાય તો બેવડું જીવન વધ્યા કેર, એ ય કગાર પર ઉભા કરી દે ! શારીરિક- માનસિક તકલીફોનો ઘેરાવો વધે ત્યારે છૂટકારા માટેનો તરફડાટ જીવનને બદલે મૃત્યુ તરફ લઈ જાય.

માટે ઓવરેસન્સિટિવ લોકો પછીથી હર્ટ થાય, એ પહેલાં જ એમનાથી અંતર રાખવું એમના હિતમાં છે. અતિ સંવેદનશીલતા શ્રાપ બને એ પહેલા વાસ્તવવાદી બનવું જ પડે. રીટર બિરાદર હીરલ શુક્લે માર્મિક વાત લખી કે, 'પ્રિયજનોનું છોડવું હોય કે દગો હોય, એકલતામાં લાગણીશીલ વ્યક્તિને પોતાના પરિવારને ય બધું કહેવામાં ડર લાગે છે. ત્યારે એને સલાહોની નહિ, સમયસરની હુંફની જ જરૂર હોય. એનાં હતાશામાં વાક્યો ઘેલા/ ખોટાં લાગે તો ય સાંભળી લેવા. મન હળવું થાય તો દરેક જખમનો ઇલાજ સ્નેહથી થાય.' યસ, પ્રેરણા પણ પુણ્યનો પરોપકાર જ છે. સંસાર છે ચાલ્યા કરે, એમ સમજી અનિવાર્ય ન હોયતો અબોલા વિના સંવાદનો સેતુ જાળવવો. નહિ તો નકામી વ્યક્તિ કે વાતોથી અંતર કેળવી જાતને સુખી કરવી. સારા શોખ રાખવા, જે કંપનીની ખોટ પૂરી દે. ફેઇલ્યોર મેનેજમેન્ટકોર્સમાં તો શીખવાડાતું નથી આપણેત્યાં. પણ હારને ય ઉજવી નાખવી હસીને. પરાજયમાં ક્યાંય જયની ભાવિ શક્યતાઓ છે, જ એના પર ધ્યાન આપવું.

પરંતુ સુશાંત જેનાથી પીડાતો હતો એ ક્લિનિકલ ડિપ્રેશન હતું. ઘણાંને હોય, પણ વ્યક્તિ મોટી એમ આંચકો મોટો. આ એક રોગ છે જેની ચર્ચા આપણે ત્યાં થતી નથી. માનસિક સંતાપ ને હતાશા જુદી. આ તો દિમાગના 'કેમિકલ લોચા' છે. શરીરના એક અંગ તરીકે 'બ્રેઇન ડિસઓર્ડર' છે એની દવાઓ એ પ્રમાણે નિષ્ણાત તબીબની લેવી પડે. એ પાગલપન નથી. હીમોથલ ઇમ્બેલેન્સ છે એ ડિપ્રેશનનો સાચો અનુવાદ હતાશા નથી પણ 'અવસાદ'છે. મનમાં ઘેરાતું વાદળછાયું ધુમ્મસ એનાથી પીડાતી વ્યક્તિ એની ઝટ વાત નથી કરતી. (બીજાને ડિપ્રેસ કરી નાખે એવા ઘણાં દોઢાઓ પોતાના ડિપ્રેશન વિશે જાહેરાતો કરતા હોય છે !) એમાં બહાર નોર્મલ હો, ને અંદર રીતસર શારીરિક તાણ, ધુ્રજારી લાગે. વળી જાણે કશું નહિ.

આ કન્ડિશનમાં મિત્રો કામ ન આવે. ઘાતક ક્ષણે તમારું ડહાપણ ભૂલાઈ જાય. સાયકોલોજી કહે છે કે પેઇન સુપરનેચરલ હોરર જેવી ઇફેક્ટ પેદા કરે. દર્દ એટલું વધે કે તમે મજબૂત થઈ જાવ એ આપઘાત કરીને મિટાવવા ! તજજ્ઞા તૃપ્તિ ઉપાધ્યાય શેઠ કહે છે એમ એમાં ૩૬૪ નોર્મલ હેપી ડેઝ સામે એક દિવસ તમને ભાંગી નાખે છે. એ સ્ટ્રેસ કે બ્રેક અપ ખોટ કરતા જુદી અવસ્થા છે. સઘન સારવાર, સપોર્ટ અને ખુશહાલ હકારાત્મક 'નોન-જજમેન્ટલ' સમાજ જ એનો ઉકેલ છે.

સુશાંત લગભગ આ ડિપ્રેશનનો ભોગ બનેલો. બધું હતું તો શા માટે ? એનો અછડતો જવાબ ભાગ્યે જ આવી બાબતે ખુલતા અમિતાભ બચ્ચને આપ્યો છે, એની અંજલિમાં. 'ખૂબ પરફેક્શન માટે ચિંતા કરનારા લોકો, સંવેદનાની સાથે પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા લોકો બધું જ બોલે તો ય થોડુંક વણ કહ્યું રાખે. આ 'એક્સેસીવ ઇન્ટેલીજન્સ'ની નિશાની છે. દરેકને એ સમજાય નહી અને એ વેગીલો પ્રવાહ પૂરપાટ દોડતી કારની જેમ જો હાઇવે ચૂકીને ફંટાય તો રસ્તો બંધ થતા ભટકાઈ જ જાય ! ચોથી હરોળના ડાન્સરથી વાયા ટીવી ફિલ્મસ્ટાર બનનારા સુશાંતના જીવનમાં ઘણું એકસાથે હતું. એક્સેસીવનેસ લીડ્સ ટુ એક્સ્ટ્રીમ !'

એટલે જ મનમોહન દેસાઈ, રોબિન વિલિયમ્સ, અર્નેસ્ટ હેનિંગ્વે જેવા જગતને જીવનારી પ્રેરણા આપતા લોકોના આપઘાત અકળ રહસ્ય છે માટે મફતમાં ઝેર ઓકવાને બદલે જરા પ્રેમ વહેંચો. બી કાઇન્ડ. આ વરસ ભારે છે. એમાં ખોટી ટીકાથી દૂર રહો એ ય સમાજસેવા છે. સુશાંત માટે ઇરફાન ખાનની પત્ની સુતપાએ હાઉસમેનની અંગ્રેજી કવિતા ટાંકી છે, એમાં ય છેકે પછી સેંકડો રાહદારીઓ તમને ચાલતા દેખાય, પણ પોતીકું એક ન જડે. ખુદ સુશાંતે ઇ. ઇ. કમિંગ્સની કવિતા ટાંકી લખેલું, 'જાણવું શીખવાડી શકાય છે પણ ફીલ કરવું શીખવાડી શકાતું નથી ! જે ફીલ કરે છે એણે જાત સાથે જીવવું પડે છે.' જગદીપ નાણાવટી લખે છે ઃ એકાદો અંદરનો ડૂમો, મૃત્યુનો કરતો તરજૂમો ! (શીર્ષક ઃ મધુસૂદન પટેલ)

ઝિંગ થિંગ

ખુદકુશી કરના કોઈ નહિ ચાહતા

બસ ઇતના ચાહતા હૈ કિ દર્દ કમ હો જાયે - (સલીમ જાફર)



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3hzgYSK
Previous
Next Post »