એક નારી લઘર-વઘર સૂતી


લોગઇન:

સનસનીખેજ થઈ ખબર સૂતી,

છીનવી બાળનું છતર સૂતી.

આભ ઓઢી ધરાના પાથરણે,

જીવતી-જાગતી કબર સૂતી.

પીળ કાઢો ને ચીર ઓઢાડો,

એક નારી લઘર-વઘર સૂતી.

બાળ એનો જીવાડશે એને,

થઈને ઇતિહાસમાં અમર સૂતી.

આપ સૌને શરમમાં ડૂબાડી,

ભરબજારે શરમ વગર સૂતી.

લે હવે બાઈ, મોક્ષ પામી જા,

આમ ના જો ટગર-ટગર સૂતી.

કોણ તારા મરશિયાં લખવાનું?

પેન બેહોશ બેઅસર સૂતી.

- પારૂલ ખખ્ખર

થો ડા સમય પહેલાં એક વીડિયો વાઇરલ થયેલો. જેમાં એક નાનું બાળક પોતાની મૃત શ્રમિક માતાને ઊઠાડવાનો પ્રયત્ન કરી રહ્યું હતું. આ વીડિયો એક રેલવે સ્ટેશનના પ્લેટફોર્મનો હતો. આખું દૃશ્ય જોઈ અર્પણ ક્રિસ્ટીનો શેર યાદ આવી જાય :

'મા મને મૂકી હજુ સૂતી રહી?

બાળકે ખેંચ્યું કફન ચાદર ગણી.' 

બાળકને શું ખબર કે ઓઢેલી ચાદર કફન બની ગઈ છે. આવી કરૂણતા સર્જાય ત્યારે કોઈ સર્જકના હૈયામાં તેનો ઘાવ ન લાગે તો જ નવાઈ. આ ઘટનાની ઝાળ પારુલ ખખ્ખરના હૃદય સુધી ગઈ અને તેમની તેમની કલમે એક ગઝલ અવતરી. પારુલ ખખ્ખર બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક છે. તેમની કલમ જ્યાં ચાલે છે, ત્યાં કલાનું કૌવત આપોઆપ પોતાના કામણ વેરે છે. કોરોનાકાળમાં ઘણી એવી નાની-મોટી ઘટનાઓ ઘટી છે, જેના ઊંડાણમાં જઈએ તો હૃદય વલોવાઈ જાય. ઉપરોક્ત ગઝલના મૂળમાં પણ આવી એક હૈયું વલોવનારી ઘટના પડી છે. કોઈ નોંધારું બાળક પોતાની મૃત માતાને જીવતી સમજીને તેને જગાડવાના પ્રયત્નો કરતું હોય, એ ઘટનામાં જ વિસ્મયજન્ય કરૂણતા પડેલી છે. 'માનવીની ભવાઈ' નવલકથામાં માતા પોતાના બાળકને ખાતી હોય એવું વર્ણન પન્નાલાલે કર્યું છે, તે કાળજું કંપાવનારું છે. આ ગઝલમાં કવિએ સાંપ્રત ઘટનાને ગઝલમાં પરોવવા પ્રયત્ન કર્યો છે.

બાળક સમજે છે કે માતા સૂતી છે, પણ એ તો ક્યારની ચીર નિદ્રામાં પોઢી ગઈ છે. અહીં કવિએ પણ 'સૂતી' રદીફ રાખીને જુદા જુદા કેમેરેના એંગલથી એક ઘટનાને જોઈ છે. જગત માટે એ સનસનીખેજ ખબર છે કે રેલવેસ્ટેશન પર એક સ્ત્રી મરી ગઈ છે. બાળક એને જીવતી સમજીને જગાડી રહ્યું છે. જગત માટે ભલે સનસનીખેજ હોય, પણ બાળક માટે તો એનું છત્ર ગયું, એનો આધાર ગયો. જે સૂતી છે તેની પર કફન તો છે નહીં, ઉપર રહેલું આભ, એ જ એનું કફન. નોંધારાને તો શું? જ્યાં મર્યા ત્યાં કબર! પીળ કાઢી ચીર ઓઢાડવાની વાત જરા ઊંડાણથી વિચારવા જેવી છે. હવે એનું લઘર-વઘરપણું માત્ર દુનિયાની આંખે છે. મરનારને મર્યા પછી શું વ્યવસ્થિત કે શું લઘરવઘર!

એક મજૂરણના મરવાને અને ઇતિહાસને આમ તો કશી લેવાદેવા નથી હોતી, પણ આમ સરેઆમ મરવું અને બધા માધ્યમોમાં એના મરવાની ખબર ફેલાવી એ અમર થવા બરોબર છે. આ અમર થવાની ઘટના કેટલી કરૂણ છે! આ અમર થવામાં ગૌરવ લેવાપણું નથી. જગતને શરમાવા જેવું છે. એ મૃત શ્રમિકની આંખો ખુલ્લી રહી ગઈ છે અને જાણે જગતને ટગર ગર જોઈ રહી છે. પણ કવિ તો તેને મોક્ષ પામી જવા કહે છે, કેમકે જગતમાં કશું જોવા જેવું નથી. આમ ભરબજારે નોંધારા મરણ પાછળ મરશિયાં પણ કોણ ગાવાનું? પારુલ ખખ્ખર જેવા સંવેદનશીલ સર્જક આવી ઘટનાથી વોલાવાઈ એકાદ કવિતા રચે. કવિથી બીજું થાય પણ શું, સંવેદનાને જગત સુધી પહોંચાડયા સિવાય? કવિતામાં ઘૂંટાયેલી આ પીડા બેચાર હૈયાને ભીનાં કરે તોય બહુ.

આ કોરોનાકાળમાં મજૂરો અને શ્રમિકોના જીવનમાં જે પ્રશ્નો સર્જાયા છે તે ખૂબ દુ:ખદાયક છે. આમ પણ તેમના જીવનમાં પીડાના પથારા હતા, તેમાં વળી આ કોરોના ત્રાટક્યો. પડયા ઉપર પાટા જેવું થયું. સદીઓથી જગતની લાત ખાતા મજૂરની અવદશા વિશે મણિલાલ જે. વણકરે સરસ કવિતા લખી છે, તેનાથી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ

મેં તો સદીઓથી ખાધો છે માર,

મરવાના વાંકે હું રોજરોજ જીવું, ને તારતાર થઈ ગ્યો સંસાર...

મને પણ સપનાંઓ રોજરોજ આવે છે

ઉઘડતા પ્હોરમાં પણ કેવા?

ટૂટમૂટ ખાટલી ને તડકામાં બળબળતો

દેહ જોઈ ડરી જાય એવા.

અંધારા ઉલેચી પીધા છે રોજરોજ, થઈ ગ્યું છે જીવન અંધાર,

મેં તો સદીઓથી ખાધો છે માર...

લખવું છે આંબાની ડાળો પર બોલે છે,

મોરલો ને કોયલ બપૈયા,

પણ એની રે દુનિયામાં આંખોની સામે તો

તડપે છે કાગડાના હૈયાં,

એવી આ કાગડાની પીડા છે નોખી ને પીડાની ચાલી વણઝાર,

મેં તો સદીઓથી ખાધો છે માર...

- મણિલાલ જે. વણકર



from Magazines News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2YwnlxE
Previous
Next Post »