
ઇ ન્કાર અને સ્વીકાર, બન્ને સાપેક્ષ શબ્દો છે. કેટલીક વાર એવું બને કે ઇન્કાર કરો તો સુખ મળે અને સ્વીકાર કરો તો દુઃખ મળે. ઉદાહરણરૂપે આપણી શારીરિક
પ્રકૃતિ માટે નુકસાન કરે એવા સ્વાદિષ્ટ પણ ભોજનનો કોઈ આગ્રહ કરતું હોય ત્યારે એનો મક્કમતાથી ઇન્કાર કરવામાં સુખ છે અને સ્વાદલાલસાવશ યા લજ્જાવશ એનો સ્વીકાર કરવામાં ય દુઃખ છે.એથી વિપરિત, કેટલીય બાબતો એવી હોય છે જેના સ્વીકારમાં સુખ છે અને ઇન્કારમાં દુઃખ છે. જેનો સ્વીકાર કરવો આપણા માટે સુખદાયી- હિતાવહ છે એવી છ બાબતો પર ચિંતનયાત્રા
આપણે ગત લેખથી આરંભીને ત્રણ બાબતો પર વિચારણા કરી હતી. હવે સ્વીકાર કરવા જેવી ત્રણ શેષ બાબતો પર આ લેખમાં ચિંતન કરીએ.
(૪) પરિસ્થિતિનો સ્વીકાર : એક વાત હંમેશા હૃદયસ્થ કરી રાખવી કે પ્રત્યેક સ્થળે અને પ્રત્યેક પળે
પરિસ્થિતિ જેના માટે અનુકૂળ જ રહે એવી પુણ્યશાળી વ્યક્તિ આ
સૃષ્ટિમાં કોઈ હોતી નથી. અરે ? જેમની ગણના સર્વોત્કૃષ્ટ પુણ્યશાળીઓમાં થાય છે તે તીર્થંકર ભગવંતોના જીવનમાં પણ ઉપસર્ગાદિરૂપે પ્રતિકૂળ પરિસ્થિતિ સર્જાઈ શકે છે, તો
આપણી જેવી સામાન્ય વ્યક્તિઓની શી વિસાત ? આરોહ- અવરોહ, ચડતી- પડતી, લાભ- નુકસાન, સફલતા- નિષ્ફળતા વગેરે બાબતો લગભગ દરેકના જીવનમાં નિહાળવા મળવાની જ. એથી જ એક સંસ્કૃત સુભાષિતમાં લખાયું છે કે, 'ચક્રવત્ પરિવર્તન્તે, દુઃખાનિચ સુખાનિ ચ.' ભાવાર્થ કે દોડતા વાહનનું ચક્ર (વ્હીલ) જેમ સતત ફરતું રહે -
ઉપરતળે થયા કરે એમ સુખ-દુઃખનું ચક્ર પણ જીવનમાં સતત ફરતું રહે છે.
એ પૈકી પરિસ્થિતિ સુખની આવે ત્યારે તો વ્યક્તિ ખુશીમાં મસ્તીમાં રહે. પરંતુ જ્યારે પરિસ્થિતિ દુઃખની પ્રતિકૂળતાની આવે ત્યારે વ્યક્તિ નારાજગી- દીનતા- લાચારી અનુભવે એમ નિહાળાય છે. ચારે તરફ ચડતી નામના- યશ- કીર્તિ હોય અને એકાએક એવી ફજેતી થાય કે પ્રતિષ્ઠાને કાલિમા લાગી જાય, દરેક પાસા હંમેશા સવળા પડતા હોય અને એકમાં એવી ખત્તા ખવાઈ જાય કે
પછી બધું અવળું જ થયા કરે, ધંધામાં સતત ચડતી હોય અને એકાએક જ એવી ઉંધે માથે પછડાટ મળે કે બધી બચત સાફ થઈ જવા સાથે દેવાનો ડુંગર ખડકાઈ જાય. એવી આવી દુર્ઘટનાઓ બને ત્યારે પણ ટકી જઈએ- નાસીપાસ ન થઈએ તે માટે પરિસ્થિતિનો સ્વીકાર કરવો રહે. પરિસ્થિતિ ચાહે તેવી પ્રતિકૂળ હોય છતાં જે એને હસતાં હસતાં આવકારવાની તત્પરતા રાખે એની ખુશી- એની પ્રસન્નતા કદી નંદવાતી નથી. કરવી છે આની પ્રતીતિ ? તો વાંચો આ રમૂજી છતાં માર્મિક કથા ઃ
મધ્યમવર્ગીય હસમુખભાઈનો સ્વભાવ નામ પ્રમાણે જ હસમુખો હતો. દરેક પરિસ્થિતિને એ પ્રેમથી સ્વીકારી હસતા રહે. એક વાર 'સર્વિસ' પરથી એ સાંજે ઘરે પ્રવેશ્યા અને પત્નીએ કોઈ કારણસર પાંચસો રૂા. માગ્યા. હસમુખભાઈએ ખીસામાં હાથ નાખ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે ખીસું તો કોઈ ગઠિયાએ કાપી નાખ્યું છે. ખીસું કપાઈ જવા છતાં એ તુર્ત ખડખડાટ હસવા માંડયા.
નુકસાનીની પરિસ્થિતિમાં ય હસમુખભાઈને હસતાં જોઈ એમની પત્ની ચિડાઈ ગઈ. એણે ગુસ્સાથી કહ્યું ઃ 'તમને કાંઈ સમજ જેવું છે કે નહિ ? ખીસું કપાયાની નુકસાનીમાં હસવાનું હોય ? સાચું બોલો, કેટલા રૂપિયા ગયા ?' હસમુખભાઈએ ઉત્તર આપ્યો ઃ 'બે હજાર રૂપિયા',
'આપણા જેવા મધ્યમવર્ગીય
પરિવારને બે હજારનું નુકસાન નાનું ન કહેવાય.' પત્નીએ બળાપો ઠાલવતા કહ્યું. ત્યાં જ હસમુખભાઈએ કહ્યું ઃ 'સાંભળ, આજે બે તારીખ છે. આજે ખીસું કપાયું માટે બે હજાર રૂ. જ ગયા. ગઈકાલે એક તારીખે ખીસું કપાયું હોત તો મહિનાના
પગારના પૂરેપૂરા ચાલીશ હજાર રૂા. જાત હું એ વિચારી હસી રહ્યો છું કે કુદરત મારા પર કેવી મહેરબાન છે. ગઈકાલે ખીસું ન કપાવા દઈ મારા આડત્રીસ હજાર બચાવ્યા.''
પત્ની વિસ્મિત થઈ ગઈ પતિના આ પ્રતિકૂલ પરિસ્થિતિને હસતાં હસતાં આવકારવાના આ અભિગમથી. આપણે આ પ્રતિકૂળ પરિસ્થિતિના સ્વીકારનું વિશ્લેષણ સમાપ્ત કરતાં યાદ કરીએ એના જ સંદર્ભનું એક મજાનું સુવાક્ય કે, ''આગ વચ્ચે બેસીને ય જે મેઘમલ્હાર રાગ છેડે છે એનો જીવનબાગ સદાય નવપલ્લવિત રહે છે.''
(૫) ઋણ સ્વીકાર : મહાન જૈન શાસ્ત્રકાર ચૌદસો ચુમ્માલીશ ગ્રન્થસર્જક આચાર્યપ્રવર હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે એક સ્થળે માર્મિક વિધાન કર્યું છે કે, 'જીવને બે દોષો બહુ ભયંકર નુકસાન કરે છે ઃ કઠોરતા અને કૃતઘ્નતા.' કઠોરતા અન્ય જીવોની રક્ષાની- જીવદયાની અહિંસાની ભાવના ન પ્રગટાવા દે, તો કૃતઘ્નતા વિશિષ્ટ ઉપકારી વ્યક્તિઓના ઉપકાર પણ સ્વીકારવા ન દે. કઠોરતાનો
પ્રતિપક્ષી ગુણ છે કોમળતા. એનાં કારણે વ્યક્તિમાં મૈત્રીભાવ- કરુણા ભાવનાં ઝરણાં વહે.
કૃતઘ્નતાનો પ્રતિપક્ષી ગુણ છે
કૃતજ્ઞાતા. એના કારણે સામી વ્યક્તિના નાનામાં નાના ઉપકારને સ્વીકારવાની અને અવસરે એ ઋણતર્પણની વૃત્તિ પ્રગટે.
કેટકેટલી વ્યક્તિઓના પ્રત્યક્ષ ઉપકારો છે આપણી ઉપર માત્ર મુખ્ય મુખ્ય ઉપકારોની યાદી બનાવીએ તો ય આપણી આંખ વિસ્મયથી વિસ્ફારિત થઈ જાય. નવ નવ માસ આપણો ભાર વહન કરનાર માતાનો જન્મદાન- વાત્સલ્યદાન- સંસ્કારદાનનો ઉપકાર, પિતાને જીવન ઘડતરનો ઉપકાર, શિક્ષકનો શિક્ષણનો ઉપકાર, કલ્યાણમિત્રોનો સન્માર્ગે પ્રગતિ કરાવવાનો
ઉપકાર, શેઠનો આજીવિકાનો
ઉપકાર, પત્નીનો દરેક મુશ્કેલીઓમાં હૂંફ- સહયોગનો ઉપકાર ઃ આવા મુખ્ય મુખ્ય ઉપકારોની યાદી તો દીર્ઘ છે જ. એ સિવાય પણ કેટલાય નાના મોટા પ્રસંગો આપણા જીવનમાં એવા આવ્યા હશે કે જેમાં અણીના સમયે અન્યોની સહાયથી-
ઉપકારથી આપણે એમાંથી સફળતાપૂર્વક પસાર થઈ શક્યા હોઈએ. કૃતજ્ઞા વ્યક્તિ આ
ઉપકારોને હૃદયસ્થ કરે, તે તે ઉપકારો કરનાર ઉપકારી પ્રત્યે આદરયુક્ત રહે અને અવસરે એમના પર પ્રત્યુપકાર કરે એમનું જાહેરમાં સ્મરણ કરે.
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d8FkPT
ConversionConversion EmoticonEmoticon