તારાપુર તાલુકામાં 2 ઈંચથી વધુ, આણંદ અને પેટલાદમાં દોઢ-દોઢ ઈંચ વરસાદ


આણંદ, તા.13 જૂન 2020, શનિવાર

દિવસ દરમ્યાન વિરામ ફરમાવ્યા બાદ ગઈકાલ રાત્રિના સુમારે આણંદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તુટી પડયો હતો. જિલ્લાના મોટાભાગના સ્થળોએ તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસતા અનેક સ્થળો બેટમાં ફેરવાઈ ગયા હતા. સાથે સાથે તેજ પવનો ફુંકાવાના કારણે જિલ્લામાં ઠેર-ઠેર વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થવાના બનાવ બન્યા હતા અને વિવિધ સ્થળોએ રાત્રિના સુમારે અંધારપટ છવાઈ ગયો હતો. 

જિલ્લાના તારાપુર તાલુકામાં સૌથી વધુ બે ઈંચ કરતા વધુ જ્યારે આણંદ તથા પેટલાદમાં લગભગ દોઢ-દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.

ગત બુધવારના રોજ રાત્રિના સુમારે મેઘરાજાએ તોફાની બેટીંગ કરતા આણંદ તથા પેટલાદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જો કે જિલ્લાના અન્ય તાલુકા મથકો ખાતે પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસ્યા હતા. બાદમાં ગુરૃવારના રોજ પણ જિલ્લામાં ઠેર-ઠેર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસવાનું ચાલુ રહ્યું હતું. શુક્રવારના રોજ વહેલી પરોઢના સુમારે જિલ્લામાં કેટલાક સ્થળે હળવા વરસાદી ઝાપટા વરસ્યા બાદ દિવસ દરમ્યાન મેઘરાજાએ વિરામ ફરમાવ્યો હતો. જો કે રાત્રિના ૯.૦૦ કલાકની આસપાસના સુમારે સમગ્ર આણંદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. અચાનક તેજ પવનો ફુંકાવાના શરૃ થઈ ગયા હતા અને આકાશમાં વીજળી સાથે વાદળોની ગર્જના વચ્ચે પુનઃ મેઘરાજાની તોફાની બેટીંગની શરૃઆત થઈ હતી. તેજ પવનો સાથે ધોધમાર વરસાદ વરસતા જિલ્લાના વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના તેમજ વીજપોલ તુટી પડવાના બનાવો બન્યા હતા. જેને લઈ ઠેર-ઠેર વીજળી ડુલ થઈ જવા પામી હતી.

આણંદ તાલુકામાં શુક્રવાર રાત્રિના ૯.૦૦ કલાકની આસપાસના સુમારે વરસાદની શરૃઆત થઈ હતી અને લગભગ બે કલાકના સમયગાળામાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આણંદ શહેરમાં પણ રાત્રિના ૯.૦૦ થી ૧૧.૦૦ કલાકના સમયગાળા દરમ્યાન ધોધમાર વરસાદ વરસતા શહેરના વિદ્યાનગર રોડ, ૧૦૦ ફૂટ રોડ, ગણેશ ચોકડી વિસ્તાર, અમૂલ ડેરી રોડ, પૂર્વ પટ્ટી વિસ્તાર સહિત કેટલીક રહેણાંક સોસાયટીઓ ખાતે રસ્તા ઉપર પાણી ભરાઈ જવા પામ્યા હતા. સાથે સાથે જોરદાર પવનો ફુંકાવાના કારણે આણંદ શહેરના અમૂલ ડેરી રોડ, આણંદ-વિદ્યાનગર રોડ તથા વિદ્યાનગરના મોટા બજાર તથા નાના બજાર વિસ્તારમાં કેટલાક વૃક્ષો ધરાશાયી થઈ જવા પામ્યા હતા. આજે સવારના સુમારે તંત્ર દ્વારા માર્ગો પર ધરાશાયી થયેલ વૃક્ષોને કાપી માર્ગ ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરાઈ હતી.

આણંદ જિલ્લા પુર નિયંત્રણ કક્ષના જણાવ્યા મુજબ આજે સવારે ૮.૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૨૪૮ મી.મી. વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ તારાપુર તાલુકામાં ૫૩ મી.મી. જ્યારે સૌથી ઓછો ઉમરેઠ તાલુકામાં ૯ મી.મી. વરસાદ વરસ્યો હતો. જિલ્લાના આંકલાવ તાલુકામાં ૨૪ મી.મી., આણંદ તાલુકામાં ૪૦ મી.મી., ખંભાત તાલુકામાં ૨૮ મી.મી., પેટલાદ તાલુકામાં ૪૪ મી.મી., બોરસદ તાલુકામાં ૨૨ મી.મી. અને સોજિત્રા તાલુકામાં ૨૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.



from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3flwhfX
Previous
Next Post »