
ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ અવધપતિ મહારાજ દશરથના મૃતદેહને શિબિકા (પાલખી)માં મૂકવામાં આવ્યો. ઋત્વિજો અને ઉપદૃષ્ટાઓ વિધિપૂર્વક હોમ કરવા લાગ્યા. યજ્ઞાયાગાદિ કર્મ કરવા માટે રાજાને ત્યાં પ્રવૃત્તિ કરનારા ઋત્વિજો હોય છે. આ સમયે રાણી કૌશલ્યાએ કહ્યું કે મારે વીર અને પરાક્રમી એવા અવધપતિની સાથે ચિતામાં બેસીને સતી થવું છે.
માતા કૌશલ્યાના આ વચનો સાંભળતા જ શોકગ્રસ્ત ધર્માત્મા ભરતને માથે આખુંય આકાશ એક સામટું તૂટી પડયું. પરમ પ્રિય દેવસમા જયેષ્ઠબંધુ વનવાસમાં હોય, જનનીએ સામે ચાલીને એને કુલભૂષણને બદલે કુલાંગાર બનાવ્યો હોય, પુત્રવિરહમાં પરાક્રમી પિતાએ પ્રાણ તજ્યો હોય, વહાલી અયોધ્યા નગરી ઉજ્જડ ભાસતી હોય, ત્યારે માતા કૌશલ્યાના આ વચનોનું શ્રવણ થતાં જ મહાત્મા ભરતનું હૃદય પારાવાર પીડા અનુભવવા લાગ્યું. મહાત્માના હૃદય સ્નેહ, સૌહાર્દ અને સમન્વયથી ધબકતા હોય છે અને એથી જ જગતની દુષ્પ્રવૃત્તિ એમને પીડા આપતી હોય છે.
માતા કૌશલ્યાના વચનો સાંભળીને ભરત થોડીવાર અવાચક બની ગયો દુઃખના બોજથી ભરેલા હૃદયે એણે કહ્યું, 'મારા સરળહૃદયી પરાક્રમી પિતાની પાછળ તમે સતી થવા માટે ચિતામાં બિરાજમાન થાઓ, એમાં મારી અનુમતિ છે પણ સાથે એક આગ્રહ છે કે બાળપણમાં જે ખોળામાં બેસીને હું અને શત્રુઘ્ન અપાર વાત્સલ્ય પામ્યા છીએ, એ જ ખોળામાં તમારી સાથે અમને બેસાડજો.'
કૌશલ્યાએ કહ્યું, 'આવું તે ક્યાંથી બને ? આ તો સર્વથા અશક્ય !'
ત્યારે ભરતે કહ્યું, 'માતા, આ શક્ય નહીં, કિંતુ આવશ્યક છે. તમે સતી થવા તો માતા સુમિત્રાને પણ તમારી સાથે સતી થવું પડે અને પરંપરા પ્રમાણે કૈકેયી પણ, ખરું ને ?'
'પ્રિય ભરત, તું કૌશલ્યા અને સુમિત્રાને માતા કહે છે, તો માતા કૈકેયી કેમ કહેતો નથી ?'
મહાત્મા ભરતનો પુણ્યપ્રકોપ ઊછળી આવ્યો અને બોલ્યા, 'માતા તો પુત્રને જન્મ આપીને સદ્ગુણોથી પુત્રનો જન્મ સાર્થક કરે. જનની એ કહેવાય કે જે જણ્યાને જીવનનાં ઉત્તમ પદાર્થપાઠો આપે. એના જીવનને ઊજળું બનાવે. જ્યારે મારા પિતાના મૃત્યુનું કારણ, જયેષ્ઠ બંધુને મળેલો ચૌદ વર્ષનો વનવાસ અને મને લાગેલું જીવનભરનું કલંક-આ બધા માટે દોષિત કોણ છે ? આથી કૈકેયીને સતી થવાનું માન મળે, તે માટે હું સહેજે તૈયાર નથી.'
'ધર્માત્મા ભરત, જગત તમને ધર્મનું પ્રમાણ માને છે. તમે આવો અધર્મ કઈ રીતે આચરી શકો ? મહારાજની પત્ની તરીકે સતી થવાનું માન કૈકેયી પણ પામી શકે છે.'
'ના માતા, મારો ધર્મ મને અહીં અવરોધે છે. ધર્મગ્રંથો કહે છે કે પતિની પાછળ જે સતી થાય, તેને પતિલોક પ્રાપ્ત થાય છે. પતિ જે લોકમાં જાય, તેની સાથે તે જ લોકમાં પત્ની પણ જાય છે. માતા તમે અને માતા સુમિત્રા પતિલોકમાં જાવ તો જરૂર મારા પિતાની સેવાસુશ્રુષા કરો, પરંતુ કૈકેયીને માટે સતીત્વનો ઈન્કાર કરું છું એનું કારણ એ છે કે...'
મહાત્મા ભરત જરા અચકાઈ ગયા. એમની વાણી એકાએક મૌન બની ગઈ. કૌશલ્યાએ એમના પતિ આશ્ચર્યસભર દૃષ્ટિ કરી અને થોડીક ક્ષણો બાદ ભરતે ધીમે લથડતા અવાજે કહ્યું, 'કૈકેયી પતિલોકમાં જાય તે કોઈ કાળે મંજૂર નથી. જેને કારણે અપાર ઐશ્વર્યયુક્ત અયોધ્યાનગરીમાં મારા પરાક્રમી પિતાને પારાવાર દુઃખો સહન કરીને પ્રાણત્યાગ કરવો પડયો, એ કૈકેયી પતિલોકમાં પણ મારા પિતાને સુખશાંતિથી રહેવા દેશે નહીં. માટે હું તેમને સતી થવાની ના પાડું છું અને જો તમારે સતી થવું હોય તો અમે પણ એ જ ચિતામાં તમારી ગોદમાં રહીશું. અગ્નિની જવાળા વચ્ચે ય તમારા ખોળાનું વાત્સલ્ય અમને ભીંજવી દેશે.'
ચોતરફ કોલાહલ વ્યાપી ગયો હતો. બહાર સ્મશાનયાત્રા કાજે એકત્રિત થયેલા અયોધ્યા વાસીઓનો કોલાહલ સંભળાતો હતો. મંત્રી સુમંત્ર રાજસેવકોને આજ્ઞાા આપવા આતુર હતો અને કુલગુરુ વશિષ્ઠના તેજસ્વી મુખ પર ચિંતાની રેખાઓ અંકાઈ ગઈ. તેઓ પોતાની લાંબી શ્વેત દાઢી પર હાથ ફેરવતા હતા.
માતા કૌશલ્યા ગળગળા અવાજે કહ્યું, 'મારો રામ તો વનમાં ગયો. નાનો ભાઈ મોટાભાઈને પગલે પગલે ચાલ્યો અને હવે તમે બંને મારી સાથે ચિતામાં અગ્નિશરણ થાવ, તો પછી સૂર્યવંશનું શું ? આ વિચાર જ મારા મનમાં ઉલ્કાપાત સર્જે છે. હું શું કરું ?'
ઉદારમના ભરતે કહ્યું, 'તો માતા, તમે તમારા લાડકા ભરતની વિનંતી સ્વીકારીને સતી થવાનું બંધ કરો. હું તમને થોડા જ દિવસમાં અચૂક રઘુકુળતિલક જયેષ્ઠબંધુ રામના દર્શન કરાવીશ.'
મહર્ષિ વશિષ્ઠને ભરતના આ વચનમાં સઘળી સમસ્યાનું ઉત્તમ સમાધાન દેખાયું અને તેથી એમને તત્કાળ કહ્યું, 'દેવી, તમારે તો એક પંથ અને બે કાજ સિદ્ધ થશે. એક તો તમે રામના સ્નેહમાં સતત રમમાણ એવા રામપ્રેમી ભરતને જીવિત રાખશો અને બીજું રઘુકુળતિલક, ધર્મજ્ઞા એવા દેવસમાન શ્રીરામના દર્શન પામી શકશો.'
રામ અને ભરત પ્રત્યેના સ્નેહને કારણે કૌશલ્યાનું માતૃહૃદય ઝુકી ગયું.
મહર્ષિ વશિષ્ઠે સ્મશાનયાત્રાના પ્રારંભનો સંકેત આપ્યો, સહુ કોઈ સ્મશાનભૂમિ તરફ ચાલવા લાગ્યા. માર્ગમાં અયોધ્યાવાસીઓ આંખમાં આંસુ સાથે મહારાજના દેહ પર પુષ્પવર્ષા કરતા હતા. સુખડ, અગરુ, પદ્મ અને દેવદારના સુગંધીયુક્ત સૂકાં કાષ્ઠો અને બીજાં સુગંધીયુક્ત દ્રવ્યો એકઠાં કરીને ચિતા તૈયાર કરવામાં આવી. એના પર મહારાજના દેહને સુવાડવામાં આવ્યો. ઋત્વિજો મહારાજાના પરલોકના સિદ્ધિ માટે પૈતૃમેધિક મંત્રોનો જપ કરવા લાગ્યા.
સામવેદી બ્રાહ્મણો વિધિપ્રમાણે સામ ગાન કરવા લાગ્યા. વૃદ્ધ કુટુંબીજનોથી વીંટાળાએલી મહારાજા દશરથની સઘળી રાણીઓ પોતાના રથમાં આવી અને અત્યંત શોકથી વિલાપ કરવા લાગી. એ પછી સરયૂ નદીના પવિત્ર જળમાં સહુએ સ્નાન કર્યું. પરલોક સિધાવેલા મહારાજાને ઉદ્દેશીને અંજલિપ્રદાન કર્યું.
ગુરુની આજ્ઞાા અનુસાર ભરતે શ્રાદ્ધ આદિ વિધી કરી. અતિશય દાન આપ્યું. તેર દિવસ સુધી મહારાજ દશરથના મરણલોક બાદ ચૌદમા દિવસે પ્રાતઃકાળે અયોધ્યાના રાજદરબારમાં સહુ એકત્રિત થયા. અમાત્યો ને મંત્રીઓ એમના સ્નાનમાં બિરાજમાન થયા અને એ પછી અમાત્યો અને મંત્રીઓએ મહાત્મા ભરતને કહ્યું, 'હે રાજકુમાર, અમારા પરાક્રમી રઘુવંશી રાજા દશરથનો દેહોત્સર્ગ થયો છે.
તેઓ પોતાના જયેષ્ઠપુત્ર રામ અને મહાબળવાન લક્ષ્મણને વનમાં મોકલીને સ્વર્ગે સીધાવી ગયા છે, તેથી હે મહાયશસ્વી રાજપુત્ર, આ ભવ્ય અને ઉજ્વળ અયોધ્યાનું રાજસિંહાસન રાજવિહોણું બન્યું છે. તમે રાજ્યનો સ્વીકાર કરો. યશસ્વી પાટવીકુંવર રામ કરતાં તમે નાના છો, માટે તેમના પછી તમને જ રાજ્યાધિકાર મળવો જોઈએ. આપને ગાદી આપવા માટે આપના પિતા પણ વચનબદ્ધ હતા. આમ સર્વ દૃષ્ટિએ તમે રાજ્ય સ્વીકાર કરો તે ઉચિત છે.'
અમાત્યોએ કહ્યું, 'કુલપરંપરા પ્રમાણે તમારો રાજ્યાભિષેક થશે. વળી રામના અભિષેક માટે તૈયાર કરેલી સર્વ સામગ્રીઓ પણ આપને માટે તૈયાર છે.'
અમાત્યોના આ વચનો ભરતના મર્મસ્થાનને ભેદનારા તીર જેવા બની રહ્યા. એક એક વચન આ મહાત્માના હૃદયને વીંધી નાખતું હતું. એ પીડા એની આંખમાં આંસુરૂપે પ્રગટ થતી હતી. કુલગુરૂ વશિષ્ઠ ભરતને સાંત્વના આપતા એની પીઠ પંપાળી રહ્યા હતા અને એમણે સભાજનોને કૈકેયીનાં વચનો, રામવનવાસ તથા મહારાજ દશરથના પ્રાણત્યાગની ઘટનાઓની માહિતી આપી. એ પછી ધર્મ અને નીતિયુક્ત વચનો કહ્યાં.. શ્રીરામના ગુણ, શીલ અને સ્વભાવનું વર્ણન કરતી વખતે સ્વયં કુલગુરુની આંખો ભીંજાઈ ગઈ. લક્ષ્મણના બંધુપ્રેમને અને વિદેહીના પતિપરાયણતાની વાત કરી. 'સોક સનેહ મગન મુનિ ગ્યાની'(શ્રીરામચરિતમાનસ, અયોધ્યાકાંડ ચો. ૧૭૦) જ્ઞાાનિ મુનિ શોક તથા સ્નેહમાં મગ્ન થઈ ગયા. એમણે ભરતને કહ્યંુ.
'જીવનમાં આવતા સુખ અને દુઃખ, લાભ અને હાનિ કે યશ અને અપયશ એ સર્વ વિધાતાને આધીન છે. એને માટે કોઈને દોષ દેવો કે કોઈના પ્રત્યે ક્રોધ કરવો વ્યર્થ છે.
કૌશલરાજ પરાક્રમી રાજા દશરથ સમર્થ રાજવી હતા. એમને ચાર-ચાર સદ્ગુણી પુત્રો હતા. એ રાજા કેટલા બધા ભાગ્યશાળી ગણાય ! આથી એમના મૃત્યુનો વિલાપ કરવાને બદલે એમના વચનનો અમલ કરવાની આ વેળા છે. આથી એમની આજ્ઞાા શિરોધાર્ય કરીને હવે તમે એ પ્રમાણે કર્તવ્ય કરો.' (ક્રમશઃ)
from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dbJxCv
ConversionConversion EmoticonEmoticon